વિશ્વમાં વસતી વધારા અને આર્થિક વૃદ્ધિ દર વચ્ચે પ્રવર્તતું અંતર
- અર્થકારણના આટાપાટા-ધવલ મહેતા
- વસતી વધારાની બાબતમા ચીન અને ભારતે બીજા વિશ્વયુદ્ધ બાદ હદ કરી નાખી છે
- બીજા વિશ્વયુદ્ધ બાદ દક્ષિણ કોરિયાની શિક્ષણ, આરોગ્ય અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ
જગતની વસતી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. ઇ.સ. ૨૦૨૨ના મધ્યમા જગતની માનવવસતી ૮૦૦ કરોડ હતી જે હવે ઓક્ટોબર ૨૦૨૪માં ૮૧૮.૧૪ કરોડ પર પહોંચી ગઈ છે. અલબત્ત વિશ્વમાં વસતી વધારાનો દર એક ટકાથી નીચે છે અને જગતમા આર્થિક વૃદ્ધિનો સરાસરી દર લગભગ ત્રણ ટકા છે તેમ છતા એક બાબત ચોક્કસ છે કે વસતી વધારાની બાબતમા ચીન અને ભારતે બીજા વિશ્વયુદ્ધ બાદ હદ કરી નાખી છે. ભારતને આઝાદી મળી ત્યારે તેની વસતી ૩૬.૧ કરોડ હતી જે ૨૦૧૧મા વધીને ૧૨૧ કરોડ પર પહોંચી ગઈ અને ૨૦૨૪મા તે ૧૪૫ કરોડ પર પહોંચી ગયાનો અંદાજ છે.
૨૦૨૧ની ભારતમા વસતી ગણતરી મોકૂફ રાખવામા આવી હોવાથી અત્યારે ભારતની વસતી ૧૪૫ કરોડ હશે તે અંદાજીત સંખ્યા છે. ૨૦૧૧ના સેન્સસ પ્રમાણે ભારતની ૧૨૧ કરોડની વસતીમા ૯૬.૬૩ કરોડ હિન્દુ ૧૩.૨૨ કરોડ મુસ્લીમ, ૨.૭૮ કરોડ ખ્રીસ્તી અને ૪૪.૫ લાખ જૈનોની વસતી હતી. ચીન હવે જગતનો સૌથી વસતીવાળો દેશ રહ્યો નથી. તે માન (કે અવમાન) ભારતને ફાળે જાય છે. ખરેખર તો ચીનની વન ફેમીલી વન ચાઈલ્ડ પોલીસીને કારણે ૨૦૨૨મા ચીનની વસતી ૧૪૧.૮૪ કરોડ નોંધાઈ છે જે ભારતની વસતી કરતા ઓછી છે. ભારત વસતીની રીતે જગતમા નંબર ૧ સ્થાન પર છે તે ગૌરવની નહીં પરંતુ નામોશીની બાબત છે.
મલ્ટીડાયમેન્શનલ પોર્વટી
જગતમા સૌથી વધુ બહુપરીમાણીય ગરીબોની વસતી ભારતમાં છે. ઇ.સ. ૨૦૧૩મા મનમોહનસીંઘની સરકારે નેશનલ ફુડ સીક્યુરીટી એક્ટની રચના કરીને ભારતમા અન્નના ક્ષેત્રે કલ્યાણ રાજ્યની દીશામા પ્રથમ પગલા માડયા. અલબત્ત અટલ બિહારી વાજપાઈ સરકારે (૧૯૯૮-૨૦૦૪) પબ્લીક ડીસ્ટ્રીબ્યુશન સીસ્ટમ હેઠળ ગરીબોને મફત અનાજ મળે તે માટે અંત્યોદય યોજનાની રચના કરી હતી. તે પછી અત્યારની મોદી સરકારે આ યોજનાને વધુ બહોળી અને સર્વસમાવેશક બનાવી. ભારતનુ નીતિઆયોગ જણાવે છે કે ૨૦૧૩-૨૦૨૪મા ભારતા બહુઆયામી ગરીબી ૨૯.૧૩ ટકા હતી જે ૨૦૨૨-૨૦૨૩મા ઘટીને માત્ર ૧૧.૨૮ ટકા પર પહોંચી ગઈ છે. ભારત સરકાર ફુડ અને ફર્ટીલાઇઝર પર અપાતી સબસીડી પાછળ જંગી ખર્ચો કરી રહી છે. ભારતમા ૮૦ કરોડથી પણ વધુ લોકોને અમુક મર્યાદામા મફત અનાજ મળે છે. જ્યારે ભારતમા બહુઆયામી ગરીબી ૨૯.૧૩ ટનથી ઘટીને ૧૧.૨૮ ટકા થઇ ગઈ છે. જો ૧૧.૨૮ ટકાને નહી પરંતુ તેનાથી પણ વધારે એટલે કે ૧૫ ટકાને મફત અનાજ આપવામા આવે અને બાકીની રકમ શીક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ ખર્ચવામાં આવે તો ભારતની શાળાઓ અને કોલેજોમા કેટલી ઊંચી ગુણવત્તાવાળુ શીક્ષણ આપી શકાય અને પ્રાથમીક શીક્ષણને હેરો એન્ડ કેમ્બ્રીજ જેવું બનાવી શકાય ?
ભારતના છેલ્લા બજેટમાં ફર્ટીલાઇઝર ડીપાર્ટમેન્ટનું બજેટ એક લાખ ચોસઠ હજાર એકસો એકાવન (૧,૬૪,૧૫૧)નુ છે અને મફત અનાજ માટેનું અનાજ બે લાખ પાંચહજાર બસો પચાસ (૨,૦૫,૨૫૦) કરોડ રૂપિયાનુ છે. ભારતના લોકોનું એક કમનસીબ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો ગરીબોને પ્રાથમિક શીક્ષણથી માડીને યુનિવર્સિટી સુધીનુ ફર્સ્ટ રેટ શીક્ષણ અને માદાને માટે ફર્સ્ટ રેટ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડી શકતુ નથી. દક્ષિણ કોરિયા એ બીજા વિશ્વયુદ્ધબાદ ૧૯૫૦મા એક ગરીબ દેશ હતો તેણે અદ્ભૂત આર્થિક પ્રગતિ સાધી છે અને તેણે લોકોને સર્વોત્તમ શીક્ષણ સેવાઓ અને સર્વોત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડીને આર્થિક ચમત્કાર સર્જ્યો છે. તેવુ જ તૈવાનનુ છે જેને હવે ચીન પડાવી લેવા માગે છે.