ચૂંટણીના પરિણામોમાંથી ભાજપે કોઈ બોધપાઠ લીધો નથી
- સ્પીકરે વિવાદ સર્જીને 49 વર્ષ અગાઉની કટોકટી માટે કોંગ્રેસને વખોડતો ઠરાવ રજૂ કર્યો
- ઓપિનિયન-પી.ચિદમ્બરમ્
- દેખીતી રીતે ભાજપની દ્રષ્ટિએ કંઈ જ બદલાયું નથી, લોકોનો મૂડ પણ નહિ. આથી એનું એ જ મંત્રી મંડળ, એ જ મંત્રીઓ, મુખ્ય મંત્રીઓ એ જ પદો પર નિયુક્ત, એ જ સ્પીકર, વડા પ્રધાનના એ જ મુખ્ય સચિવ, એ જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ઈન્ટેલીજન્સ બ્યુરોના એ જ ચીફ
માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારની સોંગદવિધિ ૯ જૂન, ૨૦૨૪ના રોજ થઈ. જો કે આ ખુશાલ શરૂઆત નહોતી. મોદીજીએ ટીડીપી અને જેડી(યુ)ના નેતાઓને સત્તામાં ભાગીદાર બનાવવાની જરૂર પડી હતી અને તેમને તેમજ અન્ય સાથી પક્ષોને પદની વહેંચણી કરવી પડી હતી. સ્પીકરની ચૂંટણીમાં પણ તેમણે સાથી પક્ષો સાથે અનેક વાટાઘાટો કરવી પડી હતી. સરકારના વડા તરીકે પોતાના ૨૨ વર્ષના ગાળામાં મોદીજી માટે આ બંને અસાધારણ અનુભવ હતા.
અનેક મુદ્દે અડચણો
સરકાર રચાઈ ત્યારથી વીસ દિવસમાં અનેક અડચણો સર્જાઈ છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીનો ભાંડો ફૂટી ગયો અને ભભૂકતા વિરોધમાં લાખો વિદ્યાર્થીઓના સપનાઓ રોળાઈ ગયા. જલપાઈગુરીમાં ભયાનક ટ્રેન અકસ્માત થયો. જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાઓ ચાલુ જ રહ્યા છે. ટમેટા, બટેટા અને કાંદાની કિંમતોમાં ગયા વર્ષની સરખામણીએ અનુક્રમે ૩૯, ૪૧ અને ૪૩ ટકાનો વધારો થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસીક ટોચે પહોંચ્યા છે તો ડોલર-રૂપિયાનો વિનિમય દર ઐતિહાસીક તળિયે બેઠો છે. હાઈવે પરના ટોલ ટેક્સમાં ૧૫ ટકાનો વધારો કરાયો છે. એક સ્પષ્ટ નિંદા તરીકે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે ઘમંડ દર્શાવનારાઓને ચેતવણી આપી. ભાજપની નેતાગીરી આ ટકોરથી સમસમી ગઈ પણ પછી નક્કી કર્યું કે હાલ શાંત રહેવામાં જ શાણપણ છે. ભાજપના અનેક રાજ્ય એકમોમાં બળવો ફાટી નીકળ્યો.
સંસદના પ્રથમ સત્રમાં સ્પીકરની ચૂંટણી અને રાષ્ટ્રપતિના સંબોધન સિવાય કોઈ અન્ય મહત્વનો મુદ્દો નહોતો. પણ આ સામાન્ય પ્રક્રિયાઓમાં પણ વિવાદ સર્જાયા. પરંપરા મુજબ સંસદમાં સૌથી વધુ વાર ચૂંટાયા હોય તેવા સભ્યને ચૂંટાયેલા સાંસદોની સોગંદવિધિની પ્રક્રિયાની અધ્યક્ષતા કરવા પ્રો-ટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરાય છે. આ પદ માટે નિર્વિવાદપણે, અલબત્ત વચ્ચે એક અવકાશ પછી આઠમી વાર ચૂંટાયેલા કે સુરેશ (કોંગ્રેસ, કેરળ) લાયક હતા. જો કે સરકારે માત્ર સાત વાર ચૂંટાયેલા (છ વાર બીજેડીની ટિકિટ પર અને સાતમી વાર પક્ષપલટો કર્યા પછી ભાજપની ટિકિટ પર) બી માહતાબની આ પદ પર નિમણૂંક કરી.
ભાજપે શા માટે ટાળી શકાય તેવો વિવાદ સર્જ્યો? સંભવિત જવાબો આ મુજબ છે: ભાજપ ચૂંટણીના પરિણામોએ 'ઈટ ઈસ માય વે ઓર હાઈવે'માં માનતા તેના સુપ્રીમ નેતાની કાર્યપદ્ધતિને પ્રભાવિત નથી કરી એવો સંકેત આપવા માગતુ હતું. બીજો જવાબ સંસદીય બાબતોના પ્રધાન રિજિજુને સંડોવતો વિવાદ હોઈ શકે જે પોતાના આગમનનો સંકેત આપવા માગતા હતા. સૌથી શક્ય સંભાવના એવી હોવી જોઈએ કે માહતાબની નિમણૂંક તેમણે કરેલા પક્ષપલટાના ઈનામ તરીકે દેખાડવાની હતી જેથી અન્ય સાંસદોને પણ ભાજપમાં આવવા પ્રોત્સાહિત કરી શકાય.
વ્યર્થ ખાતરીઓ
સ્પીકરની ચૂંટણી અપ્રિય મુદ્દા પર સમાપ્ત થઈ હોવા છતાં બાકીના સત્રને પ્રભાવિત કરવાની જરૂર નહોતી. પણ માનનીય સ્પીકરે ૪૯ વર્ષ અગાઉ (હા, ૪૯ વર્ષ, પચાસ નહિ) કટોકટી જાહેર કરવા માટે કોંગ્રેસની નિંદા કરતો ઠરાવ પોતાના તરફથી પસાર કરીને કટુતામાં ઉમેરો કર્યો.
હવે કદાચ સંસદ ૧૯૪૭માં કાશ્મીર પર આક્રમણ કરવા પાકિસ્તાનની, ૧૯૬૨માં યુદ્ધ માટે ચીનની તેમજ ૧૯૭૧માં ભારતને ધમકાવવા વિમાનવાહક જહાજ મોકલવા માટે અમેરિકાની નિંદા કરતો ઠરાવ રજૂ કરી શકે. આ ઠરાવ બિનજરૂરી ઉશ્કેરણી સમાન હતો.
સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિનું સંબોધન ખોટી શરૂઆતો પછી શિષ્ટાચાર પુન:સ્થાપિત કરવાની તક હતી પરંતુ તે વેડફાઈ ગઈ. આ સંબોધનથી શાસક પક્ષ ભાજપ બહુમતિથી ૩૨ બેઠકો દૂર હતો, વડા પ્રધાન ગઠબંધનની સરકારના વડા છે અને દસ વર્ષ પછી લોકસભાને વિપક્ષી નેતા મળ્યા છે એવી લોકસભાની બદલાયેલી સંરચનાને માન્યતા આપવી જોઈતી હતી. ખેદજનક રીતે રાષ્ટ્રપતિએ બદલાયેલા સંજોગો વિશે કોઈ ઉલ્લેખ ન કર્યો.
સંબોધનમાં ચૂંટણી પૂર્વે અને પછી ભાજપ દ્વારા કરાયેલા દાવાઓની યાદી હતી. આ દાવાને મોટાભાગના લોકોએ ફગાવી દીધા હતા. નવી સરકાર ભાજપ સરકાર નથી પણ ગઠબંધનની સરકાર છે. ભાજપે આ કડવું સત્ય સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે અને રાષ્ટ્રપતિએ તેનો જ પડઘો પાડયો. તેમના સંબોધનમાં ગઠબંધન શબ્દનો ઉલ્લેખ જ ન થયો. સર્વસંમતિ, ફુગાવો અને સંસદીય સમિતિ સહિતના શબ્દોની ગેરહાજરી ખટકતી હતી. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના ઉલ્લેખ હતા પણ અન્ય તમામ, ખાસ કરીને લઘુમતિ સમુદાયોને એક જ સર્વસામાન્ય શબ્દસમૂહ 'સામાજિક અને ધાર્મિક જૂથો'માં સમાવિષ્ટ કરી દેવાયા. અગ્નિવીર અને યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ ન કરીને તેમણે નાનકડી મહેરબાની કરી. આખરે ભારત હવે વિશ્વ ગુરુ નથી રહ્યું પણ વિશ્વ બંધુ તરીકે જ સંતુષ્ટ છે.
યથાવત પરિસ્થિતિ
દેખીતી રીતે ભાજપની દ્રષ્ટિએ કંઈ જ બદલાયું નથી, લોકોનો મૂડ પણ નહિ. આથી એનું એ જ મંત્રી મંડળ, એ જ મંત્રીઓ, મુખ્ય મંત્રીઓ એ જ પદો પર નિયુક્ત, એ જ સ્પીકર, વડા પ્રધાનના એ જ મુખ્ય સચિવ, એ જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ઈન્ટેલીજન્સ બ્યુરોના એ જ ચીફ, એ જ સરકારી કાનૂની અધિકારીઓ અને અન્ય અનેક જણા એના એ જ પદે નિયુક્ત થયા છે. ઉપરાંત મને એવી પણ જાણકારી મળી છે કે સોશિયલ મીડિયા એના એ જ ભાડૂતી ટ્રોલથી ભરેલું છે જેઓ અર્ધશિક્ષિત, ગંદી ગાળો દેવામાં અને લોકોનું ધ્યાન ભટકાવવામાં પાવરધા અને દેખીતી રીતે પરાજિત થનારા છે. મને ભય છે કે લોકોના ચૂકાદા છતાં કોઈ પરિવર્તન નથી આવ્યાની આ સાબિતી છે.
બજેટ અગાઉ લોકોની મુખ્ય ચિંતા છે ૧- બેરોજગારી અને ૨- મોંઘવારી. સીએસડીએસ ચૂંટણી પછીના સરવે (તા. ૨૫ જૂન, ૨૦૨૪ના ધી હિન્દુ) મુજબ મોંઘવારી-ફુગાવાને અને વધતી બેરોજગારીને અનુક્રમે ૨૯ અને ૨૭ ટકાએ ભાજપના સૌથી અપ્રિય કામો તરીકે ગણ્યા હતા. ટોચની બે સમસ્યાનું નિરાકરણ, મંત્રી મંડળની રચના અને રાષ્ટ્રપતિના સંબોધન બાબતે લોકો નિરાશ થયા છે. શું જુલાઈના ૨૦૨૪-૨૫ના બજેટ મોદી સરકારની ઊંઘ ઉડાડશે? સંસદીય શિષ્ટાચારની માગ છે કે આપણે આશા રાખીએ.