ચાના ઉત્પાદનમાં વૃદ્ધી સામે નિકાસમાં પીછેહટઃ બજાર પર જોવાયેલી વોર ઈફેકટ

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
ચાના ઉત્પાદનમાં વૃદ્ધી સામે નિકાસમાં પીછેહટઃ બજાર પર જોવાયેલી વોર ઈફેકટ 1 - image


- દેશમાં ચાના ઓકશનની પદ્ધતિઓ બદલાઈ રહ્યાના નિર્દેશોઃ ક્રૂડ વધતાં જહાજીભાડાઓ વધશે તો નિકાસ પર વધુ અસર પડવાની ભીતિ

વૈ શ્વિક સ્તરે રશિયા અને યુક્રેનના સંઘર્ષ પછી તાજેતરમાં ઈઝરાયલ તથા પેલેસ્ટાઈન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના પગલે ચા બજાર તથા ઉદ્યોગ પર પ્રતિકૂળ અસર પડવાની ભીતિ સર્જાયાના વાવડ મળ્યા છે. યુદ્ધના વાતાવરણમાં દેશમાંથી ચાની નિકાસ પર અસર પડવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા, દક્ષિણ ભારતમાં કેરળના કોચી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ચાના ભાવ તાજેતરમાં આશરે ૪થી ૫ ટકા નીચા ઉતર્યા હતા. ભારતમાં ક્રશ-ટીઅર-કર્લ એટલે કે સીટીસીના ટૂંકા નામે ઓળખાતી ચાનું ઉત્પાદન તથા લુઝ-ટી-પાંદડાના સ્વરૂપમાં  બનતી ઓર્થોડોકસ  ચાનું ઉત્પાદન વિશેષ થાય છે. આ ઉપરાંત ગ્રીન-ટીનું  પણ ઉત્પાદન થાય છે પરંતુ તે સરખામણીએ નજીવું થાય છે. ભારતમાં બનતી ઓર્થોડોક્સ ચાની નિકાસ વિશેષ થતી હોય છે. ભારતની ચામાં મુખ્યત્વે નિકાસ યુનાઈટેડ આરબ અમીરાત, ઈરાક, ઈરાન તથા અમેરિકા તરફ વિશેષ થતી હોય છે.

ચાની નિકાસ મુખ્યત્વે દરિયાઈ માર્ગે થતી હોય છે. દરમિયાન, દેશમાં ૨૦૨૩ના વર્તમાન વર્ષના પ્રથમ ૮ મહિનાના  ગાળામાં ચાના ઉત્પાદનમાં વૃદ્ધી થયાના વાવડ મળ્યા હતા. આ ગાળામાં દેશમાં ચાનું ઉત્પાદનઆશરે ૮૦ કરોડ ૧૨ લાખ કિલો જેટલું થયું છે. આ પૈકી આશરે ૧૫ કરોડ ૬૦ લાખ કિલો ચાનું ઉત્પાદન દક્ષિણ ભારતમાં થયું છે.

પશ્ચિમ એશિયાના દેશોમાં વધતાં સંઘર્ષની અસર ભારતના ચા બજારોમાં તાજેતરમાં દેખાઈ છે. કેરળ-કોેચી બજારના જાણકારોના જણાવ્યા મુજબ ચાના ઓક્શનમાં તાજેતરમાં ચાની માગ તથા ભાવમાં પીછેહટ જોવા મળી છે. વોર વકરશે તો ચા બજારમાં તેની અસર વધુ જોવા  મળશે એવી ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. કોચીથી મળેલા સમાચાર મુજબ તાજેતરમાં ૪૧ નંબરના ઓક્શનમાં આશરે ૨ લાખ કિલોથી સહેજ વધુ ઓર્થોડોક્સ ચા વેંચવા માટે મૂકવામાં આવી હતી જે પૈકી માત્ર ૭૦ ટકા ઓર્થોડોક્સ ચાનું વેંચાણ નોંધાયું હતું. આની સરખામણીએ આ પૂર્વે  થયેલા ચાના પાછલા ઓક્શનમાં આવી ટકાવારી આશરે ૮૧ ટકા જેટલી નોંધાઈ હતી. પશ્ચિમી એશિયામાં સંઘર્ષ વધતાં સુએઝ કેનલના રૂટ પર અસર વધુ પડવાની ગણતરી ચા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. વોરના આરંભ પૂર્વે કોચી ચાના ઓક્સનમાંથી નિકાસ માટે ખરીદવામાં આવેલી ચાની નિકાસ નિકાસકારો દ્વારા ઈરાક, ઈરાન તથા તુનીશીયા વિ. દેશો તરફ વધુ થઈ હતી. જોકે ત્યારબાદ વોર શરૂ થતાં ઓક્સનમાં આવી માગ ઘટતી જોવા મળી હતી. જો કે સીઆઈએસના દેશો તરફ ભારતની ચાની નિકાસ જળવાઈ રહ્યાના વાવડ બજારમાંથી મળ્યા હતા. જોકે ભારતની ચાની ઈઝરાયલ તરફ નિકાસ વિશેષ થતી નથી. છતાં વોર ઈફેકટના પગલે દરિયાઈ માર્ગો પર હેરફેરને અસર થતાં ચાની નિકાસ પર અસર પડતી જોવા મળી છે.  વોર ઈફેકટના પગલે વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ ફરી ઉંચકાયા છે તથા તેના પગલે દરિયાઈ માર્ગે થતી માલોની હેરફેરમાં જહાજી ભાડા પણ વધવાની શક્યતા  સર્જાઈ છે. ઈરાન તરફ ચાની નિકાસના સંદર્ભમાં આ પૂર્વે પેમેન્ટની સમસ્યાઓ પણ જોવા મળી હતી. દરમિયાન, સરકાર હસ્તકના ટી-બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં ચાના ઓક્શનની પદ્ધતિ બદલાઈ રહી છે. ચાના ઓક્શનમાં ઈંગ્લીશ મોડેલના અમલની નોર્થ ઈન્ડિયાના વિવિધ ઓક્શન કેન્દ્રોમાં ટાઈમ લાઈન બદલવામાં આવી છે. દુર્ગા પૂજા ૨૩થી ૨૮ ઓકટોબરમાં ઉજવવામાં આવનાર હોવાથી ઓક્શન-સેલ નંબર ૪૩ને પડતું મૂકવામાં આવ્યું છે. ૪૪ નંબરના ઓક્શન માટે પણ આવું નક્કી થયું છે તથા ૪૫ નંબરના ઓક્શનની પ્રિ-ઓક્શન એક્ટીવીટી ૩૦ ઓકટોબરથી ૩ નવેમ્બર દરમિયાન કરવામાં આવનાર છે. ૪૫ નંબરના ઓક્શનનું સેલ કોલકત્તા, ગૌહાટી તથા સિલીગુડી ખાતે છઠ્ઠી નવેમ્બરે શરૂ થશે. સીટીસી ચામાં મિનિમમ લોટ સાઈઝ તથા ડિવિજન ઓફ લોટ લાઈઝના નિયમો સિવાયના બીજા અન્ય નિયમો ઈંગ્લીસ ઓક્શનના અનુસરવામાં આવનાર છે. દરમિયાન, ટી-બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ભારતમાં સાઉથ ઈન્ડિયામાં ચાના ઓક્શનોમાં ભારત ઓક્શનનું મોડેલ ચાલુ રાખવામાં આવનાર છે. દરમિયાન, વર્તમાન ૨૦૨૩ના વર્ષના પ્રથમ છ મહિનાના ગાળામાં ભારતમાંથી ચાની નિકાસમાં  ૦.૮૦થી ૦.૮૫ ટકાનો નજીવો ઘટાડો  જોવા મળ્યો હતો. 


Google NewsGoogle News