ચીનની મેન્યુફેક્ચરિંગ મોનોપોલી ખતમ થઇ રહી છે : ભારત માટે તક સામે ચાલીને આવી છે
- અમેરિકા અને ચીન વચ્ચે કોલ્ડ વોરનો લાભ ભારત અમેરિકા સાથેની મિત્રતાથી ઉઠાવી શકે છે...
- ભારતે આર્થિક તંત્રને સમૃધ્ધ અને વિશ્વમાં ત્રીજા નંબરનું આર્થિક તંત્ર બનાવવાનું સપનું સાકાર કરવા અમેરિકા સાથે હાથ મિલાવ્યા છે ત્યારે ચીન ધૂંઆ પૂંઆ થઇ ગયું છે..
- ચીનની ઉત્પાદનની ક્ષમતાની તાકાત સામે ટકરાવાનો પ્લાન માત્ર ભારત પાસે છે એમ સમજીને અમેરિકા ભારત તરફ ઝૂક્યું હતુંઃ
ચીનમાં ઉત્પાદકોમાં નારાજગી વધવા પાછળના અનેક કારણો
ભારતના વડાપ્રધાન મોદીની અમેરિકાની મુલાકાતની ગૂંજ વિશ્વના બિઝનેસ ક્ષેત્રોમાં અનુભવાઇ રહી છે. ભારત અને અમેરિકા વચ્ચેના અબજો ડોલરના બિઝનેસ કરારો અને ભારતને મળતું સન્માન જોઇને ચીનને ટેન્શન ઉભું થાય તે સ્વભાવિક છે. ભારતના નજીકના બે દુશ્મનો પૈકી પાકિસ્તાન તેની પોતાની ભૂલોના કારણે બેહાલ છે જ્યારે ચીન તેની વિસ્તારવાદ નીતિ અને ઉત્પાદન ક્ષમતાના દુરૂપયોગના કારણે વિશ્વમાં બદનામ થયું છે. ચીન અને અમેરિકા વચ્ચેની કોલ્ડવોર ભારતને ફળી છે એમ કહેવાના બદલે એમ કહેવાની જરૂર છે કે ભારતના વડાપ્રધાને તે તક અમેરિકા જઇને જાહેરમાં ંઆંચકી લીધી છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે ભારતે અમેરિકા સાથે મજબૂત બનાવેલી સંબેધોની મહેક હવે કામમાં આવી છે.
ભારત સમૃદ્ધ બને તે ચીનને ખૂંચે છે. ભારત જ્યારે વિશ્વમાં પાંચમા નંબરનું આર્થિક તંત્ર બન્યું ત્યારે પણ ચીને નારાજગી વ્યક્ત કરી હતી. હવે જ્યારે ભારતે આર્થિક તંત્રને સમૃધ્ધ અને વિશ્વમાં ત્રીજા નંબરનું આર્થિર્ક તંત્ર બનાવવાનું સપનું સાકાર કરવા અમેરિકા સાથે હાથ મિલાવ્યા છે ત્યારે ચીન ધૂંઆ પૂંઆ થઇ ગયું છે. ચીને કહ્યું છે કે અમેરિકા ભારતના ખભે બંદૂક મૂકીને અમારી સામે ફોડી રહ્યું છે.
ચીનના સત્તાવાળાઓની બે મુદ્દે ઊંઘ હરામ થયેલી છે એક મુદ્દો એ છે કે કેટલીક મોટી અને નામાંકીત કંપનીઓ ચીનમાં ઉત્પાદન બંધ કરીને અન્ય દેશમાં ઉત્પાદન શરૂ કરવા માંગે છે. અન્ય દેશની યાદીમાં ભારત મોખરે છે અને રોકાણકારો માટે હોટ ફેવરીટ પણ છે. બીજો મુદ્દો એ છે કે ભારત હવે તેની જાળમાં ફસાઇ શકે એમ નથી અને અમેરિકા સાથે ભારતના સંબંધો સુધરતા જાય છે.
ચીનની ઉત્પાદન ક્ષમતા અને વિશ્વના બજારોમાં સસ્તા દરે માલ ઠાલવવાની તાકાતના કારણે અનેક નાના દેશોમાં વિવિધ ક્ષેત્રના ઉત્પાદકોના કારખાના મંદીમાં સપડાઇ ગયા હતા. અમેરિકા સહીતના દેશો ચીનના સસ્તા માલથી પરેશાન રહેતા હતા પરંતુ ચીનને કોઇ સીધું જ સ્પષ્ટ કહી શકતું નહોતું.
ભારતે જ્યારથી ચીનની વિસ્તારવાદ સહીતની માનવજાત વિરોધી નિતીઓની જાહેરમાં ટીકા કરવાની શરૂ કરી ત્યારથી અમેરિકાનો ભારત પ્રેમ વધી ગયો હતો. નાના દેશોને આર્થિક મદદ કરીને ચીન તેમના પર પ્રભુત્વ જમાવી દેતું હતું. જેંમાં પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ વગેરે મોખરે છે.
ચીનમાં ઉત્પાદકોમાં નારાજગી વધવા પાછળનું મુખ્ય કારણ વારંવાર બદલાતી નિતીઓ, કડક કાયદાઓ વગેરે છે. કોરોના કાળ દરમિયાન ચીનની વૈશ્વિક સ્તરે બદનામી થઇ હતી. તે સમયના અમેરિકી પ્રમુખ ટ્રમ્પ જાહેરમાં કોરાના વાઇરસને વુહાન વાઇરસ કે ચાઇનીઝ વાઇરસ કહેતા હતા. હકીકતે તો ત્યારથીજ અમેરિકા અને ચીન વચ્ચે કોલ્ડ વોર શરૂ થઇ હતી.
અમેરિકામાં પ્રમુખપદે બાઇડન આવ્યા પછી આ કોલ્ડ વોર શાંત પડવા લાગી હતી પરંતુ તે દરમ્યાન રશિયા-યુક્રેન યુદ્ધના કારણે અમેરિકા પર આંગળી ચીંધવામાં આવતાં વિવાદ વણસ્યો હતો. ત્યારબાદ અમેરિકામાં મંદી પ્રવેશતાં કોલ્ડવોર વધુ ગહન બની ગઇ હતી.
ચીનની વિસ્તારવાદની નીતિના કારણે કેટલાક નાના દેશો તેની જાળમાં ફસાઇને નાદારી પર આવી ગયા હતા. ચીનની ઉત્પાદનની ક્ષમતાની તાકાત સામે ટકરાવાનો પ્લાન માત્ર ભારત પાસે છે એમ સમજીને અમેરિકા ભારત તરફ ઝૂક્યું હતું.
વસ્તી વધારામાં ભારતે ચીનને પાછળ ધકેલીને નંબર વનનું સ્થાન મેળવ્યા બાદ ચીનની હાલત બગડી હોય એમ લાગે છે. વસ્તીમાં નંબર વન બન્યા પછી ભારતે આ મુસિબતને તકમાં બદલવાનો પ્રયાસ કર્યો છે. વધતી વસ્તી અનેક સળગતી સમસ્યામાં પેટ્રોલનું કામ કરી શકે છે. પરંતુ ભારતે પોતાને ત્યાં લેબર સસ્તી છે એમ કહેવાના પ્રયાસો કર્યા હતા.
ઉત્પાદકો પર ચીનનો પ્રભાવ અને પકડ એટલા સખત્ત હોય છે કે તે નથી તો સરકાર સામે અવાજ ઉઠાવી શકતા કે નથી તો સરકારની નીતિઓની ટીકા કરી શકતા. ઉદાહરણ આપીને લખીયેતો અલીબાબા ગુ્રપ ફેઇમ જેક માને ચીનની સરકારની ટીકા કરવી મોંઘી પડી હતી. તેમને ભૂગર્ભમાં જતા રહેવું પડયું હતું. હવે ફરી પાછા તે સપાટી પર આવ્યા છે કેમકે ચીનને તેમની જરૂર પડી છે. ચીને ઉત્પાદકોને સાચવવાની જરૂર ઉભી થતાંજ ફરી જેકમાની પ્રશંસા કરવાની શરૂ કરી હતી.
ચીનમાં ઉત્પાદન કરતી મોટી કંપનીઓને લેબર સસ્તી મળી રહે છે માટે તે ત્યાંથી ખસવા તૈયાર નથી હોતી પરંતુ હવે તો ભારત વસ્તીમાં નંબર વન પર પહોંચતા લેબર પણ સસ્તી થશે એમ માનવામાં આવે છે. ગયા શુક્રવારે વડાપ્રધાન મોદીએ અમેરિકાની મુલાકાત દરમ્યાન જે સેમીકન્ડકટર બનાવતી કંપની માઇક્રોન સાથે કરાર કર્યા છે તે પણ ચીનમાં કંટાળી ગઇ હતી.
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પોતાનું એકમ નાખી રહેલી સેમી કન્ડકટર કંપની માઇક્રોન ૮૨૫ મિલીયન ડોલરનું રોકાણ કરશે જેના પગલે ૫૦૦૦ લોકોને જોબ મળી શકશે. આ માઇક્રોન કંપની ચીનના કાયદાઓથી થાકી ગઇ હતી.