મસ્કની એન્ટ્રીને ચૂંટણી નડી ત્રણ અબજ ડોલરના રોકાણની ચર્ચા ટલ્લે ચઢી
- જેની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે તે ઇલોન મસ્ક અને વડાપ્રધાન મોદી વચ્ચેની બહુ ચર્ચીત બેઠક અચાનક રદ્
- છેલ્લે મોદી અને મસ્ક ગયા વર્ષે જુન માસમાં ન્યુયોર્ક ખાતે મળ્યા હતા. ત્યાર બાદ કેટલાક મહિનાઓ સુધી ઇલેકટ્રીક વ્હીકલ પરની આયાત ડયુટી ધટાડવા મસ્કે ભારતમાં લોબીંગ કર્યું હતું. હવે તે ભારતમાં ટેસ્લાનું ઉત્પાદન કરવા માંગે છે..
- ટેસ્લાના કારખાના માટે ચાર રાજ્યો મેદાનમાં ઃ ભારતમાં વર્તમાન ઇન્ટરનેટ કરતાં ૩૦ ગણી વધુ સ્પીડથી ચાલતી સ્ટાર લીંક સર્વિસને મંજૂરી અને સ્પેસ ટેકનોલોજીમાં રોકાણ વિશે પણ ચર્ચા થવાની હતી
આ જે ૨૨ એપ્રિલે યોજાનાર ઇલોન મસ્ક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની બહુ ચર્ચીત બેઠક છેેલ્લી ધડીએ અચાનક રદ્દ થતાં તે વિશ્વમાં ટોકિંગ પોઇન્ટ સમાન ધટના બની છે. આયોજન પ્રમાણે વિશ્વના અબજો પતિ અને નંબર વન બિઝનેસમેન ઇલોન મસ્ક બે દિવસ માટે ભારતની મુલાકાતે આવવાના હતા અને જેમને મોદી મીન્સ બિઝનેસ કહેવાય છે એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા ત્યારે સ્વભાવિક રીતેજ મસ્ક તરફથી આવનારા અબજો ડોલરના રોકાણની ચર્ચા મંત્રણાના એજન્ડા પર હતી.
ઇલોન મસ્કની ઇલેકટ્રીક કાર ટેસ્લાને પોેતાના રાજ્યમાં ખેંચી લાવવા ત્રણ રાજ્યો તમિળનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્ર જોરદાર લોબીંગ કરતા હતા તેમાં છેલ્લે હવે ચોથું રાજ્ય રાજસ્થાન પણ કૂદી પડયું છે.
પોેતાના રાજ્યમાં ટેસ્લાનું મેન્યુફેક્ચરીંગ થાય તેા રાજ્યમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે અને રોજગારી વધે તે તો ઠીક છે પણ ટેસ્લાનું ટાઇટલ અન્ય જાયન્ટ કંપનીઓને પણ રાજ્યમાં ખેંચી લાવી શકે છે. અહીં માત્ર ઓટો સેક્ટરની વાત નથી પણ સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે પણ મસ્ક રોકાણ કરવા માંગે છે. ભારતમાં ટોચના સ્પેસ સ્ટાર્ટઅપ સાથે પણ રોકાણ માટે બેઠક યોજાવાની હતી.
મસ્કના પોર્ટફોલિયોમાં ટેસ્લા, સ્ટારલીંક ઇન્ટરનેટ સર્વિસ અને સ્પેસ સંબંધીત પ્રોજેક્ટો છે. પોતો મોદીના ફેન છે એમ કહેનાર મસ્ક બિઝનેસ બાબતે બહુ નિષ્ણાત છે. માઇક્રો બ્લોગીંગ નેટવર્ક ટ્વિટર ખરીદતી વખતે વિશ્વએ તેમના સાયલન્ટ ડીલીંગની પ્રશંસા કરી હતી. પરંતુ મસ્કે ભારતની મુલાકાત અચાનક શા માટે રદ્ કરી તે જાણી શકાયું નથી.
છેલ્લે મોદી અને મસ્ક ગયા વર્ષે જુન માસમાં ન્યુયોર્ક ખાતે મળ્યા હતા. ત્યાર બાદ કેટલાક મહિનાઓ સુધી ઇલેકટ્રીક વ્હીકલ પરની આયાત ડયુટી ધટાડવા મસ્કે ભારતમાં લોબીંગ કર્યું હતું. હવે તે ભારતમાં મસ્ક ટેસ્લાનું ઉત્પાદન કરવા માંગે છે. ૨૨મીના સોમવારે મસ્ક ક્યા રાજ્યમાં રોકાણ કરવા માંગે છે તેના સંકેત મળત પરંતુ તેમની મુલાકાત રદ્ થતાં દરેક રાજ્યની મનની મનમાં રહી ગઇ હતી.
મસ્ક ટેસ્લા માટે જે રાજ્ય પસંદ કરશે ત્યાં શરૂઆતમાં ત્રણ અબજ ડોલર રોકશે. ગયા માર્ચમાં સરકારે એવી જાહેરાત કરી છે કે જે ઇલેકટ્રીક વ્હીકલ કંપની ૫૦૦ મિલીયન ડોલરનું રોકાણ કરીને ભારતમાં ફેક્ટરી નાખશે તેના વ્હીકલ આયાત ડયુટી ૧૦૦ ટકા પરથી ૧૫ ટકા કરી દેવાશે. જેના કારણે ટેસ્લા ભારતમાં રોકાણ કરવા ઇચ્છે છે. હાલમાં વૈશ્વિક સ્તરે ટેસ્લાનું અડધા કરતાં વધુ ઉત્પાદન ચીનમાં થાય છે. જો ટેસ્લા ભારતમાં ઉત્પાદન કરવાનું નક્કી કરે તો તેના ઓટો કમ્પોેનન્ટ આયાત કરતા ભારતીય સપ્લાયરોને ખાસ કરીને સંધાર ટેકનોલોજી અને ભારત ફોર્જ જેવી કંપનીઓને સ્થાનિક સ્તરે માલ આપવો આસાન થઇ શકે છે.
કહે છે કે ઇવી બનાવનાર ટેસ્લા ભારતથી એકથી બે અબજ ડોલરના ઓટોપાર્ટસ ભારતથી મંગાવે છે. ગયા સપ્ટેમ્બરમાં કોમર્સ પ્રધાન પિયુષ ગોયેલે કહ્યું હતું કે ૨૦૨૨માં ટેસ્લા કંપની ભારતથી એક અબજ ડોલરના ઓટોપાર્ટસ ખરીદતું હતું. જે ૨૦૨૩માં બમણી રકમનું થયું હતું.
ગયા અઠવાડિયે ટેસ્લાએ સેમિકન્ડક્ટર ચીપ્સ માટે ટાટા ઇલેકટ્રોનિકસ સાથે વૈશ્વિક સ્તરે ડીલીંગના કરાર કર્યા હતા.
ભારતમાં ઓટો ક્ષેત્ર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ખેંચવામાં વધુ પાવરફૂલ સાબિત થયું છે.૨૦૦૦ના વર્ષથી અત્યાર સુધીમાં ૩૫.૬ અબજ ડોલરની એફડીઆઇ મેળવી છે. જોકે ઓટો ક્ષેત્ર છેલ્લા કેટલાક વર્ષોથી સક્રીય થયું છે. ઓટો ક્ષેત્રે ૨૦૨૦-૨૧માં ૬.૯ અબજ ડોલરની FDI હતી, ૨૦૨૨-૨૩માં તે થાડી ઓછી થઇ હતી અને તે આંક ૧.૯ અબજ ડોલર જેટલો નીચો ગયો હતો.
૧૯૮૦ના દાયકામાં મારૂતિ સૂઝૂકીએ જ્યારે દિલ્હી એનસીઆરમાં પ્લાન્ટ ઉભો કર્યો ત્યારે હીરો હોન્ડાએ પણ પ્લાન્ટ શરૂ કર્યો હતો અને ત્યારબાદ દેવુ અને હોન્ડા કારના પ્લાન્ટ પણ આવ્યા હતા.
ભારતમાં ઇલોન મસ્કનો બિઝનેસ એજન્ડા બહુ સ્પષ્ટ હોય એમ દેખાઇ આવે છે. મસ્કનો સેટેલાઇટ આધારીત ઇન્ટરનેટ પ્રોજક્ટ સ્ટારલીંકની ભારતમાં ઓપરેટ કરવાની મંજૂરી લેવાની છે.
વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતમાં બિઝનેસ માટે આવી રહેલા મસ્કની ટેસ્લા ગાડીનું અમેરિકામાં વેચાણ ધટયું છે. માટે મસ્ક ભારતમાં કારખાનું ઉભું કરવા માંગતા હોવાનું મનાય છે.
મહારાષ્ટ્ પણ એફડીઆઇ હબ સાબિત થઇ રહ્યું છે. જ્યાં સ્થાનિક સ્તરની કંપનીઓ ટાટા મોટર્સ અને મહેન્દ્ર એન્ડ મહેન્દ્રના પૂણે નાસિકમાં રોકાણો છે. ફોક્સ વેગન અને જનરલ મોટર્સના રોકાણો પણ રાજ્યમાં છે. ગુજરાત પણ પાછળ નથી. જ્યાં સાણંદમાં નેનો પ્રજેક્ટ (૨૦૦૮), હાલોલમાં જનરલ મોટર્સ અને ફોર્ડ તેમજ મારૂતિ હાંસલપુરમાં પ્રોજક્ટ ચલાવે છે. ભારતમાં કાર મેકર્સ તેનું ૩૦ ટકા ઉત્પાદન એક્સપોર્ટ કરે છે. જેમકે ફોક્સવેગન તેના કુલ ઉત્પાદનની ૮૦ ટકા કાર એક્સપોર્ટ કરે છે.
એવીજ રીતે જો ટેસ્લા ભારતના કોઇ રાજ્યમાં કાર બનાવશે તો તેનું ૩૦ ટકા ઉત્પાદન એક્સપોર્ટ કરશે. ભારતનું ઇલેક્ટ્રીક વ્હીકલનું માર્કેટ હજુ ઉગતું છે એમ કહી શકાય. સ્થાનિક સ્તરે ટાટા મોટર્સે ઇવી કાર ક્ષેત્રે પ્રભાવ વધારેલો છે. ૨૦૨૩માં ભારતમાં વેચાતી કુલ કાર પૈકી માત્ર બે ટકા કાર ઇલેક્ટ્રીક છે. પરંતુ ૨૦૩૦ સુધીમાં સરકારનું પ્લાનીંગ કુલ કારના ૩૦ ટકા ઇલેકટ્રીક કારનું છે. ઓટો માર્કેટ ક્ષેત્રે ભારત વિશ્વમાં ત્રીજા નંબરે છે. પરંતુ ઇલેકટ્રીક કાર ક્ષેત્રે ભારત હજુ પ્રારંભીક સ્તરે છે.
ઓટો ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રો માને છે ઇલોન મસ્કની ટેસ્લા કાર ભારતના હાઇનેટવર્થ ધરાવતા લોકોને પણ મોંધી પડે એમ છે. આ સંજોગામાં જો ટેસ્લા ભારતના લોકોને પરવડે એવું કોઇ સસ્તું અને બહુ ઉપયોગી ઇલેકટ્રીક ફોર વ્હીલર બજારમાં મુકે તો તે ભારતના કાર માર્કેટને પડકારી શકે છે.
હવે મોદી અને મસ્કની મુલાકાત કેન્સલ થઇ છે ત્યારે રોકાણ ઇચ્છતા રાજ્યોએ હુ થોડી રાહ જોવી પડશે એમ મનાય છે.
- મસ્કની ભારતની મુલાકાત રદ્ થવાના કારણો
મસ્કની ભારત મુલાકાત રદ્ થવા પાછળના કારણો ની ચર્ચા થઇ રહી છે. અમેરિકાનું કોર્પોરેટ સર્કલ કહે છે કે મસ્કને ઓળખવા બહુ આસાન નથી. અહીં કેટલાક સંભવીત કારણો સમાવાયા છે.
૧. લોકસભાની ચૂંટણી હોઇ એફડીઆઇની જાહેરાત આચાર સંહીતા હેઠળ થઇ શકે એમ નહોતી.
૨. એલોન મસ્કની ટેસ્લા કારનું અડધાથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે. મસ્કને મોદી તરફ ઢળતા જોઇને ચીનના સત્તાવાળાઓેએ મસ્કનું નાક દબાવ્યું હોવાનું મનાય છે.
૩. ટેસ્લા ભારતના કોઇ રાજ્યમાં બને તે સાથે અમેરિકા પણ રાજી નથી. કહે છેે કે અમેરિકા પણ આર્થિક તખ્તે ગેમ રમી શકે છે.