Get The App

ઝવેરી બજારમાં સામી સંક્રાત છતાં તેજીનો ચમકારોઃ સોનું રૂ.80,000 પારઃ ચાંદી ઉછળી રૂ.91,000 સુધી પહોંચી

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
ઝવેરી બજારમાં સામી સંક્રાત છતાં તેજીનો ચમકારોઃ સોનું રૂ.80,000 પારઃ ચાંદી ઉછળી રૂ.91,000 સુધી પહોંચી 1 - image


- બુલિયન બિટ્સ - દિનેશ પારેખ

- યુએસમાં જોબગ્રોથના ડેટા સારા આવતાં ત્યાં હવે પછી વ્યાજ દરમાં ઘટાડો ધીમો પડશેઃ ક્રૂડ ઉછળતાં વૈશ્વિક સોનાની તેજીને મળેલું પીઠબળઃ રૂપિયો ગબડયો

દેશના ઝવેરીબજારોમાં સોના- ચાંદીના ભાવમાં તાજેતરમાં તેજીનો પ્રવાહ આગળ વધ્યાના વાવડ મળ્યા હતા. વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવ ઉંચા જતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો વધુ ગબડતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ છે અને તેની અસર ઝવેરીબજાર પર જોવા મળી હતી એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. જોકે કમુરતાના માહોલમાં ઝવેરીબજારોમાં નવી માગ ધીમી જોવા મળી છે તથા આગળ ઉપર ઊતરાણ પછી બજારમાં માગ ફરી વધવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ઉંચકાઈ ૧૦ ગ્રામના ઉંચામાં રૂ.૮૦ હજારની ઉપર રૂ.૮૦૫૦૦ સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ વધી કિલોના રૂ.૯૦ હજારની ઉપર ગયા હતા. વિશ્વબજારમાં સોનામાં ફંડોનું એકટીવ બાઈંગ દરેક ઘટાડે આવી રહ્યાના વાવડ મળ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ઉછળી ઉંચામાં ૨૬૮૬ ડોલર સુધી પહોંચ્યાના નિર્દેશો તાજેતરમાં મળ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ ભાવ ઉછળતા જોવા મળ્યા હતા. જોકે ટ્રેડીંગ વોલ્યુમ ધીમું રહ્યું હતું. દરમિયાન, વૈશ્વિક ચાંદીના ભાવ જે તાજેતરમાં ઔંશના નીચામાં ૩૦ ડોલરની અંદર ઉતરી ગયા હતા તે ત્યારબાદ ઝડપી ઉંચકાઈ ફરી ૩૦ ડોલરની સપાટી પાર કરી ઉંચામાં ભાવ ૩૦.૫૧ ડોલર સુધી પહોંચ્યા હતા.

દરમિયાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૨૧થી ૯૨૨ ડોલરવાળા ઉંચકાઈ ૯૬૮ ડોલર સુધી પહોંચ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૯૨૦ વાળા ઉંચામાં ૯૩૩થી ૯૩૪ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જે તાજેતરમાં ટનદીઠ ઘટી ૮૯૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા તે ત્યારબાદ ફરી વધી ૯૦૦૦ ડોલરની ઉપર જઈ ૯૧૦૦ ડોલરની નજીક ત્રણ મહિનાના વાયદાના ટ્રેડ થતા જોવા મળ્યા હતા. વૈશ્વિક કોપર વધતાં વૈશ્વિક ચાંદીના ભાવ પર પોઝીટીવ અસર દેખાઈ હતી. જ્યારે વૈશ્વિક ક્રૂડતેલ ઉંચકાતાં વૈશ્વિક સોનાની તેજીને પીઠબળ મળ્યું હતું.

વિશ્વબજારમાં તાજેતરમાં બ્રેન્ટક્રૂડતેલના ભાવ વધી બેરલના ઉંચામાં ૮૦  ડોલર નજીક ગયાના નિર્દેશો મળ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ઘટયાના સમાચાર હતા. જોકે ત્યાં ગેસોલીનનો સ્ટોક વધતાં વૈશ્વિક ક્રૂડતેલમાં વિતેલા સપ્તાહના ઉત્તરાર્ધમાં ભાવ ઉંચા મથાળેથી ધીમા ઘટાડા પર રહ્યાના વાવડ પણ મળ્યા હતા. અમેરિકામાં ગેસોલીનનો સ્ટોક ૬૩ લાખ બેરલ્સ વધ્યાના વાવડ હતા. વિશ્વબજારમાં શુક્રવારે મોડેથી બ્રેન્ટક્રૂડના ભાવ ૮૦.૫૪ ડોલર રહ્યા હતા.

દરમિયાન, ભારતમાં થતી સોનાની આયાતના આંકડાઓના સંદર્ભમાં તાજેતરમાં મોટો છબરડો બહાર આવતાં ઝવેરીબજારમાં તે વિષયક ખાસ્સી ચર્ચા જન્મી હતી. આ પૂર્વે સરકારે એવી જાહેરાત કરી હતી કે દેશમાં નવેમ્બરમાં સોનાની આયાત વધી ૧૪ અબજ ૮૬ લાખ  ડોલરની સપાટીએ પહોંચી હતી. જોકે એ વખતે સરકારની આવી જાહેરાત વચ્ચે દેશમાં વેપાર ખાધમાં ખાસ્સી વૃધ્ધિ થઈ ગઈ હતી અને તેની અસર કરન્સી બજારમાં રૂપિયા પર પણ પડી હતી. જોકે તાજેતરમાં હવે આ પ્રશ્ને સરકારે ફેરવી તોળ્યું છે અને જણાવ્યું છે કે નવેમ્બરમાં દેશમાં સોનાની આયાત ૧૪ અબજ ૮૬ લાખ ડોલર નહિ પરંતુ ૯ અબજ ૮૪ લાખ બેરલ્સ જેટલી થઈ છે. સરકારની આવી જાહેરાત પછી વેપાર ખાધના આંકડાઓ પણ બદલાયા છે. હવે નવા આંકડાઓ બહાર પાડવામાં આવતાં દેશમાં ૨૦૨૪માં એપ્રિલથી નવેમ્બર દરમિયાનની સોનાની આયાત જે આ પૂર્વે ૪૯ અબજ આઠ લાખ ડોલર મનાઈ હતી તે હવે ઘટી ૩૭ અબજ ૩૮ લાખ ડોલર મૂકાઈ છે. કવોન્ટીટીના સંદ્રભમાં આ ગાળામાં સોનાની આયાતના આકડાઓમાં ૧૩૦થી ૧૪૦ ટનનો તફાવત પડી ગયો છે. જોકે સરકારે આંકડાઓ મેળવવામાં શું કારણે તફાવત સર્જાયો તે વિશે કોઈ ચોખવટ કરી નથી તથા કોઈ કારણ પણ આપ્યું નથી પરંતુ ઝવેરીબજારોના જાણકારોના જણાવ્યા મુજબ હકીકતમાં સોનાની આયાતના આંકડા કદાચ સરકારી અધિકારીઓ દ્વારા ડબલ વખત ગણી કાઢવામાં આવ્યા હતા! સોનાની મોટી આયાતના આંકડા નવેમ્બરમાં બહાર પાડવામાં આવ્યા હતા ત્યારે દેશની વેપાર ખાધ તેના પગલે ઝડપી વધી ૩૭ અબજ ૮૪ લાખ ડોલરના રેકોર્ડ મથાળે પહોંચી ગઈ હતી. જોકે હવે તેમાં આશરે પાંચ અબજ ડોલરનો ઘટાડો થયો છે!

ગયા વર્ષે બજેટમાં નાણાંપ્રધાને સોનાની આયાત પરની જકાત નોંધપાત્ર ઘટાડી દેતાં ગયા વર્ષે ફેબુ્રઆરી પછીના ગાળામાં દેશમાં સોનાની આયાતમાં ખાસ્સી વૃધ્ધિ જોવા મળી હતી.

દરમિયાન, અમેરિકામાં બેરોજાગરીના દાવા જોબલેસ કલેઈમ્સ ૨ લાખ ૧૧ હજારથી ઘટી ૨ લાખ૧ હજાર આવતાં આવા દાવાઓ ઘટી ૧૧ મહિનાના તળીયે ઉતરી ગયાના સમાચાર આવ્યા હતા. ત્યાં બેરોજગારીના દાવા ઘટતાં જોબ માર્કેટમાં મજબુતાઈ જોવા મળી છે. ત્યાં આગળ ઉપર ફુગાવો ઉંચો રહેવાની શક્યતાં જોતાં ત્યાં હવે પછી થનારો વ્યાજ દરમાં ઘટાડો ધીમો પડી જવાની શક્યતા છે અને તેના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં આવતા ઉછાળા કદાચ ઉભરા જેવા સાબીત થાય એવી ભીતી પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. ત્યાં સપ્તાહના અંતે પેરોલના જોબગ્રોથના આંકડા પણ સારા આવ્યા હતા.


Google NewsGoogle News