Get The App

ચીનમાં HMPVનો પ્રકોપ છતાં ભારતીય લાલ મરચાની મોટે પાયે ખરીદી

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
ચીનમાં HMPVનો પ્રકોપ છતાં ભારતીય લાલ મરચાની મોટે પાયે ખરીદી 1 - image


- કોમોડિટી કરંટ - 

- ઘરાકીના અભાવે મસાલા તથા તેલીબીયાં બજારોમાં મંદી

આજકાલ નવા વાઇરસ HMPV ના કેસો દેશમાં દિનપ્રતિદિન સતત વધી રહ્યા છે ત્યારે પ્રજામાં ગભરાટનો માહોલ વધી રહ્યો છે. HMPV વાઇરસનો જન્મદાતા કહેવાતા ચીનમાં આજકાલ ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. તેમ છતાં ભારતીય કૃષિ કોમોડિટીની ખરીદીમાં ચીન હજુ વેપારમાં સતત આગળ વધી રહ્યું છે. ખાસ કરીને આજકાલ ચીન ભારતીય લાલ મરચાંની ખરીદીમાં વધુ રસ દર્શાવી રહ્યું છે. ચીન હાલમાં ભારતીય લાલ મરચાંની નવી આવકોની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. જો કે દેશમાં લાલ મરચાંની આવકોના શ્રી ગણેશ થયા છે અને બજાર ગત વર્ષ કરતાં નીચા ભાવે ચાલી રહી હોવાથી ચીન મોકાનો ફાયદો ઉઠાવવા તલપાપડ બન્યું છે. ચીનની સમાંતર બાંગ્લાદેશ પણ લાલ મરચાંની ખરીદી માટે તૈયાર છે પરંતુ રાજકીય સંકટને કારણે વેપારોમાં ગતિ પકડાતી નથી. જો કે લાલ મરચાંની નિકાસમાં ગત વર્ષે ૨૦૨૪-૨૫ દરમ્યાન નવથી દશેક ટકાનો ઉછાળો નોંધાયો છે. એપ્રિલથી ઓક્ટોબર-૨૦૨૪ દરમ્યાન ભારતીય લાલ મરચાંની નિકાસ ઉછળીને ૩.૩૦ લાખ ટનની વિક્રમજનક સપાટીએ પહોંચી છે. સ્થાનિક લેવલે ગત વર્ષ જાન્યુઆરી-૨૦૨૪માં લાલ મરચાંની બજારમાં છવાયેલ તેજીને કારણે ભાવો વધીને પ્રતિ ક્વિન્ટલે ૫૫૦૦૦ રૂપિયાની સપાટીએ પહોંચી ગયા હતા. જો કે ત્યારબાદ બજાર તુટતાં ભાવો ૩૨૦૦૦ રૂપિયાની આસપાસ નીચા લેવલે આવી ગયા હતા. લાલ મરચાંના મુખ્ય ઉત્પાદક આંધ્ર પ્રદેશ તથા તેલાંગણા રાજ્યોમાં ડિમાન્ડ કરતાં માલનો આવરો વધી રહ્યો હોવાથી હાલમાં બજારમાં મંદીનું જોર વધી રહ્યું છે. જો કે આગામી મહિનાના અંતમાં રમજાન પવિત્ર મહિનો શરૂ થતો હોવાથી મુસ્લીમ દેશોની ઘરાકી નીકળશે તેવી અપેક્ષાએ વેપારી વર્ગ તેજીની ધારણામાં વ્યસ્ત છે. ગત વર્ષે મોટામોટા ઉત્પાદક કંપનીઓએ લાલ મરચાંનો ભારે સ્ટોક કરતાં જુનો માલ સ્ટોકનું પ્રેસર પણ બજારને સતાવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં જામનગર તથા ગોંડલના બજારોમાં પણ લાલ મરચાંની આવકોની શરૂઆત થઇ છે. પરંતુ ઉત્તરાયણ બાદ આવકોમાં ગતિ પકડાશે તેવી વકી છે. હાલમાં પ્રતિ મણે ૨૫૦૦ થી ૩૦૦૦ની રેન્જ બાઉન્ડ સ્થિતિમાં બજાર છે.

અન્ય મસાલા સેન્સેટીવ કોમોડિટી જીરામાં આજકાલ મંદીનો માહોલ છવાયો છે. સ્થાનિક સ્તરે ઘરાકીના અભાવે વેપારોમાં સુસ્તી છે. ખેડૂતો તથા વેપારીઓ પાસે જુનો માલ સ્ટોક નોંધપાત્ર સ્થિતિમાં હોવાથી મંદીનો દોર યથાવત છે. જો હાલની સીઝનમાં રાજ્યમાં જીરાનું વાવેતર સારા પ્રમાણમાં તુટયું છે. રાજ્યના કૃષિ અહેવાલો પ્રમાણે ગત વર્ષ કરતાં ૧૫થી ૨૦ ટકાના ઘટાડા સાથે વાવેતર આ વર્ષે ૪.૭૩ લાખ હેક્ટરમાં થયું છે. સૌરાષ્ટ્ર ઉત્તર, ગુજરાત, મધ્ય ગુજરાત જેવા વિસ્તારોમાં ૧૫થી ૧૮ ટકાનો વાવેતરમાં ઘટાડો થયો છે. જ્યારે કચ્છના વિસ્તારોમાં વાવેતર ૫૫૦૦૦ હેક્ટરથી વધીને ૬૨૦૦૦ હેક્ટર સુધી વધ્યું છે. જીરાના વાવેતરના દોઢથી બે મહિના બાદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લીલા સુકારાના રોગોના લક્ષણો દેખાતાં ખેડૂતોએ અગમચેતી વાપરી ફૂગનાશક દવાનો ઉપયોગ શરૂ કર્યો છે. જીરામાં રમજાન મહિના દરમ્યાન ખરીદી આવશે અને બજાર સુધરશે તેવી અપેક્ષાએ બજારનો માહોલ સુસ્તી ભર્યો છે.

મસાલા ઉપરાંત તેલીબીયાં અને સૌથી ઉત્પાદિત એરંડામાં પણ કટોકટી ભરી સ્થિતિ પ્રવર્તી રીહ છે. શિયાળાની મોસમે વેગ પકડી છે તેમ એરંડા બજારોમાં માલોનો આવરો અપેક્ષિત રહ્યો નથી. જો કે ફેબુ્રઆરીના પ્રથમ પખવાડીયા સુધી નવી આવકો શરૂ થવાના કોઈ ચાન્સ દેખાતા નથી.

 જો જરૂરિયાત પ્રમાણે આવકોનો પ્રવાહ શરૂ નહિ થાય તો ફેબુ્રઆરીના અંત સુધીમાં એરંડામાં તેજી વેગ પકડે તેવી ધારણાઓ વધુ છે. રાયડા બજારમાં પણ આવકોમાં ઘટાડોની સાથે સાથે નાફેડની વેચવાલી પણ ઓછી થતાં આગામી સમયમાં રાયડાતેલમાં શોર્ટેજ ઉભી થવાની શક્યતા વધુ જોવાઇ રહી છે.


Google NewsGoogle News