તહેવારોની માંગની અપેક્ષાએ જીરા, હળદર, તુવેરમાં તેજીનો ધમધમાટ
- રાજ્યમાં મેઘ કહેરના કારણે ખરીફ પાકોમાં બગાડની ભીતિ
રાજ્યમાં ગયા અઠવાડિયે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખરીફ પાકોને ભારે નુકશાન થયું છે. ખાસ કરીને મગફળી તથા કપાસના વાવેતર બાદ વધુ વરસાદથી બગાડની ભીતિ સેવાઈ રહી છે. જો કે સાર્વત્રિક મેઘ મહેરના કારણે ૫૫ ટકા ઉપરાંત જળાશયો છલકાઈ ગયા છે. જેને પરિણામે શિયાળું રવિ પાક માટે સારી આશા બંધાઈ છે. જો કે અપુરતા સપ્લાયને કારણે કેટલીક ચીજોમાં તેજીના એંધાણ વર્તાઈ રહ્યા છે. જેમ કે કપાસના વાવેતરમાં સરેરાશ ૧૫ ટકાનો ઘટાડો નોંધાતાં તેમજ વધુ વરસાદને પગલે બગાડની ભીતિને કારણે અત્યારથી કપાસની બજાર તેજી પકડી રહી છે. ગુજરાતની સમાંતર પંજાબ, હરિયાણા તથા રાજસ્થાનમાં પણ કપાસનું વાવેતર કપાયું છે. જો કે કર્ણાટક, તેલંગાણા તથા આંધ્રપ્રદેશમાં પાક એકંદરે સારો છે. આ સંજોગોમાં સ્ટોકિસ્ટોની લેવાલી વધતાં ૩થી ૫ ટકા સુધી બજાર વધી છે.
આજ સ્થિતિ કઠોળમાં સર્જાઈ રહી છે. કઠોળમાં સૌથી વધુ વપરાશ ધરાવતી તુવેરમાં આગામી તહેવારોની વધતી જતી માંગની સામે આયાતમાં થઇ રહેલો ઘટાડો થવા સહિતના કેટલાક ફેકટર્સના કારણે તુવેર બજારમાં કરંટ પકડાયો છે. આમ તો ગયા વર્ષે જુન માસથી તુવેરના ભાવો સતત વધી રહ્યા છે. તુવેરના મુખ્ય વધુ ઉત્પાદક રાજ્ય કર્ણાટક, મહારાષ્ટ્ર તથા તેલંગાણામાં ભારે વરસાદથી તુવેર પાકને મોટા પ્રમાણમાં નુકશાનની ભીતિ છે જેના લીધે આગામી સમયમાં અપેક્ષિત ઉત્પાદન નહિ થવાની આશંકાને કારણે સ્ટોકિસ્ટ વર્ગ સક્રિય થઇ રહ્યો છે. આ સંજોગોમાં છુટક બજારમાં પ્રતિકિલોએ ૧૦થી ૧૨ રૂપિયા સુધીનો અને જથ્થાબંધ બજારમાં પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૩૦૦ સુધીનો ઉછાળો થવાની સંભાવના પ્રવર્તી રહી છે. હાલમાં તુવેરના ટેકાના ભાવો પ્રતિ ક્વિન્ટલે ૭૫૫૦ રૂપિયાની સામે ક્વિન્ટલે રૂપિયા દશથી અગિયાર હજારની બજાર ચાલી રહી છે. આગામી ત્રણેક માસમાં લગભગ નવ લાખ ટન તુવેરના જથ્થાની જરૂરિયાત સામે સપ્લાય ઓછો હોવાથી તુવેરમાં તેજીના પડઘમ વાગી રહ્યા છે.
આવી જ સ્થિતિ ચણામાં પણ પ્રવર્તી રહી છે. તહેવારોને કારણે માંગ ઉછળતાં ભાવો વધીને ૮૦૦૦ની સપાટી કુદાવી ગયા છે. જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર વધુ ઉત્પાદન બમણું થવાની સંભાવના છે. માંગની સામે વધુ સપ્લાયને કારણે બજાર ધીમે ધીમે તુટી રહી છે.
બીજી તરફ મસાલા બજારમાં હાલમાં જીરૂ તથા હળદરમાં તેજીનો પવન ફૂંકાઈ રહ્યો છે. નીચા ભાવે ખરીદીનું પ્રેસર વધતાં છેલ્લા એક અઠવાડિયામાં જીરામાં ૧૦૦૦ રૂપિયાનો ઉછાળો થયો છે. આગામી દિવસોમાં તહેવારોની માંગ નીકળવાની અપેક્ષાએ જીરા બજારમાં ધમધમાટ વધી રહ્યો છે. વેપારીઓના મત પ્રમાણે ગયા મહિને નફારૂપી વેચવાલીને કારણે બજારમાં મંદીનો માહોલ રહ્યો હતો પરંતુ નીચા ભાવને કારણે સ્ટોકિસ્ટોની ખરીદી વધતાં જીરા બજારમાં તેજી તરફી ટોન ફંટાતાં છેલ્લા અઠવાડિયામાં લગભગ સાડા ત્રણથી ચાર ટકાનો ભાવ ઉછાળો થયો છે. જીરાની લોકલ તથા વિદેશી માંગ તહેવારોને કારણે વધશે તો ભાવો ૨૮૦૦૦થી ૨૯૦૦૦ સુધી ઉછળે તેવી શક્યતાઓ તેજ છે. જીરામાં ભાવો વધશે તેવી અપેક્ષાએ ખેડૂત વર્ગે જીરાનો સ્ટોક હજુ પણ તેમની પાસે રાખેલ હોવાની ધારણા છે. જેથી બજાર ઉછળશે તો ખેડૂત વર્ગની વેચવાલી નીકળે તેવી શક્યતાઓ પ્રવર્તી રહી છે. હાલમાં જીરાની નિકાસ સારા પ્રમાણમાં છે. એપ્રિલથી જુન-૨૦૨૪ ત્રિમાસિક સમયગાળા દરમ્યાન ગત વર્ષની સીઝનની સાપેક્ષે ૪૫થી ૪૬ ટકાનો વધારો નોંધાયો છે.
જીરાની સાથે સાથે હળદરમાં ઓછો સપ્લાય અને સ્ટોકિસ્ટોની વધેલી લેવાલીને કારણે તેજીનો કરંટ પકડાયો છે. જેના લીધે હળદર વાયદો ગયા અઠવાડિયે ૧૪૫૦૦ની સપાટી કુદાવી હતી. જો કે આ વર્ષે હળદરના વાવેતરમાં દોઢાથી બમણો વધારો થતાં તેજી કેટલો સમય ચાલશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે. ધાણામાં પણ બે તરફી ચાલ જોવા મળી રહી છે. ધાણા વાયદામાં ભાવો ૭૦૦૦ની સપાટી તોડીને નીચે ૬૮૦૦ થાય છે. જ્યારે હાજર ભાવો આગામી દિવસોમાં વેચવાલી ઉપર આધારિત બન્યા છે. જો કે ધાણામાં હાલમાં લોકલ કે વિદેશી ડિમાન્ડ નહિ હોવાથી બજારો સુસ્ત રહ્યા છે.