સોના-ચાંદીમાં વર્ષાન્તે બેતરફી વધઘટઃ રૂપિયો ગબડતાં ઈમ્પોર્ટ કોસ્ટમાં થયેલી વૃદ્ધિ
- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ
- વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં તેના પગલે વૈશ્વિક સોનામાં ઘટાડે બજારને સપોર્ટ મળતો રહ્યો હતો
- વિશ્વ બજારમાં હોલીડે મુડ વચ્ચે વેપાર વોલ્યુમમાં ઘટાડોઃ નવા વર્ષમાં યુએસમાં વ્યાજ દરમાં ઘટાડો ધીમો પડશે તથા ડોલર ઈન્ડેક્સ ઊંચો જશે
દેશના ઝવેરીબજારોમાં વિતેલા સપ્તાહમાં ૨૦૨૪ના અંતિમ દિવસોમાં સોના- ચાંદીના ભાવ બેતરફી વધઘટ વચ્ચે ફરતા જોવા મળ્યા છે. વિશ્વબજારના સમાચાર પણ કિંમતી ધાતુઓમાં તાજેતરમાં બેતરફી ચાલ બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના નીચામાં ૨૬૦૦ ડોલર તથા ઉંચામાં ૨૬૨૫ ડોલર વચ્ચે ફરતા રહ્યાના વાવડ મળ્યા હતા. વૈશ્વિક સોનામાં ઘટયા મથાળેથી ઉછાળા આવી રહ્યા હતા પરંતુ આવા ઉછાળા ઉભરા જેવા સાબીત થયા હતા. જોકે ઘટયા મથાળે નીચામાં ૨૬૦૦ ડોલર આસપાસ બજારને સપોર્ટ પણ મળતો જોવા મળ્યો છે. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ ઝવેરીબજારોમાં કિંમતી ધાતુઓના ભાવ ટૂંકી ઉછળકુદ વચ્ચે ફરતા રહ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૯૦૦૦ આસપાસ અથડાતા રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૮૮૦૦૦થી ૮૮૫૦૦ વચ્ચે ફરતા રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૯.૫૦થી ૩૦.૦૦ ડોલર વચ્ચે ફરતા રહ્યા હતા. વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ નાતાલના તહેવારો તથા ટૂંકમાં શરૂ થનારા નવા વર્ષ પર નજર વચ્ચે સોના- ચાંદીના વૈશ્વિક બજારોમાં તાજેતરમાં હોલીડે મુડ વચ્ચે વેપાર- વોલ્યુમ પાંખા રહ્યા હતા તથા મોટા ખેલાડીઓની ગેરહાજરી વર્તાઈ રહી હતી. સોના- ચાંદીમાં વિદાય લેતા વર્ષમાં ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી આવ્યા પછી હવે નવા વર્ષમાં બજારમાં તેજી આગળ વધે છે કે નહિં તેના પર બધાની નજર રહી છે. વિતેલા વર્ષમાં વૈશ્વિક સ્તરે સોનામાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોની ખરીદી સારી રહી હતી. હવે નવા વર્ષમાં આવી ખરીદી કેવી આગળ વધે છે તેના પર બજારની નજર રહી હતી. રશિયા- યુક્રેન યુધ્ધની તંગદીલી તાજેતરમાં વધી છે અને બંને દેશો વચ્ચે એકમેક પર હુમલાઓ ફરી વધ્યા છે તેના કારણે બજારમાં ફરી અજંપો પણ જોવા મળ્યો છે.ઘરઆંગણે ડોલર ઉછળતાં તથા રૂપિયો ગબડતાં ઝવેરી બજારમાં ઈમ્પોર્ટ કોસ્ટ ઊંચકાઈ હતી.
અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વિતેલા વર્ષમાં વ્યાજમાં ઘટાડો કરવાનો આરંભ કરવામાં આવ્યો હતો અને હવે નવા વર્ષમાં ત્યાં વ્યાજ દરમાં વધુ ઘટાડો કરાય છે કે નહિં તથા ત્યાં હવે પછી ફુગાવો કેવો રહે છે તેના પર આગામી બજારની ચાલનો આધાર રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકામાં નવા પ્રમુખ ટ્રમ્પની નિતીઓ જોતાં ત્યાં આગળ ઉપર ફુગાવામાં વૃધ્ધિ થવાની શક્યતા જણાય છે અને આમ થશે તો અમેરિકામાં નવા વર્ષમાં વ્યાજના દરમાં ઘટાડાની ચાલ કદાચ ધીમી પડી જશે એવી શક્યતા જણાઈ રહી છે અને આમ થશે તો વૈશ્વિક સ્તરે ડોલરનો ઈન્ડેક્સ વધઘટે ઉંચો રહેવાની શક્યતા છે. આવા માહોલમાં નવા વર્ષમાં વૈશ્વિક સ્તરે સોનામાં ઉંચા મથાળે ભાવ દબાણ હેઠળ રહેવાની શક્યતા વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, તાજેતરમાં વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઉંચા તથા પેલેડીયમના ભાવ તેની સરખાણીએ નીચા રહ્યા હતા તથા આ બાબતે વૈશ્વિક ખેલાડીઓમાં ખાસ્સું આશ્ચર્ય સર્જયું હતું.
જોકે વિતેલા સપ્તાહમાં આવી ચાલ ફરી સુલટાઈ ગઈ હતી તથા હવે પ્લેટીનમ કરતાં પેલેડીયમના ભાવ ફરી સમકક્ષ બોલાતા થયા છે. તાજેતરમાં આ બંને કિંમતી ધાતુઓના ભાવ ઔંશના ૯૧૮થી ૯૨૯ ડોલર આસપાસ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં તેના પગલે વૈશ્વિક સોનામાં ઘટાડે બજારને સપોર્ટ મળતો રહ્યો હતો. વિશ્વબજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ વધી ૭૪ ડોલર ઉપર પહોંચ્યા હતા. ચીન દ્વારા અપાનારા વધુ સ્ટીમ્યુલસ પર બજારની નજર હતી. રશિયા- યુક્રેન વચ્ચે ફરી વધેલી તંગદીલીની અસર ક્રૂડના ભાવ પર જોવા મળી હતી. ક્રૂડના ઉત્પાદક દેશોના સમુહ દ્વારા હવે નવા વર્ષમાં ઉત્પાદનમાં વૃધ્ધિ થવાની શક્યતા છે. જોકે આવી વૃધ્ધિ નવા વર્ષમાં એપ્રિલ મહિનામાં થવાનો અંદાજ બતાવાઈ રહ્યો છે. દરમિયાન, ભારતમાં હવે બજેટની રજૂઆત ફેબુ્રઆરી આરંભમાં થવાની છે અને તેના પર પણ ઝવેરીબજારની હવે નજર રહેવાની છે.
ગયા વખતે બજેટમાં નાણાંપ્રધાને સોના- ચાંદીની ઈમ્પોર્ટ ડયુટીમાં ઓચીંતો ઘટાડો કરી બધાને ચોંકાવી દીધા હતા અને હવે નવા વર્ષમાં નાણાંપર્ધાન કેવો વ્યુહ અપનાવે છે તેના પર નજર રહી હતી.