કલાયમેટ ચેન્જઃ કુદરતી આફતોથી ધિરાણદારોની લોન રિકવરી કામગીરી પર અસરની ચિંતા
કલાયમેટ ચેન્જ સામેના જોખમોની ધિરાણદારો ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર જોવા મળવાનું શરૂ થયાનું જોવા મળી રહ્યું છે. વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિક ગાળામાં લોકસભાની ચૂંટણી ઉપરાંત હીટવેવને કારણે દેશના કેટલાક ભાગોમાં લોન રિકવરી પર અસર જોવા મળી હતી. હીટવેવ બાદ દેશના અનેક ભાગોમાં સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારે વરસાદ તથા પૂરની સ્થિતિ જોવા મળી હતી. વર્તમાન વર્ષનું ચોમાસુ સામાન્ય કરતા વધુ રહ્યા બાદ હવામાન વિભાગે આ વર્ષે કેટલાક ભાગોમાં ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તારોમાં શિયાળો કાતિલ રહેવાની ચેતવણી ઉચ્ચારી છે. આમ ૨૦૨૪ના વર્ષમાં પ્રતિકૂળ હવામાને ધિરાણદારોની લોન રિકવરી કામગીરી પર અસર કરી છે અને આગળ જતા પણ અસર જોવા મળવાની સંભાવના રહેલી છે.
હવામાનની પ્રતિકૂળ અસરને કારણે કેટલાક વેપાર ક્ષેત્રો ખાસ કરીને કૃષિ તથા તેને સંલગ્ન ક્ષેત્રો ઉપરાંત રિટેલ વેપારમાં કેશ ફલો મંદ પડી જતા હોય છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં કલાયમેટ ચેન્જ અથવા હીટવેવ્સને કારણે વેપાર કામકાજ પર ગંભીર અસર પડી રહ્યાનું અવારનવાર જોવા મળે છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના બેન્કોના પરિણામો પર નજર નાખીએ તો હીટવેવને કારણે લોન રીકવરી પર અસર પડી હોવાનું જોવા મળે છે. પૂર તથા ભારે વરસાદને કારણે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામોમાં પણ રિકવરી પર અસર જોવા મળવાની શકયતા છે. કલાયમેટ ચેન્જને કારણે આવતી કુદરતી આફતોને પરિણામે નાણાંકીય સ્થિરતા સામે જોખમ ઊભા થવાની દહેશત વ્યકત કરવામાં આવી રહી છે અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નાણાંકીય અસ્થિરતા ઊભી ન થાય તેની તકેદારી રાખવા ખાસ નીતિ તૈયાર કરી રહી છે.
ભારત જ નહીં વિશ્વભરની બેન્કો કલાયમેટ ચેન્જને હવે એક નવા નાણાંકીય જોખમ માનવા લાગી છે. કલાયમેટ ચેન્જને કારણે હવામાન તથા વરસાદમાં જોવા મળી રહેલી અનિશ્ચિતતાએ ભારત સહિત વિશ્વભરમાં નાણાં વ્યવસ્થામાં સ્થિરતા સામે જોખમ ઊભા કર્યા છે. હવામાનમાં ફેરબદલ અને તેને કારણે નાણાંકીય સ્થિરતા જાળવવા બેન્કો કેવી તૈયારી કરી રહી છે, તેનો અંદાજ મેળવવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ અગાઉ એક સર્વે પણ હાથ ધર્યો હતો. કેટલીક બેન્કોએ કલાયમેટ સંબંધિત નાણાંકીય જોખમો પોતાના વેપાર પર અસર કરી શકે એમ હોવાનું આ સર્વેમાં સ્વીકાર્યું હતું. ભારતની બેન્કો કલાયમેટ ચેન્જ સામે ખાસ તૈયારીમાં નહીં હોવાનું પણ સર્વેમાં તારણ નીકળ્યું હતું.
કલાયમેટ ચેન્જથી દૂનિયાભરમાં પૂર, વાવાઝોડા, ભૂકંપ તથા વધુ પડતા તાપમાન જેવી અસરો જોવા મળી રહી છે. આ કુદરતી આફતોને કારણે વિશ્વભરમાં માલમત્તાને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં દર વર્ષે કમોસમી વરસાદથી લઈને ભારે પૂરની સ્થિતિ અને વાવાઝોડા ત્રાટકતા હોવાનું જોવા મળી રહ્યું છે. દેશના નીતિવિષયકો કલાયમેટ ચેન્જ સામેથી સુરક્ષિત બનવા માટેના પગલાં લેવામાં હજુપણ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે એટલું જ નહીં કલાયમેટ ચેન્જને કારણે થતી આર્થિક અસરોને પહોંચી વળવા ભારતની બેન્કો પણ જોઈએ તેટલી તૈયાર નહીં હોવાનું જણાય છે. કલાયમેટ ચેન્જને કારણે થતી નાણાંકીય ખોટને કઈ રીતે સુરક્ષિત બનાવી શકાય તેવા પગલાંઓ લેવા તરફ બહુ ઓછી બેન્કો વિચારતી થઈ હોવાનું પણ સર્વેનું તારણ રહ્યું હતું.
ગ્લોબલ વાર્મિંગને કારણે ત્રાટકતી કુદરતી આફતો વૈશ્વિક અર્થતંત્ર માટે ખાસ કરીને બેન્કો જેવી નાણાં સંસ્થાઓ માટે નવા જોખમ તરીકે ઊભરી રહી છેે. હવામાનમાં બદલાવને કારણે નાણાં વ્યવસ્થા સામે ઊભા થઈ રહેલા જોખમો હળવા કરવા દરેક પગલાં લેવા વિકસિત દેશો દ્વારા પોતાના વહીવટીતંત્રને ખાસ નિર્દેશ પણ અપાઈ રહ્યા છે. દેશની બેન્કો પર નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)નો ભાર માંડ હળવો થયો છે અને બેન્કોની હાલતમાં સુધારો થયો છે અને નફો કરતી થઈ છે પરંતુ હવે માનવસર્જિત જેટલી જ કુદરતી આફતો બેન્કો માટે સમશ્યારૂપ બની રહેશે તેવા વર્તમાન નાણાં વર્ષના બેન્કોના ત્રિમાસિક પરિણામો પરથી સંકેતો મળી રહ્યા છે.
જાપાનમાં જેમ ભૂકંપ અને સુનામી સામાન્ય બની ગયા છે તેમ વિશ્વના અનેક દેશમાં તાજેતરના વર્ષોથી અવારનવાર ત્રાટકતા વાવાઝોડા જેવી આફતો શું નિયમિત તો નહીં થઈ જાયને એવો પણ પ્રશ્ન થયા વગર રહેતો નથી. અમેરિકામાં ફલોરિડામાં આવેલા ઉપરાઉપરી વાવાઝોડા આનું તાજુ ઉદાહરણ છે. રિઝર્વ બેન્કના ગવર્નરે હવામાનની પ્રતિકૂળ અસર ફુગાવામાં વધારો થવાનું એક કારણ બની શકે છે તેવો તાજેતરમાં મત વ્યકત કર્યો હતો.
આધુનિક ટેકનોલોજીને કારણે વાવાઝોડાની તીવ્રતાની અગાઉથી જાણકારી મળવાનું શકય બન્યું છે. આ જાણકારીને આધારે માનવજીવનને થતી અટકાવી શકાય છે પરંતુ કૃષિ ઉત્પાદનો તથા માલસામાનને નુકસાન થતું અટકાવી શકાતું નથી. આવી સ્થિતિમાં બેન્કોએ હવે હવામાનને લગતા જોખમો પોતાના વેપાર પર કેટલી અસર કરી શકે છે તેની આકારણી કરવાનું જરૂરી બની ગયું છે અને લોન્સ પૂરી પાડતી વખતે ધ્યાનમાં લેવામાં આવતા જોખમોમાં કલાયમેટ ચેન્જને લગતા જોખમોને પણ આવરી લેવાનો સમય પાકી ગયો છે.
ગ્લોબલ વાર્મિંગની વિશ્વભરમાં કેવી અસરો જોવા મળી રહી છે તેનો અંદાજ બેન્કોએ મેળવતા રહેવાનું રહેશે જેથી રહેલા જોખમોને હળવા કરવામાં મદદ મળી શકે અને કલાયમેટ ચેન્જની નાણાકીય અસરનો ભોગ બનવામાંથી બેન્કો સુરક્ષિત રહી શકે. દેશની બેન્કો સામે હવામાન સંબંધિત નાણાંકીય જોખમો હળવા કરવા હશે તો, જોખમ આકારણી માટે નવા ધોરણો વિકસાવી અસરકારક ઉપાયો લાગુ કરવાનો સમય પાકી ગયો છે એ એક નિશ્ચિત વાત છે.