“Bull-Dozer Justice” સુપ્રિમ કોર્ટનો ચુકાદો આંતરમાળખાકીય સુવિધાઓ માટે લાંબા ગાળાની અસરો
- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- અગાઉ સુપ્રિમ કોર્ટે આપેલ અન્ય ચુકાદાઓના અમલીકરણમાં આ ચુકાદાથી વિરોધાભાસ
- સુપ્રિમકોર્ટે આપેલ ચુકાદા પ્રમાણે અમલીકરણ કરવાનું થાય તો જાહેર સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં ઘણો વિલંબ થઈ શકે છે
તાજેતરમાં સુપ્રિમકોર્ટની જસ્ટીસ બી. સાર. ગવઈ અને કે. વી. વિશ્વનાથનની ડીવીઝન બેન્ચ દ્વારા -“Suo Moto - Cognizance” - ર્ભયહૈડચહબી લઈને અનઅધિકૃત રીતે આરોપીઓના મકાનો તોડવા અને તેઓની મિલ્કત સંદર્ભે ચુકાદો આપેલ છે શરૂઆતમાં બેન્ચે આવા અનઅધિકૃત બાંધકામો દુર કરવા માટે મનાઈ હુકમ ખાસ કરીને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનને આદેશો આપવામાં આવેલ, નામદાર ડીવીઝન બેન્ચે આરોપીઓના મકાનો અને મિલ્કતને દુર કરવા માટેના માપદંડો (Criteria) અને માર્ગદર્શક આદેશો આપવામાં આવ્યા છે અને તેના અમલ માટે દેશની તમામ હાઈકોર્ટ અને મુખ્ય સચિવશ્રીઓને પરિપત્ર કરવાની સુચનાઓ અપાઈ છે.
છેલ્લા થોડા સમયથી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આસામ, ગુજરાત અને દિલ્હીમાં જે પ્રકારે Targeted સ્વરૂપે મકાનો તોડવામાં આવી રહ્યા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચુકાદાની મુખ્ય બાબતો અવલોકન કરવામાં આવે તો જે પ્રકારની કાર્યપધ્ધતી અને માપદંડો અનુસરવાનું જણાવવામાં આવ્યું છે તે જોતાં એ સ્પષ્ટ થાય છે કે જુદા જુદા રાજ્યોમાં ગુજરાત સહિત બિનઅધિકૃત દબાણો દુર કરવા માટે જુદા જુદા કાયદાઓ અમલમાં છે અને સુપ્રિમ કોર્ટ દ્વારા જે “Suo Moto વિષય હાથ ધરવામાં આવેલ છે તેમાં કોઈ ગુન્હાઓ હેઠળ આરોપીઓના મકાનો / મિલક્ત તોડવાની બાબત છે. જ્યારે જાહેર જગ્યા કે કાયદાઓનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવેલ કે પચાવી પાડેલ મિલ્કતના કેસોનો સંદર્ભ જુદો હોઈ શકે. સૌ પ્રથમ સુપ્રિમ કોર્ટ દ્વારા જે જુદા જુદા માપદંડો નક્કી કરવામાં આવેલ છે તેના અમલીકરણ અંગે અને તેની શું અસરો (Consequential effect) આવશે તે અંગે સૌની જાણકારી માટે ઉલ્લેખ કરવામાં આવે છે.
સમગ્ર કેસની પૂર્વભુમિકા જોવામાં આવે તો ઉત્તરપ્રદેશના રાયબરેલી અને મોરાદાબાદમાં જે પ્રકારે આરોપીઓના મકાનો તોડવામાં આવ્યા તેની નોંધ (Cognizance) સુપ્રિમકોર્ટ દ્વારા લેવામાં આવી અને તેના અધારે અન્ય રાજ્યોમાં પણ તેજ પ્રકારે બિનઅધિકૃત દબાણો દુર કરવાની કાર્યવાહીને ધ્યાનમાં લેતાં સુપ્રિમ કોર્ટ દ્વારા Natural Justice અને Right to life હેઠળ Right to Shelterના મુદ્દા ઉપર ચુકાદો આપેલ છે અને તેમાં જણાવ્યા પ્રમાણે (૧) કોઈપણ અનઅધિકૃત Structure (વ્યાખિત Define કરવું જરૂરી બને)ના કબજેદાર માલીકને ૧૫ દિવસ પૂર્વે રજીસ્ટર્ડ પોસ્ટથી નોટીસ આપવાની છે અને તે નોટીસ મિલ્કત ઉપર ચોટાડવાની છે. ૧૫ દિવસનો સમયગાળો માલીકને નોટીસ મળ્યાની પહોંચથી ગણવાનો છે. (૨) નોટીસની એક નકલ જીલ્લા કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટને આપવાની છે અને તેઓએ એક Designated officer પદનામિત અધિકારી નિયુક્ત કરવાના છે. જે સ્થાનિક સત્તામંડળ, નગરપાલીકા / મહાનગરપાલીકા કે સ્થાનિક સત્તામંડળને જાણ કરશે. (૩) નોટીસમાં બિનઅધિકૃત દબાણનો પ્રકાર, જે કાયદાનો ભંગ થતો હોય તે, દબાણ દુર કરવાના કારણો દર્શાવતી બાબતો જણાવી પદનામિત અધિકારી સમક્ષ માલીકને સાંભળવાની તક આપવાની છે. (૪) પદનામિત અધિકારી જે સુનાવણી કરે તેની Minutes કાર્યવાહીની નોંધ માલીકને આપવાની છે અને જે ઓર્ડર કરવામાં આવે તેમાં કેટલું બિનઅધિકૃત બાંધકામ દુર કરવાનું થાય છે અને Compoundable છે કે કેમ તે પણ જણાવવાનું રહેશે. (૫) જો માલિકનું દબાણ / બાંધકામ દુર કરવાપાત્ર હોય તો કેટલો ભાગ દુર કરવાનો થાય છે અને તે દુર કરવા માટેનો ટાઈમ આપવાનો છે. (૬) જે બિનઅધિકૃત બાંધકામ દુર કરવાનું થતું હોય તો ૧૫ દિવસનો સમયગાળો આપવાનો રહેશે અને સબંધિત વ્યક્તિને કોર્ટમાં જવું હોય તો તક આપવાની રહેશે. (૭) જો આખરી હુકમ થયા બાદ પંદર દિવસમાં કોર્ટમાં ન જાય તો દબાણ દુર કરવાનો પ્લાન - સ્થળ સ્થિતિનો Inspection Report બે સાક્ષીઓની હાજરીમાં તૈયાર કરવાનો રહેશે. (૮) જે અનઅધિકૃત બાંધકામ દુર કરવામાં આવે તેની પ્રક્રિયા માટેની કાર્યવાહીનું Videography કરવાની છે અને નગરપાલીકાના અધિકારીઓના નામ અને પોલીસ અધિકારીઓના નામ સબંધિત કમીશ્નર / સીઈઓ / મુખ્ય અધિકારીને આપવાના રહેશે. (૯) જે અધિકારીઓ આ સુચનાઓનું પાલન ન કરે તેની સામે કોર્ટના તિરસ્કારની (Contempt Proceeding) કાર્યવાહી અને પ્રોસીક્યુશન કરવામાં આવશે. (૧૦) સબંધિત જવાબદાર અધિકારીઓને જે અધિકારીઓએ બિનઅધિકૃત દબાણ સુચનાઓનું ઉલ્લંઘન કરેલ હોય તો તેઓએ તે જગ્યાને તેઓના ખર્ચે મુળ સ્થિતિમાં લાવવાની રહેશે અને તેઓએ જે નુકશાન કર્યું હોય તેનું વળતર આપવાનું રહેશે. સુપ્રિમકોર્ટ વધુમાં અવલોકન કરેલ છે કે Executives cannot become judge અને જણાવેલ છે કે આરોપી Guilty છે કે કેમ તે નક્કી કરવાનું કામ કોર્ટનું છે. વધુમાં કોર્ટના અવલોકન મુજબ અમુક જ બાંધકામોને સત્તાધિકારીઓ દ્વારા દુર કરવામાં આવ્યો છે. જ્યારે અન્યને છોડી દેવામાં આવ્યા છે. કોર્ટના તારણ મુજબ આરોપી Till he is implicated, He is innocent - Unless proved guilty. વધુમાં ઘરના સભ્યોમાં એક આરોપી હોય તેના કારણે ઘરના અન્ય સભ્યોને આરોપી ન ગણી શકાય, આમ આરોપીઓની મિલ્કતો / ઘરોને જે સ્વરૂપે તોડવામાં આવ્યા છે તેને ધ્યાનમાં લઈ સુપ્રિમ કોર્ટ દ્વારા જે ઉક્ત ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં બંધારણના આર્ટીકલ ૩૯એ Right to life ના અધિકારનું ઉલ્લંઘન થાય છે તેમ જણાવવામાં આવ્યું છે.
સુપ્રિમ કોર્ટનો ચુકાદો એ Law of Land બને છે. એટલે કે કાયદાનું સ્વરૂપ બને છે અને આ ચુકાદાના અમલીકરણ માટે દેશની તમામ હાઈકોર્ટને સુચના અપાઈ છે અને તમામ રાજ્યોના મુખ્ય સચિવઓને પણ આ ચુકાદાના અમલીકરણની જવાબદારીના આદેશો કરવામાં આવ્યા છે.
આ ચુકાદાના અવલોકનમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આપણા રાજ્યમાં બિનઅધિકૃત બાંધકામો દબાણો દુર કરવા માટે જે જુદા જુદા કાયદાઓ છે તેમાં Specific જોગવાઈઓ છે અને હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટના જુદા જુદા શકવર્તી ચુકાદાઓ છે. જેમાં જાહેર જગ્યા ઉપરના દબાણો, રસ્તા તેમજ ધાર્મિક સ્થળો ઉપરના દબાણો અંગે ચુકાદાઓ આપ્યા છે. સુપ્રિમકોર્ટે આપેલ ચુકાદા પ્રમાણે અમલીકરણ કરવાનું થાય તો જાહેર સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં ઘણો વિલંબ થઈ શકે છે. જેથી ગુજરાતના જુદા જુદા કાયદાની જોગવાઈઓ અને સુપ્રિમકોર્ટે આપેલ અગાઉના ચુકાદાઓના સંદર્ભો અગત્યના હોય અને જાહેર હિત સંકળાયેલ હોય આગામી લેખમાં વિવરણ કરીશું. (ક્રમશઃ)