EUનો કાર્બન ટેક્સ: એલ્યુમિનિયમ, સ્ટીલ અને સિમેન્ટની નિકાસને ફટકો

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
EUનો કાર્બન ટેક્સ: એલ્યુમિનિયમ, સ્ટીલ અને સિમેન્ટની નિકાસને ફટકો 1 - image


- એન્ટેના-વિવેક મહેતા

- પહેલી જાન્યુઆરી 2026થી નવી વ્યવસ્થાનો અમલ ચાલુ થતાં ભારતના છ બિઝનેસ સેક્ટરની નિકાસ ઘટી જવાનો ખતરો 

વિશ્વ સ્તરે કાર્બન ટેક્સનો વિવાદ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. યુરોપ સિવાયના દેશોમાં સ્ટીલ સહિતની ધાતુઓમાંથી બનતી ચીજવસ્તુઓ બનાવતી વખતે જે કાર્બન વાતાવરણમાં ભળે છે તે કાર્બન માટે ઉત્પાદકો પાસેથી ટેક્સ લેવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉત્પાદક એકમ કાર્બન ઉત્સર્જન વધુ કરે તેટલો વધુ ટેક્સ નિકાસ કરતી વખતે ચૂકવવો પડશે. યુરોપિયન સંઘના ઉત્પાદન એકમોએ યુરોપિયન યુનિયન ટ્રેડિંગ સિસ્ટમ(ઈટીએસ) હેઠળ આ કિંમત ચૂકવવી પડી રહી છે. હવે યુરોપિયન સંઘના દેશોમાં પોતાના ઉત્પાદનોની નિકાસ કરનારા ભારત સહિતના દરેક દેશોના નિકાસકારોને માથે નવા ટેક્સનો બોજો આવવાનો છે. આ વ્યવસ્થાને કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ તરીકે ઓળખાવવામાં આવે છે. યુરોપિયન સંઘના દેશોએ લાગુ કરેલા આ નિયંત્રણો છે. આ નિયંત્રણને કારણે યુરોપના દેશોના ઉત્પાદકોને અને વિદેશના નિકાસકારોને બિઝનેસ કરવાની એક સમાન તક એટલે કે લેવલ પ્લેયિંગ ફિલ્ડ પૂરું પાડવામાં આવી રહ્યું હોવાની દલીલ પણ યુરોપના દેશો કરે છે. 

આ વ્યવસ્થા પાછળનો મુખ્ય હેતુ કાર્બન ઉત્સર્જનને રોકવા અને ઘટાડવાનો છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ન આવે તો ક્લાયમેટ ચેન્જની સમસ્યાનો ઉકેલ લાવવો અઘરો બનશે. ક્લાયમેટ ચેન્જને કારણે એકાએક વરસાદ વધી જવાની, એકાએક ગરમી કે ઠંડી વધી કે ઘટી જવાની સમસ્યા ઊભી થાય છે. ઉનાળો, ચોમાસુ અને શિયાળાની ત્રણ તુનું ચક્ર ખોરવાઈ રહ્યા છે. તુચક્રને નિયમિત ન કરવામાં આવે તો મોટી તબાહી થવાનો ખતરો રહેલો છે. 

કાર્બન ઉત્સર્જન રોકવા માટેના ઓછા કડક-ચુસ્ત નિયમો ધરાવતા વિશ્વના દેશો અને એકદમ ચુસ્ત ધોેરણો ન ધરાવતા દેશોમાં કાર્બન ઉત્સર્જન અંગેના સમાન ધોરણો લાગુ કરવામાં આવે તેવી પણ ઇચ્છા છે. કાર્બન ઉત્સર્જન રોકવા માટેની આ વ્યવસ્થાની સૌથી મોટી અસર ભારતના સિમેન્ટ, સ્ટીલ-આયર્ન, એલ્યુમિનિયમ, ફટલાઈઝર, ઇલેક્ટ્રિસિટી અને હાઈડ્રોજન ઉત્પાદન સાથે સંકળાયેલા ઉત્પાદકો પર પડવાની સંભાવના છે.

સમય જતાં વધુ ઉત્પાદનોને માટે કાર્બન ટેક્સની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. ભારત સરકાર પણ આ વ્યવસ્થાને લાગુ કરવા સહમત થઈ છે. પહેલી જાન્યુઆરી ૨૦૨૬થી કાર્બન ટેક્સ લાગુ કરે તે પૂર્વે તેના તમામ પાસાઓ અંગે વિગતવાર ચર્ચા કરવાની ભારત સરકારે માગણી કરી છે. ભારત સરકારની આ દરખાસ્ત અંગે વિચારણા કરવા યુરોપિયન સંઘના દેશોએ તૈયારી પણ દર્શાવી છે.  પરંતુ ભારતના નિકાસકારોની મોટી તકલીફ એ છે કે તેમની પાસેથી એક્સપોર્ટના મૂલ્ય પર કાર્બન ટેક્સ વસૂલવામાં આવશે તો તેમના ઉત્પાદનોની પડતર કિંમત ખાસ્સી વધી જશે. તેમ થતાં તેમને માટે વિશ્વબજારમાં સ્પર્ધા કરવી કઠિન બની જશે. તેથી જ ભારતના નિકાસકારો કહે છ ેકે યુરોપિયન સંઘના ઉત્પાદકોને કાર્બન ઉત્સર્જનની સમસ્યા કરતાં ભારતના નિકાસકારોને અટકાવવામાં વધુ રસ હોય તેવું જણાય છે. કાર્બન ઉત્સર્જનનો પ્રશ્ન તો એક મહોરું છે.

કાર્બન ઉત્સર્જનને કારણે ભારતીય પ્રોડક્ટ્સની વિશ્વબજારમાંની કિંમતમાં ૨૦ ટકાથી માંડીને ૩૫ ટકા જેટલો વધારો આવવાની સંભાવના છે. ભારતીય નિકાસકારો પાસેથી કાર્બન એમિશન ટેક્સ લેવામાં આવે તો પણ તે શક્ય હોય તેટલો ઓછો હોવો જોઈએ. ભારત સરકાર ઇચ્છે છે કે પહેલી જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સિસ્ટમ સંપૂર્ણપણે સક્રિય થઈ જવી જોઈએ. આ સિસ્ટમને યુરોપિયન સંઘના દેશોએ પણ માન્ય રાખવી જોઈએ. તેમ કરવામાં આવશે તો જ કાર્બન ઉત્સર્જન પર ટેક્સ લેવાની સિસ્ટમને વધુ વ્યવસ્થિત રીતે અમલમાં મૂકી શકાશે. ૨૦૨૨ના નિકાસના આંકડાઓ જોવામાં આવે તો ભારતમાંથી સ્ટીલ અને આયર્નના પ્રોડક્ટ્સની અંદાજે ૮.૨ અબજ ડાલર એટલે કે અંદાજે રૃા.૬૬૦૦૦ કરોડની નિકાસ થાય છે. આ નિકાસ ન ઘટે તે માટે ભારત સરકાર આકાશપાતાળ એક કરશે.


Google NewsGoogle News