Get The App

ગીગ વર્કર્સ..ગણપતિ બાપ્પાના ભરોસે

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
ગીગ વર્કર્સ..ગણપતિ બાપ્પાના ભરોસે 1 - image


- ભારતમાં ૭.૭ મિલિયન ગીગ વર્કર્સ છે જે આગામી પાંચ વર્ષમાં ૨૩.૫ મિલિયન પર પહોંચવાની સંભાવના છે 

- ગીગ વર્કર્સને વિવિધ સિક્યોરીટી આપવા સરકાર પગલાં લઇ રહી છે. સરકારે જાહેરાત કરી ત્યારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પણ તેને ટેકો આપ્યો હતો. સરકાર ગીગ વર્કર્સના લાભાર્થે મોડે મોડે જાગી છે પરંતુ સાવ જ નાધણિયાત આ વર્ગનું મહત્વ વધારવાના પણ પ્રયાસ કરશે. ગીગ વર્કર્સને કાયદાનું રક્ષણ આપવા માટે પણ માંગ કરાઇ છે. 

- ગીગ વર્કર્સ તરફ ભાગ્યેજ કોઇ સરકારોએ ધ્યાન આપ્યું છે. ગીગ વર્કર્સ (છૂટક કામ કરતા લોકો) વિના કોઇને ચાલતું નથી છતાં આખો વર્ગ નાધણિયાત બનેલો છે. નથી તેમની કોઇ સિક્યોરીટી, નથી તો તેમનો કોઇ પ્રોેવિડન્ટ ફંડ કપાતો, નથી તો તેમને ગ્રેજ્યુઇટી મળતી, નથી તો તેમનું કોઇ વિમા કવચ કે નથી તો તેમને કોઇ પગાર સ્લીપ મળતી

ગીગ વર્કર્સ તરફ ભાગ્યેજ કોઇ સરકારોએ ધ્યાન આપ્યું છે. ગીગ વર્કર્સ (છૂટક કામ કરતા લોકો) વિના કોઇને ચાલતું નથી છતાં આખો વર્ગ નાધણિયાત બનેલો છે. નથી તેમની કોઇ સિક્યોરીટી, નથી તો તેમનો કોઇ પ્રોેવિડન્ટ ફંડ કપાતો, નથી તો તેમને ગ્રેજ્યુઇટી મળતી, નથી તો તેમનું કોઇ વિમા કવચ કે નથી તો તેમને કોઇ પગાર સ્લીપ મળતી. પગાર સ્લીપ ના હોવાથી તેમને નથી તો ક્રેડીટ કાર્ડ મળતું કે નથી તો ક્યાંયથી લોન મળતી.

આશ્ચર્યતો એ વાતનું છે કે જો ગીગ વર્કર્સના હોય તો અનેક બિઝનેસ ઠપ પડી જાય અને ગીગ વર્કર્સને કરગરતા થઇ જાય. બિઝનેસ ક્ષેત્રના મહત્વના અંગ સમાન ગીગ વર્કર્સ બિચારા સંગઠન વિહોણા છે જેનો લાભ બિઝનેસ ક્ષેત્ર ઉઠાવી રહ્યું છે.

તાજેતરમાં કેન્દ્રના શ્રમ પ્રધાન મનસુખ માંડવીયાએ જાહેર કર્યું છે કે ગીગ વર્કર્સને વિવિધ સિક્યોરીટી આપવા સરકાર પગલાં લઇ રહી છે. સરકારે જાહેરાત કરી ત્યારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પણ તેને ટેકો આપ્યો હતો. સરકાર ગીગ વર્કર્સના લાભાર્થે મોડે મોડે જાગી છે પરંતુ સાવજ નાધણિયાત આ વર્ગનું મહત્વ વધારવાના પણ પ્રયાસ કરાશે. ગીગ વર્કર્સને કાયદાનું રક્ષણ આપવા માટે પણ માંગ કરાઇ છે. 

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા વખતે ગીગ વર્કર્સના હકો અને રક્ષણ માટે વારંવાર અવાજ ઉઠાવ્યો હતો. કર્ણાટક અને રાજસ્થાનની કોંગ્રેસ સરકારોએ તો ગીગ વર્કર્સના પ્રટેક્શન માટેના પગલાં પણ લીધા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે ગીગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સને સોશ્યલ સિક્યોરિટી બેનીફીટ મળી રહે તેવા પગલાં લેવાઇ રહ્યા છે. 

એસોસીયેટ  ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યા પ્રમાણે ગીગ ઇકોનોમી ૧૭ ટકાના દરે વધી રહી છે. ૨૦૨૪માં તે ૪૫૫ અબજ ડોલરનો આંક વટાવી દેશે એમ મનાય છે. સરકારની થીંક ટેન્ક કહેવાતા નિતી આયોગના જણાવ્યા અનુસાર હાલમાં છે તેના કરતાં ગીગ વર્કર્સની સંખ્યા ત્રણ ગણી વધી જશે. ગીગ વર્કરો કાયમી નોકરી કરતા લોકો કરતાં વધુ મહેનતુ અને સ્માર્ટ હોય છે. તેમને રોજીંદુ કામ નિયમિત મળી રહશે કે કેમ? તેની ચિંતા હોય છે.

કાયમી કર્મચારી ના કરી શકે એવા જોખમી કામ ગીગ વર્કર આસીનીથી કરી શકે છે. ઓલા જેવી કંપનીઓમાં ગીગ વર્કરનું મહત્વ છે કેમકે તેના માલિકોને રોજના કામના પૈસા આપીને છૂટી જવાનું છે.ટૂંકમાં પોતાની કંપની માટે ગીગ વર્ક મહત્વના હોવા છતાં તેમની જવાબદારી સ્વિકારવા કોઇ તૈયાર નથી હોતું. એક અહેવાલ અનુસાર ભારતમાં ઉબેરના ૧૦ લાખ જેટલા ડ્રાઇવરો છે જ્યારે ઝોમેટો પાસે ૩,૫૦,૦૦૦ ડિલીવરી મેન છે. જેને ઝોમેટો પ્રેમથી ડિલીવરી પાર્ટનર કહે છે. ઉબેરે કહ્યું હતું કે અમે અમારી કંપનીનો ડેટા આપી શકીયે એમ નથી.

ગીગ વર્કર્સને સુરક્ષા કવચ અપાય કે પે સ્લીપ અપાય તો તે અન્ય લોકોને મળે તેવા બેંકના આર્થિક લાભ ઉઠાવી શકે. પે સ્લીપ વિના તેમને કોઇ કંપની ક્રેડીટ કાર્ડ પણ નથી આપતી. સરકાર તેમના કામની નોંધ લઇને તેમનું મહત્વ વધારી શકે છે.

ઓલા, ઉબેર, ઝોમેટો, સ્વિગી જેવી કંપનીઓ ક્યારેય પોતાને ત્યાં કામ કરતા ગીગ વર્કર્સની ચોક્કસ સંખ્યા આપવા તૈયાર નથી.                                                                                                                                                                                   

કેટલીક કંપનીઓ તો ગીગ વર્કર પાસેથી પણ સખત કામ લે છે કેમકે તે માને છે કે અમે તેમને નક્કી કર્યા પ્રમાણેના પુરતા પૈસા ચૂકવીયે છીયે. કંપનીઓ ગીગ વર્કરને કામ કરવાને જે ટાર્ગેટ આપે છે તે પુરો ના થાય તો બીજું કામ પણ નથી આપતા અને પૈસા પણ કાપી લે છે. તેમને કાયદાનું કોઇ રક્ષણ મળતું ના હોવાથી કંપની સામે કેસ પણ કરી શકાતો નથી. 

અહીં સિકકાની બીજી બાજુ એ પણ છે કે જેમને જોબ ના મળતી હોય તેમના માટે ગીગ વર્ક આસાનીથી મળી રહે છે. સારી કંપનીમાં ગીગ વર્કરને કામ  મેળવવા ઓળખાણની જરૂર રહે છે. આ રીતે ગીગ વર્કનું ક્ષેત્ર બેરોજગારોને નોકરીની તક આપે છે.

ગીગ વર્ક્રની કમનસીબી  એ હોય છે કે એકવાર તેમને ફ્રીલાન્સ કામ કરવાની ટેવ પડી જાય છે  પછી તેમને કાયમી સ્તરની નોકરી કરવાનું પસંદ નથી પડતું. ભારતમાં ગીગ વર્કરનું બહુ ધ્યાન નથી અપાયું પણ હવે જ્યારે તેને રાહુલ ગાંધીએ રાજકીય રંગ આપતા સરકાર સહાય કરવા તૈયાર થઇ છે. અર્બન કંપની કે ઉબેર જેવાઓ પોતાને ત્યાં કેટલી ગીગ વર્કરો છે તેના આંકડા આપવા તૈયાર નથી હોતા.

ભારતમાં ગીગ વર્કમાં વધારો થઇ રહ્યો છે. સરકાર પાસે કુલ ગીગ વર્કરનો કોઇ ચોક્કસ ડેટા નથી. પરંતુ હવે તેમને જ્યારે કાયદા હેઠળ રક્ષણ આપવાનું વિચારાઇ રહ્યું છે ત્યારે તેમનો ડેટા તૈયાર કરાશે અને તેમને એક્સીડન્ટ સહીતના વિમાનું કવચ આપવા વિચારાશે.

ગીગ વર્કર્સ વધવાની સાથે ગીગ ઇકોનોમી પણ વધી રહી છે.

ગયા વર્ષના આંકડા અનુસાર ભારતમાં ૭.૭ મીલીયન ગીગ વર્કર્સ છે જે આગામી પાંચ વર્ષમાં ૨૩.૫ મીલીયન પર પહોંચવાની સંભાવના છે કેમકે દરેક ઉદ્યોગ ક્ષેત્રને ગીગ વર્કર્સ સાથે ફાવટ આવી ગઇ છે. ફાવટ એટલા માટે આવી છે કે નહીં કોઇ જોબ સિક્યોરીટી આપવાની કે નહીં કોઇ જવાબદારી સ્વિકારવાની તેમજ કામના પૈસા આપ્યા પછી છૂટા. 

વર્ષોથી આ સિસ્ટમ ચાલી આવતી હતી પરંતુ જ્યારે ૭.૭ મીલીયન લોકોની સંખ્યાની સલામતીની વાત આવી ત્યારે સરકાર સફાળી જાગી છે અને હવે તે લોકોની સિક્યોરીટી માટે પગલાં લેવાશે.

ગીગ વર્કર્સ એટલે છૂટા છવાયા અને કોઇ કામ માટે ધક્કા ખાતા લોકો. જ્યારે કોઇ વ્યક્તિ ટેમ્પરરી જોબ કરે, ફ્લેક્સીબલ જોબ કરે, ઉબર,ઓલા, સ્વિગી અને ઝોમેટો જેવી કંપનીમાં ડિલીવરી જેવું કામ કરતા હોય તે લોકો ગીગ વર્કર્સમાં આવે છે. બિઝનેસ ક્ષેત્ર કામ કરનારાઓને ઉચ્ચક પૈસા આપીને પછી મુક્ત કરી દે છે અને તેમનું ત્યારે કામ પડે ત્યારે બોલાવતા હોય છે. 

અનેક કંપનીઓ પોતાને ત્યાં કામ કરતા લોકોને કોન્ટ્રાક્ટ બેઝ પર વઘુ રાખે છે. કેમકે તેમના ભવિષ્યની જવાબદારી સ્વિકારવા તે કંપની તૈયાર નથી હોતી.

આપણે ત્યાં જેને ગીગ ઇકોનોમી કહી છે તેની પાછળ ટેમ્પરરી કામ કરતા લોકોની ઇકોનોમી રહેલી છે. પરંપરાગત રીતે કામ કરતા કર્મચારીઓ સિવાયનાઓને ગીગ વર્કરમાં મુકવામાં આવે છે.

ગીગ અને પ્લેટફોર્મ ઇકોનોમી સમજવા જેવી છે. તેને ફ્રીલાન્સ ઇકોનોમી પણ કહે છે. છૂટક કામ કરતા લોકો કંપનીઓ માટે બહુ મહત્વના હોય છે. તેમને તેમના કામના પૈસા આપીને છૂટા કરી દેવાય છે. નથી તો તેમનુ નામ કંપનીના હિસાબોમાં હતું કે નથી તો તેમને બેસવાની કોઇ કાયમી જગ્યા અપાતી.

કેટલીક  કંપનીઓ ગીગ વર્કર્સને કાયમી જોબ આપે તો તેમને પ્રોવિડન્ટ ફંડ, ઇમર્જન્સી ફંડ તેમજ અન્ય સોશ્યલ સિક્યોરીટીના લાભ પણ આપવા પડે. તેમજ આંઠ કલાકની શિફ્ટ,મીનીમમ વેજ, હેલ્થ ઇન્સ્યોરન્સ વગેરે ફરજીયાત પણે આપવું પડે. હાલમાં તો આ લોકો બાપડા-બિચ્ચારાઓની યાદીમાં આવે છે.

પ્લેટફોર્મ ઇકોનોમી ડિજીટલ પ્લેટફોર્મ બિઝનેસ સાથે જોડાયેલી છે. દેશના આર્થિક તંત્રને વેગવંતુ બનાવવા માટે પણ ગીગ વર્કર જરૂરી છે. કોઇ પણ વિકસિત બિઝનેસનું તે મહત્વનું અંગ છે. વિશ્વમાં ગીગ વર્કર્સની ડિમાન્ડ પણ તેમને સવલતો આપવા કોઇ તૈયાર નથી.


Google NewsGoogle News