રિઝર્વ બેન્ક દ્વારા ઊંચા ડિવિડન્ડ બાદ રેટિંગ વધારવા રાજકોષિય શિસ્તતા પ્રથમ શરત
સોવેરિન રેટિંગના અપગ્રેડના કિસ્સામાં વિદેશી રોકાણને આકર્ષવામાં મદદ મળે છે
દે શમાં લોકસભાની ચૂંટણી વચ્ચે જ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ નવી સરકાર સત્તા પર આવે તે પહેલા જ તેને રૂપિયા ૨.૧૦ લાખ કરોડની રકમ ડિવિડન્ડ પેટે ચૂકવી દીધી છે. વર્તમાન નાણાં વર્ષ માટેના વચગાળાના બજેટમાં સરકારે ડિવિડન્ડ પેટે અંદાજે રૂપિયા એક લાખ કરોડ પ્રાપ્ત થવાની ધારણાં મૂકી હતી જેની સામે રૂપિયા ૨.૧૦ લાખ કરોડ આવ્યા છે. આટલી જંગી રકમ હાથમાં આવતા સત્તા પર આવનારી નવી સરકાર તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના પર વિશ્લેષકો ઉપરાંત વૈશ્વિક રેટિંગ એજન્સીઓની પણ નજર રહેલી છે. રાજકોષિય ખાધ ઘટાડવા માટે સરકારની તિજોરીમાં આવક થતી રહે તે જરૂરી છે. જંગી ડિવિડન્ડને કારણે સરકારની રાજકોષિય સ્થિતિ સુધરશે અને ખાધ નીચે આવશે તેવી ગણતરી મૂકીને દેશનું સોવેરિન રેટિંગનું સ્તર વધશે તેવી ચર્ચાએ જોર પકડયું છે, પરંતુ મુખ્ય રેટિંગ એજન્સીઓ જે દેશના રેટિંગ પૂરા પાડે છે તેમણે હાલમાં અલગ સૂર દર્શાવ્યો છે. રિઝર્વ બેન્ક દ્વારા સરકારને પૂરા પડાયેલા જંગી ડિવિડન્ડસનો કેન્દ્રમાં સ્થપાનારી નવી સરકાર કેવો ઉપયોગ કરે છે તેના પર ભારતના સાર્વભોમ રેટિંગનો આધાર રહેશે તેવો વિવિધ રેટિંગ એજન્સીઓ મત ધરાવી રહી છે. જો કે વૈશ્વિક રેટિંગ એજન્સી એસએન્ડપીએ ભારતના અર્થતંત્ર માટેના આઉટલુકને સ્ટેબલમાંથી સુધારી પોઝિટિવ કર્યું છે અને રેટિંગ બીબીબી- રાખ્યું છે. મજબૂત આર્થિક વિકાસ અને સરકારી ખર્ચની ગુણવત્તામાં સુધારાને ધ્યાનમાં રાખી આઉટલુકમાં સુધારો આવી પડયો છે.
રૂપિયા ૨.૧૦ લાખ કરોડના ડિવિડન્ડની મધ્યમ ગાળે રાજકોષિય શિસ્તતા પર મર્યાદિત અસર જોવા મળવાની ધારણાં છે. ભારતના રેટિંગ પર પોઝિટિવ અસર ત્યારે જોવા મળશે જ્યારે ખાધમાં સ્થિર ઘટાડો જોવા મળશે એમ રેટિંગ એજન્સી ફીચના એક રિપોર્ટમાં જણાવાયું હતું. આવક વધારવાના મજબૂત પગલાં મારફત ખાધમાં સતત ઘટાડો દેશના રેટિંગમાં સુધારા માટે પોઝિટિવ બની શકે છે. નાણાં વર્ષ ૨૦૨૬ સુધીમાં રાજકોષિય ખાધ ઘટાડી જીડીપીના ૪.૫૦ ટકા પર લાવવા સરકારે ટાર્ગેટ મૂકયો છે.
ધારણાં કરતા વધુ ડિવિડન્ડ પ્રાપ્ત થતાં સરકારે વર્તમાન નાણાં વર્ષમાં બોરોઈંગ ઓછું કરવું પડશે જેને કારણે ખાધ નીચે લાવવામાં મદદ મળશે એમ એક વિશ્લેષકે પોતાના મતમાં જણાવ્યું હતું. ધારણાં કરતા વધુ રકમ પ્રાપ્ત થતાં વર્તમાન નાણાં વર્ષમાં નવી સરકારને મૂડીખર્ચમાં વધારો કરવાનો અવકાશ મળી રહેશે એવી પણ ધારણાં મૂકવામાં આવી રહી છે. મૂડી'સ રેટિંગ્સે જણંાવ્યું હતું કે ડિવિડન્ડ મારફત થયેલી વધુ આવકનું નવી સરકાર શું કરે છે તેના પર પણ રાજકોષિય અસરનો ઘણો આધાર રહેલો છે. આ વધારાની આવકનો ઉપયોગ સરકાર રાજકોષિય ખાધ ઘટાડવા માટે કરશે તો તેને સોવેરિન રેટિંગ વધારવામાં મદદ મળી રહેશે એમ એસએન્ડપી ગ્લોબલે ડિવિડન્ડની જાહેરાત બાદ જણાવ્યું હતું.
સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કેન્દ્ર સરકારને રૂપિયા ૨.૧૦ લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવવા તેની બોર્ડ મીટિંગમાં નિર્ણય કર્યો હતો. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ ૨૦૨૩-૨૪નું ડિવિડન્ડ ૧૪૦ ટકા વધુ છે. વિવિધ વૈશ્વિક એજન્સીઓ દ્વારા ભારતને હાલમાં અલગઅલગ રેટિંગ્સ અપાયેલા છે.
સોવેરિન રેટિંગના અપગ્રેડના કિસ્સામાં દેશમાં વિદેશી રોકાણને આકર્ષવામાં મદદ મળી શકે છે દેશમાં ઈન્વેસ્ટમેન્ટ માટે વિવિધ રાષ્ટ્રો સાથે આપણા નીતિવિષયકો સતત સંપર્કમાં રહેતા હોય છે ત્યારે ભારત માટે હાલમાં રાજકોષિય સ્થિતિ થોડીઘણી સાનુકૂળ બની છે. દેશના શેરબજારોમાં આવેલી રેલીએ આંતરિક રોકાણકારોનું માનસ સુધાર્યું છે અને રેટિંગ એજન્સીના કોઈપણ પોઝિટિવ રેટિંગ્સ વિદેશી રોકાણકારોને ભારતમાં રોકાણ કરવાની તેમની ઈચ્છાને બળ આપશે. ભારત લાંબા સમયથી વિશ્વની રેટિંગ એજન્સીઓ સમક્ષ પોતાની બાજુ રજુ કરતું આવ્યું છે. દેશનું અર્થતંત્ર સુધરી રહ્યું છે અને રાજકોષિય સ્થિતિ પણ મજબૂત બની રહી છે તે તરફ એજન્સીઓનું અવારનવાર ધ્યાન દોરવામાં આવતું હોય છે.
ભારત સરકારના આર્થિક સુધારામાં રાજકીય હીતો રુકાવટ બની શકે છે એ વૈશ્વિક રેટિંગ એજન્સીઓ સારી રીતે સમજે છે. આપણા દેશના અટપટા રાજકીય માળખાને કારણે કોઈપણ સરકાર આર્થિક સુધારા કાર્યક્રમને પોતાની ઈચ્છા પ્રમાણે અંતિમ સ્તર સુધી લઈ જતાં હાંફી જાય છે. વિવિધ ક્ષેત્રોમાં એફડીઆઈ મર્યાદા વધારવાની હિલચાલ સામે અગાઉ જોવાયેલા વિરોધ તેનું ઉદાહરણ છે. લોકસભામાં બહુમતિ ધરાવતી સરકારે ક્યારે ક રાજ્યસભામાં લઘુમતિને કારણે કાર્યક્રમને આગળ ધપાવવામાં ઘણો જ સમય આપવો પડે છે. જીએસટીનો અમલ કરાવવામાં સરકારે અનેક પક્ષોને મનાવવામાં ઘણો જ સમય વેડફવો પડયો હતો. કેન્દ્ર દ્વારા ઘડી કઢાયેલા નવા શ્રમ કાયદાનો અમલ રાજ્યોની આડોડાઈને કારણે શકય બન્યો નથી.ભારત જેવા લોકશાહી દેશમાં અતિ આવશ્યક સિવાયના સુધારાને આગળ ધપાવવા માટે સરકારો માટે કપરી કવાયત બની રહી છે.
રાજકોષિય શિસ્તતા સુધારવા ભારતના પ્રયાસો રેટિંગ એજન્સીમાં ભારત માટે પોઝિટિવ મત ઊભો કરી શકે છે. આ હકારાત્મક મત ત્યારે જ ઊભો થશે જ્યારે સરકારના હાથમાં આવેલી વધારાની રકમનો દેશની ખાધ ઘટાડવા માટે ઉપયોગ કરાશે.
કોઈ દેશના રેટિંગ્સ તે દેશના ઉદ્યોગો માટે પણ મહત્વના બની રહે છે. વિદેશમાંથી નાણા ંઊભા કરવા જતી કંપનીઓ તે કયા દેશની છે અને તે દેશની સાર્વભોમતા કેટલી સદ્ધર છે તેનો વૈશ્વિક રોકાણકારો કયાસ મેળવતા હોય છે. ડિવિડન્ડ મારફતની જંગી આવક બાદ નવી સરકાર માટે નીતિઓનું સંભાળપૂર્વક સંચાલન જરૂરી બની જશે. ખાસ કરીને નિકાસ નીતિને પ્રોત્સાહક બનાવવી પડશે કારણ કે ઊંચી નિકાસ વગર આર્થિક વિકાસ શકય નથી અને નબળો વિકાસ દર દેશના રેટિંગને નીચે લઈ જતા વાર નહીં લાગે એ પણ એક હકીકત છે.