કૌટુમ્બિક જમીન વહેંચણીમાં ટુકડાધારાની જોગવાઈઓમાં છૂટછાટ આપવી જરૂરી
- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)
- ખેતીની જમીનમાં ટુકડા પડતા અટકાવવાના અધિનિયમમાં સુધારા કાયદાની જોગવાઈઓ
આઝાદી મળ્યા બાદ જમીન સુધારા કાયદાઓ અમલમાં મુકવામાં આવ્યા તે પૈકીનો મુંબઈ ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવાનો અને એકત્રીકરણ કાયદો-૧૯૪૭ ઘડવામાં આવ્યો અને તેની પાછળનો ઉદ્દેશ એ હતો કે ખેતીની જમીન નાના નાના ટુકડાઓમાં Holding મુજબ ખેતીની જમીનનો ઉત્પાદકીય ધોરણે કાર્યસાધક ઉપયોગ થાય તો ઉત્પાદન વધે. જમીન સુધારા કાયદાથી એ બાબત પણ બની કે ગણોતધારા હેઠળ જમીન માલીકો પાસેથી કબજાહક્કે જમીન માલીક બનાવ્યા તે જમીનોનું ક્ષેત્રફળ ઓછું હતું સાથો સાથ ખેત જમીન ટોચમર્યાદા ધારા હેઠળ અમુક જમીનથી વધારે જમીન ધારણ કરવા ઉપર પણ પ્રતિબંધ છે તેમ છતાં વંશપરંપરાગત રીતે મૂળ ખેડુત કુંટુંમ્બોનું વિભાજન થવાથી ભાઈઓ ભાગ વહેંચણી થવાથી જમીનોના ટુકડા થતા ગયા અને વાસ્તવિક સ્થિતિ એ છે કે ૮૦% ખેડુતો પાસે '૨' એકરથી વધારે જમીન નથી. જમીન ધારકોએ ભૌતિક (Physical) ) સ્વરૂપે ખેતી કરતા જમીન અને મહેસૂલી રેકર્ડમાં જુદા જુદા કબજેદારોના નામે ચાલતી જમીનમાં ફરક છે કારણ કે ટુકડાધારા અન્વયે જરાયત જમીનનું પ્રમાણભુત ક્ષેત્રફળ ૨ એકર છે અને પિયત જમીનનું ક્ષેત્રફળ ૨૦ ગુંઠા છે અને આનાથી ઓછા ક્ષેત્રફળવાળી જમીનને ટુકડો ગણવામાં આવે છે અને ટુકડા ધારા અન્વયે આ ક્ષેત્રફળથી ઓછી જમીનની તબદીલ થતી નથી.
ઉક્ત પરિપ્રેક્ષ્યમાં ટુકડા ધારાની કાયદાકીય જોગવાઈઓ અને સ્થળ સ્થિતિમાં ખેતીની જમીનોનું વિભાજન / વહેંચણ થતાં ભાઈઓ ભાગે ખૂબ જ નાના ક્ષેત્રફળવાળી જમીનો મોટા ભાગના ખેડુતો ધારણ કરે છે એટલે ૨૦૧૨માં આ અધિનિયમમાં ફેરફાર કરવામાં આવ્યો અને તે મુજબ કાયદાની કલમ-૬ (૨) મુજબ નોટીસ અપાઈ હોય તેમાં પણ ટુકડો તરીકે નોંધાયેલ જમીન આખે આખા ટુકડાની જમીનનું ખેડુત ખાતેદારને થઈ શકે. આ સુધારા કાયદા પહેલાં ટુકડા તરીકે નોંધાયેલ જમીનના વેચાણ ઉપર પ્રતિબંધ હતો. આ રીતે ટુકડા તરીકે નોંધાયેલ ખેતીની જમીન લાગુ સર્વે નંબરના ખાતેદારને વેચાણ / તબદીલ થઈ શકે, પરંતુ જો જમીન નવી શરતની હોય / ૭૩ એએના નિયંત્રણ વાળી જમીન હોય તો કલેક્ટરની પરવાનગી મેળવી જૂની શરતમાં ફેરવીને આવી જમીન તબદીલ થઈ શકે છે.
સુધારો કાયદો-૧૪ / ૨૦૧૨ અમલમાં આવ્યો તે પહેલાં ટુકડાધારાની જોગવાઈઓ વિરૂધ્ધ ભંગ થયો હોય તો રૂ. ૨૫૦/- સુધીના દંડની જોગવાઈ હતી. તેના બદલે શહેરી વિસ્તારમાં જમીન હોય તો રૂ. ૫૦૦૦/- દંડ અથવા બજાર કિંમતના ૧૦% સુધીનો દંડ તેમજ ગ્રામ્ય વિસ્તાર હોય તો રૂ. ૨૦૦૦/- દંડ અથવા ૧૦% સુધીના બજાર કિંમત સુધીના દંડની જોગવાઈ છે. ટુકડા કાયદા સાથે ખેતીની જમીનોના એકત્રીકરણની પણ જોગવાઈઓ છે અને આવું એકત્રિકરણ જમીન માલિકોની સંમતિથી થઈ શકે છે. પરંતુ રાજ્યના અમુક ભાગોમાં સર્વે નંબરને બદલે એકત્રીકરણના ભાગરૂપે બ્લોક બનાવવામાં આવેલ છે અને તે મુજબ કોઈ બ્લોકની જમીન ટુકડા તરીકે નોંધાયેલ હોય તો આખે આખા ટુકડાની જમીનનું કલેક્ટરની પરવાનગી સિવાય તબદીલ થઈ શકે છે. અગાઉ બ્લોકની જમીન હોય તો કલેક્ટરની પરવાનગી સિવાય તબદીલ કે વેચાણ થઈ શકતી ન હતી. હવે પ્રમાણભુત ક્ષેત્રફળ કરતાં જમીનનો બીજો ટુકડો પડતો ન હોય તો ખેડુત ખાતેદારોએ બ્લોક પૈકીની જમીનનું વેચાણ થઈ શકે છે. આમ ટુકડા તરીકે નોંધાયેલ ખેતીેની જમીનના આખે આખા સર્વે નંબર અને બ્લોક નં. વેચાણ / તબદીલ થઈ શકે છે. પરંતુ આવી તબદીલી ફક્ત ખેડુત ખાતેદાર સાથે જ થઈ શકે છે. આ સુધારા કાયદા અન્વયે ટુકડાધારા ભંગ અન્વયે અગાઉ જે કાર્યવાહી થઈ છે તેને લાગુ પડતી નથી.
હવે ખેડુતોની વાસ્તવિક સ્થિતિ અને પ્રશ્નનું મુલ્યાંકન કરવામાં આવે તો વંશપરંપરાગત ખેતી ઉપર નિર્ભર કુંટુંમ્બોની ભાઈઓ / ભાગની વચ્ચે વહેંચણી થતાં જમીન પ્રમાણભુત ક્ષેત્રફળ કરતાં પણ નાના નાના ટુકડા થયા છે અને કૌટુંમ્બિક વહેચણી પ્રમાણે સ્થળે તે મુજબ જમીનો ખેડે છે. પરંતુ મહેસૂલી રેકર્ડના ૭/૧૨માં (હવે બંને નમુના જુદા થયા છે પંરતુ લોકભોગ્ય રીતે પ્રજામાનસમાં ૭/૧૨ વણાઈ ગયું છે એટલે તે મુજબ ઉલ્લેખ કરવામાં આવે છે) કુંટુંમ્બના તમામ ભાઈ / બહેનોના નામ સંયુક્ત રીતે ચાલે છે. જ્યારે સ્થળે ભૌતિક રીતે ભાગમાં આવેલ જમીન ખેડે છે. જ્યારે જમીન ઉપર બેંકો પાસેથી ધીરાણ કે સરકારી યોજનાનો કોઈ લાભ લેવાનો હોય તો તમામ કબજેદારોની સંમતિ લેવી પડે છે અને અલગ રીતે રહેવા હોવા છતાં જમીનમાં સંયુક્તપણામાં નામ ચાલે છે અને ટુકડાધારાની જોગવાઈઓને કારણે ૭/૧૨નું અલગ પાનું થતું નથી. આમ એક રીતે ટુકડાધારાની જોગવાઈઓ ફક્ત કાગળ ઉપર રહે છે અને વડીલોપાર્જિત ખેતીની જમીન ધરાવતા સંયુક્ત કબજેદારોને ૭/૧૨માં સામુહિક કબજેદાર તરીકે ચાલે છે. જ્યારે સ્થળે ભાઈઓ ભાગ અથવા કૌટુંમ્બિક વહેંચણી પ્રમાણે સ્થળે ભાગે આવેલી જમીનમાં ખેતી કરતા હોય છે. મહેસૂલ વિભાગે વડીલોપાર્જિત ખેતીની જમીનમાં કૌટુંમ્બિક વહેંચણી માટે ૨૦૧૬માં નીતિવિષયક ઠરાવ કર્યો છે અને આ ઠરાવમાં કૌટુંમ્બિક વહેંચણીમાં હયાતીમાં નામ દાખલ કરવા, કમી કરવા / જમીનનું અદલાબદલી કરવામાં રજીસ્ટર્ડ દસ્તાવેજ કરવાની પણ જરૂર નથી. પરંતુ આ પરિપત્રમાં ટુકડાધારા અન્વયે સ્પષ્ટતા કરેલ ન હોવાથી કૌટુંમ્બિક વહેંચણીના કિસ્સામાં ઉપર્યુક્ત પરિસ્થિતિમાં ખેડુત ખાતેદારોને જે મુશ્કેલી પડે છે એટલે કે કૌટુંમ્બિક વહેંચણીમાં ટુકડાધારા પ્રમાણભુત ક્ષેત્રફળ ધ્યાનમાં લીધા સિવાય નોંધો મંજૂર કરવી જોઈએ અને અલગ ૭/૧૨ ના પાન કરવા જોઈએ અથવા કૌટુંબિક વહેંચણીના આધારે ભાઈઓ ભાગના મળતા હિસ્સાના ક્ષેત્રફળ દર્શાવાથી પણ અલગ હક્ક દર્શાવાથી જુદી જુદી યોજનાઓનો લાભ મળી શકે તેમ છે. જેથી વિભાજીત થતા ખેડુત કુંટુંમ્બોને અલગ "Entity" ખાતેદાર તરીકે અન્ય મુશ્કેલી અનુભવવી ન પડે અને વાસ્તવિક સ્થિતિ હોવાથી કાયદાની જોગવાઈઓનો પણ હેતુ સિધ્ધ થતો નથી એટલે કૌટુંમ્બિક વહેંચણી / ભાઈઓ ભાગમાં છુટછાટ આપવી ખેડુત ખાતેદારોના હિતમાં છે.