BSNL TCSનો હાથ પકડી આગળ વધશે
એરાઉન્ડ ધ માર્કેટ
BSNL TCSનો હાથ પકડી આગળ વધશે
સરકાર હસ્તકની દૂર સંચાર કંપની ભારત સંચાર નિગમ (બીએસએનએલ) હવે ખાનગી ક્ષેત્રની ટીસીએસનો હાથ પકડી આગળ વધવાની કવાયત હાથ ધરી છે. તાજેતરમાં બીએસએનએલ દ્વારા તેના 4G કનેકશન માટે ટાટા ગુ્રપની ટીસીએસ કંપનીને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ કોન્ટ્રાક્ટ પેટે ટીસીએસને રૂ. ૧પ૦૦ કરોડનુંં એડવાન્સ પેમેન્ટ પણ કરી દેવાયું છે. હવે ટીસીએસ બીએસએનએલ માટે દેશભરમાં 4G નેટવર્ક પહોંચાડવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરશે.
વિવિધ દાળના ભાવમાં ફરીથી ભડકો
વિતેલા એપ્રિલ માસમાં વિવિધ દાળના ભાવમાં ઘટાડો થયા બાદ મે ના પ્રથમ સપ્તાહ બાદ તેના ભાવમાં એવરેજ દોઢથી બે ટકાનો વધારો થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. મે માસમાં તુવેરદાળ, અડદ દાળ, મગ દાળ તથા ચણા દાળમાં બે ટકા સુધીનો ભાવ વધારો થતાં સરકાર દ્વારા તાત્કાલિક તેના સંગ્રહ પર એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં સંગ્રહખોરો પર આકારા પગલાંની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત આયાત અંગેના નિયમોના પણ આકારા અમલની સૂચના અપાઈ છે.
ભિવંડીનો પાવરલુમ ઉદ્યોગ ICUમાં
સમગ્ર વિશ્વમાં પાવરલુમનગરી તરીકે ઓળખાતો મહારાષ્ટ્રના ભિવંડીનો પાવરલુમ ઉદ્યોગ મંદીના કારણે આર્થિક સંકટમાં મુકાઈ ગયો છે. આર્થિક સકંટ ઘેરૂ બનતા અહીંના પાવરલુમના કારખાનાના માલિકો પાણીના ભાવે મશીનો વેચીને પોતાનો ધંધો આટોપી અન્ય ધંધા તરફ વળ્યા છે. જેના કારણે આ વિસ્તારમાં બેરોજગારીમાં પણ મોટાપાયે વધારો થયો છે. આ ઉદ્યોગના સંગઠનોનું એવું કહેવું છે કે સરકારની ખોટી નીતિઓના કારણે છેલ્લા ૧૦ વર્ષથી આ ઉદ્યોગ આર્થિક ભીંસમાં મુકાઈ ગયો છે.
અભિમાન એ વિનાશનું મૂળ
જો તમારે સફળ થવું હોય તો અભિમાન છોડવું પડશે. અભિમાન જ વિનાશનું મૂળ છે. તમે ત્યારે જ સફળ બની શકો છો જ્યારે તમે જમીન પર હોવ. બહું ઊંચા ઊડવાથી 'ઊડી' જ જવાય છે. આ શબ્દો સારા અલી ખાનના છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે સફળતા અંગે વિસ્તૃત ચર્ચા કરતા જણાવ્યું હતું કે આજે આપણી સામે એવા કેટલાય સફળ લોકો છે જેમણે ક્યારેય અભિમાન કર્યું નથી. સંપૂર્ણપણે જમીન સાથે સંકળાયેલ છે. આ કારણથી જ તેમને સફળતા વરી છે.
મોનાકો દેશમાં દર ત્રણે એક કરોડપતિ
અમેરિકા અને ચીનની ગણના વિશ્વના ધનિક દેશોમાં થતી હોય છે પણ તેના નાગરિકો ધનવાન નથી પરંતુ યુરોપના એક ટચૂકડો દેશ મોનાકોમાં દર ત્રણ વ્યક્તિએ એક કરોડપતિ છે. વેટિકન સિટી બાદ દુનિયાનો આ સૌથી નાનો દેશ તેના ટુરીઝમના લીધે ફેમસ છે. આ દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી ર,૩૪,૩૧૭ ડોલર છે. જે સમગ્ર વિશ્વમાં સર્વાધિક છે. ભારતીય રૂપિયામાં ગણતરી કરીએ તો મોનાકોની વ્યક્તિદીઠ જીડીપી રૂ. ૧.૯૪ કરોડ છે. આમ, આ દેશમાં દરેક વ્યક્તિની વાર્ષિક આવક રૂ. બે કરોડ છે. આ દેશમાં ઈન્કમટેક્ષ વસુલાતો નથી. અન્ય ટેકસ પણ બીજા દેશો કરતા ઘણા ઓછા છે.
બાઈડેનના વહીવટથી અમેરિકીઓ નાખુશ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા આગામી ચૂંટણીને અનુલક્ષી ફરી એકવાર અમેરિકામાં પ્રચાર શરૂ કરાયો છે. પરંતુ અમેરિકનો તેમની અર્થવ્યવસ્થા સામેની કામગીરીથી નાખુશ છે. તાજેતરમાં એક ખાનગી સંસ્થા દ્વારા હાથ ધરાયેલ એક અભ્યાસના તારણ મુજબ બાઈડેનની અર્થવ્યવસ્થા સંભાવવા અંગેની કામગીરીથી ૬૭ ટકા લોકો નાખુશ છે. માત્ર ૩૩ ટકા લોકોએ તેમની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ અભ્યાસમાં માત્ર ર૪ ટકા લોકોએ એવું માન્યું હતું કે અમેરિકાની આર્થિક સ્થિતિ સાનુકુળ છે. અમેરિકાના ઊંચા ફુગાવા, દેવાના સંકટ સહિતના અન્ય આર્થિક મુદ્દાઓની પણ અમેરિકાનો દ્વારા નકારાત્મક પ્રતિભાવ અપાયો હતો.
ભારતીય ચીજવસ્તુઓની બોલબોલા વધી
આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ચીજ વસ્તુઓની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અમેરિકા તેમજ વિશ્વની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટ દ્વારા ભારતમાંથી રમકડાં, બૂટ-ચંપલ, સાઈકલ સહિત અન્ય વસ્તુ ખરીદવા ચર્ચા -વિચારણા થઈ રહી છે. વોલમાર્ટ દ્વારા ૨૦૨૭ સુધીમાં પોતાના દ્વારા ભારતમાંથી થતી વિવિધ વસ્તુઓની આયાત વધારીને ૧૦ અબજ ડોલરનો અંદાજ મુકાયો છે. કંપની દ્વારા અન્ય ચીજવસ્તુઓની આયાતની પણ યાદી બનાવવામાં આવી છે.
પતિનું વજન વધવા પત્નીએ છુટાછેડા લીધા
તાજેતરમાં માન્યામાં ન આવે તેવો એક કિસ્સો જાહેર થયો છે. રિયાલીટી ટીવી સ્ટાર ટૈમી સ્લેટન અને કાબેલ વિલિંગ હૈમ સાથે નવેમ્બર ૨૦૨૨માં લગ્ન થયા હતા. લગ્ન વખતે ટૈમીનું વજન ૩૦૦ કિલો અને તેના પતિનું વજન ૨૧૭ કિલો હતું. બંને જણાએ પોતાનું વજન ઉતારવા ડાયેટ તેમજ કસરત કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ વિલિંગ હૈમ આ નિયમો સમયસર પાળતો ન હોવાના કારણે તેના વજનમાં ૧૪ કિલોનો વધારો થઈ જતા પત્ની નારાજ થઈ ગઈ હતી અને આખરે છુટાછેડા લઈ લીધા હતા આમ માત્ર વજન વધવાના કારણે લગ્નજીવન એક વર્ષ પણ ટક્યું ન હતું.
નવી કારની કિંમત જેટલો આઈસક્રીમનો ભાવ
અત્યાર સુધી આપણે આઈસક્રીમની કિંમત રૂ. ૨૦૦ થી પ૦૦ સુધીનો હોય છે. તેનાથી માહિતગાર છીએ. પણ એક નવી કારની કિંમત જેટલા ભાવના આઈસક્રીમની માહિતી નહીં હોય. વિશ્વનો આ સૌથી મોંઘો આઈસક્રીમ જાપાનની કંપનીએ બનાવ્યો છે. જાપાની બ્રાન્ડ સેલૈટોએ આ આઈસક્રીમ કેટલીક મોંઘી દુર્લભ વસ્તુઓ નાખીને બનાવ્યો છે. જેની કિંમત ૮,૭૩,૪૦૦ જાપાનીઝ યેન એટલે કે રૂ. પ.ર લાખ છે. આટલા રૂપિયામાં નવી કાર ખરીદી શકાય છે. આ આઈસક્રીમમાં ઈટાલીના સફેદ ટ્રફલ અલ્બાનો વપરાશ થાય છે. જેની કિંમત કિલોના રૂ. ૧૦.૯ લાખ (બે મીલીયન જાપાનીઝ યેન) છે. આ મોંઘા પદાર્થના કારણે આ આઈસક્રીમ વિશ્વનો સૌથો મોંઘો છે.