એડટેક ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ મંદીના ભરડામાં
ભારતમાં ઝડપથી વિકસેલ એડટેક ક્ષેત્ર હવે ભારે મંદીનો સામનો કરી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ ક્ષેત્રના ૨,૧૪૮ સ્ટાર્ટઅપ્સ બંધ થઈ ગયા છે. કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન જબરદસ્ત વૃદ્ધિ જોવા મળેલા એડટેક પ્લેટફોર્મ્સ હવે બદલાતી બજાર જરૂરિયાતો અને ઓપરેશનલ પડકારોનો સામનો કરી રહ્યા છે. ડેટા અનુસાર, એડટેક સ્ટાર્ટઅપ્સે ૨૦૨૪ માં ૦.૬૪ બિલિયન ડોલર એકત્ર કર્યા છે. આ ૨૦૨૧માં તેના ૩.૬ બિલિયન ડોલરના ઉચ્ચતમ સ્તરથી ઘણું નીચે છે. અગાઉ, ૨૦૨૧માં બંધ થયેલી કંપનીઓની સંખ્યા સૌથી વધુ ૯૩૩ હતી. એડટેક ક્ષેત્રમાં મંદીના કારણમાં વર્ગખંડ તાલીમ અને સામાન્ય સામગ્રી પર આધાર રાખતા સ્ટાર્ટઅપ્સ બદલાતી માંગને અનુકૂલન કરવામાં સંઘર્ષ કરી રહ્યા હતા. ઘણા સ્ટાર્ટઅપ્સ કોઈપણ નવીનતા વિના ટકાઉ વિકાસની દોડમાં અટવાઈ ગયા છે. ૨૦૨૧માં તેની ટોચ પર, ક્ષેત્રે ૩૫૭ ફંડિંગ રાઉન્ડમાં ૪.૧ બિલિયન ડોલર એકત્ર કર્યા હતા. ૨૦૨૧ એડટેક માટે સૌથી વધુ ભંડોળ પૂરું પાડનાર વર્ષ હતું, દેશમાં કુલ ૧૬,૦૨૮ સ્ટાર્ટઅપ્સ સ્થપાયા હતા, જેમાંથી મોટાભાગની કંપનીઓ બેંગલુરુ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને નોઈડા સ્થિત હતી.
પડકારો અને અવરોધોનો સામનો કરતું માઇક્રોફાઇનાન્સ ક્ષેત્ર
માઇક્રોફાઇનાન્સ સેગમેન્ટમાં દબાણ વધી રહ્યું હોવાથી, બેંકો તેમના કેટલાક નોન-પર્ફોર્મિંગ માઇક્રોફાઇનાન્સ પોર્ટફોલિયોને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ (ARC) ને સોંપવાનું વિચારી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી માઇક્રોફાઇનાન્સ ક્ષેત્ર પડકારો અને અવરોધોનો સામનો કરી રહ્યું છે. આના કારણે, આ સેગમેન્ટની સંપત્તિની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અનિયંત્રિત ધિરાણ વૃદ્ધિ અને ગ્રાહકોને અનેક લોન જારી કરવાના કારણે માઇક્રોફાઇનાન્સ ક્ષેત્ર દબાણ હેઠળ છે. આના કારણે, દેવાદારો મોટા પ્રમાણમાં દેવાના બોજા હેઠળ દબાઈ ગયા છે. આ સેગમેન્ટમાં મોટી બેંકો અને નાની લોન આપતી નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓમાં ડિફોલ્ટમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે.