ચીનમાં ભારે વરસાદથી જીરાના પાકને 40 ટકા જેટલા નુકસાનની આશંકા : ભારત માંથી માંગ વધવાની અપેક્ષા
- દાળોની 100 ટકા ખરીદી કરી ટેકાના ભાવોની ગેરંટી આપવા કેન્દ્ર સરકારની કવાયત
જૂન માસના અંત સુધીમાં સમગ્ર દેશમાં મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થતાં ખરીફ પાકની વાવણીનું કામકાજ પૂરજોશમાં ધમધમી રહ્યું છે ચોખા સહિત અનાજ ઉત્પાદિત ઓરિસ્સા, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, બંગાળ તેમજ દિલ્હી સહિત મોટા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખરીફ વાવેતરમાં ખેડૂત વર્ગ વ્યસ્ત બન્યો છે. કર્ણાટક તેમજ મહારાષ્ટ્રમાં તુવેર તેમજ મગ જેવા કઠોળ પાકો તથા મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાનમાં મગફળી તથા કપાસનું વાવેતર વધુ પ્રમાણમાં રહે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ વર્ષે અનાજ તથા દાળો અને તેલીબીયાનું ઉત્પાદન વધે તે માટે કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે આ સંદર્ભે આગામી અઠવાડિયાથી દરેક રાજ્યના કૃષિ મંત્રીઓ સાથે અલગ અલગ બેઠકો યોજીને સરકારે ખરીફ પાકોનું આયોજન હાથ ધર્યું છે. છેલ્લા દશેક વર્ષના સમય બાદ પહેલી વાર મોદી સરકાર દેશભરના તમામ રાજ્યોના કૃષિ વિભાગો સાથે સંકલન કરીને તેલીબીયા તથા દાળોના ઉત્પાદનમાં સ્વાવલંબી બનવા ઉપર ભાર મુકવામાં આવી ગ્રાઉન્ડ લેવલથી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ સંદર્ભે તમામ સલાહ સૂચનો મેળવી જરૂરી પગલાં ભરવા નવી સરકાર કટિબદ્ધ હોવાનું જણાઈ રહ્યું છે. મોટા અનાજોમાં ખાસ કરીને મકાઈનું વાવેતર વધે તે માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. જે સંદર્ભે મકાઈના ટેકાનો ભાવ વધારો કરીને પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૨૨૨૫ કર્યો છે. ઇથેનોલના નિર્માણમાં મકાઈની જરૂરીયાત વધુ હોવાથી માંગ નીકળશે તેવી અપેક્ષાને કારણે મકાઈ પણ તેજ રહેવાની ગણત્રી છે. દાળોની મોંઘવારીને કંટ્રોલ કરવા વધુ વપરાશ ધરાવતી તુવેર ઉપર સ્ટોક લિમિટ લાદવામાં આવી છે સાથે સાથે દાળોનો સરકારી સ્ટોક વધારવા માટે પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યા છે. હાલના નિયમો મુજબ રાજ્યમાં ઉત્પાદિત કુલ તેલીબીયા તથા દાળોના પાક પૈકી ૨૫થી ૩૦ ટકા માલની ખરીદી સરકાર કરતી હોય છે. ઘણીવાર બજારો ટેકાના ભાવ કરતા પણ નીચી જતી હોવાથી ખેડૂતોને ટેકાના ભાવોનો કોઈ લાભ મળતો નથી જેની ખેડૂત વર્ગમાં મોટી રાવ વ્યાપક છે. આ સંદર્ભે આગામી સમયમાં તુવેર, અડદ તથા મસુર જેવા પાકમાં ૧૦૦ ટકા ખરીદી સરકારી થાય તેવી યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જેના લીધે દાળોના ઉત્પાદકોને પરોક્ષરૂપે ટેકાના ભાવની ગેરંટી મળશે અને બીજી તરફ સરકારી બફર સ્ટોક વધવાને કારણે લોકલ સ્થાનિક બજારોમાં અવારનવાર થતી મોંઘવારીને પણ કંટ્રોલ કરવામાં મદદ થઈ શકે એમ છે. હાલમાં તુવેરનો સરકારી બફર સ્ટોક ઘટાડીને પચાસ હજાર ટન કરતા પણ નીચે છે અને આફ્રિકી દેશોમાં મર્યાદિત માત્રામાં ધીમી ગતિએ દાળની આયાત થઈ રહેતા સ્થાનિક સ્તરે માંગ- પુરવઠાનું સંતુલન ખોરવાતા દાળોમાં તેજીનો ભડકો છે જેને અંકુશ કરવામાં સરકાર નિષ્ફળ નીવડી રહી છે અને કાળા બજારિયાઓ મોં માગ્યા દામ લઈને પરિસ્થિતિનો ગેરકાયદો ઉઠાવી રહ્યા છે.
દરમ્યાન ચીનમાં આ વર્ષે એક લાખ ટન જીરાનો પાક આવશે તેવા અંદાજો હતા પરંતુ તાજેતરમાં ભારે ઘોડાપુર વરસાદને કારણે પાકને ભારે નુકસાન થતા કુદરતી પ્રકોપને કારણે જીરાનું ચીનમાં ૪૦ ટકા ઉપરાંત ઉત્પાદન ઓછું થાય તેવા અહેવાલો છે. જેના કારણે ચીન તરફથી આગામી સમયમાં જીરાની લેવાલી નીકળે તેવા સંજોગો ઉભા થયા છે. વૈશ્વિક સ્તરે ભારતીય જીરૂ વધુ સસ્તુ હોવાથી ચીન ઉપરાંત ઇરાન, સંયુક્ત આરબ અમીરાત તથા બાંગ્લાદેશ જેવા દેશોની જીરાની માંગ મજબુત રહેશે તેવી ગણત્રી છે. ચીનના સત્તાવાળાઓએ ભારતીય જીરાની ખરીદી શરૂ કરી હોવા સંદર્ભે ૧૦૦ કન્ટેનર જેટલો માલ ઉપાડયો હોવાનો અંદાજ છે. તુર્કી તથા સીરીયામાંથી જીરાનો નવો માલ બજારમાં આવતા હજુ પંદરેક દિવસોની વાર લાગ તેવી સ્થિતિ છે.
આ ઉપરાંત વરીયાળીમાં ચાલુ સીઝને રેકોર્ડ ઉત્પાદન થતાં ત્રણ ગણા ભાવો તૂટી ગયા છે હાલમાં ૬૫૦૦થી ૮૦૦૦ની રેન્જમાં પ્રતિ ક્વિન્ટલે ચાલી રહેલી બજાર અને આગામી દિવસોમાં ઘરાકી નીકળવાની અપેક્ષાએ તેજી થાય તેવી વકી છે. ગત વર્ષે વરીયાળીની નિકાસ પણ વધીને અંદાજે ૪૦,૦૦૦ ટનની આસપાસ થઈ હોવાનો અંદાજ છે.