Get The App

સોનાના ભાવ વધુ ઉંચકાયાઃ વિશ્વ બજારમાં 2400 ડોલર પાર થતાં ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધિ

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
સોનાના ભાવ વધુ ઉંચકાયાઃ વિશ્વ બજારમાં 2400 ડોલર પાર થતાં ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધિ 1 - image


- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- યુએસમાં જોબગ્રોથ ઘટતાં તથા બેરોજગારીનો દર વધતાં વ્યાજ દર ઘટવાની આશાએ સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો

દેશના ઝવેરીબજારોમાં વિતેલા સપ્તાહમાં સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઝડપથી ઉંચા જતા જોવા મળ્યા હતા. બજેટમાં કસ્ટમ ડયુટી ઘટાડાયા પછી ઝવેરીબજારોમાં આવેલી ઝડપી મંદીને પચાવી સોના- ચાંદીના ભાવ તાજેતરમાં નવેસરથી ઉંચા જતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઘટયા પછી ઝડપી વધી આવ્યાના સમાચાર હતા અને તેના પગલે ઘરઆંગણે આયાત પડતર વધી જતાં દેશના ઝવેરીબજારોમાં ભાવ ઘટયા પછી ફરી ઉછળતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડની પીછેહટ વચ્ચે વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ વધ્યાના સમાચાર આવ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશદીઠ જે નીચામાં ૨૪૦૦ ડોલરની અંદર ઉતરી ગયા હતા તે ફરી ઉછળી ૨૪૦૦ ડોલરની સપાટી પાર કરી ઉંચામાં ભાવ ૨૪૭૫થી ૨૪૮૦ ડોલર સુધી પહોંચી ગયાના નિર્દેશો મળ્યા હતા. તથા ત્યારબાદ ભાવ ૨૪૩૫થી ૨૪૪૦ ડોલર રહ્યા હતા.સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના જે નીચામાં એક તબક્કે ૨૮ ડોલરની અંદર જતા રહ્યા હતા તે ઉછળી ૨૮ ડોલર પછી તાજેતરમાં ૨૯ ડોલરની સપાટી પણ પાર કરી ઉંચામાં ભાવ ૨૯.૨૦થી ૨૯.૨૫ ડોલર સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. તથા ત્યારબાદ ભાવ ૨૮.૪૦થી ૨૮.૪૫ ડોલર રહ્યા હતા.

વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ નીચા મથાળે માગ વધતાં તથા નવી વેચવાલી ધીમા પડતાં ઝવેરીબજારોમાં કિંમતી ધાતુઓના ભાવ આંચકા પચાવી ફરી ઉછળતા જોવા મળ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના રૂ.૭૩૦૦૦ને આંબી ગયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી કિલોના રૂ.૮૪૫૦૦  હજારને સ્તરે પહોંચ્યા હતા. મુંબઈ બજારમાં જીએસટી વગર સોનાના ભાવ વધી રૂ.૬૯ હજારની ઉપર તથા ચાંદીના ભાવ રૂ.૮૩ હજારની ઉપર બોલાતા થયા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વની તાજેતરની મિટિંગમાં જોકે વ્યાજના દર જાળવી રાખવામાં આવ્યા હતા પરંતુ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ દ્વારા એવા સંકેતો આપવામાં આવ્યા હતા કે આગળ ઉપર મોટાભાગે સપ્ટેમ્બર મહિનામાં અમેરિકામાં  વ્યાજના દરમાં ઘટાડાનો દોર શરૂ થવાની શક્યતા છે. ત્યાં જોબગ્રોથ ઘટયો છે. ત્યાં ફુગાવો કન્ટ્રોલમાં આવી રહ્યાના સમાચાર હતા. આવા માહોલમાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ દબાણ હેઠળ આવતાં વૈશ્વિક સોનામાં ફંડો ફરી દાખલ થયાના વાવડ મળ્યા હતા.  મિડલ- ઈસ્ટમાં ફરી તંગદીલી વધતાં ક્રૂડના ભાવ પર તેજીની અસર આવી હતી. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ વધી ઔંશના ૯૮૦થી ૯૮૫ ડોલર તથા પેલેડીયમના ભાવ વધી ઉંચામાં ૯૩૫થી ૯૪૦ ડોલર સુધી ટ્રેડ થતાં જોવા મળ્યા હતા. જોકે વૈશ્વિક કોપરના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. ભારતમાં ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં તાજેતરમાંસરકારે ઘટાડો કર્યાના સમાચાર પણ આવ્યા હતા.

દરમિયાન, તાજેતરના કેન્દ્ર સરકારના નાણાંપ્રધાને રજૂ કરેલા બજેટમાં સોનાની ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો કરતાં ઝવેરીબજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઝડપી ઘટાડો થયો હતો. ઉપરાંત ઈમ્પોર્ટ ડયુટી ઘટતાં તથા ભાવમાં ઝડપી પીછેહટ જોવા મળતાં સોવરીન ગોલ્ડ બોન્ડના રિડમ્પશનમાં આઉટ- ગોનો બોજ સરકાર પર ઘટવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. આ ઉપરાંત આવા બોન્ડમાં નવું ઈન્વેસ્ટમેન્ટ વધુ આકર્ષક બન્યું હોવાનું આ સૂત્રોએ જણાવ્યું હતું. ડયુટી ઘટાડાના પગલે સોનાના ભાવ નીચા ઉતરતાં સોવરીન ગોલ્ડ બોન્ડની પાકતી મુદતે જ્યારે સરકાર આવા બોન્ડનું રીડીમ્પશન કરશે ત્યારે સરકારે આવા બોન્ડના ઈન્વેસ્ટરોને સરખામણીએ ઓછી રકમ ચુકવવી પડશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. આ ઉપરાંત આવા બોન્ડમાં નીચા ભાવના આકર્ષણના પગલે આવા બોન્ડમાં નવું ઈન્વેસ્ટમેન્ટ પણ વધવાની ગણતરી સૂત્રો બતાવી રહ્યા હતા. સોનાની કસ્ટમ ડયુટી બજેટમાં ૧૫ ટકાથી ઘટાડી ૬ ટકા કરવામાં આવી છે. જોકે કસ્ટમ ડયુટીમાં ઘટાડા પછી સોના- ચાંદીમાં જીએસટીના દર વધવાની શક્યતા પણ તાજેતરમાં આ લખાય છે ત્યારે બજારમાં બતાવાઈ રહી હતી. ફિઝીકલ ગોલ્ડની માગ ઘટાડવા સરકારે ૨૦૧૫માં સોવરીન ગોલ્ડ બોન્ડની યોજના વહેતી મૂકી હતી.  આના પગલે ફિઝીકલ સોનાની માગ ઘટતાં વિદેશી હુંડિયામણનો આઉટફલો પણ ઘટાડવાનો હેતુ ૨૦૧૫માં આ યોજના બનાવતી વખતે સરકારે રાખ્યો હતો એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. ૨૦૧૫થી ગણતાં ત્યાર પછીના અત્યાર સુધીના ગાળામાં આવા સોવરીન ગોલ્ડ બોન્ડ મારફત સરકારે આશરે રૂ.૭૨૨૫૦થી ૭૨૩૦૦ કરોડ જેટલી રકમ મેળવી હોવાનું સરકારી સૂત્રો જણાવી રહ્યા હતા. સોનાના એક ગ્રામના ભાવ ૨૦૧૫, ૨૦૧૬ તથા ૨૦૧૭માં રૂ.૩૧૦૦થી ૩૫૦૦ની રેન્જમાં રહ્યા હતા તથા આ વર્ષે બજેટ પૂર્વે આવા ભાવ રૂ.૭૨૦૦ રહ્યા હતા. બજેટ પછી ભાવ ઘટતાં સરકાર પર આવા બોન્ડના રિડમ્પશનનો બોજ હળવો થવાની ગણતરી બતાવાઈ રહી હતી. આવા બોન્ડમાં પાકતી મુદતે રિપેમેન્ટના દિવસ પૂર્વેના ત્રણ દિવસના સોનાના ભાવની એવરેજ કાઢી એ ભાવોએ આવું રિડમ્પશન સરકાર દ્વારા કરવામાં આવે છે. દરમિયાન, સોનાના ભાવ બજેટ પછી ઘટી જતાં ઝવેરીબજારોમાં નીચા મથાળે માગમાં ખાસ્સી વૃધ્ધિ થયાના નિર્દેશો મળ્યા હતા. ઓગસ્ટ ૨૦૧૬માં બહાર પડેલા ગોલ્ડ બોન્ડ હવે આ મહિને રિડીમ થવાના છે. ૨૦૧૬- ઓગસ્ટમાં આવા બોન્ડ એક ગ્રામના રૂ.૩૧૧૯ના ભાવોએ ઈસ્યુ કરવામાં આવ્યા હતા વાર્ષિક વ્યાજ દર ૨.૭૫ ટકાનો રહ્યો હતો. આવા બોન્ડનું હવે આશરે રૂ.૬૮૦૦ના ભાવોએ રિડમ્પશન થવાની શક્યતા જોતાં આઠ વર્ષમાં આવા બોન્ડના ઈન્વેસ્ટમેન્ટ પર રોકાણકારોને ૧૪૦ ટકા જેટલું વળતર મળ્યું છે. નવા ગોલ્ડ બોન્ડના ઈસ્યુ પર રોકાણકારોની હવે નજર રહી છે.

દરમિયાન, સોનાની માગ ૨૦૨૪ના બીજા ત્રિમાસિકમાં પાંચ ટકા ઘટી ૧૫૦ ટન નોંધાઈ છે જે ગયા વર્ષે આ ગાળામાં ૧૫૮ ટકા રહી  હતી. આ વર્ષે આ ગાળામાં સોનાના ભાવ ખાસ્સા ઉંચા ગયા હતા તથા  તેની અસર નવી ખરીદી પર પડી હતી. 

જોકે હવે ડયુટી ઘટતાં તથા બજાર ભાવ નીચા આવતાં હવે જુલાઈથી સપ્ટેમ્બરના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સોનાની માગમાં ફરી વૃધ્ધિ જોવા મળશે એવી ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. જોકે તાજેતરમાં ગુડી પડવો તથા અખા ત્રીજના દિવસે માગમાં વૃધ્ધિ પણ જોવા મળી હતી. વાર્ષિક માગ ૭૦૦થી ૭૫૦ ટન રહેવાની આશા છે.


Google NewsGoogle News