સિમેન્ટના ભાવ ટોચથી ઘટયા પછી ફરી શરૂ થયેલી વૃદ્ધિ
- ઊભી બજારે - દિલીપ શાહ
- ચોમાસા પછી દેશમાં ઓક્ટબર મહિનાથી સિમેન્ટ બજારમાં ફરી ચહલપહલ વધવાની બતાવાતી શક્યતા
- દેશમાં ચોમોસાની શરૂઆત ધીમી થયા પછી તાજેતરમાં દેશવ્યાપી ધોરણે વરસાદ જોરદાર રહેતાં ઘણા રાજ્યોમાં વ્યાપક પુર જેવી સ્થિતિ જોવા મળી છે. આવા માહોલમાં દેશમાં બાંધકામ ક્ષેત્રે તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ચહલપહલ ધીમી પડી છે તથા તેના પગલે સિમેન્ટ બજાર તથા સ્ટીલ બજાર અને ઉદ્યોગમાં માગને પણ અસર પડી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. જો કે દેશમાં વિવિધ તહેવારોની મોસમ પણ પુરબહારમાં ખીલી છે એ જોતાં હવે આગળ ઉપર ચોમાસા પછી બાંધકામ ક્ષેત્રમાં તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં ચહલપહલ ફરી વધવાની તથા સિમેન્ટ અને સ્ટીલ બજારમાં માગ ફરી ઊંચી જવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, સિમેન્ટ ઉદ્યોગમાંથી વહેતા થયેલા નિર્દેશો મુજબ સિમેન્ટ ઉત્પાદકો દ્વારા ભાવમાં ધીમી ગતીએ વધારો કરવાનો આરંભ કરાયો છે. ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં અમુક સિમેન્ટ ઉત્પાદકો દ્વારા સિમેન્ટના ભાવમાં ગુણીદીઠ રૂ.૫થી ૧૦નો વધારો કરવામાં આવ્યો છે તથા હવે પછી ભાવમાં ગુણીદીઠ વધુ ૧૦થી ૧૫ની ભાવવૃદ્ધિ કરવા સિમેન્ટ ઉત્પાદકો દ્વારા વિચારણા થઈ રહ્યાના વાવડ સિમેન્ટ બજારમાંથી મળી રહ્યા હતા. સિમેન્ટ બજારમાં હાલ માગ અપેક્ષા કરતા ધીમી રહી છે ત્યારે સિમેન્ટના ભાવમાં પણ વૃદ્ધી પણ ધીમી ગતીએ કરવાનું ઉત્પાદકોએ નક્કી કર્યું હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ચોમાસા પૂર્વે દેશમાં લોકસભાની ચૂંટણીના કારણે પણ કન્સ્ટ્રકશન એક્ટીવીટી ધીમી પડી ગઈ હતી અને તેની અસર સિમેન્ટ તથા સ્ટીલની માગ પર જોવા મળી હતી. હવે ચોમાસા પછી બજારમાં માંગ નિકળવાની આશાએ સિમેન્ટ ઉત્પાદકોએ તાજેતરમાં ભાવમાં ધીમો વધારો કરી બજારને ચકાસવાનું શરૂ કર્યું છે તથા પ્રથમ તબક્કાની આવી ધીમી ભાવ વૃદ્ધીને બજાર પચાવી શકશે તો આગળ ઉપર ઉત્પાદકો દ્વારા ભાવમાં વધુ વૃદ્ધી કરવામાં આવશે એવી ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
જો કે આ પૂર્વે મે તથા જૂન મહિનામાં સિમેન્ટ ઉત્પાદકોએ ભાવ વધારવાની કોશીશ કરી હતી પરંતુ તેને અપેક્ષીત સફળતા મળી ન હતી. જો કે તાજેતરમાં ઓગસ્ટ મધ્ય પછી ઉત્પાદકોએ આવા પ્રયત્નો ફરી શરૂ કર્યાના વાવડ મળ્યા હતા. દેશના વિવિધ વિસ્તારોમાંથી મળેલા સમાચાર મુજબ ઉત્પાદકોએ ભાવમાં ગુણીદીઠ રૂ.૫થી ૧૦ની મર્યાદિત વૃદ્ધી કરી છે તથા ભાવ વધ્યા પછી હવે માગમાં પ્રતિકાર આવે છે કે નહિં તેના પર સિમેન્ટ ઉત્પાદકો નજરમાંડી બેઠા છે. જો ધીમી ગતીને ભાવ વૃદ્ધીને ગ્રાહકો તથા વપરાશકારો સ્વીકારી લેશે તો આગળ ઉપર ભાવમાં વધુ રૂ.૧૦થી ૧૫ની વૃદ્ધી કદાચ કરવામાં આવશે એવી શક્યતા સિમેન્ટ બજારમાં ચર્ચાતી થઈ છે. દેશના વિવિધ રાજ્યો તથા વિસ્તારો અને શહેરોમાં સિમેન્ટના બજારભાવમાં ખાસ્સો તફાવત પણ જોવા મળ્યો છે. સિમેન્ટના બજાર ભાવની દેશવ્યાપી રેન્જ ગુણીદીઠ નીચામાં રૂ.૩૦૫થી ૩૧૦ તથા ઉંચામાં રૂ.૩૬૦થી ૩૭૦ની જોવા મળી છે.પ્રથમ ત્રિમાસિકગાળાના ભાવની સરખામણીએ આ ભાવ આશરે ૩થી ૪ ટકા નીચા રહ્યા છે જ્યારે વાર્ષિક ધોરણે ગણીએ તો આ ભાવ ૬થી ૭ ટકા નીચા રહ્યા હતા. દેશમાં હવે ઓકટોબર મહિનાથી સિમેન્ટની માગ વધવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ૨૦૨૩-૨૪ના નાણાં વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં જે ભાવ હતા તેની સમકક્ષ ભાવ થઈ જવાનોે ટારગેટ સિમેન્ટ ઉત્પાદકોને બનાવ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. દેશમાં એકંદરે નવેમ્બરથી જુલાઈ દરમિયાન સિમેન્ટના ભાવ વધઘટે નરમાઈ તરફી રહ્યા હતા અને હવે ભાવ ફરી બાઉન્સ બેક થતા જોવા મળ્યા છે. ઓકટોબરના ટોચના ભાવ ગણતાં જુલાઈ સુધીના ગાળામાં સિમેન્ટના ભાવ આશરે ૧૨થી ૧૩ ટકા ઘટયા હતા. દરમિયાન, દેશના નોર્થ-ઈસ્ટ વિસ્તાર (ઉત્તર-પૂર્વીય રાજ્યો)માં અમુક સિમેન્ટ ઉત્પાદકોેએ કાર્ટેલ બનાવી હોવાનું જણાવી આ ઉત્પાદકો સામે તાજેતરમાં સરકારના કોમ્પીટીશન કમિશને કાર્યવાહી શરૂ કરી હતી પરંતુ આ ઈસ્યુ ત્યારબાદ કોર્ટમાં જતાં ગૌહત્તી હાઈકોર્ટ દ્વારા આ કાર્યવાહી પર રોક લગાવવામાં આવ્યાના નિર્દેશો મળ્યા હતા.