Get The App

દિવાળી આવી..પણ શિવાકાશીના ફટાકડા ઉદ્યોગની દશા માઠી

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
દિવાળી આવી..પણ શિવાકાશીના ફટાકડા ઉદ્યોગની દશા માઠી 1 - image


દિલ્હીમાં ૧ જાન્યુઆરી સુધી ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ, કર્ણાટકમાં વેચાણ માટે સરકાર દ્વારા લાયસન્સ ન આપવા અને નોઈડા વિસ્તારમાં પ્રતિબંધને કારણે તમિલનાડુના શિવાકાશીમાં ફટાકડાના વ્યવસાયને અસર થઈ રહી છે. શિવકાશીનો ફટાકડા ઉદ્યોગ દિવાળીની સિઝનમાં ભારતના ૯૦ ટકાથી વધુ ફટાકડાનું ઉત્પાદન કરે છે. આ ઉદ્યોગના સુત્રો મુજબ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે માંગમાં લગભગ ૨૦ ટકાનો ઘટાડો થયો છે.

બેરિયમ નાઈટ્રેેટના ઉપયોગ પર પ્રતિબંધ અને તેને મિશ્રિત કરીને ફટાકડા બનાવવા અને વેચવા પર પ્રતિબંધની પણ માંગ પર અસર થઈ છે. ધ ઈન્ડિયન ફાયરવર્કસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, હવે અમે બેરિયમ નાઈટ્રેટ વિના માત્ર લીલા ફટાકડા બનાવીએ છીએ. દિલ્હીમાં પ્રતિબંધને કારણે,શિવાકાશીના ફટાકડા ઉત્પાદકોની માંગમાં લગભગ ૨૦ ટકાનો ઘટાડો થયો છે. ફટાકડા બનાવવામાં ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાતા બેરિયમ નાઇટ્રેટ પરના પ્રતિબંધને કારણે ફુલઝાડી, ચકરી અને અનાર જેવા ફટાકડાના ઉત્પાદન પર અસર પડી છે. .

દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીએ ૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી રાજધાનીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધના ક્ષેત્રમાં ગ્રીન ફટાકડા સહિત તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ફટાકડાનો સમાવેશ થાય છે. દિલ્હીમાં આ પ્રતિબંધનો અમલ સુનિશ્ચિત કરવા માટે દિલ્હી પોલીસ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સહિત લગભગ ૨૮૫ ટીમો પહેલેથી જ કામ કરી રહી છે.

ઉદ્યોગના અન્ય એક સૂત્રએ કહ્યું, આ માત્ર દિલ્હીના પ્રતિબંધની વાત નથી. કર્ણાટક અને નોઈડામાં પણ લાઈસન્સ ઈશ્યુુ નથી થઈ રહ્યા. આનાથી અમારા આગોતરા ઓર્ડર પર અસર પડી રહી છે. કર્ણાટક અને તમિલનાડુની સરહદે અટ્ટીબેલેમાં ફટાકડાના વેરહાઉસમાં લાગેલી ભીષણ આગમાં ૧૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે પછી, કર્ણાટકમાં ફટાકડા ઉદ્યોગ માટે કડક માર્ગદશકા જારી કરવામાં આવી હતી અને રાજ્ય સરકારે રાજકીય સરઘસો, તહેવારો, ધાર્મિક સરઘસો અને લગ્ન દરમિયાન પરંપરાગત ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો હતો.

શિવાકાશી ફટાકડા મેન્યુફેક્ચરર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, શિવાકાશી વિસ્તારમાં ઘણા ગેરકાયદેસર ઉત્પાદકો બેરિયમ નાઈટ્રેટમાંથી ફટાકડા બનાવે છે. કોર્ટના પ્રતિબંધ પછી પણ આ ઉત્પાદનો તમામ બજારોમાં ઉપલબ્ધ છે. નિયમોનું પાલન કરનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં જ બેરિયમ નાઈટ્રેેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. ૨૦૨૧ માં તેની ફરીથી પુષ્ટિ થઈ અને મુખ્ય સામગ્રીનું ઉત્પાદન અટકાવવામાં આવ્યું. તમિલનાડુ ફટાકડા એમોરસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના અંદાજ મુજબ, કોરોના પહેલા શિવાકાશીના ફટાકડા ઉદ્યોગનું કદ આશરે રૂ. ૩,૦૦૦ કરોડ હતું. કોરોનાના કારણે અને નિયમોમાં થયેલા ફેરફારોને કારણે ફટાકડાની માંગ સતત ઘટી રહી છે. બેરિયમ નાઈટ્રેેટ એક હાનિકારક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. તે કેટલું સલામત છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેનો ઉપયોગ બાળકોની રમતના સ્પાર્કલર્સમાં થાય છે. આના પરના પ્રતિબંધથી દિવાળી જેવા મહત્વના તહેવારની ચમક ઝાંખી પડી ગઈ છે.

એસોસિએશનના મૂલ્યાંકન મુજબ, શિવાકાશી સહિત તમિલનાડુના વિરુદુનગર જિલ્લામાં લગભગ ૧,૧૭૫ ફટાકડા ઉત્પાદકો છે. શિવાકાશીમાં લગભગ દરેક કુટુંબ ભારતના તહેવારોની મોસમમાં યોગદાન આપે છે. આનાથી લગભગ ૩ લાખ લોકોને પ્રત્યક્ષ રોજગાર અને ૫ લાખ લોકોને પરોક્ષ રોજગાર મળે છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ૨૦૧૭માં દિલ્હીમાં ફટાકડા પર સૌપ્રથમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બગડતી હવાની ગુણવત્તા તે સમયે ટાંકવામાં આવી હતી. ૨૦૧૮માં દિલ્હીમાં માત્ર ગ્રીન ફટાકડાને જ મંજૂરી આપવામાં આવી હતી અને ત્યાર બાદ ૨૦૨૦થી તમામ ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.


Google NewsGoogle News