ઇ કોમર્સ પછી ક્વિક કોમર્સ અને હવે લાઇવ શોપિંગનો ટ્રેન્ડ

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
ઇ કોમર્સ પછી ક્વિક કોમર્સ અને હવે લાઇવ શોપિંગનો ટ્રેન્ડ 1 - image


- લાઇવ શોપિંગ એટલે લાઇવ સ્ટ્રીમીંગ અને શોપિંગનું કોમ્બિનેશન એમ કહી શકાય

- લાઇવ શોપિંગમાં ગ્રાહક સેલ્સ મેન સાથે સીધો સંવાદ કરીને પ્રોડક્ટના ફીચર્સની માહિતી મેળવી શકશે. ગ્રાહક જેટલો સંવાદ વધુ કરે એટલું વેચાણ પણ વધી શકે છે

- ઇ-કોમર્સ ક્ષેત્રની ટોચની કંપનીઓેએ તો લાઇવ શોપિંગ શરૂ પણ કરી દીધું છે. ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોને એમેઝોન લાઇવ નામથી લાઇવ શોપિંગ શરૂ કરી દીધું છે

ઇ કોમર્સ પછી ક્વિક  કોમર્સે ઓનલાઇન ગ્રાહકોનું ધ્યાન ખેંચ્યું છે પરંતુ હવે લાઇવ શોપિંગની સિસ્ટમ આવી રહી છે. જેમાં ગ્રાહક જોઇતી બ્રાન્ડ મેળવી શકશે અને સેલ્સમેન સાથે ચર્ચા પણ કરી શકશે. લાઇવ શોપિંગ એ નવતર પ્રયોગ છે જે સફળ થઇ રહ્યો છે. લાઇવ શોપિંગ એટલે લાઇવ સ્ટ્રીમીંગ અને શોપિંગનું કોમ્બિનેશન એમ કહી શકાય.

ઇ કોમર્સમાં દવાઓ અને રોજીંદી જરૂરીયાતમાં લેવાતી ચીજોની ડિલીવરી ત્રણ કલાકમાં કરવામાં આવે છે જ્યારે કેટલીક ઇ કોમર્સ કંપનીઓે દશ મિનિટમાં ડિલીવરી કરવાનું પ્રોમીસ આપવાની સ્પર્ધામાં ઉતરેલી છે. 

કોરોના કાળમાં ઓનલાઇન ખરીદીની બોલબાલા વધી હતી. ત્યારે લોકો પાસે કોઇ વિકલ્પ નહોતો. જેના કારણે હવે ઘેર ઘેર ઓનલાઇન શોપીંગનો ટ્રેન્ડ શરૂ થઇ ગયો છે.

હજુ પણ કેટલીક ખરીદી માટે વાલીઓ તેમના સંતાનોને વિડીયો કરવા કહે છે અને પછી તેના પરથી પોતાની કોમેન્ટ આપતા હોય છે. લાઇવ સ્ટ્રીમીંગ અને શોપિંગનું મિશ્રણ છે એમ કહી શકાય.ઓનલાઇન ખરીદી કરતા ગ્રાહકો માટે ખરીદી આસાન બની ગઇ હતી પરંતુ દરેક તેમાં થોડો ફેરફાર ઇચ્છતા હતા. પ્રોડક્ટની પુરી જાણકારી મળતી નહોતી અને ઓર્ડર ઘરમાં આવી ગયા પછી વધુ કંઇક સારૃં મળી રહેત એવો વસવસો મનમાં રહી જતો હતો.

ઇકોમર્સ માં સૌથી મોટી રાહત માલ રીટર્ન લેવાતો હતો તેની હતી પરંતુ તે પ્રોસેસ બહુ કંટાળા જનક અને ગ્રાહકે પોતે લીધેલા ખરીદીના નિર્ણયની વિરૂધ્ધમાં હતી.

 શરૂઆતમાં લોકો મોટા ભાગની આઇટમો રીટર્ન કરતા હતા. હવે તેમાં સુધારો થયો છે. લોકો વિચારીને ઓનલાઇન ઓર્ડર આપતા થયા છે.

લાઇવ શોપિંગ સાથે સંકળાયેલા માર્કેટના વર્તુળો કહે છે કે લોકોને નવું અને ક્રિયેટીવ સિસ્ટમ ગમે છે અને હવે જ્યારે દરેક ફેશનની બ્રાન્ડ સતત પોતાની પ્રોડક્ટમાં સુધારા વધારા સાથે નવા ટ્રેન્ડને અનુસરે છે ત્યારે ગ્રાહક પણ પોતાના ગમતી પ્રોડક્ટ લેટેસ્ટ સુધારા સાથેની હોય તેવી ખરીદી કરવા ઇચ્છે છે.

લાઇવ શોપિંગમાં લેટેસ્ટ ટ્રેન્ડ જોવા મળશે. લાઇવ ચેટીંગ, લાઇવ વિડીયો શોપિંગ વગેરે ઓનલાઇન ગ્રાહકો માટે ઘર આંગણે મનપસંદ ચીજો ખરીદવાનો મોકો આપી શકે છે. લાઇવ શોપિંગમાં ગ્રાહક સેલ્સ મેન સાથે સીધો સંવાદ કરીને પ્રોડક્ટના ફીચર્સની માહિતી મેળવી શકશે. ગ્રાહક જેટલો સંવાદ વધુ કરે એટલું વેચાણ પણ વધી શકે છે કેમકે સંવાદ કર્યા પછી ખરીદી કરનાર પ્રોડક્ટને રીટર્ન કરવાનું ભાગ્યેજ વિચારે છે.

લાઇવ શોપિંગમાં ડર એ વાતનો છે કે ગ્રાહકનો ડેટા સામાવાળા પાસે આવી જાય છે જેના કારણેે તે લીક થવાનો ડર રહે છે. લાઇવ શોપિંગ એટલું અસરકાર રહેશે કે લોકો બીનજરૂરી કે ઉપયોગમાં ના આવે તેવી ચીજોને પણ ખરીદતા થઇ જશે.

ઇકોમર્સ ક્ષેત્રની ટોચની કંપનીઓેએ તો લાઇવ શોપિંગ શરૂ પણ કરી દીધું છે. ઇકોમર્સ જાયન્ટ એમેઝોને એમેઝોન લાઇવ નામથી લાઇવ શોપિંગ શરૂ કરી દીધું છે. પહેલી નજરે તે વિડીયો સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ લાગે છે પરંતુ તે લાઇવ શોપિંગનો એક પાર્ટ હોય છે.દરેક ઇકોમર્સ સાટિ સાથે સંળોયલા ઇન્ફલ્યૂએન્સર લાઇવ શોપિંગમાં મદદરૂપ બની શકે છે.

જેમ એમેઝોન લાઇવ શરૂ કરાયું છે એમ માઇન્ત્રા વાળાએ પણ પોતાનું માઇન્ત્રા લાઇવ શરૂ કર્યું છે. માઇન્ત્રાએ તેનું પ્રમોશન પણ કર્યું છે. ફેશનના વિડીયો બનાવતા લોકો માઇન્ત્રાની મદદે આવેલા છે. જેના કારણેે ગ્રાહકો તેમના મનગમતા ક્રિયેટર્સના વિડીયો જોઇને શોપીંગ કરી શકે છે.

એમેઝોન અને માઇન્ત્રા પછી સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામે પણ સ્પર્ધામાં ઝૂકાવ્યું છે. વિડીયો ફોર્મેટમાં પ્રોડક્ટને જોયા પછી ગ્રાહક તે પ્રોડક્ટ ખરીદવા લલચાય છે. ઇન્ફલ્યૂએન્સરનું કામજ લોકોને ખેંચી લાવવાનું હોય છે. ઇન્સ્ટાગ્રામ તેના વિડીયો મારફતે લોકોને આકર્ષી શકે છે. ગ્રાહકને તે ખરીદવા માટે અપીલ કરી શકે છે. પ્રોડક્ટ વેચાણ માટે મુકનાર પોતાની બ્રાન્ડ માટે અવેરનેસ ઉભી કરી શકે છે.

ઇન્સ્ટાગ્રામ પર જે પણ વિડીયો કે ઇમેજ ફોર્મેટ હોય અને તેનું અલગ પેજ હોય છે જેમાં પ્રડક્ટનું આખું વિવરણ લખેલું હોય છે.

ઓનલાઇન ખરીદી કરનારા હવે પહેલાંની જેમ આડેધડ ખરીદી નથી કરતા. જેમ ચાર દુકાને જઇને ભાવ પૂછ્યા પછી ખરીદી કરાય છે એમ ચાર ઇકોમર્સ સાઇટપર સર્ફીંગ કર્યા બાદ લોકો ખરીદી કરતા થયા છે. 

ઇકોમર્સ, ક્વિક કોમર્સ અને હવે લાઈવ શોપિંગે નવી પેઢીને ખાસ કરીને જનરેશન થ્રીને ખરીદીમાં ભાવ તાલની સિસ્ટમથી દુર રાખ્યા છે. જેના કારણે નવી પેઢી વધુ ખરીદતી થઇ છે અને બીનજરૂરી ખરીદી કરતી પણ થઇ છે. 

ઓનલાઇન ખરીદનારાની સંખ્યા વધતાં હવે આ ક્ષેત્રે સ્પર્ધા બહુ મોટા પાયે જોવા મળે છે. ઇ કોમર્સથી કોઇ દુર રહી શકતું નથી. ટાઉન લેવલ પણ ઓનલાઇન ખરીદીમાં બહુ રસ બતાવી રહ્યું છે. શહેરો અને મેટ્રો સિટીમાં તો મોટાભાગની ખરીદી ઓનલાઇન થતી જોવા મળે છે. પોતાના ઘરના રોજીંદા  ખર્ચા કે મહિનાના બીલોને લોકો ઓનલાઇન ભરતા થઇ ગયા છે. ઓનલાઇન ક્ષેત્રે ક્વિક કોમર્સે લોકોને ત્વીરીત ડિલીવરી મળે તેવા આયોજન કર્યા છે.

 લાઇવ શોપિંગનો જન્મ ઇકોમર્સ ક્ષેત્રે વધેલી સ્પર્ધાના પગલે થયો છે.

લાઇવ શોપિંગ એટલે શું?

લાઇવ શોપિંગ એટલે કોઇ પણ પ્રોડક્ટને ખરીદવી હોય તો તેની વિગતો ઓન ધ સ્પોટ લાઇવ વિડીયો મારફતે મળી શકે છે. ખરીદનાર ઘેર બેઠા પ્રોડક્ટના રંગ રૂપમાં કેવી હશે તે જાણી શકે છે.લાઇવ શોપિંગ પ્લેટફોર્મનો લાભ એ છે કે વિશ્વ ભરની કંપનીઓ સાથે ગ્રાહક સંપર્કમાં રહી શકે છે. કંપનીની ઓફિશ્યલ વેબસાઇટ કે એપ્લિકેશન પરથી સંપર્કમાં રહી શકાય છે.

૨૦૦૦ના વર્ષમાં પૂર્વ એશિયાઇ દેશોમાં લાઇવ શોેપિંગનો કોન્સેપ્ટ શરૂ થયો હતો. ત્યારબાદ તેનો ક્રેઝ યુકે અને અમેરિકામાં પહોંચ્યો હતો અને હવે તો વિશ્વભરમાં તેનું મોટું માર્કેટ ઉભું થયું છે.

૨૦૨૦માં ટીકટોક પર લાઇવ શોપીંગના ૩.૫ મિલીયન ગ્રાહકો હતા. ૨૦૨૧માં તે સંખ્યા ૧૩.૭ મિલીયન (એક મિલીયન એેટલે દશ લાખ) પર પહોંચી હતી. લાઇવ સ્ટ્રીમીંગનો સૌથી મોટો લાભ એ છે કે ખરીદી કરનાર ચોક્કસ વર્ગજ તે પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. હવે તો વેબસાઇટો લાઇવ શોપિંગના ઇવેન્ટ પણ યોજી રહી છે.લાઇવ શોપિંગ પ્લેટફોર્મ માટે કંપનીઓ કેન્ટેન્ટ તૈયાર કરતી હોય છે.


Google NewsGoogle News