વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ ઝડપી તૂટયા
- ઊભી બજારે - દિલીપ શાહ
- ઘરઆંગણે પામતેલની આયાત ઘટયા પછી ફરી વધ્યાના નિર્દેશો
દેશમાં ખાદ્યતેલોની બજારોમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. ઘરઆંગણે વિવિધ ખાદ્યતેલોમાં માગ વધવા સામે સ્થાનિકમાં ઉત્પાદન તેટલા પ્રમાણમાં વધતું ન હોવાથી આપણે દરિયાપારથી આયાત થતા ખાદ્યતેલો પર આધાર રાખવો પડે છે. એવા સંજોગો સર્જાતા રહ્યા છે. દેશમાં ઉત્પાદન વધાવવા સરકાર પ્રયત્નો કરી રહી છે પરંતુ હકીકતમાં આ પ્રયત્નો પછી ઘરઆંગણે ઉત્પાદન કેટલું વધે છે તે આવનારો સમય જ જણાવી શકશે એવું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. ભારતમાં વિશેષ રૂપે પામતેલ, સોયાતેલ તથા સનફલાવર તેલની આયાત કરાતી રહી છે. ભારતમાં સિંગતેલ, કપાસિયા તેલ, કોપરેલ, મસ્ટર્ડ તથા સરસવ તેલ વિ. જેવા દેશી ખાદ્યતેલોનું ચલણ જળવાઈ રહ્યું છે. દરિયાપારથી આયાત વિશેષરૂપે મલેશિયા, ઈન્ડોનેશિયા, બ્રાઝીલ, આર્જેન્ટીના, રશિયા, યુક્રેન વિ. ખાતેથી કરવામાં આવે છે. સનફલાવર તેલ મુખ્યત્વે રશિયા તથા યુક્રેનથી આવે છે. આ પૂર્વે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે આવી આયાતને અસર પડી હતી પરંતુ હવે યુદ્ધના છમકલાઓ ઘટી જતાં આવી આયાત ફરી પૂર્વવ્રત થઈ રહ્યાના સંકેતો મળ્યા હતા. દેશના કરન્સી બજારોમાં રૂપિયા-ડોલરના ભાવની ચડઉતર તથા ઈંમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચ માર્ક તરીકે સરકાર દ્વારા વપરાતી ટેરીફ વેલ્યુની થતી વધઘટના આધારે ઘરઆંગણે ખાદ્યતેલોના બજારોમાં વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવની વધઘટ થતી હોય છે. વિશ્વ બજારમાં ચાલતા ભાવ પર પણ ઘરઆંગણાની બજારોના ખેલાડીઓની નજર રહેતી હોય છે. ભારતમાં ખાદ્યતેલોનું ઉત્પાદન વધારવા સરકાર તેલિબિંયાની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાઓ વિચારી રહી છે. ઈમ્પોર્ટ ડયુટી વધારી દરિયારપારથી આવતી સપ્લાય મોંઘી થાય તો ઘરઆંગણાના ખેડૂતોને વધુ ભાવ પોતાના ઉત્પાદનોના ઉપજે એવી થીયરી પણ ચર્ચાઈ હતી. ભાવ વધુ મળે તો ખેડૂતો ઉત્પાદન વધારવા વધુ સક્રિયતા બતાવે એવી ગણતરી પણ વિચારણા હેઠળ જણાઈ હતી.દરમિયાન, ટ્રમ્પના ટેરીફવોરના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલ તૂટતાં તાજેતરમાં વૈશ્વિક ખાદ્યતેલોના ભાવ ઝડપી તૂટી ગયાના સમાચાર મળ્યા હતા.
ભારતમાં પામતેલનું ઉત્પાદન વધારવા સરકારે વિશેષ રૂપે દક્ષિણ ભારતમાં તેલંગણા ખાતે પામની ખેતીનો વ્યાપ વધારવા પ્રયત્નો શરૂ કર્યા છે. જો કે દક્ષિણમાં કોપરા તથા કોપરેલનું ચલણ વિશેષ રહ્યું છે. જો કે કેરળ-કોચીથી મળતા નિર્દેશો મુજબ ત્યાં સપ્લાય ઘટતાં કોપરેલના ભાવ તાજેતરમાં ઉંચા જતા જોવા મળ્યા છે. કોચીન ઓઈલ મર્ચન્ટસ એસોસીએશનના જણાવ્યા મુજબ તાજેતરમાં કેરળ ખાતે કોપરેલના ભાવ વધી કિલોના રૂ.૨૬૦થી ૨૬૫ બોલાયા હતા. ત્યાં કોપરાના ભાવ વધી કિલોના રૂ.૧૭૫ થતાં હવે રૂ.૨૦૦ પર નજર રહી છે. આવા ભાવ ત્યાં આ પૂર્વે ૨૦૧૭-૧૮માં થયા હતા. કેરળ તથા કર્ણાટકમાં તાજેતરમાં કોપરાનો પુરવઠો ૪૦થી ૫૦ ટકા જેટલો ઘટી ગયો હતો એવું સૂત્રો જણાવી રહ્યા હતા. ભારતમાં માર્ચ મહિનામાં પામતેલની આયાતમાં ૧૩થી ૧૪ ટકાની વૃદ્ધી નોંધાઈ છે. દેશમાં આ પૂર્વે તાજેતરના મહિનાઓમાં પામતેલની આયાત ઘટી હતી તે હવે માર્ચમાં વધી હોવાના સમાચાર આવ્યા હતા. પામતેલ ઉપરાંત માર્ચમં સોયાતેલની આયાતમાં પણ ૨૪ ટકાની વૃદ્ધી થઈ છે જ્યારે સામે સનફલાવર તેલની આયાત માર્ચમાં ૧૫થી ૧૬ ટકા ઘટી હોવાના નિર્દેશો મળ્યા હતા. આંધ્રમાં વેસ્ટ ગોદાવરી જિલ્લાઓમાં પામની ખેતીનો વિસ્તાર જાણવા તાજેતરમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા. દેશમાં ઉત્પાદન વધશે તો આયાત ઘટશે એવી ગણતરી મંડાઈ રહી હતી. તેલંગણામાં સોયાબીનના વાવેતર હેઠળ નો વિસ્તાર પણ વધી રહ્યાના વાવડ મળ્યા હતા. દેશમાં સોયાબીનનું ઉત્પાદન મુખ્યત્વે મધ્ય-પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં થાય છે પરંતુ હવે દેશના અન્ય રાજ્યોમાં પણ આવું વાવેતર વધી રહ્યાના સંકેતો મળ્યા હતા. તેલંગણામાં આગામી ખરીફ મ ોસમમાં સોયાબીનના વાવેતરનો વિસ્તાર ૧.૬૧ લાખ હેકટર્સથી વધી ૩.૬૦ લાખ હેકટર્સ સુધી પહોંચવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.