Get The App

જીએસટી હેઠળ એન્ફોર્સમેન્ટ અને ઉલટ તપાસ માટે સી.બી.આઈ.સીની નવી માર્ગદશકાની વિગતો

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
જીએસટી હેઠળ એન્ફોર્સમેન્ટ અને ઉલટ તપાસ માટે સી.બી.આઈ.સીની નવી માર્ગદશકાની વિગતો 1 - image


- GSTનું A to Z - હર્ષ કિશોર

- ઇન્વેસ્ટિગેશનના સ્થળો અને ઉલટ તપાસની જગ્યાએ સીસીટીવી ઇન્સ્ટોલ કરવાના રહે છે તેમજ વેપારીના અને અન્ય આક્ષેપિત લોકોના બંધારણીય હક્કો જાળવીને પારદર્શિતા જાળવીને નિવેદનો નોંધવાના રહે છે

કોઈપણ કર-પ્રણાલીમાં એનફોર્સમેન્ટ, ધરપકડ અને સમન્સની કામગીરી હંમેશા સંવેદનશીલ રહેલ છે અને વારંવાર સરકાર સામે કોર્ટ સમક્ષ રજૂઆતો થતી રહે છે. તેથી ગુનેગારોને નસીહત કરવામાં સરકારને ઘણા  પડકારોનો સામનો કરવો પડે છે. તાજેતરમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે છત્તીસગઢના એક કૌભાંડના કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટને સલાહ આપતા જણાવેલ કે કાયદાકીય કાર્યવાહી દરમિયાન તેઓ લોકોના મૂળભૂત અધિકારોનું પણ ધ્યાન રાખે. જો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના મૂળભૂત અધિકારો હોય તો આ એજન્સીએ અન્યના મૂળભૂત અધિકારોનો પણ ધ્યાન રાખવું પડશે. આવું જ જીએસટીના કિસ્સાઓમાં અનેકવાર બનેલ છે. તેમાં પણ ગુનેગારના મૂળભૂત અધિકારોનું ધ્યાન રાખવાનું રહે છે.અન્ય એક મહત્વના સમાચાર મુજબ ગુજરાતના ચારેય મહાનગરનાં પોલીસ સ્ટેશન હાઇટેક CCTV થી સજજ થયેલ છે. લોકઅપ, એન્ટ્રી-એક્ઝિટ, PI-PSI ચેમ્બર સહિતની જગ્યાએ રખાશે નજર તેમજ ૧૮ મહિનાનું રેકોડગ પણ સાચવવું પડશે.

કેસ : મુંબઈ હાઇકોર્ટના તારીખ ૧. ૪. ૨૦૨૫ ના રોજના Mahesh Devchand Gala vs. Union of India & Ors. (Criminal Writ Petition No. 938 of 2024) ના ચુકાદાના અનુસંધાને તારીખ ૮ એપ્રિલ ૨૦૨૫ ના રોજ પ્રિન્સિપલ ચીફ કમિશનર, જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ, મુંબઈ દ્વારા પોતાના તાબાના અધિકારીઓ માટે એક ઓફિસ મેમોરન્ડમ ઇશ્યુ કરવામાં આવેલ છે. જેમાં નામદાર મુંબઈ હાઇકોર્ટે કરેલા અવલોકનોના સંદર્ભે કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે. તે માટે નામદાર સુપ્રીમ કોર્ટના ફેબુ્રઆરી ૨૧-૨૦૨૩ ના Paramvir Singh Saini vs. Baljit Singh & Ors. (SLP (Criminal) No. 3543/2020) ના ચુકાદા મુજબ ઇન્વેસ્ટિગેશનના સ્થળો અને ઉલટ તપાસની જગ્યાએ સીસીટીવી ઇન્સ્ટોલ કરવાના રહે છે તેમજ વેપારીના અને અન્ય આક્ષેપિત લોકોના બંધારણીય હક્કો જાળવીને પારદર્શિતા જાળવીને નિવેદનો નોંધવાના રહે છે.

વધુમાં અગાઉ સી.બી.આઈ.સી દ્વારા જે Instruction No. 01/2023-24-GST (Inv.) dated March 30, 2024 બહાર પાડવામાં આવેલ છે તે માર્ગદર્શક સૂચનાઓ દરેક કમિશનરે સર્ચ વોરંટ અને સમન્સ ઈશ્યુ કરતા પહેલા ધ્યાને લેવાની રહે છે તેવું પણ ઉક્ત સૂચનામાં જણાવવામાં આવેલ છે. જેથી વહિવટી પ્રક્રિયા વ્યવસ્થિત રીતે થાય. આ પરિપત્રમાં વધુમાં એમ જણાવવામાં આવેલ છે કે કચેરી સમય બાદ કોઈપણ વ્યક્તિને ડીટેન ન કરવા અને જો એવું કરવાનું જરૂરી જણાય તો તમામ કાયદાકીય જોગવાઈઓ ધ્યાને રાખીને જ કોઈને ડીટેઇન કરવાના રહે છે.

ફોજદારી કાર્યવાહી : આવી કાર્યવાહી હાથ ધરવા માટેની માર્ગદર્શિકા સીબીએસસી દ્વારા તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સુચના ક્રમાંક ૪/૨૦૨૨-૨૩ થકી બહાર પાડવામાં આવેલ હતી. તેમાં જણાવેલ છે કે નામદાર સુપ્રીમ કોર્ટના રાધેશ્યામ કેજરીવાલના ચુકાદામાં જે અવલોકનો આપેલ છે તે મુજબ તાબાના તમામ અધિકારીઓએ કાર્યવાહી કરવાની રહે છે.

SGST : ગુજરાત એસજીએસટીના મુખ્ય રાજ્યવેરા કમિશનર દ્વારા સૂચના ક્રમાંક 1/2022-23 તારીખ 8.9.2022 ના રોજ કલમ ૭૦ હેઠળ સમન્સ ઈશ્યુ કરવા માટે તેમજ ધરપકડ અને બેલ અંગેની જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે જેની મુખ્ય બાબતો નીચે પ્રમાણે છે ઃ

૧. આ સૂચનાઓ મુજબ રાજ્ય વેરા અધિકારી અથવા સહાયક રાજ્ય વેરા કમિશનર દ્વારા જ્યારે સમન્સ આપવામાં આવે ત્યારે પોતાના સંયુક્ત કમિશનરથી નીચે નહીં તેવા અધિકારીની લેખિત પરવાનગી મેળવીને ત્યાર બાદ જ સમન્સ ઇશ્યુ કરવાના રહે છે.

૨. જો કોઈ કારણસર લેખિત પરવાનગી મેળવવાનું શક્ય ન હોય તો મૌખિક અથવા તો ટેલીફોનિક પરવાનગી મેળવી લેવાની રહે અને ત્યારબાદ તે ફાઈલ ઉપર પ્રોસેસ કરીને નિયમિત કરવાની રહે.

૩. સમન્સ ઇશ્યુ કરેલ હોય તેવા તમામ કેસોમાં સંબંધિત અધિકારીએ જે વ્યક્તિને સમન્સ ઈશ્યુ કરેલ હોય તે હાજર રહ્યા કે નહીં તેની નોંધ ફાઈલે કરવાની રહે છે અને જે નિવેદન લેવામાં આવેલ હોય તેની વિગતો ફાઈલ એ રાખવાની રહે છે.

૪. જે વિગતો ડિજિટલ સ્વરૂપમાં અથવા ઓનલાઈન પોર્ટલ ઉપર ઉપલબ્ધ હોય તેના માટે સમન્સ ઈશ્યુ ન કરવું જોઈએ.

૫. PSU કે કંપનીઓના Senior management officials જેવા કે as CMD/ MD/CEO/CFO અને સમકક્ષ અધિકારીને બિનજરૂરી રીતે સમન્સ ના પાઠવવા જોઈએ. જો એવા સ્પષ્ટ તારણો મળે કે કરચોરીમાં તેઓની સંડોવણી છે તો જ આવી વ્યક્તિઓને સમન્સ ઈશ્યુ કરવા જોઈએ.

ક્ર-૫ ની જોગવાઈઓમાં રાહત આપતો એક અગત્યનો સુધારો : તારીખ 1.11.2024થી અમલી થાય તે રીતે જાહેરનામા ક્રમાંક : 17/2024 સેન્ટ્રલ ટેક્સ મારફતે જીએસટી કાયદાની કલમ 70(1) પછી નીચે મુજબની કલમ 70(1)(A) નવી દાખલ કરવામાં આવેલ છે. “(1A) All persons summoned under sub-section (1) shall be bound to attend, either in person or by an authorised representative, as such officer may direct, and the person so appearing shall state the truth during examination or make statements or produce such documents and other things as may be required.”

૬. સમન્સ ઇશ્યુ કરનાર અધિકારીએ પોતે જે તે સમયે અને તારીખે કચેરીમાં હાજર રહેવું જોઈએ જો અધિકારીને કોઈ અન્ય તાકીદની કામગીરી આવી જાય તો જે વ્યક્તિને સમન્સ ઈશ્યુ કરેલ છે તેને તે બાબતની લેખિત અથવા મૌખિક આગોતરી જાણ કરી રહેવી કરવાની રહે છે.

૭. જો કોઈ કિસ્સામાં જેને સમન્સ ઈશ્યુ કરેલ હોય તે વ્યક્તિ હાજર ના રહે તો તેને ૩ વખત સમન્સ બજાવવા જોઈએ. તેમ છતાં તે હાજર ન રહે તો IPC ની કલમ ૧૭૨ (absconding to avoid service of summons or other proceedings - હવે BNS ની કલમ-) અને174 (non-attendance in obedience to an order from public servant હવે BNSની કલમ-)નો ગુનો ગણીને મેજીસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવાની રહે.

૮. આ સૂચનાઓમાં સમન્સ, ધરપકડ અને જામીનની અન્ય બાબતો સુપ્રીમ કોર્ટના D.K Basu vs State of West Bengal reported in1997(1) SCC 416 તેમજ CrPC (હવે BNSS) ની જોગવાઈઓ મુજબ કરવાની સૂચનાઓ તાબાના અધિકારીઓને આપવામાં આવેલ છે. ઉપરાંત કુલ બે પત્રકોમાં માહિતી સાદર કરવાની સુચના પણ આપવામાં આવેલ છે.

ધરપકડને લગતી પ્રક્રિયાની અન્ય બાબતો ટૂંકમાં જોઈએ તો ઃ

૧. અરેસ્ટ પ્રપોઝલ : GSTની કરચોરીમાં સંડોવાયેલ વ્યક્તિની ધરપકડ કરવા માંગતા અધિકારી કેસની હકીકતલક્ષી વિગત સાથે આરોપીના નામની દરખાસ્ત સાથે કમિશનર/ખાસ/અધિક કમિશનરશ્રી પાસે અરેસ્ટ ઓથોરાઇઝેશન માંગતી દરખાસ્ત કરે છે. 

૨. અરેસ્ટ મેમો : અરેસ્ટ મેમો થકી કોઈ ઈસમની ધરપકડ થયેલ છે તેનો ખ્યાલ આવે છે. તેમાં મુખ્યતવે ધરપકડ કરનાર અધિકારીનું નામ, હોદ્દો, કયા ગુના હેઠળ ધરપકડ થયેલ છે, તે કાયદાની કલમ, ધરપકડ તારીખ-સમય, ધરપકડ કરાયેલ વ્યકિતનું નામ, તથા ગુનામાં સંકળાયેલ વેરાની રકમનો સમાવેશ થાય છે. ધરપકડ અધિકારી પોતાની સહીથી આરોપીને આપે છે. તપાસોની શરુઆતથી માંડીને આરોપીની સંડોવણી સુધીની હીસ્ટ્રી હોય છે. કૌભાંડમાં સંડોવાયેલ પેઢીઓના લીસ્ટ વાઇસ ગુનાઓનું પ્રમાણ દર્શાવેલ હોય છે. અરેસ્ટ મેમોમાં મળેલ ઓથોરાઇઝેશનનો ઉલ્લેખ, ધરપકડનું સ્થળ અને ધરપકડનો સમય દર્શાવવામાં આવે છે.  બે પંચો સમક્ષ એક કોપી આરોપીને આપવામાં આવે છે.

આરોપીને ધરપકડ અંગેની સમજ તથા વકીલ રોકવાની સમજ તથા અરેસ્ટ મેમો વંચાવવા/વાંચી સંભળાવવામાં આવે છે.આરોપીની તથા પંચોની તમામ પાના પર સહીઓ લેવામાં આવે છે.

૩. ધરપકડ કરાયેલ આરોપીના ચહેરા પરના નિશાન નોંધવામાં આવે છે અને અંગુઠાના નિશાન લેવાય છે, અંગ જડતી દરમ્યાન મળેલ વસ્તુઓની યાદી બનાવાય છે.

૪. પ્રોડકશન મેમો કોર્ટને ઉદ્દેશીને, કોર્ટમાં રજુ કરાતી ફરિયાદ સ્વરુપે તૈયાર કરવામાં આવે છે. તેમાં તપાસ કોર્ટનું નામ, અધિકારીનો ફાઇલ ક્રમાંક, ફરિયાદી-આરોપીની ઉંમર લખાય છે. પ્રોડક્શન મેમોમાં GST કાયદા અન્વયે નોંધણી-સપ્લાય-પત્રકો-વેરાશાખ અંગેનો પ્રાથમિક ખ્યાલ, ગુનાની મોડસ ઓપરેન્ડી, ગુનો કઇ રીતે કરવામાં આવેલ છે તેની વિગતવાર સમજણ, ધરપકડ કરવામાં આવેલ ઇસમની કૌભાંડમાં સંડોવણીની વિગત, કઇ કલમ હેઠળ ગુનો છે તેની સમજણ, સજાની જોગવાઇ વગેરે લખાય છે.

૫. વધુ પૂછ્પરછ માટે રીમાન્ડ અરજી / વધારાના રીમાન્ડ માટેની અરજી કરી શકાય. 

૬. રીમાન્ડનો સમય પૂરો થઇ જાય અને કોઇ બાબતે પૂછપરછ બાકી હોય તો કોર્ટ હુકમ કરે પછી જેલમાં જઇ જેલરની હાજરીમાં સમન્સ આપી નિવેદન નોંધવામાં આવે છે.

૭. ચાર્જશીટ ધરપકડ કર્યાના ૬૦ દિવસ સુધીમાં ચાર્જશીટ ફાઇલ કરાય છે. જરૂર પડયે સંયુક્ત ચાર્જશીટ કે પૂરક ચાર્જશીટ પણ કરી શકાય છે.


Tags :