Get The App

સોશિયલ મિડીયા પર કન્ઝયુમર પ્રોડક્ટ્સની ટીકાનો મારો, બેધારી તલવાર

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
સોશિયલ મિડીયા પર કન્ઝયુમર પ્રોડક્ટ્સની ટીકાનો મારો, બેધારી તલવાર 1 - image


- એન્ટેના - વિવેક મહેતા

- મોડો ન્યાય એટલે અન્યાયઃ કન્ઝયુમર કોર્ટમાં પણ ન્યાય મળતાં ઘણીવાર પાંચથી દસ વર્ષ કે પંદર વર્ષ નીકળી જતા હોવાનું જોવા મળે છે

કોઈપણ પ્રોડક્ટ્સ નબળી ગુણવત્તાના નીકળે તો તેની સોશિયલ મિડીયા પર આકરી ટીકા થવા માંડે છે. કોઈ કંપની ડિફેમેશન કરે કે ખોટી રીતે બદનામ કરવા બદલ વળતર માગે તો ટીકા કરનાર ભેરવાઈ શકે છે. બીજીતરફ નબળા પ્રોડક્ટ્સ મૂકીને ગ્રાહકોને છેતરવાનો પ્રયાસ કરનારી કંપનીઓ પર સોશિયલ મિડીયાથી અંકુશ પણ આવી રહ્યો છે. તેનાથી ગ્રાહકોનું ભલું થઈ રહ્યું છે. તેમ છતાંય સોશિયલ મિડીયા એક બેધારી તલવાર છે. કારણકે તેના પર જાહરાત થતાં ખરાબ પ્રોડક્ટ્સ કે ખરાબ સર્વિસની ગ્ર્રાહકોને ઝડપથી ખબર પડી જાય છે. તેથી ધંધો ગુમાવી દેવાના ડરથી કંપનીઓને તેમના પ્રોડક્ટ કે સર્વિસની નબળાઈ દૂર કરવાની ફરજ પડે છે.

અત્યારે તો હોટેલ્સ, એરલાઈન્સ, રેસ્ટોરાં, ફૂડ કોર્ટ, કન્ઝયુમર ગુડ્સ અને પર્સનલ પ્રોડક્ટ્સ વેચતી કંપનીઓએ તો પ્રતિષ્ઠાને સાચવવા તરત જ પ્રતિભાવ આપવાનું પસંદ કરે છે. સંખ્યાબંધ કંપનીઓએ તેમના પ્રોડક્ટ્સ માટે સોશિયલ મિડીયા પર આવતી કોમેન્ટ્સનો પ્રતિકાર કરવા માટે અલગ વિભાગ પણ ચાલુ કરી દીધો છે. આ વિભાગ ગ્રાહકો દ્વારા કરવામાં આવતી ફરિયાદનો ત્વરિ પ્રતિભાવ આપવામાં આવે છે. ડેમેજ કંટ્રોલ કરવા માટે તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરવા માંડયા છે. તેથી પાવર સેક્ટરની કંપનીઓ, ટેલિકોમ કંપનીઓ, ફાઈનાન્શિયલ સર્વિસ આપતી સંસ્થાઓ, જાહેર ક્ષેત્રની બેન્કો, ખાનગી વીમા કંપનીઓ અને હોસ્પિટલ્સ વધુ સાવધ બનીને પ્રતિભાવ આપતી થઈ છે. પોસ્ટ ઓફિસની બચત યોજનામાં ગરબડ થાય અને સોશિયલ મિડીયામાં તેની ટીકા થવા માંડે તો પોસ્ટ ઓફિસના અધિકારીઓ પણ પોતાની ઇમેજ  સાચવવા માટે સક્રિય થાય છે. જોકે કોર્ટમાં જઈને લાંબી લડત લડનારા ગ્ર્રાહકોને પૂરતું વળતર ન મળતું હોવાની વાત પણ એટલી જ સાચી છે. બીજીતરફ તેમને ન્યાય મળતાં ઘણીવાર વીસ વીસ વર્ષ જેટલો સમય લાગી જાય છે. મોડો ન્યાય એટલે અન્યાય ઉક્તિને આ હકીકત સાચી ઠેરવે છે. આ સંજોગોમાં ન્યાય ઝડપી થાય તે જોવો જરૂરી છે. બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી રૂ. ૧.૩૫ કરોડ જેટલી રકમ ગુમ થઈ જવાના કેસમાં ફરિયાદીને ન્યાય મળતા વરસો લાગી ગયા છે. ખોટો આધારકાર્ડ રજૂ કરીને ખાતાધારકનો મોબાઈલ નંબર બદલાવી દઈને તેના ખાતામાંથી પૈસા ઊપાડી લીધા હતા. ખાતેદાર પાસે તો આધારકાર્ડ પણ નહોતો. છતાં ફ્રોડ કરનારાઓએ તેના બેન્ક રેકોર્ડમાંના ફોટાનો ઉપયોગ કરી ફોટો સાથેનો આધારકાર્ડ બનાવડાવી લીધો હતો. ફ્રોડ કરનારાઓ આધારકાર્ડ બનાવતી વખતે ખાતેદારના પિતાનું નામ લખવામાં ભૂલ કરી બેઠાં અને આખી ગરબડ પકડાઈ ગઈ.

ગ્રાહકો કે ખાતેદારો સાથે છેતરપિંડી કરનારાઓ સામે આકરાં પગલાં લેવા જરૂરી છે. તેની સાથે ફરિયાદો સાચો પુરવાર થાય તો તેને વાજબી વળતર પણ મળવું જોઈએ. અલબત્ત ફરિયાદ કરીને કન્ઝયુમર કોર્ટના દરવાજા ન ખખડાવી શકનારાઓએ તો અન્યાય થયા પછીય સમસમીની બેસી રહેવાની ફરજ પડી રહી છે. નાના ફરિયાદીઓને ન્યાય મળે તે માટે કોઈ પગલાં લેવા જરૂરી છે. ફરિયાદ કર્યા પછી કેસ ચલાવવા માટે કાયદેસર વ્યક્તિની સેવા ન લઈ શકનારાઓ માટે અલગથી વધુ અને ન્યૂટ્રલ વ્યવસ્થા થવી જોઈએ. તેમને માટે રજૂઆત કરનારાઓ ફૂટી ન જાય અને ગ્રાહકને ભોગે પોતે એડવાન્ટેજ ન લઈ લે તે જોવું પણ એટલું જ જરૂરી છે.  બીજીતરફ સોશિયલ મિડીયા પર બદનામ કરી દેવાની ધમકી આપનારાઓ ખરેખર ખોટા સાબિત થાય તો તેમને પણ આકરો દંડ કરવામાં આવે તે જરૂરી છે. જોકે કન્ઝયુમર ફોરમ જઈને કંપનીને પાઠ ભણાવ્યાનો સંતોષ માનનારાઓ તેમાં ઘણા હોય છે. નાના ગ્રાહકોને હજીય અપેક્ષા પ્રમાણે ન્યાય મળતો નથી.


Google NewsGoogle News