Get The App

કલાયમેટ ચેન્જઃ કૃષિ આધારિત ભારતના અર્થતંત્ર સામે નવો ચિંતાજનક પડકાર

Updated: Apr 28th, 2024


Google NewsGoogle News
કલાયમેટ ચેન્જઃ કૃષિ આધારિત ભારતના અર્થતંત્ર સામે નવો ચિંતાજનક પડકાર 1 - image


- કૃષિ પાકોમાં વૈવિધ્યકરણ થકી કૃષિ ઉત્પાદનને ટકાવી રાખવા પર ભાર 

રિ ઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના વર્તમાન વર્ષના એપ્રિલના બુલેટિનમાં ઊંચા તાપમાનની સ્થિતિને કારણે ફુગાવા સામે જોખમ તોળાઈ રહ્યાની ચિંતા વ્યકત કરી છે. તાપમાનની કૃષિ ક્ષેત્ર પર સૂચિત અસરને કારણે ખાધાખોરાકીના ભાવમાં અનિશ્ચિતતા ફુગાવા પર દબાણ ચાલુ રાખશે તેવી ગણતરીને આધારે આ મત આવી પડયો હોવાનું માનવામાં આવે છે. વર્તમાન વર્ષનું ચોમાસુ બે દાયકાનું સારુ ચોમાસુ રહેવાનો પણ વરતારો આવી પડયો છે. જો કે વધુ પડતા વરસાદની  સ્થિતિ કૃષિ જણસો સામે જોખમી બની શકે છે, એ હકીકત નકારી શકાય એમ નથી.  વર્તમાન વર્ષમાં દેશમાં એક તરફ ઊંચા તાપમાન તથા બીજી બાજુ  કેટલાક વિસ્તારોમાં  કમોસમી વરસાદની સ્થિતિએ કલાયમેટ ચેન્જની પ્રતિકૂળ અસરોના સંકેત આપી દીધા છે. કલાયમેટ ચેન્જને લગતી આફતોને કારણે વર્તમાન સદીના અત્યારસુધીના ગાળામાં ભારતને ૧૨૦ અબજ ડોલરની નુકસાની ભોગવવી પડી હોવાનો અંદાજ છે. 

 ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત હોવાથી કલાયમેટ ચેન્જની કૃષિ ક્ષેત્ર પર કોઈપણ પ્રતિકૂળ અસર દેશના અર્થતંત્ર સામે જોખમી બની શકે છે. કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આવક વધારવાનો વ્યૂહ આ અગાઉ અનેક વેળા નિષ્ફળ રહ્યો છે ત્યારે કલાયમેટ ચેન્જે ભારતના નીતિવિષયકો સામે નવો પડકાર ઊભો કર્યો છે. કલાયમેટ ચેન્જની સૌથી વધુ અસર દેશના કૃષિ ક્ષેત્ર પર પડવાની શકયતા નકારાતી નથી ત્યારે આર્થિક વિકાસ દર (જીડીપી)માં મહત્વનું યોગદાન ધરાવતા કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો સમય પાકી ગયો છે. દેશમાં પચાસ ટકા લોકોનું જીવનનિર્વાહ કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. ૧૯૪૭માં દેશ આઝાદ થયા બાદ જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઘટી રહ્યો છે, તેમ છતાં, કોરોનાના કાળમાં દેશના અર્થતંત્રને ટકાવી રાખવામાં કૃષિ ક્ષેત્રની કામગીરી મૂખ્ય રહી હતી. 

વાવેતર ખર્ચમાં વધારા,  નબળી  ધિરાણ વ્યવસ્થા, ખેડૂતોના દેવાબોજમાં વધારો, અપૂરતા બજાર જોડાણો સ્વતંત્રતાના ૭૭ વર્ષ બાદ પણ કૃષિ ક્ષેત્ર માટે પડકારરૂપ રહેલા છે. કલાયમેટ ચેન્જને કારણે કૃષિ ક્ષેત્રની સ્થિતિ વધુ વણસવાની ચિંતા રહેલી છે, ત્યારે કૃષિ પાકોના થતાં બગાડને અટકાવવા માટે ગ્રામ્ય માળખા, સંસ્થાકીય ધિરાણ, સારા કાચા માલ, રિસર્ચ તથા કૃષિ પાકોમાં વૈવિધ્યકરણ થકી કૃષિ ઉત્પાદનને ટકાવી રાખવા અથવા તેમાં વધારો કરવાની આવશ્યકતા પર કૃષિ  નિષ્ણાતો ભાર આપી રહ્યા છે. નિષ્ણાતોની  વાત માનીએ તો  બદલાતા વાતાવરણ વચ્ચે કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રમાં   ટકી રહેવું હશે તો, રિસર્ચ અને ડેવલપમેન્ટ  (આર એન્ડ ડી)ના બજેટમાં વધારો કરવાનો રહેશે.  આર એન્ડ ડી મારફત કૃષિ ક્ષેત્રમાં  પ્રોડકટિવિટી  ઉપરાંત સ્પર્ધાત્મકતા વધારવામાં મદદ મળે છે. હાલમાં કૃષિ ક્ષેત્ર પાછળ કેન્દ્ર તથા રાજ્યોનો  કુલ આર એન્ડ ડી ખર્ચ કૃષિ-જીડીપીના એક ટકા  જેટલા જ હોવાનું એક અભ્યાસમાં  તાજેતરમાં જણાયું  હતું.  કેન્દ્ર તથા રાજ્યોના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે આરએન્ડડી  પેટે   ખર્ચ ફાળવણી કૃષિ-જીડીપીના  સામાન્ય જોવા મળે છે. કલાયમેટ ચેન્જની કૃષિ  ઉત્પાદન પર અસરને ધ્યાનમાં રાખતા આ ટકાવારીમાં વધારો કરી કૃષિ ઉત્પાદનને ટકાવી રાખવા અથવા તેમાં વૃદ્ધિ કરવાનો વ્યૂહ જરૂરી બની ગયો છે. 

વધી રહેલા તાપમાનની કૃષિ ક્ષેત્ર , હવામાન ઉપરાંત આર્થિક અસરો પણ જોવા મળી રહી છે. આ હકીકતને ધ્યાનમાં રાખી  બેન્કો તથા નાણાંકીય ક્ષેત્ર  સામે કલાયમેટ ચેન્જથી કેવા જોખમો રહેલા છે, તેના પર અનેક ફોરમો પર ચર્ચાઓ થતી રહે છે.  ગ્લોબલ વાર્મિગથી બેન્કિંગ ક્ષેત્રને કૃષિ ધિરાણ સામે રહેલા જોખમોને કેવી રીતે હળવા કરી શકાય તેના પર નિષ્ણાતોના મત મેળવાઈ રહ્યા છે. કલાયમેટ ચેન્જને કારણે આવતા વાવાઝોડા તથા પૂરની સ્થિતિથી  કૃષિ પાકોને થતું નુકસાન બેન્કિંગ, વીમા તથા નાણાંકીય ક્ષેત્ર પર અસર થઈ રહી છે.  વિશ્વભરની બેન્કો કલાયમેટ ચેન્જને હવે એક  નવું નાણાંકીય જોખમ માની રહી છે.  હવામાનમાં ફેરબદલ અને તેને કારણે  નાણાંકીય સ્થિરતા જાળવવા બેન્કો કેવી તૈયારી કરી રહી છે, તેનો અંદાજ મેળવવાના પ્રયાસો છતાં કલાયમેટ ચેન્જ ખરેખર બેન્કો માટે ખરું જોખમ છે કે કેમ તે અંગે કોઈ નિશ્ચિત મત જોવા મળતો નથી. 

આ પ્રાકૃતિક  અસરોને કારણે વિશ્વભરમાં આર્થિક સંપતિને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે.  છેલ્લા કેટલાક વર્ષોથી  ભારતમાં દર વર્ષે કમોસમી વરસાદથી લઈને ભારે પૂરની સ્થિતિ અને વાવાઝોડા ત્રાટકતા હોવાનું જોવા મળી રહ્યું છે.   દેશના નીતિવિષયકો કલાયમેટ ચેન્જ સામેથી સુરક્ષિત બનવા માટેના પગલાં લેવામાં હજુપણ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે એટલું જ નહીં  ગ્લોબલ વાર્મિંગને કારણે થતી આર્થિક અસરોને પહોંચી વળવા ભારતની બેન્કો પણ જોઈએ તેટલી તૈયાર નહીં હોવાનું જણાય છે.  પોતાની વેપાર સ્ટ્રેટેજીસમાં કલાયમેટ ચેન્જને કારણે થતી નુકસાનીને કઈ રીતે સુરક્ષિત બનાવી શકાય તેવા પગલાંઓ લેવા તરફ બહુ ઓછી બેન્કો વિચારતી થઈ હોવાનું    જોવા મળી રહ્યું છે.   ભારતની   બેન્કો  પર નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)ની  મુસીબત માંડ હળવી થઈ છે  અને બેન્કોની હાલતમાં  સુધારો થયો છે અને નફો કરતી થઈ  છે પરંતુ હવે માનવસર્જિત આફતો  કરતા કુદરતી આફતો બેન્કો માટે   સમશ્યારૂપ બની રહેશે તેવા સંકેતો તાજેતરના ઘટનાક્રમો પરથી મળી રહ્યા છે.  વિશ્વના અનેક  દેશમાં અવારનવાર ત્રાટકતા વાવાઝોડા જેવી આફતો શું નિયમિત તો નહીં થઈ જાયને એવો પણ પ્રશ્ન થયા વગર રહેતો નથી. આધુનિક ટેકનોલોજીને કારણે વાવાઝોડાની તીવ્રતાની    અગાઉથી જાણ થઈ શકવાનું શકય બન્યું છે.  આ જાણકારીને આધારે માનવજીવનને  મોટી હાનિ થતી અટકાવી શકાય છે પરંતુ કૃષિ જણશો તથા માલસામાનને નુકસાન થતું અટકાવી શકાતું  નથી જે ભારત જે કૃષિ પ્રધાન દેશ માટે સારા ચિહ્ન ગણી ન શકાય. 


Google NewsGoogle News