Get The App

બજારની વાત .

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
બજારની વાત                                                                           . 1 - image


જાપાનના કિનમેમાઈ ચોખાનો ભાવ કિલોના ૧૦ હજાર

જાપાનમાં હમણાં ચોખાની તંગી ચાલી રહી છે તેથી કિનમેમાઈ પ્રીમિયમ ચોખાના ભાવનો નવો રેકોર્ડ બન્યો છે. ભારતમાં સારી ક્વોલિટીના ચોખા મહત્તમ ૩૦૦ રૂપિયે કિલો મળે છે ત્યારે કિનમેમાઈ પ્રીમિયમ ચોખાનો ભાવ કિલોના ૧૨૦ ડોલર (લગભગ ૧૦ હજાર રૂપિયા) થઈ ગયો છે. જાપાનમાં સામાન્ય રીતે કિનમેમાઈ ચોખા ૧૪૦ ગ્રામના પેકેટમાં મળે છે. એક વ્યક્તિના ભોજન માટે ૧૪૦ ગ્રામ ચોખા પૂરતા ગણાય છે. આ પહેલાં ૨૦૧૬માં કિનમેમાઈ ચોખાનો ભાવ કિલોના ૧૦૯ ડોલર (લગભગ ૯૧૦૦ રૂપિયા) થઈ ગયો હતો. 

જાપાનના કૃષિશાસ્ત્રીઓએ ૧૭ વર્ષ પહેલાં વિકસાવેલા કિનમેમાઈ ચોખાના ભાવ વધારે છે તેનું કારણ તેની ઈમ્યુનિટી વધારવાની ક્ષમતા છે. કિનમેમાઈ ચોખામાં સામાન્ય ચોખા કરતાં છ ગણું એલપીસાન હોય છે. એલપીસાન ઈમ્યુનિટી બૂસ્ટર છે તેથી કિનમેમાઈ ચોખા ખાનારાંની તંદુરસ્તી સારી રહે છે એવી માન્યતા છે.

જુગારનું દેવું ભરવા કાકાનાં હાડકાં ચોરી લીધાં !

કોઈ વ્યક્તિ નાણાં માટે જીવતી વ્યક્તિનું અપહરણ કરે એવું સાંભળ્યું હશે પણ કબર ખોદીને મૃતદેહનાં હાડકાં ચોરી જાય એવું સાંભળ્યું છે ? વિયેતનામના થાન્હ હોઆ પ્રાંતમાં લુ થાન્હ નામ નામના ૩૭ વર્ષના યુવકે જુગારની લતના કારણે વધી ગયેલું દેવું ભરવા આ આઘાતજનક હરકત કરીને પોતાના કાકાનાં જ હાડકાં ચોરી લીધેલાં. 

નામે હાડકાં ચોર્યા પછી ઘરની પાસેના કચરાના ઢગલામાં સંતાડી દીધાં હતાં ને પછી કાકાના દીકરાને ફોન કરીને તેની પાસેથી ૫ અબજ વિયેતનામીઝ ડોંગ (લગભગ ૧.૭૦ કરોડ રૂપિયા)ની ખંડણી માગી. વિયેતનામમાં માન્યતા છે કે, કોઈ વ્યક્તિની કબર ખોદીને હાડકાં ચોરી લેવાય તો તેની આત્મા ભટક્યા કરે છે. આ માન્યતાના કારણે ડરી ગયેલા નામના કાકાના દીકરાએ તપાસ કરી તો હાડકાં ચોરાયાં હોવાની વાત સાચી નિકળી. તેણે તરત જ પોલીસને જાણ કરી. પોલીસે સીસીટીવીના આધારે નામને પકડીને જેલભેગો કરી દીધો છે. હવે તેને ઓછામાં ઓછી સાત વર્ષની સજા થશે.

બજારની વાત                                                                           . 2 - image

'ડૂમ્સડે ફિશ' પકડાતાં ગભરાટ, મોટી આફતનો અંદેશો

સોશિયલ મીડિયા પર હમણાં કર્ટિસ પીટરસન અને તેના મિત્રે દરિયામાંથી પકડેલી ઓરફિશની ભારે ચર્ચા છે કેમ કે આ માછલી 'ડૂમ્સડે ફિશ' તરીકે ઓળખાય છે. આ માછલી પકડાય એ અશુભ અને કોઈ મોટી આફતના એંધાણરૂપ મનાય છે.  

ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં રહેતો પીટરસન પોતાના મિત્ર સાથે તિવિ આઈલેન્ડમાં ફિશિંગ માટે ગયેલો ને ત્યાં આ માછલી પકડાઈ હોવાનો તેનો દાવો છે. લગભગ ૧૦ ફૂટ લાંબી માછલી સાથેનો ફોટો પણ પીટરસને સોશિયલ મીડિયા પર મૂક્યો છે. ઘણા યુઝર આ ફોટાને એઆઈ દ્વારા બનાવાયેલો માની રહ્યા છે. તેમનું કહેવું છે કે, 'ડૂમ્સડે ફિશ' દરિયામાં ૩૦૦૦ ફૂટથી નીચે જ રહે છે ને શિકાર કરે છે તેથી ફિશિંગ કરનારની જાળમાં માછલી ફસાય એવી શક્યતા જ નથી હોતી. ઘણાં યુઝર્સ 'ડૂમ્સડે ફિશ' પકડાઈ તેના કારણે દુનિયા પર ત્રીજા વિશ્વ યુદ્ધ જેવી કોઈ આફત આવશે કે શું તેની ચિંતા કરી રહ્યા છે.

પત્નીને બિકિની પહેરીને ફરવા ૪૦૦ કરોડનો ટાપુ ખરીદ્યો

સાઉદી અરેબિયા રૂઢિચુસ્ત દેશ છે. સાઉદીમાં મુસ્લિમ મહિલાઓને બુરખા વિના નિકળવાની પણ મંજૂરી નથી ત્યારે બિકિની પહેરીને ફરવાની તો વાત જ ક્યાંથી થાય ? મૂળ બ્રિટનની સઉદી અલ નાટકને આવી જ ઈચ્છા થઈ હતી. ૨૬ વર્ષની સઉદીએ પતિ જમાલને પોતાની ઈચ્છા જણાવી તો જમાલે સઉદી માટે એક આખો ટાપુ જ ખરીદી લીધો કે જેના પર જમાલ અને સઉદી સિવાય કોઈ જઈ જ ના શકે. આ ટાપુની કિંમત ૪૦૦ કરોડ રૂપિયા છે અને તેના પર સઉદી આખો દિવસ બિકિની પહેરીને ફરી શકે છે. 

સઉદી દુબઈમાં ભણવા આવેલી ને ત્યાં જમાલ સાથે પ્રેમ થતાં બંને પરણી ગયાં પછી જમાલ સઉદી પર મોંઘીદાટ ભેટોનો વરસાદ કરતો રહે છે. જમાલે સઉદીને ૮ કરોડની એંગેજમેન્ટ રિંગ આપેલી તો લગ્ન પછી ફેરારી કાર ભેટમાં આપી હતી. સઉદીને જમાલ રોજ ડિનર ડેટ પર લઈ જાય છે કે જેનો ખર્ચ લાખ રૂપિયા છે.

બજારની વાત                                                                           . 3 - image

ઓલિમ્પિયાડમાં પાકિસ્તાનીઓએ ભારતનો ધ્વજ ફરકાવ્યો 

ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય ચેસ ટીમ ડબલ ગોલ્ડ જીતી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી એ વાતને ભારતીય મીડિયાએ બહુ મહત્વ આપ્યું ત્યારે સોશિયલ મીડિયા પર ચેસ ઓલિમ્પિયાડની એવી મોનેન્ટનો વીડિયો વાયરલ થયો છે કે જેની કોઈ કલ્પના પણ ના કરી શકે. 

ભારતીય ટીમ ડબલ ગોલ્ડ જીત્યા પછી સેલિબ્રેશન કરી રહી હતી ત્યારે પાકિસ્તાની ટીમ પણ ભારતીયો સાથે જોડાઈ અને પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાના બદલે ભારતનો તિરંગો ફરકાવીને ફોટા પડાવ્યા. પાકિસ્તાનના ચેસ ખેલાડીઓએ સામેથી ભારતનો ધ્વજ માંગીને ભારતીય ટીમના સેલિબ્રેશનમાં જોડાવાનું પસંદ કર્યું. 

બુડાપેસ્ટમાં યોજાયેલી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ઓપન અને વીમેન એ બે કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારત પહેલી વાર ચેસ ઓલિમ્પિયાડમાં ચેમ્પિયન બન્યું છે અને ઈતિહાસ રચી દીધો છે. આ જીતના કારણે હવે આવતા વરસે ભારત ચેસ વર્લ્ડકપમાં પણ રમી શકશે.

બજારની વાત                                                                           . 4 - image

માઉન્ટેનની ગજબ કસરત, ડંબેલ્સના સ્થાને યુવતીઓ

સોશિયલ મીડિયા પર પ્રખ્યાત બોડીબિલ્ડર ધ માઉન્ટેન ઓફ હાફથોર જુલિયસ બ્યોર્નસનનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ધ માઉન્ટેન શોલ્ડર પ્રેસ કસરત કરવા માટે બે યુવતીઓને ડંબેલ્સની જેમ ઉંચકીને ઉપર નીચે કરે છે. આ બંને યુવતીઓનું વજન લગભગ ૬૫ કિલોની આસપાસ હતું. બંને યુવતીએ પેટ પર બેલ્ટ બાંધ્યો હતો. ધ માઉન્ટેન તેમને સરળતાથી ઉંચકીને ઉપર-નીચે કરે છે. વેઈટલિફ્ટરો બે હાથે માઉન્ટને ઉઠાવ્યું તેના કરતાં વધારે વજન ઉંચકતા હોય છે પણ બે અલગ અલગ હાથે બે જીવંત વ્યક્તિને આ રીતે ઉંચકીને શોલ્ડર પ્રેસ એક્સરસાઈઝ કરવી બહુ મુશ્કેલ મનાય છે પણ માઉન્ટેન આ પ્રકારના કારનામા કરતા રહે છે. ધ ગેમ ઓફ થ્રોન વેબ સીરિઝમાં માઉન્ટેનનું પાત્ર ભજવીને જાણીતા થયેલા હાફથોરે આ પહેલાં બે પગ પર બે યુવતીને ઉંચકીને કસરત કરી બતાવી હતી.


Google NewsGoogle News