ઈ-કોમર્સ કંપનીઓ ફરી એકવાર તપાસના દાયરામાં

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
ઈ-કોમર્સ કંપનીઓ ફરી એકવાર તપાસના દાયરામાં 1 - image


- એન્ટેના - વિવેક મહેતા

- ડાર્ક સ્ટોરની મદદથી ઇ-કોમર્સ કંપનીઓ ઓનલાઈન બિઝનેસ કરે છે તે કાયદેસર એલાવ્ડ જ નથી

ઝડપથી વેપાર વધારીને છવાઈ જવા સક્રિય બનેલી સંખ્યાબંધ ઇ-કોમર્સ કંપનીઓ તન્દુરસ્ત સ્પર્ધા ન કરતી હોવાની ફરિયાદ કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયાને કરવામાં આવી છે. ફરિયાદ મળ્યા પછી વાણિજ્ય મંત્રાલયે પણ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાને ફોન કર્યો હોવાનું બહાર આવ્યું છે. ઈ-કોમર્સ કરનારી કંપનીઓ ખોટ કરીને પણ બજાર ભાવ કરતાં ઘણાં નીચા ભાવે સોદાઓ કરી રહી છે. પરિણામે છૂટક દુકાનદારોનો ધંધો તૂટી રહ્યો છે. તેમને માટે અસ્તિત્વ ટકાવવું કઠિન બની ગયું છે. શ્રમિકોને લગતાં નિયમોની પણ ઇ-કોમર્સ કંપનીઓ ધરાર અવગણના કરી રહી છે.

વાણિજ્ય મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓપ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડની ફરિયાદને પરિણામે ઈ-કોમર્સ કંપનીઓ સામે તપાસ થવાની શક્યતા વધી ગઈ છે. ઇ-કોમર્સના ક્ષેત્રની ટોચની કંપનીઓના કિસ્સામાં તપાસ કરીને તેની માલિકાના અધિકારો વિશે જાણકારી મેળવી લીધી છે. તેથી જ આ કેસ કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયાને સોંપી દેવામાં આવ્યો છે. ડાર્ક સ્ટોર્સ આ બિઝનેસ મોડેલમાં કઈ રીતે ઘૂસ મારી રહ્યા છે તેની પણ તપાસ કરી છે. ડાર્કસ્ટોર્સને ઘોસ્ટ સ્ટોર્સ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. જાહેર જનતા તેમાં માલ લેવા જઈ શકતા નથી. ડાર્ક સ્ટોર્સમાં વૉક ઇન કસ્ટમર્સ આવે છે. આ કસ્ટમર્સ ઓનલાઈન ઓર્ડર પૂરા કરવા માટે જ માલની ખરીદી કરે છે. ડાર્કસ્ટોર્સ વેચાણ માટેના માલનું સ્ટોરેજ, પિકિંગ, પેકિંગ અને ડિલીવરીની વ્યવસ્થા કરી આપે છે.

બીજીતરફ ઓલ ઇન્ડિયા કન્ઝયુમર પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશન પણ ઇ-કોમર્સ કંપનીઓ સામે ફરિયાદ કરી રહી છે. તેઓ ઇ-કોમર્સનો બિઝનેસ ઝડપથી મેળવી લેવા માગતી કંપનીઓના કામકાજના મોડેલ અંગે ફેડરેશન તપાસ કરી રહ્યું છે. તેમના બિઝનેસ મોડેલનો આધાર ડાર્કસ્ટોર્સ સ્થાપવાની વ્યવસ્થાને આધીન છે. ડાર્કસ્ટોરના માધ્યમથી તેઓ ઇન્વેન્ટરીને અંકુશમાં રાખે છે. ભારતમાં ઇન્વેન્ટરી આધારિત ઇ-કોમર્સ કરવાની છૂટ નથી. તેથી સમગ્ર પ્રક્રિયાનું પુનરવલોકન કરવામાં આવી રહ્યું છે. કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયા પણ તે અંગે તપાસ કરીને નિર્ણય પર આવશે. દુકાનદારોને તેમની સામે વાજબી ધોરણે સ્પર્ધા કરવાની તક મળે તે માટે સમગ્ર સ્થિતિનું પુનરવલોકન થાય તે જરૂરી છે. 


Google NewsGoogle News