ડોલર મજબૂત થતાં સોનાના ભાવ ઘટવા છતાં લાંબાગાળે વિશ્વ બજારમાં 2700 ડોલર જોવાશે
- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ
- નીચા ભાવે રોકાણકારો હાજર ચાંદી ખરીદીને વોલ્ટમાંથી બહાર કાઢીને પોતાના કબજામાં રાખવાનું વલણ અપનાવી રહ્યા છે
- ઉંચા ભાવે વેપારીઓએ સોનું પકડી રાખ્યું છે અને સ્ટોકમાં રાખી નવા સોનાની લેવડદેવડ કરીને લાંબા ગાળે સરેરાશ પોતાનો નફો બરકરાર રાખશે
અમેરિકામાં પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાતા ડોલર મજબૂત થયો અને સોનામાં ૧૪૦/૧૫૦ ડોલરનો છેલ્લા ૧૦ દિવસમાં ઘટાડો થતા બજારમાં સોના પર મંદીવાળાની પકડ મજબૂત બને છે. ફેડ દ્વારા વ્યાજના દરમાં ઘટાડાનો ઘટાડો જાહેર થવા છતાં સોનાના ઘટતા ભાવને અટકાવી નથી શક્યા. હમાસ અને ઈઝરાયેલની લડાઈમાં ઈરાન પણ આડકતરી રીતે જોડાવા છતાં સોનામાં ઘટતા ભાવો અટકી શક્યા નથી. યુક્રેન તથા રશીયાના યુધ્ધમાં સંધી થાય તેવા ટ્રમ્પના પ્રયત્નો થશે તેવી આશા છે.
ડોલર મજબૂત થતા સોનું ૩ ટકા ઘટયું અને સોનાને નુકસાન થયું પરંતુ લાંબા ગાળે સુધારો આવે અને ૨૭૦૦ ડોલર પ્રતિ ઔંસના ભાવો દાખવે.
સોનાના ખોદકામનો ખર્ચો વધતા અને ઉંડે સુધી સોનું શોધવું પડે છે તેથી ખાણીયાઓ ખોદકામના અઘરા કાળથી વ્યથિત છે તેમાં એસીડ, કેમીકલ, સાયનાઈડ વિગેરેનો મોટો જથ્થો સોનાન રીફાઈન કરવામાં લાગતા પડતર ઉંચી પડે છે.
૨૦૨૪માં ઉદ્યોગ ક્ષેત્રે ૮૩ ટન સોનું વધુ વપરાયું. અમેરિકામાં ફુગાવો વધશે. હાઉસહોલ્ડની સ્થિતિ સુધરી છે અને જોબ ડાટા સારા આવ્યા છે અને ચીનથી થતી આયાતી ચીજો પર વધુ ટેરીફ લગાડાશે તે સ્થાનિક ઉદ્યોગને હરીફાઈમાં ટકવા મદદરૂપ થશે. એકંદરે ડોલરની મજબૂતાઈ- નરમાઈ વૈશ્વિક સોનાનો ભાવ નક્કી કરશે. જુનું સોનું વૈશ્વિક બજારમાં વેચાવા આવી રહ્યું છે જે ભાવને ઉંચું નથી આવવા દેતું. વૈશ્વિક ચાંદી બજારમાં સોના પાછળ ઘટાડો નોંધાતા ચાંદી ઘટીને ૩૦૦૦ સેન્ટ પ્રતિ ઔંસની આસપાસ અથડાય છે.
નીચા ભાવે રોકાણકારો હાજર ચાંદી ખરીદીને વોલ્ટમાંથી બહાર કાઢીને પોતાના કબજામાં રાખવાનું વલણ અપનાવી રહ્યા છે. જે.પી. મોર્ગન તથા અન્ય કંપનીઓની ચાંદીની લેવડ- દેવડમાં સુધારો નોંધાયો છે.
જુની ચાંદીનો સ્ક્રોપ બજારમાં ઠલવાતા ચાંદીની મંદીને ટેકો સાંપડયો છે. ખાણીયાઓ બાય પ્રોડકટમાંથી વધુ ચાંદીનું ઉત્પાદન કરવાના પ્રયત્નો કરે છે.
ફંડો તથા સંસ્થાનો નીચા ભાવે ચાંદી ખરીદી રહ્યા છે. ચાંદી કરતા બીટકોઈનમાં રોકાણકારો વધુ રસ લઈ રહ્યા છે અને ચાંદીને પાછળ વાળી છે. લાંબા ગાળે ચાંદી ઉંચકાશે. સ્થાનિક સોના બજારમાં વૈશ્વિક નરમાઈના સમાચારે મુંબઈ બજારમાં સોનાના ભાવમાં છેલ્લા દસ દિવસમાં રૂ.૫૦૦૦ પ્રતિ દસ ગ્રામનો ઘટાડો નોંધાયો છે અને બુધવારે એમસીએક્સ વાયદો રૂ.૭૪૭૦૦ પ્રતિ દસ ગ્રામ અને વગર બીલમાં રૂ.૭૫૦૦૦ તથા માલમાં રૂ.૭૫૦૦૦ પ્રતિ દસ ગ્રામ સમાન જેવા ક્વોટ થાય છે. ભાવ અચાનક ઘટતા જુના સોનાના દાગીનાની આવક ઘટી છે. ઉંચા ભાવે વેપારીઓએ સોનું પકડી રાખ્યું છે અને સ્ટોકમાં રાખી નવા સોનાની લેવડદેવડ કરીને લાંબા ગાળે સરેરાશ પોતાનો નફો બરકરાર રાખશે.
આયાતકારો વૈશ્વિક સોનાથી વધઘટને કેન્દ્રમાં રાખી મર્યાદીત સોનું મંગાવે છે. તેના દાણચોરો પણ ભાવની વધઘટ જોઈને દાણચોરીનું સોનું ધીમી ગતિએ મંગાવીને સોનાને બ્રેક લગાડે છે.
શોરૂમવાળાઓને ત્યાં નીચા ભાવે સોનાની ખરીદી કરવા અને લગ્નપ્રસંગની ખરીદી કરવા આવી ર્યા છે. આ વર્ષે લગ્ન સીજનમાં ભાવો વધઘટે અને ગયા વર્ષ કરતા ઉંચા ભાવો થયા હોવાથી ઘરાકો પોતાના જુના સોનાના દાગીના સાથે થોડુંક વધુ સોનું ખરીદીને દાગીના બનાવશે અને સોનાની માંગ સંતોષશે.આ વર્ષે સોનાની આયાત ૭૦૦/૭૫૦ ટન થવાનો અંદાજો મૂકાય છે તથા ૨૫૦/ ૩૦૦ ટન દાણચોરીનું સોનું દેશમાં ઘર કરી જાય તેવું બજારના વર્તુળ જણાવે છે. એકંદરે સોનું રૂ.૭૫૮૦૦ અને રૂ.૭૮૫૦૦ પ્રતિ દસ ગ્રામ વચ્ચે અથડાશે.
સ્થાનિક ચાંદી બજારમાં વૈશ્વિક ચાંદીના નરમ સમાચારે ચાંદીના ભાવમાં રૂ.૭૦૦થી રૂ.૮૦૦ પ્રતિ કિલો ઘટાડો નોંધાયો છે. જથ્થામાં ચાંદીમાં રૂ.૮૯૦૦૦ પ્રતિ કિલોનો ભાવ જોવાયો અને ગુરુવારે રૂ.૯૨૫૦૦ પ્રતિ કિલો ક્વોટ થયો છે. નીચા ભાવે શોરૂમમાં ઘરાકી દેખાય છે. એકાએક ચાંદીના ભાવો ઘટતા શોરૂમવાળા મુંઝવણમાં મુકાયા છે છતાં ઘરાકી સારી હોવાથી જેટલું વેચાણ થાય છે તેટલી ચાંદી ખરીદીને ભાવ ફરકની નુકસાનીથી બચી રહ્યા છે.ચાંદીનો એમસીએક્સ વાયદો રૂ.૮૮૦૦૦ થઈને રૂ.૯૦૫૦૦ પ્રતિ કિલો બોલાતા બજારમાં ચાંદી ઘટશે નહીં તેવા સંકેત મળે છે છતાં સ્થાનિક ભાવો વૈશ્વિક ભાવ નિર્ભર રહેશે.ચાંદીના સીક્કા તથા લગડીનું વેચાણ સારું છે. એકંદરે ચાંદી રૂ.૯૦૦૦૦ પ્રતિ કિલોનું તળીયું નહીં તોડે.