રૂમાં નવો પાક ઘટવાની ભીતિ .
- ઊભી બજારે - દિલીપ શાહ
- જોકે નવેમ્બર મહિનામાં પાકનું ચિત્ર વધુ સ્પષ્ટ થવાની શક્યતા ઃ સપ્ટેમ્બર અંતે સ્ટોક ૩૦ લાખ ગાંસડીથી સહેજ વધુ નોંધાયા
દેશમાં કોટન બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. માગ જળવાઈ રહી છે. દિવાળીના તહેવારો પર બજારની નજર મંડાઈ છે. કોટનમાં ૨૦૨૪-૨૫ની નવી મોસમ શરૂ થઈ છે ત્યારે ૨૦૨૩-૨૪ની કોટનની બેલેન્સશીટ પણ સામે આવી છે. આ બેલેન્સશીટ મુખ્ય દેશમાં ૨૦૨૩-૨૪ની નવી મોસમ શરૂ થઈ ત્યારે આરંભમાં ઓકટોબર ૨૦૨૩ના આરંભમાં કોટનનો સિલ્લક સ્ટોક ૨૮ લાખ ૯૦ હજાર ગાંસડીનો નોંધાયો હતો. (એક ગાંસડીમાં ૧૭૦ કિલો કોટન આવે છે) તથા ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ના અંતે દેશમાં કોટનનું કુલ પ્રેસિંગ ૩૨૫ લાખ ૨૯ હજાર ગાંસડીનું નોંધાયું છે. આ ગાળામાં દેશમાં રૂની આયાત ૧૭ લાખ ૫૦ હજાર ગાંસડી તથા કુલ ઉપલબ્ધ પુરવઠો ૩૭૧ લાખ ૬૯ હજાર ગાંસડીનો નોંધાયો હતો. આની સામે આ ગાળામાં સપ્ટેમ્બર ૨૦૨૪નાં અંત સુધીમાં દેશમાં રૂનો વપરાશ ૩૧૩ લાખ ૫૦ હજાર ગાંસડીનો નોંધાયો હતો તથા આ ગાળામાં નિકાસ શિપમેન્ટો ૨૮ લાખ ૫૦ હજાર ગાંસડીના થતાં મિલો પાસે સિલ્લક સ્ટોક સપ્ટેમ્બર અંતે આશરે ૧૮ લાખ ગાંસડીનો નોંધાયો હોવાનું કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત સપ્ટેમ્બર અંતે સીસીઆઈ, મહારાષ્ટ્ર ફેડરેશન, મલ્ટી નેશનલ કંપનીઓ, ટ્રેડરો તથા નિકાસકારો પાસે રૂનો સિલ્લક સ્ટોક આશરે ૧૧ લાખ ૬૯ હજાર ગાંસડીનો અંદાજવામાં આવ્યો હતો. દેશમાં ૨૦૨૨-૨૩ની મોસમમાં રૂનો કુલ ઉપલબ્ધ પુરવઠો ૩૫૫ લાખ ૪૦ હજાર ગાંસડી નોંધાયો હતો તે ૨૦૨૩-૨૪ની રૂ મોસમમાં વધી ૩૭૧ લાખ ૬૯ હજાર ગાંસડીનો નોંધાયો છે.
રૂમાં સ્થાનિક વપરાશ તથા નિકાસના આંકડાઓ પણ ઉપર જતા જોવા મળ્યા હતા. ૨૦૨૨-૨૩માં દેશમાં રૂનો વપરાશ તથા નિકાસ મળીને આંકડો ૩૨૬ લાખ ૫૦ હજાર ગાંસડીનો નોંધાયો હતો તે આંકડો ૨૦૨૩-૨૪ની રૂ મોસમમાં સપ્ટેમ્બર અંત સુધીમાં વધીને ૩૪૧ લાખ ૫૦ હજાર ગાંસડીનો નોંધાયાના વાવડ મળ્યા હતા. સપ્ટેમ્બર અંતે દેશમાં રૂનો સિલ્લક સ્ટોક આશરે ૩૦ લાખ ૧૯ હજાર ગાંસડી આસપાસ અંદાજવામાં આવ્યો છે. દરમિયાન, સાઉથ ઝોનમાં તેલંગણા સિવાયના આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા તામિલનાડુમાં કોટનનું પ્રેસિંગ ઘટયું છે સામે તેલંગણામાં આવું પ્રેસિંગ ખાસ્સું વધી જતાં આ ત્રણે રાજ્યોની પીછેહટ તેલંગણાના પ્રેસિંગમાં સરભર થઈ ગઈ હોવાની ચર્ચા રૂ બજારમાં તાજેતરમાં સંભળાઈ હતી.
દરમિયાન નવી સિઝન ૨૦૨૪-૨૫ માટે કપાસના ઉત્પાદનને લગતી બાબતે દ્વીધાભક્ષ સ્થિતિ દર્શાવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજી સુધી વરસાદ કેડો મૂકતો ન હોવાથી તથા ખેડૂતો સારા વળતરની આશાએ અન્ય પાકોનાં વાવેતર તરફ વળ્યા હોવાથી વાવેતરનો વિસ્તાર ઘટયો છે. હેકટર દીઠ પેદાશ ઉત્તરોત્તર ઘટતી જોવાઇ છે. નવેમ્બર મહિનામાં ચિત્ર વધુ ક્લિયર થાય એવું લાગે છે. એમ સૂત્રોએ કહ્યું હતું. દેશમાં રૂનો નવો પાક આશરે ૨૩ લાખ ગાંસડી ઓછો આવવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે.
દેશમાં આ વર્ષે સપ્ટેમ્બર મધ્યમાં પજાબ બાજુ નવા કપાસની આવકો શરૂ થઈ ગઈ હતી. ભાટીંડા ખાતે સપ્ટેમ્બર મધ્ય આસપાસ નવા કપાસના ભાવ આરંભમાં કિવ.ના રૂ.૭૧૫૦થી ૭૧૫૫ આસપાસ નિકળ્યા હતા. ૨૭.૫૦થી ૨૮.૫૦ એમએમ પ્રકારના કપાસમાં સરકારના લઘુત્તમ ટેકાના ભાવ રૂ.૭૪૨૧ રહ્યા હતા. આ ટેકાના ભાવનો અમલ ૧લી ઓકટોબરથી શરૂ થયો છે. જ્યારે ૩૦મી સપ્ટેમ્બર સુધીના સરકારના ટેકાના ભાવ રૂ.૬૯૨૦ રહ્યા હતા. દરમિયાન, ગ્લોબલ ઓર્ગેનિક ટેક્સટાઈલ સ્ટાન્ડર્ડસ-જીઓટીએસના જણાવ્યા મુજબ ભારતની આશરે પાંચ કોટન કંપનીઓને પ્રતિબંધીત કરવામાં આવી છે. વિવિધ દસ્તાવેજો સાથે ચેડા કરવા માટે આ પ્રતિબંધ આ કંપનીઓ પર લાદવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. નોર્થ ઈન્ડિયામાં કોટન-યાર્ન સુતરની બજાર પણ સુસ્ત રહ્યાના નિર્દેશો મળ્યા હતા. નાણાં પ્રવાહિતા શેરબજાર તરફ વળતાં નોર્થના સુતર બજારોમાં નાણાંભીડ પણ દેખાઈ હતી.