યુઝર્સ સાથે ગેરવર્તણૂંકના કિસ્સાથી AI ટેકનોલોજીના વપરાશમાં જોખમો હોવાના સંકેત
- AI કોર્નર
- ટેકનોલોજીને લગતા વર્તમાન કાયદા પૂરતા રક્ષણ આપતા નહીં હોવાનો મત
સામાન્ય રીતે એક માણસ બીજા માણસને ગાળગલોચ કરે અથવા બિભત્સ ભાષાનો ઉપયોગ કરે તો સંબંધિત વ્યક્તિ સામે પગલાં લેવાની દેશના કાનૂનમાં જોગવાઈ છે. પરંતુ કૃત્રિમ બુદ્ધિ અથવા તો આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) જો આવા પ્રકારનું કોઈ કૃત્ય કરે તો તેની સામે કાનૂની પગલાં લેવાની ભારત સહિત વિશ્વના કોઈ પણ દેશમાં હજુ સુધી કોઈ સ્પષ્ટ જોગવાઈ ઘડવામાં આવી નથી. તાજેતરમાં જ બનેલી એક ઘટનામાં ઈલોન મસ્કના એઆઈ ગ્રોકે તેના ભારતીય યુઝરને અપશબ્દ કહ્યાના અહેવાલ હતા. આ અપશબ્દને લઈને સોશ્યલ મીડિયા પર ગ્રોકને ટ્રોલ કરવાનું શરૂ થતા તેણે સદર યુઝરની માફી માગી લીધી હતી અને પોતે મજાક કરી હોવાનું જણાવ્યું હતું. જો કે આ ઘટનાને યુઝરે કદાચ હળવેકથી લઈને હાલ પૂરતુ તેના પર પડદો પાડી દીધો હોવાનું જણાય છે પરંતુ આવા પ્રકારની મજાક નાણાંકીય બાબતમાં થાય તો તે માટે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ અથવા લઈ શકાય તે અંગે હજુ કોઈ કાયદાકીય બાબત સ્પષ્ટ નથી.
એઆઈ ચેટબોટ ગ્રોક દ્વારા વપરાયેલી ભાષાને કારણે ઊભા થયેલા વિવાદને ધ્યાનમાં રાખી દેશનું ઈલેકટ્રોનિકસ અને આઈટી મંત્રાલય એલન મસ્કના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એકસના સંપર્કમાં છે અને પ્રકરણની તપાસ કરવા યોજના ધરાવે છે.
દેશમાં એઆઈના વધી રહેલા વપરાશને ધ્યાનમાં રાખી નીતિ આયોગ, ઈલેકટ્રોનિકસ અને ઈનફરમેશન ટેકનોલોજી મંત્રાલય, આરબીઆઈ,કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા એઆઈના સલામત અને સૈદ્ધાંતિક ઉપયોગ પર માર્ગદર્શિકા અને નીતિનિયમો ઘડી કાઢવા હાલમાં ચર્ચા વિચારણા કરી રહ્યા છે. આ ચર્ચા વિચારણામાં આઈપી હક્કો, એઆઈને કારણે નાણાંકીય જોખમો, ડેટાની સલામતિ જેવા મુદ્દા કેન્દ્ર સ્થાને રહ્યા છે. એઆઈ થકી રહેલા જોખમો પર નિયમન લાવવા ભારતે આક્રમક અભિગમ અપનાવવાની આવશ્યકતા હોવાનો મત પ્રવર્તી રહ્યો છે.
ભારતના એઆઈ ટેકનોલોજી ક્ષેત્રને હાલમાં ઈનફરમેશન ટેકનોલોજી એકટ-૨૦૦૦, ઈન્ડિયન કોન્ટ્રેકટ એકટ-૧૮૭૨, ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસ (આઈપીઆર) તથા ડેટા પ્રોટેકશન લોસની જોગવાઈઓ લાગુ કરવામાં આવી રહી છે. આ કાયદાઓ એઆઈ ટેકનોલોજીના વપરાશ સંદર્ભમાં કેટલાક માર્ગદર્શન પૂરા પાડી શકે છે, પરંતુ વિશ્વ માટે એકદમ જ નવી અને જટિલ એવી આ ટેકનોલોજી થકી ઊભા થવાની જેની સંભાવના રહેલી છે તેવી સામાજિક અશાંતિ તથા નાણાંકીય ગેરરીતિને અંકૂશમાં રાખવા અથવા તો તે સામે કાનૂની પગલાં લેવા હાલના કાયદા અપૂરતા છે. એઆઈને લગતા ચોક્કસ મુદ્દાઓ જેમ કે જવાબદારી તથા પારદર્શીતા બાબતે હાલના કાયદામાં સ્પષ્ટતાનો અભાવ છે. નિયમનકારી જોગવાઈઓને અભાવે એઆઈના વિકાસકો અને વપરાશકારોમાં અનિશ્ચિતતા અને મુંઝવણ ઊભી થયા કરે છે. એટલું જ નહીં વર્તમાન કાયદાની જોગવાઈઓ પૂરતા રક્ષણ પણ આપતા નહીં હોવાનો એઆઈ ટેકનોલોજીના નિષ્ણાતો મત ધરાવી રહ્યા છે.
છ દાયકા પહેલા કોમ્પ્યુટરની શોધ સાથે ભારત સહિત વિશ્વભરમાં સંબંધિત કાયદાઓમાં જરૂરિયાત પ્રમાણે ફેરબદલ કરાયા હતા તેવી જ સ્થિતિ હાલમાં એઆઈ માટે પણ ઊભી થઈ રહી છે. એઆઈના ઉપયોગમાં થઈ રહેલા વધારાને જોતા યુરોપિયન યુનિયને ખાસ કાયદો ઘડયો છે. યુરોપનો આ કાયદો એઆઈના વ્યાપમાં વધારા ઉપરાંત વિશ્વભરમાં દરેક ક્ષેત્રોમાં એઆઈનું જોડાણ વધી રહ્યાના સંકેત આપે છે. વિવિધ ક્ષેત્રો ઉપરાંત જોખમી એવા નાણાંકીય ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રમાં પણ એઆઈની મદદ લેવાઈ રહી છે, તેને ધ્યાનમાં રાખતા કાયદાનું મહત્વ વધી જાય છે. આવનારા વર્ષોમાં બે મુખ્ય ઉદ્યોગો બેન્કિંગ તથા રિટેલમાં મોટી સંખ્યાના એઆઈ ઈન્વેસ્ટરો જોવા મળવા વકી છે.
બે ન્કિંગ ક્ષેત્રે મુખ્ય કામકાજમાં એઆઈનો ઉપયોગ વધી રહ્યો હોવાનું જોવા મળે છે. ભારતની વાત કરીએ તો અહીંની બેન્કો ચેટ ઓટોમેશન, વર્ચ્યુલ આસિસ્ટન્ટ તથા ગ્રાહકના વર્ગીકરણ માટે એઆઈનો ઉપયોગ કરવા લાગી છે. નાણાંકીય તથા બેન્કિંગ ક્ષેત્રમાં એઆઈના વપરાશ માટે વ્યાપક તકો રહેલી છે, પરંતુ પારદર્શીતાના અભાવ તથા ડેટાની સલામતિ સંદર્ભના મુદ્દા જેવા પડકારો પણ રહેલા હોવાનો મત પ્રવર્તી રહ્યો છે. ઓટોમેટેડ ડિસિસન પ્રક્રિયામાં પારદર્શીતાનો અભાવ રહે છે. નિષ્ણાતોની વાત માનીએ તો એઆઈના વિકાસકો આ બાબતે કેટલીક મર્યાદાઓ ધરાવતા હોય છે.બેન્કો દ્વારા લોન પૂરી પાડવા અંગેના નિર્ણયમાં એઆઈના ઉપયોગ દરમિયાન કોઈપણ ક્ષતિના કિસ્સામાં જવાબદારી એક વિવાદ બની રહે છે.
પડકારોને ધ્યાનમાં રાખતા ભારતમાં એઆઈ સંબંધિત ખાસ કાયદો હોવો જરૂરી છે જે એઆઈના વિકાસ તથા વપરાશમાં વિસ્તૃત માળખું પૂરુ પાડતો હોય. એઆઈ ટેકનોલોજી એક નવા જ પ્રકારની ટેકનોલોજી હોવાથી સરકારી સ્તરે તેની વ્યાખ્યા સ્પષ્ટ થાય તે જરૂરી છે. એઆઈ ઉપરાંત તેના વિવિધ સ્વરૂપો જેમ કે મસીન લર્નિંગ, ડીપ લર્નિંગ અને ભાષા પ્રક્રિયા શું છે તેની જાણકારી વહેતી થાય તે આવકાર્ય છે. એઆઈને કારણે કોઈપણ નુકસાની પેટે જવાબદારી નિશ્ચિત કરવા પર પણ ભાર અપાઈ રહ્યો છે.
એઆઈ ટેકનોલોજી ઉદ્યોગોમાં પરિવર્તન તથા રોજબરોજના કામકાજની પદ્ધતિમાં ક્રાંતિ કરી રહી છે, પરંતુ ઊભરી રહેલી આ ટેકનોલોજીના વપરાશમાં જોખમો રહેલા હોવાના પણ ગ્રોક પ્રકરણ પરથી સંકેત મળ્યા છે. સદર પ્રકરણને નજરમાં રાખી દેશમાં એઆઈના વિકાસ પર નિયમન રાખવા ખાસ કાનૂની માળખા ઘડી કાઢવાનો સમય પાકી ગયાનું કહી શકાય એમ છે.