Get The App

બજારની વાત .

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


સ્પોર્ટ્સ શૂઝ પહેરનારી છોકરીને કાઢી મૂકવી ભારે પડી

યુકેની રીક્રુટમેન્ટ એજન્સી મેક્સિમસ યુકે સર્વિસીસને શિસ્તનો વધારે પડતો આગ્રહ ભારે પડી ગયો છે. કંપનીએ ૨૦૨૨માં ૧૮ વર્ષની એલિઝાબેથ બેનાસ્સીને નોકરીએ રાખી હતી. એલિઝાબેથ એક દિવસ નોકરી પર સ્પોર્ટ્સ શૂઝ પહેરીને ગઈ તો કંપનીએ તેને કાઢી મૂકી હતી. એલિઝાબેથે દલીલ કરી કે, પોતાને કંપનીના ડ્રેસ કોડની ખબર નથી તેથી પોતે ભૂલથી સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવી છે. બીજા કર્મચારીઓ પણ આવા શૂઝ પહરે જ છે પણ કંપની તેની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતી. 

એલિઝાબેથે હાર માનવાના બદલે કંપની સામે કેસ કરી દીધો. એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે આ કૃત્ય બદલ કંપનીને ૩૦ હજાર પાઉન્ડ એટલે કે લગભગ ૩૨.૨૦ લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. મજાની વાત એ છે કે, કંપનીએ એલિઝાબેથને માત્ર ૩ મહિના માટે જ નોકરીએ રાખી હતી. એલિઝાબેથ સ્પોર્ટ્સ શૂઝ પહેરે છે એ વાતને મુદ્દો ના બનાવાયો હોત તો છોકરી ત્રણ મહિના પછી જતી જ રહેવાની હતી. 

બજારની વાત                          . 2 - image

નાસાનું યાન સૂર્યની સાવ નજીક જઈને પણ સહીસલામત રહ્યું 

અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાના અવકાશ યાન પાર્કર સોલર પ્રોબે ઈતિહાસ રચી દીધો. આ યાને સૂરજની એકદમ નજીકથી પસાર થવા છતાં સલામત રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. જો કે સૂરજની નજીક જવાનો મતલબ સૂર્યની સપાટીથી પાંચ-પચીસ કે સો મીટર નજીક જવું એવો જરાય નથી. પાર્કર સોલર પ્રોબ સૂરજની સપાટીથી ૬૧ લાખ કિલોમીટર દૂરથી પસાર થયું હતું. 

મોટા ભાગના સંશોધકો માનતા હતા કે, સૂરજની પ્રચંડ ગરમીને જોતાં આ યાન નહીં બચે પણ સદનસીબે યાન બચી ગયું. પાર્કર સોલર પ્રોબ સૂર્યની સપાટીની નજીકથી પસાર થયું ત્યારે તેની ઝડપ પ્રતિ કલાક ૬.૯૦ લાખ કિલોમીટર હતી. આ સ્પીડે ભાગનારું યાન એક મિનિટમાં દિલ્હીથી ન્યુ યોર્ક પહોંચી જાય. 

બે દિવસ લગી સિગ્નલ ના મળતાં પાર્કર સોલર પ્રોબ ખતમ થઈ ગયાનું મનાતું હતું પણ પાર્કર સોલર પ્રોબે બે દિવસ પછી સૂરજની સપાટીની બીજી તરફથી સિગ્નલ  આપતાં એ સલામત હોવાની ખાતરી થઈ છે. 

બજારની વાત                          . 3 - image

રાજસ્થાનના રેલ્વે સ્ટેશન પર કોઈ સ્ટાફ જ નથી

ભારતમાં એક રેલ્વે સ્ટેશન એવું છે કે જ્યાં રેલ્વે વિભાગનો એક પણ કર્મચારી નહીં હોવા છતાં પણ સ્ટેશન ધમધોકાર ચાલે છે કેમ કે ગામનાં લોકો જ રેલ્વે સ્ટેશનની જવાબદારી સંભાળે છે. આ રેલ્વે સ્ટેશન રાજસ્થાનના સિકર જિલ્લાનું રશીદપુરા ખોરી છે. રસીદપુરા ખોરી રેલ્વે સ્ટેશન પર કોઈ આવક નહીં હોવાથી ૨૦૦૪માં રેલ્વે વિભાગે આ રેલ્વે સ્ટેશન બંધ કરી દીધું હતું. 

આ રેલ્વે સ્ટેશન પરથી ગુડ્ઝ ટ્રેન અને પેસેન્જર ટ્રેન પણ મોટી સંખ્યામાં પસાર થતી હતી. ગામલોકો માટે વાહનવ્યવહારનું આ એક જ માધ્યમ હતું તેથી લોકોએ રજૂઆતો કરી પણ કોઈએ સાંભળી નહીં. છેવટે ગામલોકોએ સિગ્નલ આપવા સહિતની કામગીરી ગામના યુવકો સંભાળશે એવી રજૂઆત કરી. રેલ્વે વિભાગે આ વાત માની લેતાં ૨૧ વર્ષથી ગામનાં લોકો જ રેલ્વે સ્ટેશન ચલાવે છે. 

યુવક વાળ કપાવવાનું છોડીને પોલીસને બચાવવા દોડયો

સોશિયલ મીડિયા પર હમણાં કાયલે વ્હીટિંગનો વીડિયો વાયરલ થયો છે. ૩૨ વર્ષનો વ્હીટીંગ ચેશાયરના વોરિંગ્ટનમાં સલૂનમાં બેસીને વાળ કપાવી રહ્યો હતો ત્યારે સામે એક વ્યક્તિ પોલીસ સાથે ઝગડી રહી હતી. વ્હીટિંગના હજામની નજર ત્યાં જ હતી અને એ ઝગડાનો વીડિયો ઉતારી રહ્યો હતો તેથી વ્હીટિંગનું ધ્યાન એ તરફ ગયું.  

અચાનક પેલી વ્યક્તિએ પોલીસ પર હુમલો કરી દીધો. વ્હીટિંગે કશું વિચાર્યા વિના વાળ કપાવવાના પડતા મૂકીને દોટ મૂકી અને પોલીસ પર ચડી બેઠેલી વ્યક્તિને બળપૂર્વક ખસેડીને પોલીસને છોડાવ્યો. દૂર ઉભેલી પોલીસ વાનમાંથી બીજા પોલીસ પણ આવી ગયા તેથી હુમલાખોરને તાત્કાલિક હાથકડી પહેરાવીને કાબૂમાં લઈ લેવાયો. સોશિયલ મીડિયા પર લોકો વ્હીટિંગની હિંમતને વખાણી રહ્યા છે. લોકો લખી રહ્યાં છે કે, દુનિયામાં મોટા ભાગનાં લોકો બીજાના ઝગડામાં પડવાનું ટાળે છે ત્યારે હેરકટ હીરોએ બતાવેલી હિંમત સલામને પાત્ર છે. 

બજારની વાત                          . 4 - image

શાકીલ ઓનીલે એક માતાના કહેવાથી સસ્તી બ્રાન્ડ લોંચ કરી

અમેરિકાના મહાન બાસ્કેટબોલ ખેલાડી શાકીલ ઓનીલની બ્રાન્ડ શેકને હમણાં ૨૫ વર્ષ પૂરાં થયાં. અમેરિકામાં નાઈકી, અડિદાસ, રીબોક વગેરેને ટક્કર મારે એવાં છતાં સસ્તા શૂઝ, ટી શર્ટ વગેરે માટે શેક બ્રાન્ડ પ્રખ્યાત છે ત્યારે ઓનીલે આ બ્રાન્ડની શરૂઆત કઈ રીતે થઈ હતી તેનો અત્યંત રસપ્રદ કિસ્સો કહ્યો છે. ઓનીલ ૧૯૯૦ના દાયકામાં બાસ્કેટબોલ રમતો ત્યારે રીબોકના શૂઝનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. ઓનીલ પહેરતો એ રીબોકના શૂઝ એ વખતે અમેરિકામાં હજાર ડોલરથી પણ મોંઘા મળતા. 

એક દિવસ એક મહિલાએ ઓનીલને રોકીને કહ્યું કે, મારો દીકરો તમારા જેવા શૂઝ પહેરવા માગે છે પણ મારી મહિનાની આવક ૨૦૦૦ ડોલર છે તો તેને કઈ રીતે એવા શૂઝ લઈ આપું ?   ઓનીલ આ સાંભળીને ચોંકી ગયો. તેને વાત સાચી લાગી એટલે તરત રીબોક સાથેનો કોન્ટ્રાક્ટ તોડીને વોલમાર્ટ સાથે કોન્ટ્રાક્ટ કરીને ૧૫ ડોલરથી ૩૦ ડોલરના સ્પોર્ટ્સ શૂઝ પોતાની શેક બ્રાન્ડ હેઠળ મૂક્યા ને આ આઈડિયા ચાલી ગયો. 

ચીનમાં અંતિમ સંસ્કારની નોકરી માટે પણ પડાપડી

ચીનમાં હમણાં એક નોકરીની જાહેરખબર ચર્ચામાં છે કેમ કે આ નોકરી માટે ઈન્ટરવ્યૂ આપનારે મૃતદેહોની વચ્ચે ૧૦ મિનિટ સુધી માઈનસ વન ડીગ્રી તાપમાનમાં રહેવું પડે છે. ચીનના શૈંડોંગ પ્રાંતમાં અંતિમ સંસ્કારની સેવા આપતી રૂશાન શિનમાઈક હ્યુમન રીસોર્સીસ કોર્પોરેશન લિમટેડ દ્વારા અપાયેલી જાહેરખબર પ્રમાણે, ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટની નોકરી માટે ૪૫ વર્ષથી ઓછી ઉંમરના પુરૂષો જ અરજી કરી શકે છે. નોકરી કરવા માગનારે પોતાનું હૃદય મજબૂત છે એ સાબિત કરવા સહિતના બીજા ટેસ્ટ પણ આપવા પડશે. 

આ નોકરી માટે ભારતીય ચલણમાં મહિને ૨૫ હજાર રૂપિયા પગારની નોકરી ઓફર કરાઈ છે. સળંગ ૨૪ કલાકની શિફ્ટમાં કામ કરવું પડશે. મૃતદેહ લેવા માટે મોર્ચરીમાં જવું ફરજિયાત છે કે જ્યાં ઓછામાં ઓછી દસ મિનિટ ફ્રીઝિંગ ટેમ્પરેચરમાં રહેવું પડે.  યુઝર્સનું કહેવું છે કે, આ પ્રકારની જોખમી નોકરી માટે આ પગાર બહુ ઓછો છે પણ જાહેરખબર બહાર પડયાના કલાકમાં જ હજાર લોકોએ ઓનલાઈન અરજી કરી દીધી હતી



Google NewsGoogle News