Get The App

બજારની વાત .

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


૧૧૮ કરોડની લોટરી લાગી પણ...

તમને ૧૧૮ કરોડ રૂપિયાની લોટરી લાગી છે એવી ખબર પડે ને કલાક પછી જાણ થાય કે, તમને વિચિત્ર ટેકનિકલ કારણસર ઈનામ નહીં મળે ત્યારે કેવી હાલત થાય ? બ્રિટનમાં માર્ક ફ્લેચર નામના સજ્જનની આવી જ હાલત છે. 

માર્કે લોટ્ટોની એપ પર ૨૯ જૂનના ડ્રો માટે ક્યા નંબરને જેકપોટ લાગશે તેની આગાહી કરી હતી. પરિણામ જાહેર થયું ત્યારે માર્કે આગાહી કરી હતી. એપ પર આ આ નંબર માય નંબર્સ તરીકે સેવ કરી લેવાના હોય છે. માર્કે સેવ કરેલા તમામ ૬ નંબર વિજેતા નંબર સાથે મેચ થતા હતા તેથી માર્ક ૧.૧૦ કરોડ ડોલરના ઈનામનો હકદાર હતો. 

માર્કે ઈનામ માટે સંપર્ક કર્યો ત્યારે કંપનીએ માહિતી આપી કે, માત્ર એપ પર આગાહી કરવાથી ઈનામ ના મળે પણ ટિકિટ પણ ખરીદવી પડે. માર્કને આ નિયમની ખબર નહોતી તેથી ટિકિટ નહોતી ખરીદી તેમાં ખજાનો હાથથી સરકી ગયો.

બજારની વાત                          . 2 - image

બંને પગ નહીં હોવા છતાં કાન્યાનો વર્લ્ડ રેકોર્ડ

મૂળ થાઈલેન્ડની ૩૧ વર્ષની કાન્યા સેસ્સરે હમણાં બનાવેલા વર્લ્ડ રેકોર્ડ માટે ગિનેસ બુકમાં સ્થાન મેળવ્યું છે. કાન્યાએ બંને હાથ સ્કેટ બોર્ડ પર મૂકીને શિર્ષાસનની મુદ્રામાં ૧૯.૬૫ સેકન્ડ સુધી સ્કેટબોર્ડ દોડાવ્યું. કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં ગિનેસ બુકની ટીમ સામે કરેલા આ પરાક્રમ બદલ કાન્યાને ગિનેસ બુક દ્વારા સર્ટિફિકેટ આપીને વિધિવત રીતે તેના નામે વર્લ્ડ રેકોર્ડ કરાયો.

કાન્યાની સિદ્ધી એ રીતે મોટી છે કે, તેને પગ જ નથી. કાન્યા ૧૯૯૩માં જન્મી ત્યારે જ બંને પગ વિના પેદા થઈ હતી. તેની માતા તેને એક બૌધ્ધ મઠ પાસે છોડીને જતી રહેલી. હોસ્પિટલના સ્ટાફે કાન્યાને ઉછેરી. કાન્યા ૫ વર્ષની થઈ ત્યારે અમેરિકાના ઓરેગોન સ્ટેટના પોર્ટલેન્ડમાં રહેતાં જેન અને ડેવે તેને દત્તક લીધી. જેન-ડેવને બે મોટા દીકરા પણ હતા કે જેમણે તેને સ્કેટ બોર્ડ ચલાવતાં શીખવ્યું. તેના કારણે કાન્યાની હિંમત ખૂલી ગઈ ને અત્યારે વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો.

બજારની વાત                          . 3 - image

યુકેમાં 6 એકરનો ટાપુ વેચવાનો છે

દુનિયામાં ઘણાં લોકોની ફેન્ટસી પ્રાઈવેટ ટાપુ પર રહેવાની છે. આ ઈચ્છા હોય તેમણે યુકેના મોર્ગન ફિલિપ્સનો સંપર્ક કરવો કેમ કે મોર્ગને યુકેમાં ડેવન પાસે આવેલો ૬ એકરમાં ફેલાયેલો પોતાનો ટાપુ વેચવા કાઢયો છે. પ્લાયમાઉથ બંદરની માત્ર અડધો કિલોમીટર અંદર આવેલો આ ટાપુ ચોતરફ સમુદ્રથી ઘેરાયેલો છે પણ જમીનથી બહુ દૂર પણ નથી. પ્લાયમાઉથથી બોટમાં ૧૦ મિનિટમાં ટાપુ પર પહોંચી શકાય છે.

મોર્ગને ૨૦૧૯માં ૬૦ લાખ પાઉન્ડમાં ટાપુ ખરીદેલો. મિલિટરી બેઝ તરીકે વપરાતા ટાપુ પર મોર્ગને પ્રાઈવેટ બીચ બનાવ્યો અને ૪૩ રૂમની હોટલની મંજૂરી પણ મેળવી છે. આ ટાપુ પર મિલિટરી બેઝ જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. ટાપુને ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવા ૨.૫૦ કરોડ પાઉન્ડ (૨૭૫ કરોડ રૂપિયા) જોઈએ એ મોર્ગન પાસે નથી એટલે તેણે ટાપુ વેચવો પડી રહ્યો છે.

બજારની વાત                          . 4 - image

પોતાને જીવતો સાબિત કરવા આતંક ફેલાવવો પડયો

અક્ષય કુમારની જોલી એલએલબી ૨ના સીન જેવી જ ઘટના રાજસ્થાનમાં બની છે. રાજસ્થાનના બોલાતરા ગામના બાબુરામ ભીલ નામના યુવકે પોતે જીવતો માણસ છે એ સાબિત કરવા અડધો ડઝન જેટલા ગુના કરવા પડયા છે. કોઈએ મજાક કરેલી તેમાં બાબુરામ ભીલનું ડેથ સર્ટિફિકેટ ઈશ્યુ કરી દેવાયેલું. ભીલે પોતે જીવતો હોવાનું જણાવીને સત્તાવાળાઓને આ ડેથ સર્ટિફિકેટ રદ કરવા કહ્યું પણ તેના માટે કર્મચારીઓ લાંચ માગતા હતા તેથી બાબુરામે ફિલ્મી સ્ટાઈલ અપનાવી. 

બાબુરામે પેટ્રોલની બોટલ અને ચપ્પુ લઈને સ્કૂલમાં ઘૂસી ગયો અને સ્કૂલને સળગાવી દેવાની ધમકી આપીને આતંક ફેલાવી દીધો. બે શિક્ષકો તેને સમજાવવા આવેલા તો તેમની ધોલાઈ કરી નાંખી. એક વાલીને પણ ફટકાર્યા. લોકોએ જાણ કરતાં પોલીસ આવી પછી બાબુરામે આત્મસમર્પણ કરી દીધું. પોલીસે તેની સામે અડધો ડઝન ગુના નોંધીને જેલભેગો કર્યો પછી તેનું ડેથ સર્ટિફિકેટ આપોઆપ રદ થઈ ગયું.

બજારની વાત                          . 5 - image

જાપાનમાં ગ્રાન્ડપા ગેંગનો આતંક, બંધ ઘરો ટાર્ગેટ

જાપાનમાં હમણાં ગ્રાન્ડપા ગેંગનો આતંક છે. દાદાની ઉંમરના ત્રણ બુઢ્ઢા હોક્કાઈડો ટાપુ પરના બંધ ઘરોમાં ઘૂસીને ચોરીઓ પર ચોરીઓ કરે છે. સીસીટીવીના આધારે ત્રણેયની ઓળખ થઈ ગઈ છે પણ પોલીસ તેમને પકડી શકતી નથી. આ ગેંગનો લીડર હીડેયો ઉમિનો ૮૮ વર્ષના છે જ્યારે હિડેમી માતસુદા ૭૦ વર્ષના અને કેનિચી વાતાનાબે ૬૯ વર્ષના છે. ચોરીના ગુનામાં ત્રણેય બુઢ્ઢા જેલમાં, સાથે હતા ત્યારે દોસ્તી થયેલી. જેલમાંથી બહાર આવીને ત્રણેયે ગેંગ બનાવીને બંધ ઘરોમાં લૂંટ શરૂ કરીને આતંક મચાવી દીધો છે. 

જાપાનમાં લાખોની સંખ્યામાં ઘરો બંધ પડેલાં છે. આ બંધ ઘરોની સંભાળ રાખનારું કોઈ નથી. ગ્રાન્ડપા ગેંગ આવાં ઘરોમાં ઘૂસીને દારૂની બોટલોથી માંડીને હોમ એપ્લાયન્સસ સહિતનું જે હાથ લાગે એ બધું સાફ કરી જાય છે. હમણાં એક જગાએ તો લાખોનીં જ્વેલરી હાથ લાગી ગઈ હતી.

બજારની વાત                          . 6 - image

કુવૈતમાં લગ્નના 3 મિનિટમાં ડિવોર્સનો વર્લ્ડ રેકોર્ડ

કુવૈતમાં એક કપલે  લગ્ન કર્યાના માત્ર ૩ મિનિટમાં જ ડિવોર્સ લઈ લીધા હોવાનો વિચિત્ર કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના ૨૦૧૯ની છે. અમેરિકન મોડલ અને પોડકાસ્ટ હોસ્ટ એમિલી રતાજ્કોવ્સ્કીએ ડિવોર્સના કારણે થતા ટ્રોમા વિશે કાર્યક્રમ કર્યો તેને લગતી પોસ્ટમાં એક યુઝરે આ ઘટના વર્ણવી છે. 

યુઝરનો દાવો છે કે, કપલ કોર્ટરૂમમાંથી લગ્ન કરીને બહાર નિકળ્યું ત્યારે ડ્રેસના કારણે યુવતી લથડિયું ખાઈ ગઈ હતી. પતિએ તેને સ્ટુપિડ કહેતાં બગડેલી યુવતીએ કોર્ટમાં પાછા જઈને પોતાને ડિવોર્સ આપવા કહી દીધું. કોર્ટે તેની અરજી માન્ય રાખીને તાત્કાલિક ડિવોર્સ પણ આપી દેતાં ૩ મિનિટમાં બંને છૂટાં થઈ ગયાં.

ઘણાં આ વાતને અતિશયોક્તિભરી ગણાવે છે પણ આવું બને છે. ૨૦૦૪માં યુકેમાં સ્કોટ મેકી અને વિક્ટોરીયા એન્ડરસને લગ્નના ૯૦ મિનિટમાં ડિવોર્સ લીધાં હોવાનો કિસ્સો તો નોંધાયેલો છે.



Google NewsGoogle News