ગોલ્ડમેન સાક્સે SBI, ICICI બેંક અને યસ બેંકનું રેટિંગ ઘટાડયું

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
ગોલ્ડમેન સાક્સે SBI, ICICI બેંક અને યસ બેંકનું રેટિંગ ઘટાડયું 1 - image


- બેંકોનો સુવર્ણકાળ પુરો, લિક્વિડિટી વધારવી જ પડશે

- નીતિમાં સાતત્યતાની અપેક્ષાએ બજારો કેન્દ્રીય બેન્કો કરતા આગળ ચાલે છે 

- શક્તિકાંત દાસે નીતિવિષયકોને  અત્યારસુધી મળેલી સફળતા માટે પ્રતિકૂળ સાબિત થાય  તેવા કોઈપણ પગલાં સામે ચેતવણી ઉચ્ચારી હતી 

કોઈપણ પ્રતિકૂળ પગલાં સામે  દાસે  ચેતવણી ઉચ્ચારી હોવાની એમપીસી બેઠકની મિનિટસમાં નોંધ

ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સાક્સે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક અને યસ બેંકના શેરને ડાઉનગ્રેડ કર્યા છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે નજીકના ભવિષ્ય માટે ફાઈનાન્શિયલ સેક્ટર માટે મજબૂત વૃદ્ધિ અને સારી નફાકારકતાનો સમયગાળો પૂરો થઈ ગયો છે. હવે ભારતના નાણાકીય ક્ષેત્ર માટે પ્રતિકૂળ પરિસ્થિતિઓ વધી રહી છે. 

મુખ્ય પડકારોમાં માળખાકીય ભંડોળના પડકારોને કારણે ફંડના ખર્ચ પર વધતું દબાણ અને વધતા ઉપભોક્તા લાભ અંગેની ચિંતાઓનો સમાવેશ થાય છે. આનાથી એસેટ ક્વોલિટીની સમસ્યાઓ સર્જાઈ શકે છે અને અસુરક્ષિત ધિરાણના કિસ્સામાં ક્રેડિટ ખર્ચમાં વધારો થઈ શકે છે. બેંકો તેમના સંચાલન ખર્ચ પર દબાણ અનુભવી શકે છે.

સ્થાનિક બેંકોએ ૨૦૨૦ના નાણાંકીય વર્ષથી ૨૦૨૩-૨૪ના ત્રીજા કવાર્ટર સુધીમાં શાનદાર રિટર્ન ઓન એસેટ વિસ્તરણ નોંધ્યું છે. હવે, બ્રોકરેજ હાઉસનું માનવું છે કે માર્જિન પર સતત દબાણને કારણે રિટર્ન ઓન એસેટ ઉપલા લેવલેથી ઘટીને મધ્યમ સ્તરે પહોંચશે અને ૨૦૨૫ના વર્ષમાં વધુ દબાણ ઉભું થઈ શકે છે.

 જેમ જેમ ક્રેડિટ-ડિપોઝીટ રેશિયો વધશે તેમ ક્રેડિટ વૃદ્ધિ ધીમી પડશે અને સેક્ટરે તેની બેલેન્સ-શીટ મિક્સ કરવી પડશે. જોકે બ્રોકરેજ હાઉસે જણાવ્યું કે પોલિસી દરોમાં અપેક્ષા કરતાં વહેલો ઘટાડો સિસ્ટમમાં લિક્વિડિટીની ચિંતાઓને હળવી કરશે અથવા સીઆરઆર/એસએલએસ દ્વારા તરલતા લાવવાના કોઈપણ આરબીઆઈના પગલાં ડિપોઝિટ વૃદ્ધિમાં મદદ કરશે અને તમામ ખાનગી કંપનીઓ માટે આ સારો સંકેત હશે.

ગોલ્ડમેન સાક્સે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને આઈસીઆઈસીઆ બેંકના રેટિંગમાં ઘટાડો કર્યો છે. તે જ સમયે યસ બેંક અને આઈડીએફસી બેંક પર વેચાણની સલાહ આપી છે. આ સિવાય ગોલ્ડમેન સાક્સે એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંક માટે તેનું રેટિંગ 'ખરીદારી'થી ઘટાડીને 'ન્યુટ્રલ' કર્યું છે.

ગ્લોબલ બ્રોકરેજ ફર્મના મતે બેંકો અનેક અવરોધોનો સામનો કરી શકે છે અને બેંક ડિપોઝિટને સિસ્ટમ માટે આકર્ષક બનાવવા માટે આકર્ષક દરો ઓફર કરવાની જરૂર પડશે. 

ફર્મનું કહેવું છે કે બેંકિંગ સેક્ટરનું મૂલ્યાંકન નાણાંકીય વર્ષ ૨૦૧૫ના પીબી આધારે ખાનગી બેંકો માટે કુલ ૧.૮ ગણા સાથે આરામદાયક સ્તરે છે. એનબીએફસી માટે ફોરવર્ડ પીબી ૧-૫ ગણાની રેન્જમાં છે અને પીએસયુ એસબીઆઈ માટે તે સ્ટેન્ડઅલોન યુનિટ માટે ૧.૧ ગણો છે. ગોલ્ડમેને કવરેજમાં બેંકો માટે કમાણીના અંદાજમાં નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે ૫ ટકા અને નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ૨ ટકા ઘટાડો કર્યો છે.

અમેરિકન ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિ (એફઓએમસી)ના અધિકારીઓએ વ્યાજ દરમાં વહેલો ઘટાડો કરવા સામે જોખમો રહેલા હોવાનો મત વ્યકત કર્યો હતો. ફુગાવામાં ઘટાડા છતાં વ્યાજ દરમાં ઘટાડો શરૂ કરવાનું પગલું ઉતાવળિયું ગણાશે એવો ફેડરલની ૩૦-૩૧ જાન્યુઆરીની બેઠકમાં મત વ્યકત થયાનું બેઠકની જારી થયેલી મિનિટસ પરથી જણાય છે.

ફુગાવાના જોખમ સામે અધિકારીઓ ચિંતીત રહ્યા હતા. કેટલાક અધિકારીઓએ ફુગાવાની બે ટકાના સ્તર તરફની કૂચ અટકી પડવાની પણ ચિંતા વ્યકત કરી હતી. 

વ્યાજ દરના સ્તર ઊંચા હોવાની દલીલ સાથે અધિકારીઓ સહમત થયા હતા પરંતુ તેમાં ઘટાડો કરવા સામે પણ તેમણે લાલબત્તી ધરી હતી કારણ કે વ્યાજ દરમાં ઘટાડો ફુગાવાને ફરી ઊંચે લઈ જશે તેવી તેમને ચિંતા છે. 

ફુગાવો એકદમ જ દ્રઢ રીતે બે ટકાના સ્તર તરફ જઈ રહ્યો છે તેવી સ્પષ્ટ ખાતરી નહીં થાય ત્યાંસુધી વ્યાજ દરમાં ઘટાડો ન કરવો જોઈએ તેવો બેઠકનો સૂર રહ્યાનું મિનિટસ પરથી જણાય છે. 

જાન્યુઆરીની બેઠકમાં  અધિકારીઓએ વ્યાજ દર ૫.૨૫ ટકાથી ૫.૫૦ ટકાની રેન્જમાં જાળવી રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું. ફુગાવામાં ઘટાડો ચાલુ રહેશે તો વર્તમાન વર્ષના અંતે વ્યાજ દર ઘટાડવાના માટેના વિકલ્પ પણ તેમણે ખુલ્લા રાખ્યા છે. 

વર્તમાન મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાઈ ગયેલી રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની બેઠકમાં ગવર્નર શક્તિકાંત દાસે નીતિવિષયકોને  અત્યારસુધી મળેલી સફળતા માટે પ્રતિકૂળ સાબિત થાય  તેવા કોઈપણ પગલાં સામે ચેતવણી ઉચ્ચારી હતી, જ્યારે સમિતિના સભ્ય જયંત વર્માએ એમપીસી વિકાસ તથા ફુગાવાના  ટાર્ગેટને સિદ્ધ કરવા ગંભીર છે તેવા સંકેત પૂરા પાડવાની આવશ્યકતા પર ભાર મૂકયો હતો એમ બેઠકની જારી થયેલી મિનિટસ પરથી જણાયું હતું. 

રેપો રેટ જાળવી રાખવાના નિર્ણયનો તર્ક સમજાવતા દાસે જણાવ્યું હતું કે, નીતિમાં સાતત્યતા જળવાઈ રહેશે તેવી અપેક્ષા સાથે બજારો કેન્દ્રીય બેન્કો કરતા આગળ ચાલી રહી છે, ત્યારે સમય પહેલાના કોઈપણ પગલાંથી અત્યારસુધી મળેલી સફળતા ધોવાઈ જશે.

ઊંચા વિકાસ દરના લાંબા ગાળાને ટકાવી રાખવા ભાવ તથા નાણાંકીય સ્થિરતા આવશ્યક છે. 

આર્થિક વિકાસને ધ્યાનમાં રાખી ફુગાવાને ચાર ટકા પર લાવવાનો હાલની નીતિનો ધ્યેય રહેલો છે, એમ દાસે ઉમેર્યું હતું. 

જો કે વર્માએ આ બેઠકમાં એવો મત વ્યકત કર્યો હતો કે, ફુગાવાને જોખમમાં મૂકયા વગર નાણાં નીતિને હળવી કરવાનો અવકાશ રહેલો છે. આ બેઠકમાં વર્માએ રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવાની તરફેણ કરી હતી.


Google NewsGoogle News