ચૂંટણીઓ સમયે ટેકાના ભાવો વધારીને ખેડૂતોને દિવાળીની ભેટ અપાઈ
- એરંડા તથા તુવેર વાયદામાં તેજીના કારણે નફારૂપી વેચવાલીનું પ્રેશર
આજકાલ મહારાષ્ટ્ર, ઝારખંડ તથા દિલ્હીમાં ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે સૌથી મોટો મતદાર વર્ગ ખેડૂતોને ખુશ કરવા માટે સરકારે ગયા અઠવાડિયે શિયાળુ પાકોના ટેકાના ભાવોમાં નોંધપાત્ર વધારો કરીને ખેડૂત વર્ગને દિવાળીની ભેટ આપી છે. સરકારે અડધો ડઝન જેટલી મહત્ત્વની કૃષિ ચીજોના ટેકાના ભાવો પ્રતિ મણે ૨૫ રૂપિયાથી માંડીને ૬૦ રૂપિયા સુધીનો વધારો જાહેર કર્યો છે. કૃષિ પાકોના ઉત્પાદન પડતરની સામે ખેડૂતોને દોઢા ભાવો મળે તેને લક્ષમાં રાખીને ટેકાના ભાવો નક્કી કર્યા છે. ખાસ કરીને તેલીબીયા તથા દાળોનું સ્થાનિક સ્તરે ઉત્પાદન વધે અને ઉંચા ભાવોને કારણે પ્રોત્સાહન મળે તે હેતુથી સૌથી વધુ વપરાશ ધરાવતા પાકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રવિ સીઝનમાં સૌથી વધુ ઉત્પાદન ઘઉંનું થાય છે જેમાં પ્રતિ ક્વિન્ટલે ૧૫૦ રૂપિયાના ઉછાળા સાથે ટેકાના ભાવ ૨૪૨૫ રૂપિયા જાહેર કર્યા છે. તહેવારોની સિઝનમાં ઘઉંનો વપરાશ વધતો હોવાથી ઘઉંમાં આગામી સમયમાં ૧૦૦ રૂપિયાની તેજીની સંભાવના હોવાથી બજાર ૩૨૦૦ રૂપિયા સુધી ઉંચે જાય તેમ છે. ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધને કારણે દેશભરમાં ઘઉંનો જથ્થો પર્યાપ્ત માત્રા હોવાનું સરકાર જણાવી રહી છે જેને લઈને સરકારી ગોડાઉનોમાં પડેલ ઘઉંનો જથ્થો ખુલ્લા બજારમાં વેચાણ અર્થે આવે છે તેવી શક્યતા નહિવત છે. ગત વર્ષે ૨૦૨૩- ૨૪ દરમિયાન દેશભરમાં ઘઉંનું ઉત્પાદન લગભગ ૧૧૩૦ લાખ ટનની આસપાસ થયું હોવાના અહેવાલો છે. સરકારી ગોડાઉનો પણ ૨૨૫થી ૨૩૦ લાખ ટન જેટલો બફર સ્ટોક હોવાનો અંદાજ છે.
ઓક્ટોબરથી માર્ચ- એપ્રિલ સુધી રહેતી રવિ સિઝનમાં ઘઉં, જવ, ચણા, રાયડો, જીરૂ, વરિયાળી જેવા પાકોનું મોટા ભાગે વાવેતર થાય છે. આ વર્ષે સરકારે દાળોમાં સૌથી વધારે મસુરમાં પ્રતિ ક્વિન્ટલે ૨૭૫ રૂપિયાના વધારા સાથે ટેકાના ભાવો ૬૭૦૦ રૂપિયા અને ચણામાં ૨૧૦ રૂપિયા વધુ જાહેર કરી ૫૬૫૦ રૂપિયા નક્કી કરી છે. જ્યારે તેલીબીયામાં રાયડાના ટેકાના ભાવોમાં સૌથી મોટો ૩૦૦ રૂપિયાનો ભાવ વધારો આપીને ૫૯૫૦ રૂપિયા જાહેર કર્યા છે અને સન ફ્લાવરમાં પણ ૧૫૦ રૂપિયા વધારીને ટેકાના ભાવો રાયડા જેટલા ૫૯૪૦ જાહેર કર્યા છે. રાયડાના ટેકાના ભાવોમાં બમ્પર વધારો કરતા રવિ સીઝનમાં રાયડાનું વાવેતર નોંધપાત્ર થવાની ગણતરી છે. જેને લઈને ગયા અઠવાડિયે રાયજાની બજાર નોંધપાત્ર તૂટી ગઈ છે. જો કે, ખેડૂતોએ જીરા કે ધાણાની ખેતીમાં અપેક્ષિત ભાવો નહિ મળવાને કારણે આગામી રવિ સીઝનમાં રાયડો અને ચણા તરફ ખેડૂતોનો પ્રવાહ વધુ ફંટાય તેવી શક્યતાએ જોર પકડયું છે સાથે સાથે છેલ્લા ત્રણ- ચાર વર્ષથી રાયડાના ટેકાના ભાવે સરકારી ખરીદી પણ વધુ થઈ રહી છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૫માં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી હોવાથી સરકાર બિહારના ખેડૂત વર્ગને ખુશ કરવા માટે રાયડાની મોટા પાયે ખરીદી કરે તેવી વકી છે. છેલ્લા બે વર્ષથી દેશમાં રાયડાનું સરેરાશ ઉત્પાદન ૧૧૦થી ૧૨૫ લાખ ટનની આસપાસ મોટી માત્રામાં થઈ રહ્યું છે સાથે સાથે જૂનો સ્ટોક પણ નોંધપાત્ર હોવાથી હાલમાં વેચવાલીના પ્રેશરના કારણે રાયડા બજારમાં સુસ્તી પ્રવર્તી રહી છે.
દરમ્યાન જીરા બજારમાં છેલ્લા ઘણાં સમયથી મંદીનો દોર યથાવત્ છે. જીરા વાયદાની એક્સપાયરીને સમયે મોટી વેચવાલીના પ્રેશરને કારણે વાયદો તૂટીને ૨૪૮૦૦ સુધી નીચે આવ્યો છે. જીરા બજારમાં લોકલ તથા વિદેશી ઘરાકીને અભાવે બજાર ઘટાડા તરફી સતત આગળ વધી રહી છે. વધુ ભાવોની અપેક્ષાએ ખેડૂત વર્ગના માલો પણ ગોડાઉનોમાં બંધ થઈ ગયા છે. જેના કારણે જીરામાં સુધારો થવાની અપેક્ષા નહિવત હોવાની વેપારીઓમાં ચર્ચા છે. ધાણામાં પણ મોટી મુવમેન્ટના અભાવે ધાણા વાયદો બે તરફી વધઘટે રહ્યો છે. એરંડામાં વાયદો તેજીમાં હોવાથી પીઠાઓમાં વેપારનો ધમધમાટ નોંધપાત્ર છે. વાયદામાં તથા હાજરમાં ૧૦૦થી ૧૫૦ રૂપિયા સુધીનો બદલો હોવાથી વેપારમાં સારી મુવમેન્ટ જોવા મળી રહી છે. આ જ પ્રમાણે તુવેર બજારમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી નીકળતા દિવાળી સમયે બજારમાં બ્રેક વાગી છે. નવા શરૂ થયેલા પીળા વટાણાના વાયદાઓમાં અપેક્ષિત વોલ્યુમ નહિ રહેતા બજાર સતત તૂટી રહી છે.