Get The App

વિલફૂલ ડિફોલ્ટરેાએ બેંકોની કમર તોડી નાખી 1.96 લાખ કરોડ રૂપિયાનો ચૂનો કડક પગલાંનો દેખીતો અભાવ કારણભૂત

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
વિલફૂલ ડિફોલ્ટરેાએ બેંકોની કમર તોડી નાખી 1.96 લાખ કરોડ રૂપિયાનો ચૂનો કડક પગલાંનો દેખીતો અભાવ કારણભૂત 1 - image


- કોર્પોરેટ પ્લસ

- આઇડીબીઆઇ બેંકનું ખાનગીકરણ કરવાના સરકારના પ્રયાસોનો વિરોધ થઇ રહ્યો છે.  બેંકના ટોપ ટેન ડીફોલ્ટરો પાસેથી 10,000 કરોડ રૂપિયા લેવાના રહે છે 

- આઇડીબીઆઇ બેંકના 370 એકાઉન્ટ વિલફૂલ ડિફોલ્ટરો છે તેમની પાસેથી બેંકને 26,000 કરોડ રૂપિયા વસૂલવાના છે. આ પૈકી બે ડઝન જેટલા વિલફૂલ ડિફોલ્ટરો તો એવા છે કે જેમની પાસેથી બેંકે  15,000 કરોડ રૂપિયા વસૂલવાના છે.

- કાયદાથી નહીં ડરનાર કે પોલીસથી નહીં ડરનાર કે સરકારી નોટીસોને નહીં ગાંઠનાર લોકો વિલફૂલ ડિફોલ્ટર બની જાય છે. તેમની પાસે લોનનો પૈસો ચૂકવવના પૈસા છે પરંતુ તેમની તુમાખી અને વગદાર હોવાનો વહેમ આડે આવે છે....

બેંકમાંથી લોન લેવા મથતા લોકોને સામાન્ય ડોક્યુમેન્ટ માટે ધક્કા ખાવા પડે છે. દરેક માટે બેંકો એક સમાન નથી હોતી.  લોન લેનાર પાસે જો  કૌભાંડી ટ્રેક હોય તેના માટે ધક્કા ખાવાનું રહેતું નથી. લોન ઇસ્યુ કરવામાં ચાલતી લાલીયાવાડી અને લોન એજન્ટો સાથેના સેટીંગના કારણે તો ૧૦૦ જેટલા વિલફૂલ ડિફોલ્ટરોએ દેશની બેંકોને ૧.૯૬ લાખ કરોડ રૂપિયાનો ચૂનો ચોપડીને જલસા કરી રહ્યા છે. આ એ લોકો છે કે જેમણે લોન લેવા કોઇ ધક્કા નથી ખાધા પણ હવે તે લોન પરત લેવા બેંકો તેમના ઘરના ધક્કા ખાય છે.

ભારત પરત લાવવા જેના માટે પ્રયાસ ચાલે છે તે મેહુલ ચોકસી દેશનો નંબર વન વિલફૂલ ડિફોલ્ટર છે તેણે દેશની બેંકોને ૮૫૧૬ કરોડનો ચૂનો ચોપડયો છે. આવા ૧૦૦-૨૦૦ નહીં પણ ૨૬૬૪ વિલફૂલ ડિફોલ્ટરો છે જેમણે દેશની બેંકીંગ સિસ્ટમમાં ૧,૯૬,૪૪૧ કરોડ રૂપિયાનું ગાબડું પાડયું હતું.

આ લોકો વિલફૂલ ડિફોલ્ટરો છે. એટલેકે તેમની પાસે પૈસા છે પણ ચૂકવતા નથી. તેમના દાંડાઇના વાઇરસ અન્ય કોર્પોરેટ કંપનીઓ સુધી પહોંચેલા છે. આવા લોકો જાણે છે કે પૈસા વસુલ કરવા બેંકો બહુ કડક બની શકે એમ નથી. લોન લેતી વખતે તેમણે આપેલી કોલેટોરેલ સિક્યોરિટી લોનની રકમ કરતાં માંડ ૨૫ ટકા જેટલી હોય છે. લોન લેતી વખતે તેનું વેલ્યુએશન બહુ ઉંચું બતાવાયું હોઇ બેંકો પણ વસૂલાત કરવામાં નબળી પડે છે.

આઇડીબીઆઇ બેંકનું ખાનગીકરણ કરવાના સરકારના પ્રયાસોનો વિરોધ થઇ રહ્યો છે. બેંકના કર્મચારીઓએ કહ્યું છે કે બેંકના પ્રમોટરો લોન નહીં ચૂકવતા ડિફોલ્ટરો બાબતે બહુ ગંભીર હોય એમ લાગતું નથી કેમકે તેમની પાસેથી લોનની વસૂલાત કરવાના કોઇ કડક પગલાં ભરાતા નથી. બેંકની જંગી એનપીએના કારણે બેંક ખોટમાં સરકી પડી હતી. બેંકનું કામકાજ મજબૂત બનાવવા સરકારે બેંકમાં ૨૧,૦૦૦ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા.

બેંકના કર્મચારીઓએ  સંસદભવનની સામે દેખાવો યોજીને લોકોનું ધ્યાન દોર્યું હતું કે બેંક ખોટમાં નથી જતી પણ વિલફૂલ ડિફોલ્ટરો પાસેથી લોન વસુલ કરવા બેંકના પ્રમોટરો કડક બનતાં નથી. આઇડીબીઆઇ બેંકના ૩૭૦ એકાઉન્ટ વિલફૂલ ડિફોલ્ટરો છે તેમની પાસેથી બેંકને ૨૬,૦૦૦ કરોડ રૂપિયા વસૂલવાના છે. આ પૈકી બે ડઝન જેટલા વિલફૂલ ડિફોલ્ટરો તો એવા છે કે જેમની પાસેથી બેંકે  ૧૫,૦૦૦ કરોડ રૂપિયા વસૂલવાના છે. આ લોકો પાસેથી માથા દીઠ ૨૫૦ કરોડ રૂપિયાથી વધુ લેવાના થાય છે.

કેન્દ્ર સરકારે બેંકને સ્થિર કરવા ઠાલવેલા ૨૧,૦૦૦ કરોડ કરતાં પણ આ વિલફૂલ ડિફોલ્ટરો પાસેથી વધુ એવા ૨૬,૦૦૦ કરોડ રૂપિયા લેવાના પેન્ડીંગ છે. સરકારે બેંકમાં ૨૦૧૫-૧૬માં ૨૧,૦૦૦ કરોડ ઠાલવ્યા પછી બેંકનું કામકાજ ફરી પાટે ચઢ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં તો બેંકે ડિવીડન્ડ પણ આપ્યું હતું.

બેંકના કર્મચારીઓ કહે છે કે સરકાર બેંકના ખાનગીકરણનું પગલું ભરવાના બદલે વિલફૂલ ડિફોલ્ટરોને પકડે અને કરોડો રૂપિયા વસૂલ કરે.

આ વિલફૂલ ડિફોલ્ટરોે જે કારણ દર્શાવીને લોન લીધી હતી તેના બદલે અન્ય ધંધામાં તેનું રોકાણ કર્યું હતું. કર્મચારીઓએ સંસદ સામેના દેખાવો વખતે ડીફોલ્ટરોએ કરલી મનમાનીના અનેક ઉદાહરણો આપ્યા હતા.

આઇડીબીઆઇ બેંકના ટોપ ટેન ડિફોલ્ટરો પાસેથી ૧૦,૦૦૦ કરોડ રૂપિયા લેવાના રહે છે. આમાંની કેટલીક કંપનીઓ તો બેંકરપ્સી કોડ હેઠળ નાદારી નેંધાવી ચૂકી છે માટે તેમની પાસેથી બેઠક-ઉઠક કરી સમાધાન હેરકટ સિસ્ટમ હેઠળ નાણા લેવાના રહેશે.

સીબીઆઇએ દરેક કેસમાં એફઆઇઆર ફાઇલ કરી છે. લોનફ્રોડના આવા કેસોમાં સીબીઆઇના એક્શનથી રીઢા ગુનેગાર સમાન વિલફૂલ ડિફોલ્ટરો ડરતા હોય એમ લાગતું નથી.

કેટલાક ફ્રોડ કેસોમાં તપાસ અધિકારી બદલાઇ ગયા પછી તપાસ ઠંડી પડી જાય છે આ તપાસ કોર્પોરેટ મંત્રાલયની દોરવણી હેઠળ ચાલતી હોઇ બધુ હોતી હૈ ચલતી હૈ જેવું નજરે પડી રહ્યું છે. બેંકના લોન ફ્રોડ કેસોમાં ઇડી સૌથી વધુ પૈસા ખેંચી લાવી શકી છે.

લોન લઇને બેઠેલી મોટી કંપનીઓ વકિલોની ફોજને કામે લગાડી દે છે અને કેસને કોર્ટના પ્લેટફોર્મ પર લઇ આવે છે. િઆઇડીબીઆઇની આર્થિક કમર તોડીનાખનારા ૧૦ વીલફૂલ ડીફોલ્ટરો પર નજર નાખવા જેવી છે.

એબીજી શિપયાર્ડ અને રવિ અગ્રવાલ પાસેથી  ૨૦૫૭ કરોડ લેવાના નીકળે છે. કંપની લિક્વીડેશનમાં ગઇ છે. તેને ખરીદનાર કોઇ મળતું નથી. સીબીઆઇએ કંપનીના ચેરમેન રીશી કમલેશ અગ્રવાલ સામે કેસ કર્યો હતો. તેની ધરપકડ કરાઇ હતી. સાબીઆઇની ચાર્જશીટ પરફેક્ટ નથી એમ કહીને અગ્રવાલને જામીન અપાયા હતા.  

એવીજ રીતે એમટેક ઓટો અને અરવિંદ ધામ સામે ૨૭૦૦ કરોડનો કેસ

તેની પાસેથી ૫,૭૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ઇડીએ જપ્ત કરી હતી. કંપનીની અન્ય બે પેટા કંપનીઓ પાસેથી પણ બેંકને ૭૦૦ કરોડ રૂપિયા લેવાના રહે છે.

 ભૂષણ સ્ટીલના  સંજય સિંઘલ પાસેથી બેંકને ૧૬૩૯ કરોડ લેવાના રહે છે. તેમાંથી તેમના પત્ની અમૃતા શેરગીલના નામની ૪૮૬ કરોડની સંપત્તિ જપ્ત કરાઇ હતી. 

 પૂંજ લોઇડ પાસે બેંક ૧૧૦૬ કરોડ માંગે છે. એવીજ રીતે દિવાન હાઉસીંગ ફાયનાન્સના કપિલ વાધવાન અને ધીરજ વાધવાન પાસેથી બેંકને ૯૬૧.૫૮ કરોડ લેવાના નીકળે છે. બંને ભાઇઓની ૨૦૨૨માં ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં બોમ્બે હાઇકોર્ટે તેમને જામીન આપ્યા છે અને તપાસ એજંસીઓને ઝડપથી કેસ ચલાવવાનું કહ્યું છે. વિવિધ બેંકો પાસેથી તેમે ૩૧,૦૦૦ કરોડ રૂપિયા લીધા હતા.

એસ. કુમાર વાળા નિતીન કાસલીવાલ પાસેથી ૮૩૪ કરોડ લેવાના રહે છે. આ ફેમિલી પાસે મુંબઇના વરલી ખાતેની સેલીસ રોયલ પ્રોજેક્ટમાં ૪૦ એપાર્ટમન્ટ છે. 

આવી કંપનીઓેે પોતાના પ્રોજક્ટ માટે લીધેલી લોનને જમીનો ખરીદવા તેમજ અન્ય ક્ષેત્રે રોકાણ કર્યું હતું. વિલફૂલ ડિફોલ્ટરો બહુ ચાલાક હોય છે. 

આ લોકા જાણે છેકે સરકારી કાયદાના લૂપ હોલ્સનેા ઉપયોગ કરીને સરકારી પૈસે બિઝનેસ કર્યા કરીશું. દેશમાં ૨૦૨૦માં ૨૧૫૪ વિલફૂલ ડિફોલ્ટરો હતા જ્યારે ૨૦૨૪માં તે સંખ્યા વધીને ૨૬૬૪ પર પહોંચી ગઇ હતી. તેમની પાસેથી જુન ૨૦૨૪ના આંકડા અનુસાર છેલ્લા ચાર વર્ષમાં ૧,૯૬,૪૪૧ કરોડ બેંકોએ લેવાના નીકળે છે.

કાયદાથી નહીં ડરનાર કે પોલીસથી નહીં ડરનાર કે સરકારી નોટીસોને નહીં ગાંઠનાર લોકો વિલફૂલ ડિફોલ્ટર બની જાય છે. તેમની પાસે લોનનો પૈસો ચૂકવવના પૈસા છે પરંતુ તેમની તુમાખી અને વગદાર હોવાનો વહેમ આડે આવે છે. 

આવા લોકોની દાદાગીરી બહુ લાંબી ચાલતી નથી. સરકાર પૈસા વસુલ કરે છે ત્યારે તેમની બદનામી થાય છે. મોટા બંગલામાં રહેનારા ટુ બેડરૂમ કીચનમાં રહેતા થઇ ગયા છે. આવા લોકો પાસેથી પૈસા વસૂલ કરવા પ્રાઇવેટ એજંસીઓને કામ સોંપવું જોઇએ. આવી એજંસીઓ ધોલ ધપાટ મારીને પૈસા માંગવાની શરૂઆત કરે છે. 

જોકે આશ્ચર્ય એ વાતનું છે કે સરકાર વિલફૂલ ડિફોલ્ટરો સામે કડક બની શકતી નથી. પેન બનાવનાર રોટોમેક કંપનીના વિજય કોઠારી  પાસે બેંકો ૨૮૯૪ કરોડ માંગે છે તો ઝૂમ ડેવલોપર્સના  વિજય ચૌધરી પાસે ૨૨૧૭ કરોડ માંગે છે.

- IDBI  બેંકનું ખાનગીકરણ થાયતો વિલફૂલ ડિફોલ્ટરોના માંડ ૨૦ ટકા પરત આવે..

તસ્વીરમાં દર્શાવેલા તમામ વિલફૂલ ડિફોલ્ટરો છે. તેમની પાસે લોન ચૂકવવના પૈસા હતા. તેમની પાસે લોન ચૂકવવાનું પ્લાનીંગ પણ હતું છતાં આપણું કોઇ શું બગાડી લેવાનું છે એવા તાનમાં તે ફરતા હતા. હવે દરેક કોર્ટના ધક્કા ખાય છે. કેટલાક જામીન પર છૂટેલા છે. આપણું કોઇ બગાડી શકે એમ નથી અને બેંકના પૈસેજ ધંધો થાય એમ કહેતા આ લોકોનો ફાંકો ઉતરી ગયો છે. આઇડીબીઆઇ બેંકનું ખાનગી કરણ થાય તો વીલફૂલ ડિફોલ્ટર્સને જલસા થઇ જાય અને બંકોની ૮૦ ટકા જેટલી કરમ સ્વાહા થઇ જાય

Tags :