GST કાયદા હેઠળ ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની અને ધરપકડ બાદની પ્રક્રિયા અંગેની માર્ગદર્શિકાની વિગતો ટૂંકમાં
- GSTનું A to Z - હર્ષ કિશોર
- વ્યક્તિગત જામીનનો બોન્ડ તેમજ સ્થાનિક પ્રતિષ્ઠિત વ્યક્તિની તેટલી જ રકમની જામીનગીરી બંનેની રકમ કેસના ગુણદોષ ઉપર આધારિત રહેશે અને તેમાં સંડોવાયેલ વેરાની રકમ ધ્યાનમાં લેવામાં આવશે
વર્ષ ૨૦૨૩માં હરિયાણા પોલીસે વિજય પાલ યાદવની પાડોશી પર હુમલો કરવા બદલ ધરપકડ કરી હતી. આગળ જતાં આ મામલો છેક સુપ્રીમ કોર્ટે સુધી પહોચેલ. તારીખ૨૬ માર્ચ ૨૦૨૫ના રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વખતે કહ્યું કે ગુનેગાર સાથે પણ કાયદા અનુસાર વ્યવહાર થવો જોઈએ. સોમનાથ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય કેસમાં ૨૦૨૪ના ચુકાદાને ટાંકીને સુપ્રીમ કોર્ટે દુઃખ વ્યક્ત કર્યું કે પોલીસ હજુ પણ ધરપકડ માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરી રહી છે. કોર્ટે વધુમાં સુચના આપી કે ધરપકડ અથવા અટકાયત દરમિયાન ચેકલિસ્ટ યાંત્રિક રીતે ભરવું જોઈએ નહીં.ભૂતકાળમાં પણ પંકજ બંસલ વિરુદ્ધ ભારત સંઘ કેસ ૨૦૨૩, અર્ણેશ કુમાર વિરુદ્ધ બિહાર રાજ્ય કેસ (૨૦૧૪) અને જોગીન્દર કુમાર વિરુદ્ધ ઉત્તરપ્રદેશ રાજ્ય કેસ (૧૯૯૪) ના કેસોમાં કોર્ટ પોલીસ સામે નારાજગી દર્શાવેલ છે જ. આપણે જાણીએ છીએ કે વોરંટ વગર ધરપકડ કરવાની સત્તામાં ગંભીર ગુનાઓ અને જાહેર કરાયેલા ગુનેગારોનો સમાવેશ થાય છે. આવી વ્યક્તિઓની BNSSની કલમ ૩૫ (અગાઉ CrPCની કલમ ૪૧) હેઠળ ધરપકડ કરવામાં આવે છે.
કરચોરો સામે કાર્યવાહી કરવા અને જરૂર પડયે સજા અપાવવા માટે ફોજદારી કાયદા અને ફોજદારી કાર્યરીતિની કેટલીક મહત્વની બાબતોનો સમાવેશ જીએસટી જેવા વિશેષ કાયદાઓમાં કરવામાં આવેલ છેઅને ટેક્સ અધિકારીઓને પોલીસ અધિકારીઓ જેવી કેટલીક સત્તાઓ આપવામાં આવેલ છે. સિદ્ધાર્થ વિરુદ્ધ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ ક્રિમિનલ અપીલ નંબર ૮૩૮ઓફ ૨૦૨૧ના નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સીબીઆઈસીની જીએસટી ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા તારીખ ૧૭. ૮.૨૦૨૨ ના રોજ જીએસટી હેઠળના ગુના સબબ ધરપકડ, ધરપકડ બાદની પ્રક્રિયા અને જામીન બાબતે સૂચનાઓ બહાર પાડેલ છે.
ધરપકડ બાદની પ્રક્રિયા ઃ (એક) જ્યારે કોઈ વ્યક્તિની જીએસટી કાયદાની કલમ ૬૯(૧) અથવા કલમ ૧૩૨ (૪) હેઠળ ધરપકડ કરવામાં આવી હોય ત્યારે સહાયક કમિશનર કે નાયબ કમિશનર તેવી વ્યક્તિને બેલ બોન્ડના આધારે જામીન પર છોડવા બંધાયેલ છે. જામીનની શરતોની માહિતી ધરપકડ પામેલ વ્યક્તિને લેખિતમાં તેમજ જે વ્યક્તિની ધરપકડ થયેલ હોય તેના દ્વારા નિયુક્ત વ્યક્તિને ટેલીફોનથી આપવી જોઈએ. ધરપકડ પામેલ વ્યક્તિને તેના દ્વારા નિયુક્ત વ્યક્તિ સાથે વાત પણ કરવા દેવી જોઈએ. બેલમાં નીચેની શરતોનો સમાવેશ કરી શકાયથ
વ્યક્તિગત જામીનનો બોન્ડ તેમજ સ્થાનિક પ્રતિષ્ઠિત વ્યક્તિની તેટલી જ રકમની જામીનગીરી બંનેની રકમ કેસના ગુણદોષ ઉપર આધારિત રહેશે અને તેમાં સંડોવાયેલ વેરાની રકમ ધ્યાનમાં લેવામાં આવશે. એ બાબતની તકેદારી રાખવાની રહેશે કે બોન્ડની રકમ વધુ પડતી ન હોવી જોઈએ અને જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલ હોય તેનો નાણાકીય દરજ્જો ધ્યાન રાખીને નક્કી કરવામાં આવે.
(બે) તપાસના અધિકારી સમક્ષ જ્યારે જરૂર હોય ત્યારે તે વ્યક્તિ હાજર રહેવાનું રહેશે. અધિકારીની જાણ બહાર તે વ્યક્તિ પરદેશ જઈ શકશે નહીં.
(ત્રણ) જામીનની શરતો પરિપૂર્ણ કરવામાં આવે કે તુરત જ ધરપકડ કરાયેલ વ્યક્તિને મુક્ત કરવી જોઈએ પરંતુ જે કેસમાં જમીનની શરતો પૂરેપૂરી પૂર્ણ કરવામાં ન આવે તે કેસમાં ખોટો વિલંબ કર્યા વગર ધરપકડના ૨૪ કલાકમાં તે વ્યક્તિને યોગ્ય મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની રહેશે. જો જરૂર જણાય તો ધરપકડ પામેલ વ્યક્તિને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે તે પહેલા રાત્રે તેની સલામત અટકાયત માટે નજીકના પોલીસ સ્ટેશનના હવાલે ચલન આધારિત શકાય.
(ચાર) જ્યારે વ્યક્તિની ધરપકડ કલમ ૬૯(૧)હેઠળ ૧૩૨(૫)માં દર્શાવેલ ગુના માટે કરવામાં આવેલ હોય ત્યારે ધરપકડ કરનાર અધિકારીએ ધરપકડ કરેલ વ્યક્તિને તેની ધરપકડના કારણો (ક્ષિતિજ ગિલદિયલ વિરુદ્ધ ડીજિજિઆઇ ક્રિમિનલ રીટ પીટીશન નંબર ૩૭૭૦/૨૦૨૪. દિલ્હી હાઇકોર્ટનો આદેશ તાઃ ૧૬.૧૨.૨૦૨૪મુજબ ધરપકડના કારણો લેખિતમાં અધિકારીએ આરોપીને જણાવવાના રહે છે (માત્ર મૌખિકપણે નહી)જણાવવા જોઈએ અને તેને ૨૪ કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા જોઈએ. જો ધરપકડ પામેલ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી શકાય તેમ ન હોય તો તેવી વ્યક્તિની સલામત અટકાયત માટે તેને ચલનથી નજીકના પોલીસ સ્ટેશનમાં સોંપી શકાય અને મેજિસ્ટ્રેટ સમક્ષ બીજા દિવસે રજૂ કરી શકાય. પરંતુ એ બાબતની તકેદારી રાખવાની રહેશે કે ધરપકડ પામેલ વ્યક્તિને ધરપકડના ૨૪ કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે. આ સમયગાળો નક્કી કરતી વખતે જે સ્થળે ધરપકડ કરવામાં આવી હોય તે સ્થળથી મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવા માટેની મુસાફરીનો સમય બાકાત કરવામાં આવે છે.
(પાંચ) વ્યક્તિની ધરપકડ થાય ત્યારબાદ જેટલું જલ્દી બની શકે તેટલી જલ્દી અને જ્યાં જામીન આપવામાં ન આવ્યા હોય ત્યાં ધરપકડના ૬૦ દિવસમાં કલમ ૧૩૨ હેઠળ ફરિયાદ નોંધાવાની રહેશે અન્ય કેસોમાં પણ ચોક્કસ સમય મર્યાદામાં ફરિયાદ દાખલ કરવાની રહેશે.
જીએસટી કાયદામાં જેની વ્યાખ્યાઓ આપેલ નથી તેની કાયદાકીય સમજ મેળવીએ.
“Arrest” means:“a seizure or forcible restraint; an exercise of the power to deprive a person of his or herliberty; the taking or keeping of a person in custody by legal authority, especially, in response toa criminal charge.
પોલીસ કસ્ટડી એટલેશું? એટલે કે આરોપીની ફિઝિકલ કસ્ટડી પોલીસ પાસે છે અને આરોપી પોલીસ સ્ટેશનના લોકઅપ માં રાખવામાં આવેલ છે જેને આપણે ડિટેન્શન પણ કહી શકીએ આ દરમિયાન પોલીસ અધિકારી આરોપીની ઉલટ તપાસ કરી શકે છે સામાન્ય રીતે પોલીસ કસ્ટડી મહત્તમ ૧૫ દિવસની હોય છે.
જ્યુડિશિયલ કસ્ટડી એટલે શું? એટલે કે આરોપીની ફિઝિકલ કસ્ટડી ભલે જેલમાં હોય પરંતુ તે સંબંધિત મેજિસ્ટ્રેટ પાસે છે તેમ ગણાય જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન મેજિસ્ટ્રેટની પરવાનગી વગર પોલીસ અધિકારી આરોપીની ઉલટ તપાસ કરી શકતા નથી મારી રીતે જ્યુડિશિયલ કસ્ટડીની મર્યાદા ૬૦ દિવસની હોય છે પરંતુ જે કિસ્સામાં મૃત્યુદર ની સજા અથવા દસ વર્ષથી વધુની સજા થઈ શકે તેમ હોય તેવા કિસ્સામાં સ્ટડી નો સમય ગાળો મહત્તમ ૯૦ દિવસ હોઈ શકે છે.
જીએસટી કર પ્રણાલી હેઠળ કેટલાક ઈસમો કરચોરીની રીત અપનાવીને સરકારી આવકને નુકસાન ન પહોંચાડે તેમ જ ઈમાનદાર વેપારીઓ પોતાની રીતે શાંતિથી ધંધો કરી શકે તે માટે જીએસટીના કાયદામાં ઇન્સ્પેક્શન, સર્ચ, સીઝર અને ધરપકડની જોગવાઈઓ કરવામાં આવેલ છે. આ જોગવાઈઓ પ્રથમ દ્રષ્ટિએ કદાચ કડક લાગે પરંતુ તેનો ઉપયોગ ઉચ્ચ અધિકારીની પરવાનગીથી અને માત્ર કેટલાક કરચોરો સામે કરવાનો રહે છે અન્ય વેપારીઓએ તેમાં ડરવાની જરૂર રહેતી નથી. કમિશનરને એવું માનવાને કારણ હોય તો એને ફાઈલ ઉપર ગુનાનો પ્રકાર, જે તે વ્યક્તિની તેમાં સંડોવણી અને તેમની પાસે ઉપલબ્ધ પુરાવાની નોંધ કરવાની રહે છે. જીએસટી કાયદા હેઠળ કલમ ૭૦ ના અનુસંધાને વેપારી અથવા તેમના પ્રતિનિધિને સમન્સ પાઠવીને વિગતો રજૂ કરવા કે નિવેદન પૂરું પાડવા માટે પણ જણાવવામાં આવે છે.
ફોજદારી કાર્યવાહી : જીએસટી કાયદાની કલમ ૧૩૨ માં ગુનાઓ અંગે જણાવવામાં આવેલ છે કે જેના માટે ફોજદારી કાર્યવાહી અને ફરિયાદ થઈ શકે છે જે કોઈ વ્યક્તિ કલમ ૧૩૨(૧) હેઠળ અથવા ૧૩૨(૨)માં જણાવેલ ગુનાઓ કરે તેની સામે ફોજદારી ફરિયાદ થઈ શકે છે
ફરિયાદ દાખલ કરવાથી કોઈ વ્યક્તિની સામેની કાયદાકીય પ્રક્રિયાની શરૂઆત થાય છે કે જેના દ્વારા ગુનેગાર સામેના આરોપો પ્રદર્શિત થાય છે. કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરતી વખતે અનુસરવાની પ્રક્રિયાની માર્ગદર્શિકા તરીકે ૧.૯.૨૦૨૨ ના રોજ સુચના ક્રમાંક ૪/ ૨૦૨૨-૨૩ CBICની જીએસટી ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. તેમાં જણાવ્યા મુજબ ફોજદારી કાર્યવાહી સમજી વિચારીને કરવાની થાય. માત્ર ડિમાન્ડ ઊભી થયેલ છે એટલે ફોજદારી કાર્યવાહી કરવી યોગ્ય નથી અને ખાસ કરીને જેમાં ટેકનિકલ કારણોસર કે કાયદાકીય ગૂંચને કારણે ડિમાન્ડ ઊભી થયેલ હોય તેવા કેસોમાં ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં ઉતાવળ ન કરવી જોઈએ. અધિકારી દ્વારા એકઠા કરવામાં આવેલ પુરાવા પરથી એવું ફલિત થવું જોઈએ કે જે તે વ્યક્તિએ જીએસટી કાયદા હેઠળ ઇરાદાપૂર્વક કરચોરી કરેલ છે.
ઉપરાંત પબ્લિક લિમિટેડ કંપનીઓમાં તમામ ડાયરેક્ટરો સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવાના બદલે કંપનીના ડે ટુડે ઓપરેશન્સ માટે જવાબદાર હોય અને જેના નિર્ણયોને કારણે ડિમાંડ ઉભી થયેલ હોય તેવા ડાયરેક્ટરો સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
ફોજદારી કાર્યવાહી નામદાર સુપ્રીમ કોર્ટના RadheshyamKejriwal [2011 (266) ELT 294 (SC)]ના ચુકાદા મુજબના તારણો ધ્યાને લેવાના રહે છે.જીએસટી કાયદામાં આપવામાં આવેલ ફોજદારી કાર્યવાહીને લગતી નાણાકીય લિમિટો ધ્યાને લઈને સક્ષમ અધિકારીશ્રીએ પોતાના તાબાના અધિકારીઓને ફોજદારી કાર્યવાહી માટે અધિકૃત કરવા જોઈએ. તે જ રીતે વારંવાર ગુનો કરતાં ઈસમો સામે પણ કાયદામાં ઠરાવેલ પ્રક્રિયા અનુસરીને ફોજદારી કે દંડકીય કાર્યવાહી કરવાની રહે છે.