Get The App

બજારની વાત .

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


ભારતનું સૌથી મોંઘું શાક, કિલોના ૫૦ હજાર

આપણે ત્યાં શાકભાજીના ભાવ કિલોના ૧૦૦ રૂપિયાને પાર થાય તો પણ લોકોના છક્કા છૂટી જાય છે ત્યારે ભારતમાં જ કેટલાંક લોકો એવાં છે કે, જે કિલોના ૫૦ હજાર રૂપિયાના ભાવનું શાક ખાય છે. આ શાકનું નામ ગુચ્છી મશરૂમ છે. સામાન્ય મશરૂમથી અલગ ગુચ્છી મશરૂમ હિમાચલ પ્રદેશ અને જમ્મુ તથા કાશ્મીરના પહાડી પ્રદેશમાં થાય છે. આ શાકભાજી શિયાળામાં કિલોના ૩૦ હજાર રૂપિયાના ભાવે વેચાય છે જ્યારે ઉનાળામાં તેનો ભાવ ૫૦ હજાર રૂપિયાની આસપાસ થઈ જાય છે. 

ગુચ્છી મશરૂમને ભારતનું સૌથી મોંઘું શાક ગણવામાં આવે છે. ગુચ્છીની વિશેષતા એ છે કે, આ શાક કુદરતી રીતે જ ઉગે છે. ઘણા ખેડૂતોએ પોતાનાં ખેતરોમાં ગુચ્છી મશરૂમ ઉગાડવા પ્રયત્ન કરી જોયા પણ સફળતા નથી મળતી. આયુર્વેદિક ગુણો ધરાવતું આ શાક માણસને લાંબા સમય સુધી યુવાન રાખે છે તેથી તેની ભારે ડીમાન્ડ છે. 

૩ વર્ષમાં ૫૬૩ કરોડની કમાણી, કોપ્ફનું ઓન્લીફેન્સને બાય બાય

ઓન્લીફેન્સ સ્ટાર કોરીન્ના કોપ્ફે એક્સ પર મૂકેલી પોસ્ટના કારણે તેના ચાહકો મૂંઝવણમાં છે. ૨૮ વર્ષની કોરીન્નાએ એક્સ પર પોસ્ટ કરી છે કે, હવે પછી બાયોમાં કોઈ લિંક નહીં......તેનું એવું અર્થઘટન કરાઈ રહ્યું છે કે, કોપ્ફ હવે ઓન્લીફેન્સ પર નહીં દેખાય. કોપ્ફ છેલ્લાં ૩ વર્ષથી ઓન્લીફેન્સ પર પોસ્ટ અને વીડિયો મૂકે છે અને તેમાંથી ૫૬૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે. કોપ્ફ ૨૦૧૧થી સોશિયલ મીડિયા પર સક્રિય છે. ટ્વિટરથી શરૂઆત કરનારી કોપ્ફ પછી યુટયુબ ઈન્સ્ટાગ્રામ પર પણ સક્રિય હતી ને છેવટે ઓન્લીફેન્સ પર ઠરીઠામ થઈ હતી. 

૨૦૧૬માં લોંચ થયેલી ઓન્લીફેન્સ એડલ્ટ કન્ટેન્ટના કારણે યુવાઓમાં અત્યંત લોકપ્રિય છે. ઓન્લીફેન્સ પર વીડિયો, પોસ્ટ કે ફોટો જોવા માટે દર મહિને ફી ચૂકવવી પડે છે અને ૧૮ વર્ષથી વધારે ઉંમરનાં લોકો જ સભ્ય બની શકે છે.

બજારની વાત                          . 2 - image

ઓટોરીક્ષામાં બિલ વધારે આવે છે ? શું છે ટ્રીક એ જાણી લો

ઓટોરીક્ષામાં ટ્રાવેલ કરતી વખતે ઘણી વાર મીટર બહુ ઝડપથી ફર્યું હોય ને બિલ વધારે આવી ગયું હોય એવું લાગે છે. આવું કેમ થાય છે ? મુંબઈ પોલીસે વીડિયો મૂકીને સમજાવ્યું છે કે, મીટરમાં ચેડાં કર્યાં હોય તો આવું થાય પણ ગ્રાહક મીટરમાં ચેડાં થયાં છે કે નહીં એ જાતે તપાસી શકે છે. 

ઓટોરીક્ષામાં બેઠા પછી મીટર ચાલુ હોય ત્યારે છેલ્લા આંકડા પછી પણ સતત એક પોઈન્ટ બ્લિન્ક થયા કરે એટલે કે ચાલુ બંધ થયા કરે તો સમજવું કે, મીટરમાં ચેડાં કરાયાં છે. તેના કારણે મીટર પૂરપાટ ભાગે છે અને વધારે બિલ આવે છે. આ સંજોગોમાં તરત પોલીસને જાણ કરવી કે જેથી રીક્ષાવાળો ફરી કોઈને છેતરે નહીં. મુંબઈ પોલીસે સામાન્ય લોકો સાથે થતી છેતરપિંડીને રોકવા માટે કરેલી પહેલને લોકો બિરદાવી રહ્યા છે.

બજારની વાત                          . 3 - image

મિશેલે 38 કૂતરાંનો સંઘ કાશીએ પહોંચાડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

કેનેડાના મિશેલ રૂડીએ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મિશેલ ૩૮ કૂતરાંને એકસાથે લઈને એક કિલોમીટર સુધી ચાલ્યો હતો. ગુજરાતીમાં કહેવત છે કે, કૂતરાનોં સંઘ કાશીએ ના પહોંચે પણ મિશેલનો ૩૮ કૂતરાંનો સંઘ નક્કી કરેલા ૧ કિલોમીટરના માઈલસ્ટોન પર સરળતાથી પહોંચી ગયો હતો. 

આ સફર દરમિયાન તમામ ૩૮ કૂતરાનાં ગળામાં બંધાયેલી ચેન મિશેલના હાથમાં હતી ને એક પણ કૂતરું આઘુંપાછું થયું નહોતું. આ પહેલાંનો વર્લ્ડ રેકોર્ડ દક્ષિણ કોરીયાના ગોએસાનમાં નોંધાયેલો કે જ્યારે ૩૬ કૂતરાંનો સંઘ ૧ કિલોમીટર ચાલી સુધી ચાલ્યો હતો. યોગાનુયોગ મિશેલને વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે કૂતરાં કોરીયન કે૯ રેસ્ક્યુ શેલ્ટરે જ પૂરાં પાડયાં હતાં. આ પ્રકારની ઈવેન્ટ માટે કૂતરાંને બહુ આકરી તાલીમ આપવી પડે છે. એક સાથે ૧૯ કૂતરાંને એક હાથે કાબૂમાં રાખવાં પણ અઘરું કામ છે પણ મિશેલ પોતે ડોગ રેસ્ક્યુ સાથે જોડાયેલો હોવાથી વર્લ્ડ રેકોર્ડ બનાવી ગયો. 

બજારની વાત                          . 4 - image

દુનિયાના સૌથી છેલ્લા હાઈવે ઈ-૬૯ની સફર

ઈ-૬૯ હાઈવેનું નામ સાંભળ્યું છે ? યુરોપ ખંડના નોર્વેમાં આવેલો આ હાઈવે દુનિયામાં સૌથી છેલ્લો રોડ મનાય છે કેમ કે આ રોડ સીધો ઉત્તર ધ્રુવ પર જાય છે. આમ તો પૃથ્વી ગોળ છે તેથી તેનો છેડો ના હોય પણ ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં પૃથ્વીનો છેડો મનાય છે. ઉત્તર ધ્રુવમાં પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે એવું મનાય છે. નોર્વે પૂરો થાય કે તરત જ ઉત્તર ધ્રુવનો પ્રદેશ શરૂ થાય છે તેથી ઈ-૬૯ હાઈવે પૂરો થતાં જ ગ્લેશિયર એટલે કે હિમનદીઓ અને દરિયો જ દેખાય છે. નોર્વે અને પૃથ્વીના ઉત્તર ધ્રુવને જોડતો હાઈવે ૬૯ ૧૪ કિલોમીટર લાંબો છે. આ વિસ્તારમાં ઉનાળામાં તાપમાન ઝીરો ડીગ્રી હોય છે જ્રયારે શિયાળામાં માઈનસ ૫૦ ડીગ્રી સુધી પહોંચી જાય છે. મજાની વાત એ છે કે, આ વિસ્તારમાં પણ લોકો રહે છે.

ટેક્સી ટ્રાઈવરે ૨.૩ કરોડની નોટો પોલીસને આપી દીધી

દુબઈમાં હમણાં હમદા અબુ ઝૈદ નામના ડ્રાઈવરની ટેક્સીમાં એક પ્રવાસી સામાન છોડી ગયેલો. મૂળ ઈજીપ્તના પણ વરસોથી દુબઈમાં ટેક્સી ચલાવતા હમદાએ ખોલીને જોયું તો બેગમાં નોટો જ નોટો હતી.  બીજો કોઈ હોય તો તેની દાનત બગડે પણ હમદાએ તરત પોલીસને જાણ કરી. પોલીસે બેગ ખોલીને તપાસી તો પૂરા ૧૦ લાખ દિરહમની ચલણી નોટો નિકળી. દુબઈના એક દિરહમનો ભાવ ૨૩ રૂપિયા છે એ જોતાં લગભગ ૨.૩૦ કરોડ રૂપિયાની નોટો થઈ. હમદાએ આ નોટો રાખી લીધી હોત તો એ રાતોરાત કરોડપતિ થઈ ગયો હોત પણ તેના બદલે તેણે પ્રમાણિકતા બતાવી. હમદાએ આપેલા વર્ણનના આધારે પોલીસે તાત્કાલિક નોટોના માલિકને શોધી કાઢયો. ૧૦ લાખ દિરહમ ગાયબ થઈ ગયા તેથી તેના પણ હોશ ઉડી ગયા હતા પણ પોલીસનો ફોન આવતાં તેનો જીવ પણ હેઠો બેઠો.


Google NewsGoogle News