Get The App

ગુજકોમાસોલ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી કૃષિ ઉપજો સીધી ખરીદશે

Updated: Oct 13th, 2024

GS TEAM


Google News
Google News
ગુજકોમાસોલ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી કૃષિ ઉપજો સીધી ખરીદશે 1 - image


- એન્ટેના - વિવેક મહેતા

- બજાર ભાવ કરતાં ઓછામાં ઓછા દસ ટકા ઊંચા ભાવે ખેતપેદાશો ખરીદવાની ખાતરી આપશે

ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન-ગુજકોમાસોલ ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીને તેમને ખેત ઉપજ તૈયાર થાય તે પૂર્વે જ ખેડૂતોની ઉપજ કયા ભાવે ખરીદવામાં આવશે તે જણાવી દેવામાં આવશે. અત્યાર સુધી બિયારણ અને ખાતર આપનારી ગુજકોમાસોલ હવે ખેડૂતોને બજારની જરૂરિયાત પ્રમાણેનો પાક લેવાનું પણ માર્ગદર્શન આપશે.

ગુજકો માસોલનું કહેવું છે કે, અમે ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીશું ત્યારે જ બજાર કિંમત કરતાં મિનિમમ ૧૦ ટકા ઊંચા ભાવે ખરીદી કરવાની ખાતરી આપીશું. તેનાથી ઊંચા ભાવ પણ આપી શકાશે.' તેની સાથે જ ફૂડ પ્રોસેસિંગ સેન્ટર પણ ગુજકોમાસોલ ચાલુ કરશે. દરેક જિલ્લાની ખાસિયતને ધ્યાનમાં રાખીને તે પ્રોસેસિંગના સેન્ટરો ઊભા કરવામાં આવશે. ઉદાહરણ આપીને વાત કરીએ તો જૂનાગઢ અને અમેરેલીમાં મગફળીનું પિલાણ કરીને ખેડૂતોને તેમાંથી સિંગતેલ તૈયાર કરીને ક્વોલિટી પ્રોડક્ટ્સ લોકો સુધી પહોંચાડવામાં આવશે. સૌરાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન વધુ હોવાથી તેને લગતા પ્રોડક્ટ્સ તેયાર કરવા માટેના પ્રોસેસિંગ એકમો પણ ગુજકોમાસોલ ઊભા કરશે. પ્રોડક્ટ્સ તૈયાર કરીને તેનું માર્કેટિંગ કરવામાં આવશે. ખેત ઉપજોની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવાની હોવાથી પડતર નીચે આવશે. તેનો લાભ કન્ઝયુમરને મળે તેવી ગોઠવણ કરવામાં આવશે. આ પ્રોડક્ટ્સ ખાનગી કંપનીઓના પ્રોડક્ટ્સ કરતાં ઓછી કિંમતે મળતાં થાય તેની તકેદારી પણ રાખવામાં આવશે. તાજેતરમાં જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરેલા એક સરવેમાં બહાર આપ્યું છે કે ખેડૂતની ઉપજ કન્ઝયુમર સુધી જે ભાવથી પહોંચે છે તેના ૩૦ ટકા ભાવ પણ ખેડૂતને મળતા નથી. આડતિયા, હોલસેલર્સ અને રિટેઈલર્સ મળીને ૭૦ ટકાથી વધુ હિસ્સો મેળવી લે છે. આમ ખેડૂતોની છ મહિનાની મહેનતના વળતર કરતાં આ ત્રણેય ૧૨થી ૧૮ કલાકની મહેનતમાં ખેડૂતો કરતાં વધુ મોટી કમાણી કરી લે છે.

અત્યારે એપીએમસીમાં માલ વેચવા માટે જતાં ખેડૂતો ગુજકોમાસોલને તેમની ઉપજોનો સીધો પુરવઠો પણ આપી શકશે. ખેડૂતોએ સપ્લાય કરેલા માલનું ક્લિનિંગ, ેગ્રેડિંગ અને પેકેજિંગના કામકાજ પણ કરશે. પેકેજિંગ કરીને આ પ્રોડક્ટ્સ ગુજકો બ્રાન્ડથી માર્કેટમાં મૂકશે. ગુજકોમાસોલ નહિ નફા, નહિ નુકસાનના ધોરણે કામ કરવાની માનસિકતા ધરાવે છે.

ગુજકોમાસોલ સાથે ગુજરાતની ૮૦૦૦થી વધુ કૃષિ સહકારી મંડળીઓ જોતરાયેલી છે. આ સહકારી મંડળીઓને ખેડૂતોની ઉપજ લઈ લેવાના કેન્દ્રમાં રૂપાંતરિત કરી દેવાનું આયોજન ધરાવે છે. 


Tags :