Get The App

કોલસો ખલનાયક : આર્થિક વિકાસને વીજ કરંટ લાગતો અટકાઓ

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
કોલસો ખલનાયક : આર્થિક વિકાસને વીજ કરંટ લાગતો અટકાઓ 1 - image


- પરિવહન સમશ્યાને કારણે ઉત્પાદન એકમોએ કોલસાની ખેંચ ઊભી થતી રહે છે

વી જ ઉત્પાદન માટે કોલસાની કુલ આવશ્યકતામાંથી ૬ ટકા આયાતી કોલસો વાપરવાના વીજ ઉત્પાદકો માટે ફરજિયાત ધોરણને વર્તમાન વર્ષના જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. ઘરઆંગણે કોલસાની પૂરતી ઉપલબ્ધતા છતાં આગામી ઉનાળામાં કોલસાના અભાવે વીજ સંકટ ઊભું ન થાય તેની સરકાર ખાતરી રાખવા માગે છે. ઘરઆંગણે કોલસાના પરિવહનમાં લાગી જતા સમયને કારણે વીજ ઉત્પાદન એકમો ખાતે કોલસાની ખેંચ ઊભી થવાના અનેક ઉદાહરણો અગાઉ જોવા મળ્યા છે. દેશમાં વધી રહેલી આર્થિક પ્રવૃત્તિ સાથે વીજ માટેની માગમાં પણ જોરદાર વધારો થઈ રહ્યો છે. આગામી ઉનાળામાં ધસારાના સમયે વીજની એક દિવસની માગ ૨૫૦ ગીગા વોટ પહોંચવાની ધારણાં રાખવામાં આવી રહી છે. 

દેશમાં કુલ વીજ ઉત્પાદનમાંથી ૭૫ ટકા વીજ કોલસા આધારિત રહે છે. વૈશ્વિક આગેવાન દેશોની સરખામણીએ ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓમાં થઈ રહેલા નોંધપાત્ર વધારાને પરિણામે દેશની વીજ માગ પણ અન્ય દેશોની સરખામણીએ ઝડપી ગતિએ વધી રહી છે. વર્તમાન વર્ષમાં ઉનાળાના પ્રારંભમાં જ ગરમીનો પારો ઊંચે જવાની ધારણાંને જોતા એસી, કુલરના ઉપયોગમાં વધારો થશે જેને કારણે પણ વીજ માગમાં વધારો જોવા મળવાની શકયતા છે. લોડ શેડિંગ ટાળવા સરકારે ગયા વર્ષે કોલસા આધારિત વીજ પ્લાન્ટસને સંપૂર્ણ ક્ષમતાએ કામ કરવાની સૂચના આપી હતી જે આ વર્ષે પણ જોવા મળી શકે છે.

ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના તાજેતરના  અહેવાલ પ્રમાણે, વર્ષ ૨૦૨૪-૨૦૨૬ના ગાળામાં ભારતની વીજ માગમાં વાર્ષિક સરેરાશ ૬.૫૦ ટકા જેટલો વધારો જોવા મળશે જે ચીનમાં ૪.૯૦ ટકા અને વૈશ્વિક સ્તરે ૩.૪૦ ટકા વધવાના અંદાજ કરતા ઘણો ઊંચો છે. ૨૦૨૩માં દેશની વીજ માગ સાત ટકાથી વધુ વધી હતી જે ચીન તથા અન્ય દેશો કરતા નોંધપાત્ર ઊંચી રહી હતી. ગયા વર્ષે ભારતનો વીજ વપરાશ જાપાન તથા દક્ષિણ કોરિઆના એકત્રિત આંક કરતા પણ ઊંચો રહ્યો હોવાનું તાજેતરના એક અહેવાલમાં જણાવાયું હતું.  

કોરોનાના કાળ બાદ  આર્થિક પ્રવૃત્તિમાં વધારો ઉપરાંત એરકન્ડિશન્ડ જેવા સાધનોના વપરાશ વધતા દેશની વીજ માગમાં વધારો થયો છે. ભારતની સરખામણીએ વિશ્વના અન્ય દેશોમાં ઊંચા ફુગાવાની સ્થિતિને કારણે આર્થિક પ્રવૃત્તિ ધીમી ગતિએ આગળ વધી રહી છે. 

માગમાં વધારા સાથે થર્મલ વીજ ક્ષેત્રમાં ક્ષમતા ઉપયોગીતાનું સ્તર જાન્યુઆરીમાં વધી ૭૨.૨૦ટકા પર આવી ગયું હતું. વીજ માગમાં વધારાને ધ્યાનમાં રાખી સરકાર પણ વીજ ઉત્પાદન એકમો વધારવા તૈયારી કરી રહી છે. આર્થિક પ્રવૃત્તિમાં  જે રીતે વધારો થઈ રહ્યો છે તેને જોતા વધારાની વીજ માગને પહોંચી વળવા થર્મલ વીજ ક્ષમતામાં ૮૦,૦૦૦ મેગા વોટના ઉમેરાની આવશ્યકતા હોવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. એકતરફ પ્રદૂષણ ફેલાવતા  વીજ સ્રોતોના ઉપયોગમાં ઘટાડો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે  દેશમાં કોલસાના ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે જે વીજ ક્ષેત્ર માટે કોલસાની આવશ્યકતા વધી રહ્યાનું સૂચવે છે. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી જાન્યુઆરીના ગાળામાં કોલસાનું ઉત્પાદન ૭૮.૪૧ કરોડ ટન રહ્યું છે જે ગયા નાણાં વર્ષના આ ગાળામાં ૬૯.૮૯ કરોડ ટન રહ્યું હોવાનું કોલસા મંત્રાલયના આંકડા જણાવે છે. વધતી વીજ માગને ધ્યાનમાં રાખી સરકાર કોલસાના પૂરવઠાને વધારવા ઈરાદો ધરાવે છે. 

૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો કારબન ઉત્સર્જન માટે ભારત કટિબદ્ધ છે આમ છતાં ઓઈલ તથા કોલસા જેવા પ્રદૂષણ ઓકતા ઈંધણોનો વપરાશ ચાલુ રહેશે તેવા સરકાર તરફથી અવારનવાર નિવેદન આવી પડે છે. એક તરફ વીજ માગમાં થઈ રહેલો વધારો અને બીજી બાજુ રિન્યુએબલ ઊર્જા ઉમેરામાં ધીમી ગતિ દેશની કોલસા આધારિત વીજ પરની નિર્ભરતા સંપૂર્ણ રીતે અટકશે કે કેમ તેવો પ્રશ્ન થયા વગર રહેતો નથી.વીજ માગ  પ્રમાણે ઉત્પાદનમાં વધારો નહીં  થાય  તો  દેશના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડતા વાર  નહીં લાગે.  વીજ પૂરવઠામાં કોઈપણ  નબળાઈ  ઔદ્યોગિક ઉત્પાદન પર અસર કરે છે, આ હકીકતને ધ્યાનમાં રાખી સરકાર વર્તમાન વર્ષના ઉનાળામાં વીજ પૂરવઠામાં ખલેલને પડે તે માટે અત્યારથી જ પ્રયત્નો કરી રહી છે. 

દેશમાં વીજની માગ જે  ઝડપે વધી રહી છે તે ગતિએ ઘરઆંગણે કોલસાનું ઉત્પાદન વધતુ નથી. વીજની અછતને કારણે દેશના વિવિધ રાજ્યોમાં નાના ઔદ્યોગિક એકમોએ સહન કરવું પડી રહ્યું છે.  કોલસાની ઉપલબ્ધતા કયારે અને કેટલી ઝડપથી વધશે તે સ્પષ્ટ નથી. કોલસાની અછતને કારણે  વીજ ઉત્પાદકો માટે સ્થિતિ ગંભીર બની ગઈ છે. ઔદ્યોગિક વિકાસ સાથે દેશભરમાં  વીજ માગમાં સતત વધારો થતો   રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે.  ઉનાળામાં વીજ વપરાશમાં સૂચિત વધારાને કારણે વિવિધ રાજ્યોમાં વીજ કપાત કરવાના પગલાં હાથ ધરવાની શકયતા નકારાતી નથી.

વીજની અછતથી ઔદ્યોગિક કામકાજ પર કેવી અસર પડે છે, તે ચીનમાં  ગયા વર્ષે જોવા મળેલી સ્થિતિ પરથી અંદાજી શકાય એમ છે. પ્રદૂષણ ફેલાવતા વીજ એકમો સામે ચીને ભૂતકાળમાં સખત પગલાં લીધા હતા જેને કારણે ભારે વીજ સંકટનો સામનો કરવો પડયો હતો. કોરોનાએ દેશના અર્થતંત્રને ડગમગાવી નાખ્યું હતું ત્યારે હવે વીજ અછત દેશના હાલમાં ઝડપી ગતિએ થઈ રહેલા આર્થિક વિકાસ સામે પડકારરૂપ બની જાય તો નવાઈ નહીં ગણાય. 


Google NewsGoogle News