બજારની વાત .
મ્યાનમારમાં ભૂકંપની આગાહી કરનારા જ્યોતિષને જેલમાં ધકેલાયો
ભારતમાં ખોટી આગાહી કરનારા જ્યોતિષીઓને કંઈ થતું નથી પણ મ્યાનમારમાં જોહ્ન મો થે નામના જ્યોતિષીને ભૂકંપની આગાહી બદલ જેલમાં ધકેલી દેવાયો છે. જોહ્ને ટિકટોક પર વીડિયો મૂકીને આગાહી કરેલી કે, ૨૧ એપ્રિલે મ્યાનમારમાં ફરી વિનાશક ભૂકંપ આવશે.
મ્યાનમારમાં થોડા સમય પહેલાં આવેલા ૭.૭ની તીવ્રતાના ભૂકંપના કારણે ૩૫૦૦થી વધારે લોકોનાં મોત થયાં હતાં. જોહ્ને લોકોને વિનંતી કરી હતી કે, ૨૧ એપ્રિલે જેવા આંચકા અનુભવાય કે તરત મહત્વની ચીજો લઈને ભાગવા માંડજો. ૩ લાખ ટિકટોક ફોલોઅર્સ ધરાવતા જોહ્નની આગાહીએ લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો અને ઘણાં લોકો તો ૨૧ એપ્રિલ પહેલાં જ રસ્તા, પાર્ક સહિતનાં જાહેર સ્થળે તંબૂ નાંખીને રહેવા માંડયાં હતાં. સત્તાવાળાઓએ જોહ્નને ઉઠાવીને જેલભેગો કરી દીધો કેમ કે નિષ્ણાતોનું કહેવું હતું કે, ભૂકંપની આગાહી શક્ય જ નથી. જોહ્નની આગાહી પ્રમાણે ૨૧ એપ્રિલે ભૂકંપ ના આવતાં નિષ્ણાતો સાચા પડયા છે.
ભૂતિયા પ્લકલી ગામમાં 17 ભૂતોની દંતકથા સાચી છે ?
યુકેના કેન્ટમાં આવેલું પ્લકલી વિશ્વમાં સૌથી હોન્ટેડ પ્લેસીસ એટલે કે સૌથી ભૂતિયાં સ્થાનોમાં એક મનાય છે. છેલ્લાં ૭૦ વર્ષથી પ્લકલીમાં કોઈ રહેતું નથી અને ભાગ્યે જ કોઈ ત્યાં જવાની હિંમત કરે છે. પ્લકલીમાં ૧૭ ખતરનાક ભૂત હોવાની દંતકથાઓ પણ વરસોથી ચાલતી હતી. ફાંસી પર લટકતા હેડમાસ્ટર અને ચીસો પાડતા પુરૂષોની ડરામણી વાતો થતી પણ હમણાં વેસ્ટ ઈંગ્લેન્ડ યુનિવર્સિટીના ડો. સિમોન મોરેટોને પ્લકલીમાં જઈને સાબિત કર્યું કે, આ વાતો માત્ર દંતકથાઓ છે.
પ્લકલી ડો. સિમોનનાં વડવાઓનું ગામ હોવાથી તેમને આ ગામમાં રસ પડયો હતો. તેમણે આ ગામ વિશે બહુ સંશોધન કર્યું તેમાં ખબર પડેલી કે અલગ અલગ સમયે આપઘાત કરનારાં ચાર લોકોની વાતોને ભૂતકથા બનાવી દેવાઈ હતી પણ વાસ્તવમાં ગામમાં ભૂત છે જ નહીં. પ્લકલીએ બીજાં લોકોને પણ ગામમાં આવીને રહેવા કહ્યું છે પણ કોઈ તૈયાર નથી.
વિમાનમાંથી ઉતરી જવા માટે અઢી લાખનું વળતર
અમેરિકામાં હમણાં ડેલ્ટા એરલાઈન્સનાં પ્લેનમાં સર્જાઈ રહેલી ફ્યુઅલ ઈમ્બેલેન્સિંગની સમસ્યાના કારણે ઘણા પ્રવાસીઓને લોટરી લાગી રહી છે. વિમાનની ડાબી અને જમણી ફ્યુઅલ ટેન્કમાં ફ્યુલનું પ્રમાણ સરખું ના હોય તેના કારણે અસંતુલન સર્જાય તેથી વિમાનને હવામાં ઉડવામાં તકલીફ પડે.
આ તકલીફ નિવારવા માટે વધારે ફ્યુઅલ હોય એ ટેન્ક તરફ કેટલીક સીટો ખાલી રખાય છે. આ સીટો ખાલી કરાવવા માટે ડેલ્ટા એરલાઈન્સ પેસેન્જરને ૨૦૦૦ ડોલર (લગભગ રૂપિયા ૧.૭૦ લાખ) સુધીનું વળતર આપે છે પણ હમણાં શિકાગોથી સીએટલ જતા એક પેસેન્જરને ૩૦૦૦ ડોલર (લગભગ રૂપિયા ૨.૬૫ લાખ) વળતર અપાયું કેમ કે આખું વિમાન ભરેલું હતું અને પેસેન્જર બેઠો હતો એ સીટ ખાલી કરાવવી જરૂરી હતી. કર્મચારીએ પેસેન્જરને નમ્રતાથી વિમાનમાંથી ઉતરી જવા કહ્યું ને પેસેન્જરે સહર્ષ એ વિનંતી સ્વીકારી પણ લીધી. નિષ્ણાતોના મતે, અમેરિકામાં લગભગ તમામ એરલાઈન્સ આ સમસ્યાથી પિડાય છે.
ફેફસાંમાં 8 સેમીના ચાકુ સાથે 3 વર્ષથી સ્વસ્થ જીવન
કોઈ માણસ ફેફસાંમાં ૮ સેમી લાંબા ચાકુ સાથે જીવી શકે ખરો ? ઓડિશાનો ૨૪ વર્ષનો સંતોષ દાસ છેલ્લાં ૩ વર્ષથી ૮ સેમી લાંબા, ૩ સેમી પહોળા અને ૩ મીમીની પહોળાઈ ધરાવતું ચાકુ ફેફસાંમાં લઈને જીવતો હતો. સંતોષ ૩ વર્ષ પહેલાં બેંગલોરમાં રહેતો હતો ત્યારે કોઈએ તેના ગળામાં ચાકુ મારી દીધું હતું. બેંગલોરની હોસ્પિટલમાં સર્જરી કરીને ચાકુ કાઢી નંખાયું હતું ને સંતોષ સ્વસ્થ થઈ ગયો હતો.
સંતોષ બે વર્ષથી સ્વસ્થ જીવન જીવતો હતો પણ એક વર્ષ પહેલાં તેને સતત કફ અને સૂકી ખાંસી આવ્યા કરતાં હતાં. ડોક્ટરને બતાવતાં તેમણે ટીબી હોવાનું નિદાન કરીને દવા આપી. સંતોષે ટીબીનો ૯ મહિનાનો કોર્સ પૂરો કર્યો છતાં ફરક ના પડતાં બહેરામપુરની સરકારી હોસ્પિટલમાં બતાવ્યું ત્યારે ખબર પડી કે તેનાં ફેફસામાં ચાકુ છે તેની આ સમસ્યા છે. તરત ઓપરેશન કરીને ચાકુ દૂર કરાતાં સંતોષ પાછો સ્વસ્થ જીવન જીવતો થઈ ગયો છે.
ચીટિંગ એપ માટે 21 વર્ષના લીને 45 કરોડ મળ્યા
કોલંબિયા યુનિવર્સિટીના ૨૧ વર્ષના ચુંગિન લી નામના વિદ્યાર્થીને થોડા સમય પહેલાં સસ્પેન્ડ કરાયો હતો. કારણ ? લીએ એમેઝોન, મેટા, માઈક્રોસોફ્ટ સહિતની ટોચની ટેક કંપનીઓને ઈન્ટરવ્યૂમાં છેતરી શકાય એવું એઆઈ ટૂલ બનાવ્યું હતું.
સોફ્ટવેર એન્જીનિયર્સ ટેકનિકલ ઈન્ટરવ્યૂ માટે બેસે ત્યારે ઈન્ટરવ્યૂ કોડર નામની એપ્લિકેશન તેમને કોઈને ખબર ન પડે એ રીતે જવાબો આપી દેતી. આ જવાબોના કારણે સીલેક્શન થઈ જતું. લીએ ઘણા સીનિયર્સને એપ્લિકેશનની મદદથી સારી કંપનીઓમાં નોકરીઓ અપાવી હતી પણ કોઈ વિદ્યાર્થીએ ચાડી કરી દેતાં યુનિવર્સિટીએ લીને સસ્પેન્ડ કરી દીધો.
યુનિવર્સિટીનો નિર્ણય લી માટે આશિર્વાદરૂપ સાબિત થયો કેમ કે સાન ફ્રાન્સિસ્કોની એક કંપનીએ લીને ચિટિંગ એપ ક્લુલી વિકસાવવા માટે ૫૩ લાખ ડોલર (લગભગ ૪૫ કરોડ રૂપિયા)નું ફંડ આપ્યું છે. લીએ ફંડની મદદથી બનાવેલી એપના ગણતરીના દિવસોમાં ૭૦ હજાર યુઝર થઈ ગયા છે ને ફંડના ૫૦ ટકા રકમ તો નિકળી ગઈ છે.
101 વર્ષના ડો. શ્કાર્ફનબર્ગનો લાંબુ જીવવાનો મંત્ર શું છે ?
લાંબું જીવવું બધાંને ગમે પણ તેના માટે શું કરવું તેની મોટા ભાગનાં લોકોને ખબર નથી હોતી. ડો. જોહ્ન શ્કાર્ફનબર્ગ નામના ન્યુટ્રિશનિસ્ટે હમણાં એક પોડકાસ્ટમાં તેની ટીપ્સ આપી છે. આ ટીપ્સ જબરદસ્ત વાયરલ થઈ રહી છે કેમ કે ડો. શ્કાર્ફનબર્ગ જીંદગીનાં ૧૦૧ વર્ષ પૂરાં કરી ચૂક્યા છે અને હજુ પણ હરતાફરતા છે.
શ્કાર્ફનબર્ગ વિદેશોમાં ભ્રમણ કરે છે અને યુનિવર્સિટીઓમાં જઈને પોતાના અનુભવો અને પોતાના વિષય અંગે પ્રવચનો આપે છે. શ્કાર્ફનબર્ગના કહેવા પ્રમાણે, લાંબુ જીવવામાં વ્યક્તિનાં જનિન મહત્વનો ભાગ ભજવે છે એ માન્યતા ખોટી છે. તેમના પિતા ૭૬ વર્ષની ઉંમરે હાર્ટ એટેકમાં ગુજરી ગયેલા જ્યારે માતા ૬૨ વર્ષની ઉંમરે ગુજરી ગયેલાં. બંને ભાઈ પણ વરસો પહેલાં ગુજરી ગયા હતા પણ પોતે લાંબી જીવ્યા કેમ કે સિગારેટ અને આલ્કોહોલથી દૂર રહ્યા. સિગારેટ ફેફસાં અને આલ્કોહોલ લિવરને ખતમ કરે છે તેથી તેનાથી બચી જાઓ તો લાંબુ જીવી શકાય છે.