શેરબજારમાં ફસાયેલાં બચ્ચાઓ માટે પણ વોર રૂકવા દો, પાપા
- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- ઈરાનના જનરલોને આપણા બ્લુ ચિપ શેરો પકડાવી દો, ઈઝરાયેલના સૈન્ય અધિકારીનો આઈપીઓમાં ક્વોટા આપો
વિદેશ મંત્રાલયમાં અધિકારીઓ ભેગા થયા.
બોસ બોલ્યા, 'સાથીઓ, એક લડાઈ ફાટી નીકળી છે. તેના કારણે દેશમાં સર્જોયેલી પરિસ્થિતિના સંદર્ભમાં આપણે કેટલાંક અરજન્ટ ઓપરેશનો હાથ ધરવાં પડે તેમ છે.'
બીજા અધિકારી બોલી પડયા, 'દેશમાં સર્જાયેલી પરિસ્થિતિ? આપણું તો વિદેશ મંત્રાલય છે. મહારાષ્ટ્રમાં બે શિવસેનાઓ કે બે-બે એનસીપીઓ બાખડે કે પછી એક કોંગ્રેસી કોંગ્રેસની ટિકિટ લઈને અને બીજો કોંગ્રેસી ભાજપની ટિકિટ લઈને ચૂંટણીમાં સામસામે લડે તેમાં આપણે દરમિયાનગીરી કરવાની ક્યાં આવી?'
બોસ કહે, 'અરે ભાઈ, આખી વાત તો સાંભળો. પરિસ્થિતિ દેશમાં સર્જાઈ છે એ બરાબર, પણ લડાઈ તો વિદેશમાં જ લડાઈ રહી છે.'
બીજા એક અધિકારી સુફિયાણી સલાહ હાંકતાં કહે, 'સર, રહેવા દોને. હવે કાંઈ યુક્રેન કે રશિયાવાળાને વોર રોકવા ફોન નથી કરવા. એમની લડાઈમાં હવે મીડિયાને દુનિયાને કોઈ રસ રહ્યો નથી. આજકાલ કાં તો આપણે ત્યાં ચૂંટણી જંગની ચર્ચા છે ને કાં તો ઈઝરાયેલ ને ઈરાનવાળી લડાઈમાં પબ્લિકને રસ પડયો છે. '
બોસ માથું કૂટતાં કહે, 'ડિઅર, એની જ તો વાત છે. ચૂંટણી ખાતર થઈને પણ આપણે ઈઝરાયેલ અને ઈરાનને જ યુદ્ધ અટકાવવા ટેકલ કરવાનાં છે. જુઓ, થોડા સમય પહેલાં એવા સમાચારો હતા કે દેશના લોકો શેરબજારમાં જેટલું ૨૦૦૪થી ૨૦૧૪ વચ્ચે ન હતા કમાયા એટલું ૨૦૧૪થી ૨૦૨૪ વચ્ચે કમાઈ ગયા છે. હવે આ ઈઝરાયેલ અને ઈરાનવાળા ખાંડા ખખડાવે છે તેમાં ખાસ કરીને પાછલાં દસ વર્ષમાં જ બજારની તેજીમાં ઝંપલાવી દેનારા બચ્ચાઓ નાખુશ છે. યુદ્ધ લંબાશે તો આ બચ્ચાંઓ જ બરબાદ થઈ જશે અને હજુ તો ચૂંટણીનો એક તબક્કો માંડ પત્યો છે. બાકીના તબક્કાઓમાં આ શેરબજારના નવા નિશાળિયા બચ્ચાઓના નિસાસા લાગે તે પોસાય તેમ નથી.'
એક અધિકારીએ નિસાસો નાખ્યો. 'સેબી હોય તો આપણે એમના મોટા અધિકારીઓને કહેડાવી પણ દઈએ કે બજાર ડિસ્ટર્બ થાય તેવાં નિવેદનો ન કરશો. ઈઝરાયેલ-ઈરાનનું તો મોઢું પણ કોણ બંધ કરાવે.'
બીજા અધિકારી કહે, 'એક આઇડિયા છે. આપણે થોડાક આપણી બ્લુ ચિપ કંપનીના શેરો ઈરાનના જનરલોને પકડાવી દઈએ. આપણા બધા આઈપીઓમાં ઈઝરાયેલના આર્મી અધિકારીઓ માટે ખાસ ક્વોટા રાખવામાં આવે તેવું જાહેર કરીએ. જુઓ પછી ચમત્કાર. ઈઝરાયેલ અને ઈરાન એવાં જ પગલાં લેશે કે જેથી આપણા બજારોને ફાયદો થાય. એમનાં પોઝિટિવ નિવેદનોથી બજાર ઊંચકાશે અને આપણા શેરબજારમાં ફસાયેલાં બચ્ચાઓ પણ ઉગરી જશે. બાકીના તબક્કાઓમાં મતદાનમાં સો ટકા પોઝિટિવ ઈફેક્ટ આવશે.'
એક અધિકારી તો નાચી ઉઠયા. 'ગ્રેટ આઇડિયા, પછી આપણે પેલો વીડિયો ફરીથી બનાવડાવીશું , આ વખતે તેમા ંડાયલોગ હશે - શેરબજારમાં ફસાયેલાં બચ્ચાંઓ માટે વોર રુકવા દો, પાપા.'
'વોર રુકવા દો, પાપા' શબ્દ કાને પડતાં જ કોઈએ તોપગોળો છોડયો હોય તેમ બાકીના તમામ અધિકારીઓ બેઠક રુમ છોડીને ભાગ્યા.