બજારની વાત .

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
બજારની વાત                                                                . 1 - image


આર્મીના જવાનોએ ૧૫ હજાર ફૂટે મોબાઈલ ટાવર લગાવ્યો

ભારતીય લશ્કરના જવાનોએ લદ્દાખના સિયાચીનમાં ૧૫,૫૦૦ ફૂટની ઊંચાઈએ મોબાઈલ ટાવર લગાવીને સૌને દંગ કરી દીધા છે. ઈન્ડિયન આર્મીના દેવુસિંહે સિયાચીનમાં લગાવવામાં આવેલા પ્રથમ મોબાઈલ ટાવરની તસવીરો મૂકી પછી સોશિયલ મીડિયા પર સૌ સૈનિકોની પ્રસંશા કરી રહ્યા છે. 

સિયાચીન વોરિયર્સે બીએસએનએલની મદદથી ૬ ઓક્ટોબરે લગાવેલા આ ટાવરના કારણે હવે બાતમીદારો સરળતાથી ભારતીય લશ્કરને કોઈ પણ માહિતી તરત આપી શકશે. એ રીતે દેશની સુરક્ષામાં આ ટાવર મહત્વનું યોગદાન આપશે. આ ટાવરના કારણે સિયાચીનમાં તૈનાત સૈનિકોને સરળતાથી મોબાઈલ કનેક્ટિવિટી મળશે અને સૈનિકો પોતાના પરિવારજનો સાથે સરળતાથી વાત કરી શકશે. સૈનિકોના સ્વાસ્થ્ય પર તેની સારી અસર પડશે અને પરિવાર સાથે વાત કરીને સૈનિકો માનસિક રીતે સ્વસ્થ રહી શકશે એવું લશ્કરી અધિકારીઓ માને છે.

બજારની વાત                                                                . 2 - image

જયશ્રીની સંપત્તિ નડેલા-પિચાઈથી પણ વધારે 

હમણાં હુરુન ઈન્ડિયા રીચ લિસ્ટ ૨૦૨૩ બહાર પડયું. આ લિસ્ટના કારણે જયશ્રી ઉલ્લાલ ચર્ચામાં આવી ગયાં છે કેમ કે જયશ્રી ઉલ્લાલ ભારતનાં સૌથી ધનિક પ્રોફેશનલ મેનેજર છે. સામાન્ય રીતે કોઈને પણ ભારતીય સફળ પ્રોફેશનલ મેનેજરનું નામ પૂછાય તો સત્ય નડેલા કે સુંદર પિચાઈનાં નામ જીભે આવે પણ અરિસ્ટા નેટવર્ક્સનાં સીઈઓ અને પ્રેસિડેન્ટ જયશ્રી વી. ઉલ્લાલ આ બંને કરતાં આગળ છે.  ફોર્બ્સની અમેરિકાની ટોચની ચાર સેલ્ફ મેઈડ વીમેનની યાદીમાં સામેલ જયશ્રીની કુલ સંપત્તિ ૨૦,૮૦૦ કરોડ રૂપિયા છે. લંડનમાં જન્મેલાં અને દિલ્હીમાં ભણેલાં જયશ્રીની નડેલા અને પિચાઈ બંને કરતાં ધનિક છે. ગુગલના સુંદર પિચાઈની સંપત્તિ ૫૪૦૦ કરોડ રૂપિયા જ્યારે, માઈક્રોસોફ્ટના સત્યા નડેલાની કુલ સંપત્તિ ૭૫૦૦ કરોડ રૂપિયા છે. જયશ્રી ઉલ્લાલની સંપત્તિ બંનેની કુલ સંપત્તિથી પણ વધારે છે.

બજારની વાત                                                                . 3 - image

બાંગ્લાદેશી એકટ્રેસ સબા યોગનો બિઝનેસ કરશે

બાંગ્લાદેશની લોકપ્રિય અભિનેત્રી સોહાના સબા એક રસપ્રદ બિઝનેસમાં ઝંપલાવી રહી છે. સબા 'યોગીની' બનીને લોકોને યોગ શીખવશે. સબાનું કહેવું છે કે, પોતે છેલ્લાં ૧૭ વર્ષથી યોગની પ્રેક્ટિસ કરે છે અને નિયમિત રીતે ભારત આવીને યોગનું શિક્ષણ મેળવ્યું છે. ઋષિકેશમાં યોગ ટીચર ટ્રેઈનિંગ પૂરી કરનારી સબા બાંગ્લાદેશની રાજધાની ઢાકાના પોશ મનાતા ગુલશન વિસ્તારમાં યોગ ટ્રેઈનિંગ સેન્ટર ખોલીને બાંગ્લાદેશીને યોગના પાઠ ભણાવશે.  બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓના વધતા પ્રભાવ વચ્ચે સબા યોગ શીખવવાનું સાહસ કરી રહી છે એ મહત્વનું છે. સબાનો ભારતીય સંસ્કૃતિ તરફનો લગાવ જાણીતો છે. સબાએ ક્લાસિકલ ડાન્સની પણ તાલીમ લીધેલી છે અને કેરીયરની શરૂઆત ક્લાસિકલ ડાન્સર તરીકે જ કરી હતી.

બજારની વાત                                                                . 4 - image

પવન મુંજાલની મુશ્કેલી વધી, નવો કેસ નોંધાયો

ભારતના વધુ એક ટોચના ઉદ્યોગપતિ પર કાનૂનનો ગાળિયો કસાયો છે. ભારતમાં મોટરબાઈકના ઉત્પાદનમાં ટોચની કંપની હીરો મોટોકોર્પના ચેરમેન, સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર પવન કાંત મુંજાલ સામે દિલ્હીમાં એફઆઈઆર નોંધાઈ છે. દિલ્હી હાઈકોર્ટે સ્ટે આપ્યો છે તેથી હાલ પૂરતી તો મુંજાલ સામે કોઈ કાર્યવાહી નહીં થાય પણ ભવિષ્યમાં મુંજાલ ફસાઈ શકે છે કેમ કે કેસ ખોટાં બિલો બનાવીને ટેક્સ ચોરી કરવાનો છે. ૨૦૧૦ પહેલાના એક જૂના કેસમાં આ એફઆઈઆર નોંધાઈ છે. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈઘ) અને ડિરેક્ટોરેટ આફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ઘઇૈં) દ્વારા પવન મુંજાલ સામે પહેલાં જ મની લોન્ડરિંગ કેસમાં તપાસ ચાલી રહી છે. હવે વધુ એક કેસ થતાં મુંજાલની મુશ્કેલી વધવાનાં એંધાણ છે.

બજારની વાત                                                                . 5 - image

બોલો, ઈઝરાયલમાં પ્રજાના પૈસા બચાવવા મંત્રીનું રાજીનામું

હમાસના આક્રમણનો વળતો જવાબ આપીને ઈઝરાયલે ગાઝા પટ્ટી પર હલ્લાબોલ કરી કીધું છે ત્યારે ઈઝરાયલમાં પબ્લિક ડિપ્લોમસી મિનિસ્ટર ગાલિત દિસ્તેલ એટબરીયને રાજીનામું આપી દીધું છે. ઈઝરાયલમાં અત્યંત લોકપ્રિય લેખિકા એવાં ગાલિત ઈઝરાયલ એરફોર્સમાં પાયલોટ તરીકે કામ કરી ચૂક્યાં છે. 

વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ગયા અઠવાડિયે ડાયસ્પોરા મિનિસ્ટ્રીને પબ્લિક ડિપ્લોમસીને લગતી બાબતો જોવાની સત્તા આપીને ગાલિતના અધિકારો પર કાપ મૂકી દીધો હતો. ગાલિતે પોતે કશું કર્યા વિના મંત્રીપદે ચાલુ રહે એ પ્રજાનાં નાણાંનો વેડફાટ હોવાનું જણાવીને રાજીનામુ ધરી દીધું છે.

બીજા દેશોમાં સત્તા માટે નેતાઓ પડાપડી કરે છે ત્યારે ઈઝરાયલમાં સરકારી ખર્ચ બચાવવા મંત્રી રાજીનામું આપે એવી અનોખી ઘટના બની છે. ઈઝરાયલ બીજા દેશો કરતાં આ માનસિકતાના કારણે જ આગળ છે.

બજારની વાત                                                                . 6 - image

હાઈવેમેન 'ગડકરી'ની બાયોપિક આ મહિને થશે રીલીઝ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જીવન પર બનેલી ફિલ્મ 'ગડકરી' ૨૭ ઓક્ટોબરે રીલીઝ થઈ રહી છે ત્યારે ફિલ્મમાં શું હશે તે અંગે ભારે ઉત્સુકતા છે. મરાઠીમાં બનેલી 'ગડકરી'માં રાહુલ ચોપરા ગડકરી બન્યા છે. ફિલ્મમાં ગડકરીને ભારતના હાઈવેમેન ગણાવાયા છે. ઐશ્વર્યા ડોરલે ફિલ્મમાં ગડકરીનાં પત્ની કંચનની ભૂમિકામાં છે. અનુરાગ રાજન ભુસારીએ ફિલ્મની કથા-પટકથા લખી છે અને નિર્દેશન પણ કર્યું છે. ભારતમાં નેતાઓની બાયોપિક બહુ સફળ થતી નથી. આ પહેલાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફિલ્મ બની ચૂકી છે. વિવેક ઓબેરોય આ ફિલ્મમાં મોદી બન્યા હતા. મોદી રાજકારણમાં સુપરહીટ છે પણ તેમની ફિલ્મ સાવ સાધારણ સાબિત થઈ હતી. ગડકરીની ફિલ્મ શું કમાલ કરે છે એ જોવાનું રહે છે.

ગુગલ ક્રોમ વાપરતા હો તો આ જરૂર વાંચજો

દુનિયાનું સૌથી લોકપ્રિય વેબ બ્રાઉઝર ગુગલ ક્રોમ એકદમ સલામત હોવાનું મનાય છે પણ ભારત સરકારે આપેલી ચેતવણી પછી આ માન્યતા અંગે ફેરવિચારણા કરવી જોઈએ. ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમર્જન્સી રીસ્પોન્સ ટીમે ગુગલ ક્રોમનો ઉપયોગ કરવાથી તમારી ડીવાઈસની સીક્યુરિટી અને પરફોર્મન્સ પર ક્યા પ્રકારનો ખતરો છે એ અંગે ચેતવણી બહાર પાડી છે. 

ગુગલ ક્રોમનો ઉપયોગ ના કરતાં હોય એવું કોઈ ભાગ્યે જ હશે એ જોતાં સ્માર્ટફોન, લેપટોપ કે ડેસ્કટોપ હોય એવી દરેક વ્યક્તિએ આ ચેતવણીઓને ધ્યાનથી જોઈ જવાની જરૂર છે. ગુગલ ક્રોમનાં સાવ સામાન્ય લાગતાં ફંક્શન્સના કારણે પણ આપણી ડીવાઈસ પર કેવો ખતરો ઉભો થાય છે તેની ખબર પડશે.



Google NewsGoogle News