ભારે વરસાદને કારણે ખરીફ પાકોને ભારે નુકશાનની ભીતિ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
ભારે વરસાદને કારણે ખરીફ પાકોને ભારે નુકશાનની ભીતિ 1 - image


- હળદર અઠવાડિયામાં ૧૫ ટકા તુટતાં રંગ ફિક્કો પડયો

ગુજરાતમાં ગયા અઠવાડિયે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ખરીફ પાકમાં મગફળી, કપાસ તથા કઠોળના વાવેતરને ભારે નુકશાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને ગંભીર અસરો થવાની ભીતિથી ખેડૂતવર્ગના પેટમાં તેલ રેડાયું છે. ખરીફ પાકોને કુદરતી નુકશાની થતાં સર્વે કરી સહાય આપવાની પણ માંગ ઉઠી છે. આ વર્ષે મગફળીનું વાવેતર વધ્યું છે. જ્યારે કપાસ તથા એરંડાના વાવેતરમાં થોડો ઘટાડો થયો છે સપ્ટેમ્બરમાં પણ લો-પ્રેસર સિસ્ટમના કારણે ચોમાસુ મહિનાના અંત સુધી લંબાય તેવી શક્યતાઓ વધુ છે. વધુ વરસાદને કારણે ઉનાળામાં વાવેલા ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ તથા કઠોળના પાકને પણ નુકશાન થઈ શકે તેમ છે.

જો કે દેશમાં વધુ વપરાશ ધરાવતા ઘઉ, ખાંડ તથા ચોખાની નિકાસ ઉપર વિવિધ પ્રકારના નિયંત્રણો લાદયા છે ગુજરાતની સાથે સાથે રાજસ્થાન તથા કર્ણાટકમાં પણ વધુ વરસાદને કારણે મગના પાકને મોટુ નુકશાન થયાના અહેવાલો છે. જેના લીધે આગામી સમયમાં કઠોળની બજારમાં તેજી થવાની શક્યતા વધુ છે. જો કે હાલમાં ચાલી રહેલી તહેવારોની સીઝનમાં ચણાની ઉછળતી માંગ સાથે અપૂરતા સપ્લાયને કારણે બજાર સતત વધી રહેતાં સરકાર માટે શિરદર્દ સમાન પ્રશ્ન બન્યો છે. દિવાળી પહેલાં ચણાની મોઘવારી અટકાવવા સરકારે અત્યારથી કવાયત શરૂ કરે છે જેમાં સરકાર પાસે પડેલો ચણાનો બફર સ્ટોકમાંથી પાંચેક લાખ ટન જેટલો ચણાનો જથ્થો ખુલ્લા બજારમાં મુકવા પ્રક્રિયા હાથ ધરી છે છેલ્લા પખવાડિયામાં ચણાની બજારમાં ૩૦૦ રૂપિયાના વધારા સાથે ભાવો પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૮૪૦૦ની સપાટી કુદાવી છે જે ગત વર્ષની તુલનાએ ૧૫૦૦ રૂપિયા વધુ છે. જો કે ચણાનો સ્ટોક વિદેશથી આયાત કરવા માટે લાગતી ૪૦ ટકા ડયુટીમાં પણ ફેરફાર કે નાબુદ કરી સમયસર પગલાં લેવાય તેવો અંદાજ છે.

દરમ્યાન મસાલા બજારમાં ચોમાસામાં સુસ્તીનો માહોલ છે. સૌરાષ્ટ્ર તથા કચ્છમાં ભારે વરસાદને પગલે મોટા ભાગના કૃષિ બજારોમાં મીની વેકેશન જેવો માહોલ છે. મસાલાની મુખ્ય ચીજ જીરામાં અપેક્ષિત સપ્લાયના અભાવે પ્રતિ મણે ૪૫૦૦ ની આસપાસની રેન્જ બાઉન્ડ લેવલે છે. જીરાની સમાંતર હળદરમાં પણ આ વર્ષે વધુ વાવેતર તથા લોકલ અને વિદેશી ડિમાન્ડ અપેક્ષિત નહિ રહેતાં બજારમાં મંદીનો માહોલ છવાયો છે. જો કે તહેવારોમાં માંગ વધે તેવી શક્યતાઓને પગલે હળદર વાયદો પ્રતિ ક્વિન્ટલે ૧૨૫૦૦ રૂપિયાથી નીચે નહિ જાય તેવી ધારણાઓ તેજ  છે. છેલ્લા છ થી સાત મહિનાઓમાં હળદર વેપારમાં પચાસ ટકા ઉપરાંતનું વળતર રહેતાં ખેડૂતો ફરી હળદરની ખેતી તરફ ફંટાયા છે. બાંગ્લાદેશના રાજકીય સંકટના કારણે હળદર તથા જીરા સહિત અનેક ચીજ વસ્તુઓની નિકાસ અટકી જતાં સ્થાનિક બજાર ઉપર અસર પડી છે. જેના લીધે હળદર બજાર ઝડપથી તુટી રહી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે મે માસમાં હળદર વાયદો પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૨૧૩૦૦ ની સપાટી પાર કરતાં તેજીનો માહોલ છવાયો છે.  ત્યારબાદ માંગ તુટતાં બજાર પણ ધીમે ધીમે ઘસાઈને ૧૩૦૦૦ ની સપાટીએ નીચે આવી છે. જો કે હળદરનો વપરાશ દેશ વિદેશમાં નોધપાત્ર રહ્યો છે. હળદરની નિકાસ સૌથી વધુ ભારતમાંથી થાય છે. હળદર વપરાશથી ઈમ્યુનીટી વધતી હોવાથી કોરોના બાદ તેની ડિમાન્ડ વધી છે. હળદરની ખેતી માટે સરકાર સબસીડી પણ આપે છે. હળદરની ખેતી દેશના વીસ જેટલા રાજ્યોમાં થાય છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્ર તથા તેલંગાણામાં થાય છે.

બીજી તરફ સોયાબીન ઓઈલ, મસ્ટર્ડ ઓઈલ તથા કેસ્ટર ઓઈલના વાયદાની જેમ હવે કોટન વોશ ઓઈલનો વાયદો પણ લોન્ચ થઈ રહ્યો છે. કોટન વોશ ઓઈલ વાયદો પણ કેશ સેટલ છે અને કડી તેનું મુખ્ય કેન્દ્ર જાહેર કર્યું છે. જો કે જાણકારોના મત પ્રમાણે કેશ સેટલ વાયદા અગાઉ જે જાહેર થયા તેમાં વેપારી વર્ગનો અપેક્ષિત ભાગદારી જણાઈ નથી. છેલ્લા દશેક વર્ષમાં સોયાબીન, મસ્ટર્ડ તથા કેસ્ટર ઓઈલના વાયદા શરૂ થયા અને વેપારના અભાવે તેઓની સ્થિતિ બંધ જેવી થઈ ગઈ છે. હવે ઉપરોક્ત કોટન વોશ ઓઈલનો વાયદો વેપારીવર્ગ માટે કેટલો લાભપ્રદ રહે છે તે આગામી સમયમાં ખબર પડે તેમ છે.


Google NewsGoogle News