જમીનોના રી સર્વેની ભુલો સુધારવા સમય-મર્યાદા લંબાવવા સાથે ક્ષતિઓ સુધારવાનો એકશન પ્લાન જરૂરી
- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- ''રીસર્વેની ક્ષતિ સુધારણા કરવાનું કામ મહેસુલી ટીમો સમય મર્યાદામાં પુર્ણ કરે તે જરૂરી.''
- રીસર્વે બાદ પ્રમાણિત જાહેર થયેલ રેકર્ડનું ક્ષતિ સુધારણા કાર્યક્રમ ૧૫ વર્ષથી ચાલી રહ્યો છે અને જે કાર્યપધ્ધતિ નક્કી કરી છે તેમાં સબંધિત ખાતેદાર દ્વારા નિયત નમુનામાં અરજી કરવી પડે છે
ગતાંકથી ચાલુઃ-
ગતલેખમાં સર્વે અને સેટલમેન્ટ મોજણી અને આકારણી અંગે જમીન મહેસુલ અધિનિયમમાં જે જોગવાઈઓ છે અને મૂળભુત શું હાર્દ છે તેની વિગતવાર સમજ આપવામાં આવેલ અને રાજ્ય સરકારે મહેસુલી રોકર્ડના આધુનિકરણના ભાગરૂપે રીસર્વે સમગ્ર રાજ્યમાં દાખલ કરી, જે પ્રમાણિત Promulgate કરવામાં આવ્યું છે અને સંખ્યાબંધ ક્ષતિઓ રહેવા પામી છે. તે અંગે આલેખન કરવામાં આવેલ રાજ્ય સરકારે ક્ષતિ સુધારણાની મુદત ડિસેમ્બર-૨૦૨૫ સુધી લંબાવી છે. અગાઉ જ્યારે મહેસુલી રેકર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન ૨૦૦૪માં કરવામાં આવ્યું ત્યારે જે હયાત રેકર્ડ દા.ત. છેવટના અને અગાઉના તમામ 7x12, હક્ક પત્રકની નોંધ, મહેસુલી રેકર્ડનું કોમ્પ્યુટરાઈઝેશન તબક્કાવાર હાથ ધરવામાં આવેલ અને ૨૦૦૪માં Go live કરવામાં આવેલ, ત્યારે જે ક્ષતિઓ ખાસ કરીને Clerical mistake પ્રકારની હતી તે Suo-moto આપમેળે સુધારવા તાલુકા મામલતદારને સતાઓ આપવામાં આવેલ અને તે રીતે સમગ્ર રાજ્યમાં હવે કોમ્પ્યુટરાઈઝ ભુલો રહેવા પામેલ નથી અને લોકોને On-line Record પણ સરળતાથી ઉપલબ્ધ થયું છે. જે આવકાર દાયક બાબત છે.
મહેસુલી રેકર્ડના રીસર્વે માટે જે ખાનગી એજન્સીઓને કામગીરી સુપ્રત કરવામાં આવેલ, તે અંગેના Scope of work કાર્યક્ષેત્ર જે નક્કી કરવામાં આવેલ તેનું અનુસરણ ન થયું દા.ત. સર્વે ટીમ ગામે જાય તે પહેલાં ગ્રામસભા બોલાવવી, રીસર્વેનું મહત્વ સમજાવવું, દરેક ખાતેદારની હાજરીમાં સર્વેની કામગીરી કરવી,. તે અંગે અગાઉથી નોટીસ આપવી વિગેરે, ખાનગી એજન્સીઓએ સબંધિત ગામના Google Mapના આધારે સર્વે નંબર બેસાડીને કામગીરી કરવાથી જે સ્થળ ઉપરની ભૌતિક સ્થિતિ તેમજ હયાત જે મહેસુલી રેકર્ડને ધ્યાનમાં લીધા સિવાય કરેલ છે. ખરેખર તો સર્વે કરતા પહેલાં સબંધિત સર્વે નંબરના ખાતેદારને તેનું ક્ષેત્રફળ, જો ભાઈઓ ભાગે વહેંચણી થઈ હોય તો તે અંગેની નોંધો, પેટા હિસ્સા થયા હોય તો તે, ગામનો મૂળ Revenue Map / ગામનો નમુના નં.-૧, કાયમી ખરડો જો ધ્યાનમાં લેવામાં આવેલ હોત તો જે ક્ષતિઓ સાથે રેકર્ડ પ્રમાણિત જાહેર કરી દેવામાં આવ્યુ તે ન થાત, મહેસુલી રેકર્ડ ખાસ કરીને નમુના નં.-૭ને પ્રમાણિત જાહેર કરતા પહેલાં (Promulgation) સર્કલ ઓફિસર / નાયબ મામલતદાર દ્વારા - ૧૦૦ ટકા મૂળ રેકર્ડથી ખાત્રી કરવાની છે. મામલતદાર દ્વારા ૨૫% અને પ્રાન્ત અધિકારી દ્વારા ૧૦ ટકા રેકર્ડની ખાત્રી કર્યા બાદ ગામના ખાતેદારની હાજરીમાં પ્રમાણિત જાહેર કરવાનું છે. જેથી રેકર્ડ ક્ષતિ રહિત પ્રમાણિત જાહેર કરવામાં આવે અગાઉ જ્યારે દસવર્ષે Rewriting of 7x12 કરવામાં આવતાં, ત્યારે દસ વર્ષ વચ્ચે જે જે ફેરફારો થયા હોય તે તમામ સમાવેશ કરી લેવામાં આવતાં જેથી ભુલોને અવકાશ રહેતો ન હતો, આ રીસર્વે ટીમો દ્વારા અને મહેસુલી અધિકારીઓએ જુના 7x12 અને તેની હક્કપત્રકની નોંધોની ખરાઈ કરી હોત તો પણ ખરાઈ સાથે મહેસુલી રેકર્ડનું પ્રમાણભુત સ્વરૂપે જાહેર થઈ શકત.
રીસર્વે બાદ પ્રમાણિત જાહેર થયેલ રેકર્ડનું ક્ષતિ સુધારણા કાર્યક્રમ ૧૫ વર્ષથી ચાલી રહ્યો છે અને જે કાર્યપધ્ધતિ નક્કી કરી છે તેમાં સબંધિત ખાતેદાર દ્વારા નિયત નમુનામાં અરજી કરવી પડે છે અને ડીઆઈએલઆર કચેરી દ્વારા અગ્રતાક્રમ પ્રમાણે મંથરગતિએ કામગીરી થાય છે. કારણકે માપણી કચેરીઓ પાસે પર્યાપ્ત સંખ્યામાં સર્વેયર ટીમ નથી જે એજન્સીએ કામગીરી કરેલ, ખરેખર તો તેની જવાબદારી નક્કી કરી Rectification કરવાની કામગીરી તેઓ મારફત તેમના Risk and Cost ઉપર કરાવવી જોઈએ પરંતુ રેકર્ડ ક્ષતિગ્રસ્ત જાહેર થયેલ હોવાથી એજન્સી જવાબદારીમાંથી છટકી ગયા હશે અને કરોડો રૂપિયાનું ચુકવણું પણ થઈ ગયેલ હશે એટલે રીસર્વેનો મુળભુત ઉદ્દેશ હતો તે સાર્થક થયો હોય તેવું જણાતું નથી. વધુમાં રાજ્યસરકાર ખેતીવિષયક આકાર એટલે કે મહેસુલ વસુલ કરવામાં આવતું નથી. એટલે જે જમીન મહેસુલ અધિનિયમમાં પ્રકરણ-૮માં જ્યારે રીસર્વે કરવામાં આવે ત્યારે જમીનોનું Reassessment પણ કરવામાં આવે છે. જ્યારે રાજ્યસરકાર વિસ્તાર પ્રમાણે Value Zone બનાવી સ્ટેમ્પડયુટીના હેતુ માટે જંત્રીના દર Revised કરી રહી છે તો રીસર્વે સાથે જમીનોની આકારણી Reassessment પણ કરવું જરૂરી હતું જેથી રાજ્યને મહેસુલી આવક પણ વધુ આવી શકત. હાલ જે રીસર્વે કરવામાં આવેલ છે તે મૂળ મહેસુલી રેકર્ડના આધારે, છેવટના જે જમીન કબજા / હક્ક પ્રમાણે, હક્કપત્રકની નોંધોના આધારે કરવાના થતા હતા. જો આ બાબત ચોકસાઈ પ્રમાણે કરી હોત તો પ્રવર્તમાન પરિસ્થિતિ ઉદભવી ન હોત.
મહેસુલી રીસર્વે રેકર્ડના ક્ષતિ સુધારણા માટે રાજ્ય સરકારે ઝુંબેશ સ્વરૂપે ગામવાર કાર્યક્રમ જાહેર કરી, સબંધિત ખાતેદારોની હાજરીમાં, તેઓની રજુઆત સાંભળીને, મહેસુલી રેકર્ડથી ખાત્રી કરી અને છેવટના ફેરફારો સહિત ધ્યાનમાં રાખવા જરૂરી છે. દા.ત. મોટા ભાગે ખેતીની જમીનોમાં વારસાઈ, ભાઈઓ ભાગે વહેચણી થઈ હોય અને પેટા હિસ્સા પણ પડેલ હોય, પરંતુ સ્થળ સ્થિતિ મુજબ માપણી ન કરવાથી ઘણા સર્વે નંબરો ઉલટ-સુલટ થયા હોય, ક્ષેત્રફળમાં વધ-ઘટ થઈ હોય, લાગુ સર્વે નંબરોના ક્ષેત્રફળમાં પણ વધ-ઘટ થઈ હોય આવા કિસ્સાઓ ઉદાહરણ સ્વરૂપે જણાવ્યા છે. પરંતું આવા વાસ્તવિક કિસ્સાઓની પણ ક્ષતિ સુધારણા થયેલ નથી. એટલે આ જે ટીમોની રચના કરવામાં આવે તેઓને ચોક્કસ સમય મર્યાદા ત્રણમાસ કે છ માસમાં કામગીરીના સાપેક્ષમાં સુધારણા માટેનો Target આપવામાં આવે તો કામગીરી સમય મર્યાદામાં પુરી થશે જ્યારે આ કામગીરી ચાલતી હોય ત્યારે સુપ્રિટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ (SLR) પ્રાન્ત અધિકારી, ડીઆઈએલઆર, મામલતદાર આ કામગીરીનું સતત Monitoring કરે અને પ્રાન્ત અધિકારી અને કલેક્ટરશ્રી દર માસે યોજાતી મહેસુલી અધિકારીઓની મિટીંગમાં સમિક્ષા કરે અને રાજ્ય કક્ષાએ સેટલમેન્ટ કમિશ્નર અને સચિવશ્રી મહેસુલ વિભાગ આ કામગીરીનું કડક સ્વરૂપે સમિક્ષા કરશે તોજ રેકર્ડ દુરસ્તીનું કામ પુર્ણ થશે.
ખાસ અગત્યની બાબત એ પણ ધ્યાનમાં આવેલ છે કે સરકારે આપેલ સાંથલીની જમીનો, સરકારી / ગૌચરની જમીનો જે આવેલ છે તેમાં જે તે સમયે ખાસ કરીને સાંથલીની જમીનો / સરકારી જમીનો જે Physical સ્વરૂપે સ્થતિ છે. તેના બદલે ફેરફારો કરાયા છે. સાંથલીની જમીનોના કબજેદારોને મૂળ ગ્રાન્ટ થયેલ જગ્યાને બદલે મહત્વના વિકસિત ભાગમાં દર્શાવી દેવામાં આવી છે. સરકારી / ગૌચરની જમીનોમાં દબાણો હોય તો તે પણ ચોક્કસ પણે દર્શાવવા જોઈએ તેના બદલે ઘણી જગ્યાએ કબજેદાર બનાવી દેવાયા છે. આ બધી બાબતોમાં સરકારનું હિત જળવાય તે જોવું જરૂરી છે. છેવટે જે ઉદ્દેશથી મહેસુલી રેકર્ડ આધુનિકરણ કરવાના ભાગરૂપે રીસર્વે કરવામાં આવેલ તેમાં ખેડુત ખાતેદારો / જમીનના કબજેદારોને તેમના કાયદેસરના હક્ક પ્રમાણે રેકર્ડ ઉપલબ્ધ થાય તે માટે સરકાર સુનિશ્ચિત કરે તે જરૂરી છે.