Get The App

ઘઉં બજાર પર માગનું દબાણ હળવું જુવાર, બાજરીના વપરાશમાં વૃદ્ધિ

Updated: Jul 16th, 2023

GS TEAM


Google News
Google News
ઘઉં બજાર પર માગનું દબાણ હળવું જુવાર, બાજરીના વપરાશમાં વૃદ્ધિ 1 - image


- સરકારે ૨ કરોડ ૬૦થી ૬૫ લાખ ટન ઘઉંની ખરીદી કરીઃ ડાયાબીટીઝને કન્ટ્રોલમાં રાખતા ઘઉં પંજાબમાં વિકસાવવામાં આવ્યા

- ઉભી બજારે : દિલીપ શાહ

દે શમાં ઘઉં બજાર તથા વેપાર ક્ષેત્રે તાજેતરમાં  પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે.  સરકાર દ્વારા થતી ઘઉની ખરીદી પ્રાપ્તી આ મોસમની મોટાભાગની  પુરી થઈ ગયાના નિર્દેશો મળ્યા છે. આ મોસમમાં સરકાર દ્વારા દેશવ્યાપી ધોરણે  ઘઉંની ખરીદી આશરે  ૨ કરોડ ૬૦થી ૬૫ લાખ ટન જેટલી થયાના નિર્દેશો મળ્યા હતા. ઘુંના ઉત્પાદનનો લક્ષ્યાંક સરકારે આ વર્ષ માટે ૧૦ કરોડ ૫૦ લાખ ટનનો નક્કી કર્યો હતો. સરકારના ગોદામોમાં  પાછલી મોસમના ખરીદવામાં આવેલા ઘઉં પણ સિલ્લક પડયા છે.  ઘઉંની નિકાસ પરના અંકુશો વચ્ચે ઘરઆંગણે ઘુંનો ઉપલબ્ધ પુરવઠો એકંદરે આવશ્યકતા કરતા વધુ જણાઈ રહ્યો છે. એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.  દરમિયાન,  પંજાબમાં કૃષી  યુનિવર્સિટીએ ઘઉંની નવી જાત વિકસાવી છે તથા  આ ક્ષેત્રના  સૂત્રોના દાવા મુજબ આ નવી જાતના ઘઉંથી ડાયાબિટીઝ તથા મોટાપો  કન્ટ્રોલમાં  આવે એવી  શક્યતા છે!

ઘઉંના બજાર ભાવ હાલ એકંદરે જળવાઈ રહ્યા છે. સરકાર ઓપન સેસ તથા ઈ-ઓકશનો મારફતમિલરોને તથા ટ્રેડરોને માલ આપતી રહી છે. આ વર્ષે વરસાદ સારો થયો છે. જમીનમાં પાણીનો સંગ્રહ પણ વધ્યો છે. રવિ પાક માટે આશાવાદ વધ્યો છે. દરમિયાન શ્રીઅન્ન તરીકે ઓળખાતા જાડા ધાન્યો બાજરી, જુવાર, મકાઈ, જવ, રાગી વિ.નો વપરાશ દેશમાં તાજેતરમાં વધ્યો છે તથા તેના પગલે પણ ઘઉં પર માગનું દબાણ હળવું બન્યાનું  બજારના જાણકારોએ જણાવ્યું હતું.  દરમિયાન, સ્ટોક મર્યાદા  પણ લાગુ થઈ છે.  વિવિધ રાજ્યોમાં  તથા  ત્યારબાદ કેન્દ્રની ચૂંટણીઓ આગળ ઉપર આવી રહી છે અને તેને અનુલક્ષીને સરકાર ઘઉં સહિતની  વિવિધ આવશ્યક ચીજોના ભાવ કાબુમાં રાખવા હાલ પ્રયત્નશીલ રહ્યાના સંકેતો મળ્યા છે. હકીકતમાં  ઘઉં માટે સરકારે લાંબાગાળાની નીતિ બનાવવાી આવશ્યક હોવાનું બાજરના જાણકારો જણાવી રહ્યા છે.  મફતમાં અથવા તો રાહતના ભાવોે જનતાને અનાજ આપવાને બદલે જનતા બેન્ક ખાતામાં તેટલી રકમ ડાયરેકટ જમા કરાવવામાં આવે તો સરકારને અનાજનો સંગ્રહ કરવાની તથા જનતા સુધી  માલ પહોંચાડવાની કડાકૂટમાંથી છૂટકારો મળી જશે તથા રેશન પદ્ધતિમાં  આવવાની ગેરરીતિઓ પણ દૂર  થવાની ગણતરી  બજારના જાણકારો બતાવી રહ્યા છે. એક અંદાજ મુજબ અનાજની સબસીડીના સંદર્ભમાં સરકાર પર આશરે ૩ લાખ કરોડ રૂપિયાનો બોજ આવે છે.

નવી મુંબઈ અનાજ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ મિલ ક્વોલીટી ઘઉંના ભાવ કિવ.ના રૂ.૨૫૫૦થી ૨૫૮૦ આસપાસ તાજેતરમાં  જોવા  મળ્યા હતા. રાજસ્થાન ઘઉંના ભાવ રૂ.૨૯૦૦થી ૩૦૦૦ રહ્યા હતા.  સૌરાષ્ટ્ર ઘઉંના ભાવ સારા માલોના રૂ.૩૫૦૦થી ૩૬૦૦ તથા ઉંચામાં ભાવ રૂ.૪૦૦૦થી ૪૫૦૦ સુધી  બોલાઈ રહ્યા હતા. મધ્ય પ્રદેશ ઘઉંના ભાવ લોકવનના રૂ.૩૦૦૦થી ૩૧૦૦ તથા સારાના ભાવ રૂ.૩૫૦૦થી ૪૦૦૦ સુધી  રહ્યા હતા. ઉત્તર ગુજરાત ઘઉંના ભાવ જાતવાર રૂ.૩૧૦૦થી ૩૮૦૦ની રેન્જમાં  રહ્યા હતા. શરબતીના ભાવ રૂ.૪૫૦૦થી ૫૦૦૦ બોલાતા હતા. સરકારે જુલાઈ મહિનાથી રેશનમાં ૧ના બદલે  ૨ કિલો ઘઉં આપવાનું નક્કી કર્યું છે.  ઘઉંમાં સરકાર દ્વારા કરાતા  ઓપન માર્કેટ સેલમાં  શરતો આકરી તથા માલોની ગુણવત્તા અપેક્ષા કરતાં નબળી હોવાનો આક્ષેપ પણ બજારમાં  તથા મિલ વર્તુળોમાં કરાતો રહ્યો છે. ફલોર મિલો માટે  ઘઉંની આવી ખરીદીની મર્યાદા ૧૦૦ ટનની રહી છે. સરકારના ટેન્ડરોમાં  ચાર લાખ ટનના માલો માટે બિડીંગમાં આશરે  ૯૦૦ બિડરોએ ભાગ લીધાના વાવડ મળ્યા હતા.

દરમિયાન, અફઘાનિસ્તાનની અનાજ કટોકટીને લક્ષમાં રાકી  ભારત સરકારે આશરે ૧૦ હજાર ટન ઘઉં  અફઘાનિસ્તાનમાં મોકલી આપ્યા હોવાના  નિર્દેશો મળ્યા છે.  ગયા વર્ષે  સરકારે  આવા આશરે  ૪૦ હજાર ટન ઘઉં અફઘાનિસ્તાનમાં મોકલ્યા હતા. ગયા મહિને સરકારે અફઘાનિસ્તાનમાં ૨૦ હજાર ટન ઘઉં પાઠવ્યા હતા. તાજેતરમાં  ભારત સરકારના એફસીઆઈ દ્વારા આશરે  ૪ લાખ ૨૫થી ૩૦ હજાર ઘઉંનો જથ્થો ઈ-ઓકશનમાં  મૂક્યો હતો.  આ પૂર્વે પાંચમી જુલાઈના આવા ઓકશનમાં સરકારે આશરે ૧ લાખ ૨૫થી  ૩૦ હજાર ટન ઘઉંનું  વેચાણ આશરે  ૧૩૩૫થી ૧૩૪૦  જેટલા બિડરોને  કર્યાના વાવડ મળ્યા હતા.  સરકારી સૂત્રોના જણાવ્યા  મુજબ આ વર્ષે  ઘઉંનું  ઉત્પાદન ૧૧૨૭થી ૧૧૨૮  લાખ ટન થવાની આશા છે જ્યારે વેપારી વર્તુળો તથા ફલોર મિલરોના જાણકારોના જણાવ્યા  મુજ આ આકંડો ૧૦૧૦થી ૧૦૭૦ લાખ ટન આસપાસ થવાની શક્યતા  છે.

Tags :