ભારતના જીડીપીમાં ડિજિટલ ઈકોનોમીનું યોગદાન 20 ટકાથી વધુ હશે
- વિદેશી રોકાણકારો ભારતમાં GenAI, EV, ફીનટેક સહિતના ક્ષેત્રોમાં મોટાપાયે રસ લેતા થશે
ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક્સે વર્ષ ૨૦૨૩માં અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચવા સાથે સારું પ્રદર્શન કર્યું હતું. હવે વર્ષ ૨૦૨૪માં વિદેશી રોકાણકારોનો વધુ રસ ટેક ઈનોવેશન અને આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ, હેલ્થકેર અને વીમા, ફિનટેક, રિન્યુએબલ એનર્જી અને ક્લાઈમેટ ટેક, ઇલેક્ટ્રિક વાહનો અને ઓટોમોબાઈલમાં જોવા મળશે એવું નાણાકીય નિષ્ણાંતોનું કહેવું છે.
આ તમામ ક્ષેત્રો ૨૦૨૩માં સતત સફળતા માટે ટ્રેક પર રહ્યા હતા. કારણ કે તાજેતરના વર્ષોમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ સંબંધિત નીતિઓને ઉદાર બનાવવામાં આવી છે અને ઉત્પાદન-સંબંધિત પ્રોત્સાહક યોજનાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા વિદેશી રોકાણકારોને આકર્ષવાનું ચાલુ રાખશે કારણ કે લોકોના જીવન, શાસન અને એન્ટરપ્રાઇઝ કામગીરીમાં પરિવર્તન લાવવા માટે ટેક્નોલોજી આધારિત ઉકેલોની માંગ છે.
ઓનલાઈન ઉત્પાદનો અને સેવાઓની ઝડપથી વધી રહેલી માંગ નોન-મેટ્રો શહેરોમાં ભારતની વધતી જતી ખર્ચ શક્તિને દર્શાવે છે. સરકારનો અંદાજ છે કે વર્ષ ૨૦૨૬ સુધીમાં ભારતીય જીડીપીમાં ડિજિટલ ઈકોનોમીનું યોગદાન ૨૦ ટકાથી વધુ થઈ જશે.
ઉભરતા ઉદ્યોગો ૨૦૨૪માં રોકાણ વૃદ્ધિ તરફ દોરી જશે અને તેમાં બેટરી એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ, ગ્રીન હાઇડ્રોજન, બાયોટેકનોલોજી, એનિમેશન, વિઝયુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, એસેમ્બલી અને ડિઝાઇન, કોમિક્સ અને સેમિકન્ડક્ટર ચિપ્સનો સમાવેશ થાય છે.
વિદેશી કંપનીઓ ભારતીય બજારને ફાયદા તરીકે જોઈ રહી છે કારણ કે રાજ્ય સરકારો લવચીક બની રહી છે અને અત્યાધુનિક ટેક્નોલોજીને આકર્ષવા અને મોટા પાયે રોજગાર પેદા કરવા માટે સ્પર્ધાત્મક પ્રોત્સાહનો ઓફર કરી રહી છે.
વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં ભારતની ભાગીદારી વધારવી એ સરકાર અને સ્થાનિક બજારના હિસ્સેદારો માટે મુખ્ય ધ્યેય છે. મોબાઈલ ઈન્ડસ્ટ્રીનું અત્યાર સુધીનું નિકાસ પ્રદર્શન સપ્લાય ચેઈનમાં ઊંડા પ્રવેશ તરફનું પ્રથમ પગલું છે.
વધુમાં, ભારતે તેની કાર્બન ઘટાડવાની પહેલને વેગ આપ્યો છે કારણ કે તે નવીનીકરણીય ઉર્જા તરફ આગળ વધે છે અને ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
ભારતનો ગ્રીન ઉદ્યોગ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં વર્તમાન ૧.૮૫ કરોડથી ૩૭ લાખ નોકરીઓ ઉમેરી શકે છે. રિન્યુએબલ એનર્જી, પર્યાવરણ, આરોગ્ય સલામતી, સૌર ઉર્જા, સીએસઆર અને ટકાઉપણું સૌથી વધુ માંગમાં રહેલી કુશળતા છે.
દરમિયાન ભારતમાં સ્ટાર્ટઅપ ફંડિંગ ૨૦૨૨માં રૂ. ૧,૮૦,૦૦૦ કરોડની સરખામણીએ ૨૦૨૩માં ૬૨ ટકાથી વધુ ઘટીને રૂ. ૬૬,૯૦૮ કરોડ થયું હતું. ભારતમાં સ્ટાર્ટઅપ્સે ૨૦૧૮માં રૂ. ૧,૦૦,૯૩૦ કરોડ ઊભા કર્યા ત્યાર પછીના આ સૌથી ઓછા ભંડોળના આંકડા છે. ૨૦૨૧માં સૌથી વધુ ભંડોળ ૨,૪૧,૭૮૭ કરોડ રૂપિયા એકત્ર થયું હતું તેમ પ્રાઈવેટ સર્કલના અહેવાલમાં જણાવાયું છે.
૨૦૨૨ માં ૫,૧૧૪ સોદાની સરખામણીમાં ૨૦૨૩ માં ફંડિંગ ડીલ વોલ્યુમ તીવ્ર ૭૨ ટકા ઘટીને ૧,૪૪૪ સોદા થઈ ગયું છે. આ ૨૦૧૮ પછીનો સૌથી ઓછો આંકડો પણ છે, જ્યારે સોદાઓની કુલ સંખ્યા ૪,૧૨૨ હતી. ભારતમાં યુનિકોર્નના નિર્માણમાં પણ મંદી જોવા મળી હતી.