ખાદ્ય ચીજોની મોંઘવારી કંટ્રોલ કરવા મરણીયા પ્રયાસો
- કોમોડિટી કરંટ - જયવદન ગાંધી
છેલ્લા સો વર્ષોમાં ચાલુ સાલે ઓગસ્ટ મહિનો સૌથી વધુ સૂકો રહ્યો છે. જુલાઈ માસમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય રહ્યું હતું પરંતુ ઓગસ્ટ માસમાં ચોમાસુ ગાયબ થયેલું જણાતા અલ-નીનોની અસર શરૂ થઈ હોવાના અહેસાસ થઈ રહ્યો છે. ઓગસ્ટમાં વરસાદના અભાવને કારણે અનાજ, દાળો, તેલીબીયા, મસાલા જેવા ખરીફ પાકોના વિકાસ તથા ઉત્પાદન દર ઉપર અસર પડવાની દહેશત ઉભી થઈ છે. આગામી દશ- પંદર દિવસમાં વરસાદ આવે તો પરિસ્થિતિ સામાન્ય બની શકે એમ છે. ચોમાસાના અભાવે ખાદ્ય ચીજોની મોંઘવારી તહેવારોના સમયે ફરી ઉછળે તેવી શક્યતાઓને કારણે તંત્રની ઉંઘ ઉડી રહી છે. દેશમાં આગામી સમયમાં વિવિધ રાજ્યોની વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીઓના ઢોલ નગારા વાગી રહ્યા છે ત્યારે મોંઘવારીનો મુદ્દો સરકાર માટે શિરદર્દ બની ગયો છે. ખાસ કરીને અનાજ, દાળો તથા મસાલા ચીજોમાં સતત વધતા જતા ભાવોને બ્રેક કરવા માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. ખાદ્ય ચીજોમાં સૌથી વધુ વપરાશ ધરવતા ઘઉંમાં છેલ્લા બે મહિનામાં લગભગ ૧૦થી ૧૨ ટકાનો ભાવ વધારો થતાં સાત મહિનાના ઉંચા સ્તરે કિંમતો રહી છે. ઘઉંનો સરકારી સ્ટોકમાં પણ ૨૦ ટકા જેટલું ગાબડું હોવાની આશંકા છે. દેશમાં ઘઉંનો સપ્લાય તથા માંગ બરાબર કરવા માટે હાલમાં ૩૦થી ૪૦ લાખ ટન ઘઉંની જરૂરિયાત હોવાથી સરકારે રશિયાથી ડિસ્કાઉન્ટથી ૮૦થી ૯૦ લાખ ટન જેટલો જથ્થો આયાત કરવા પ્રયાસો હાથ ધર્યા છે. આ અગાઉ કાચા તેલમાં રશિયાએ સસ્તા દરે જંગી પુરવઠો પુરો પાડેલ છે. સરકાર રશિયાથી ઘઉંનો જથ્થો આયાત કરવા માટે વેપાર માધ્યમથી અથવા સરકારી પ્રોસેસના માધ્યમથી પ્રાથમિકતા આપી રહી છે. છેલ્લે ૨૦૧૭ના વર્ષમાં લગભગ ૫૩ લાખ ટન ઘઉંનો જથ્થો ખાનગી વેપારીઓના માધ્યમથી આયાત કરવામાં આવ્યો હતો. ગત વર્ષે ૨૦૨૨-૨૩ દરમ્યાન દેશમાં રવી સીઝનમાં ઘઉંના ઉત્પાદન બાબતનો અંદાજ ખોટો પડતા લગભગ એકાદ કરોડ ટનનું ગાબડું પડયું હોવાની આશંકા છે. જેના લીધે સરકારી ખરીદીનો લક્ષ્યાંક પણ સિદ્ધ નહિ થતા મોંઘવારી પણ કંટ્રોલ બહાર જઈ રહી છે. જેનાથી સરકારની ઘઉં બાબતે ગણતરીઓ ખોટી પુરવાર થઈ હોવાનું ચર્ચામાં છે.
બીજી તરફ મસાલા તથા દાળોમાં પણ સતત થઈ રહેલો ભાવ વધારો પ્રજાને દઝાડી રહ્યો છે. દાળોમાં તુવેર દાળ બાદ હવે ચણામાં પણ તેજીનો રંગ ચડી રહ્યો છે. સરકારે ચણાના જાહેર કરેલા ટેકાના ભાવો પ્રતિ ક્વિન્ટલે રૂા. ૫૩૩૫/- કરતા આજકાલ ઉંચા ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં દેશી ચણાના ભાવોમાં ૧૨ ટકાના વધારા સાથે પ્રતિ ક્વિન્ટલે ૬૪૦૦ રૂપિયાના હાઇલેવલે ભાવો ચાલી રહ્યા છે. તહેવારોની સીઝનમાં મિલરો તથા ફેક્ટરીઓ તરફથી વધેલી માંગ સામે સ્ટોકની અછત હોવાનું ચર્ચામાં છે. સરકાર પાસે લગભગ ૩૫થી ૩૬ લાખ ટન જેટલો જથ્થો હોવાના અનુમાનથી ઉપરોકત જથ્થો બજારમાં આવે તો ભાવ વધારો કંટ્રોલમાં રહે તેવી વકી છે. તુવેર તથા અડદમાં લોકલ ઉત્પાદન ઓછું તેમજ કેરી ફોરવર્ડ સ્ટોક પણ ઓછો રહેલા વિદેશી માલ ઉપર બજારમાં તેજી- મંદીનો આધાર રહ્યો છે. આફ્રિકાના મલાવી, તંજાનિયા, સુદાન તેમજ મોજામ્બિક જેવા દેશોમાં તુવેરનો જથ્થો આયાત કરવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે. ભારતમાં તુવેરની અછત હોવાથી સ્થિતિનો ફાયદો ઉઠાવવા તુવેરના સૌથી મોટા આયાતકાર દેશ મોજામ્બિક સરકાર મહત્તમ પ્રયાસો કરી રહી છે. મોજામ્બિકમાં તુવેરની ૬૦૦થી ૭૦૦ ડોલર પ્રતિ ટનની હાલની બજાર સામે ત્યાંની સરકારે ૮૫૦થી ૯૦૦ ડોલર પ્રતિ ટન મીનીમમ નિકાસ મુલ્ય (MEP) જાહેર કરી મોકાનો ફાયદો ઉઠાવવા તત્પર બની હોવાનુ જણાઈ રહ્યું છે.
દરમ્યાન મસાલા બજારમાં જીરાની આવક અછત સામે તહેવારોને કારણે માંગ વધવાની શક્યતાઓને પગલે હાજર તથા વાયદામાં થતી ભારે વધઘટને કારણે અફડાતફડીનો માહોલ છવાયો છે. જીરાનો વેપાર જોખમી બન્યો છે. ચારથી છ ટકાની સર્કિટની લગામો છતાં દિવાળી સુધી ભાવોમાં સરેરાશ તેજીનો જુવાળ છવાયેલો રહે તેવી સંભાવનાઓ પ્રવર્તી રહી છે. વર્ષ ૨૦૦૮માં કાળા મરી તથા વર્ષ ૨૦૧૦માં ગવારમાં ભયંકર તેજીનો માહોલ સર્જાયો હતો.