બજારની વાત .
હવે ઈન્ટર્નશીપના નામે નાણાં ખંખેરવાનું સ્કેમ
ભારતમાં હવે એક નવા પ્રકારનું સ્કેમ શરૂ થયું છે. આ સ્કેમમાં કોલેજમાં ભણતાં છોકરાંને ઈન્ટર્નશિપના બહાને ખંખેરાઈ રહ્યાં છે. ભૂમિ નામની છોકરીએ પોતાનો અનુભવ વર્ણવ્યો પછી ઘણાંએ પોતાને પણ આ પ્રકારના અનુભવ થયાનું સ્વીકાર્યું છે. ભૂમિને વિદ્યાર્થીઓને કામની તક આપતાં એક ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ઈન્ટર્નશિપની બે ઓફર મળી હતી. આ પૈકી એક ઈન્ફ્લ્યુઅન્સર મેનેજરની હોવાથી ભૂમિએ એ ઓફર સ્વીકારી. કંપનીએ તેને ૧૫ હજાર રૂપિયા દર મહિને આપવાનું કહેલું. ભૂમિને પગાર ઓછા લાગેલો પણ અનુભવ મળે એટલે જોડાઈ ગઈ. થોડા સમય પછી કંપનીએ રજિસ્ટ્રેશન ફી નામે રકમ માગી.
ભૂમિને આ વાત અજુગતી લાગતાં તેણે તપાસ કરી તો ખબર પડી કે, પોતે જે કંપનીમાં કામ કરે છે એ કંપનીનું વાસ્તવિક રીતે અસ્તિત્વ જ નથી. આ કંપની કાગળ પર જ છે ને આ રીતે જ વિદ્યાર્થીઓને છેતરે છે. ભૂમિએ વીડિયો મૂકીને સૌને સતર્ક કર્યા છે.
એમેઝોનના વીપીને ભૂતપૂર્વ પત્નીનો જોરદાર જવાબ
એમેઝોનમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરી ચૂકેલા એથન ઈવાન્સે દાવો કર્યો છે કે, પોતે એક સ્ટાર્ટ અપમાં કામ કરતો હતો ત્યારે સીઈઓએ તેની પત્નીને ફસાવતાં તેના ડિવોર્સ થઈ ગયા હતા. એથને એ પણ સ્પષ્ટતા કરી છે કે, આ બોસ જેફ બેઝોસ નહોતો. અમેઝોનમાં જોડાતાં પહેલાં ઈવાન્સ ક્યાં હતો એ કોઈને ખબર નથી તેથી સીઈઓની ઓળખ છતી થઈ નથી.
મજાની વાત છે છે કે, એથનની પત્ની હોવાનો દાવો કરનારે જવાબ આપ્યો છે કે, વાસ્તવમાં પોતે એથનના બોસને ફસાવ્યો હતો કેમ કે આખો દિવસ એથન તેના બોસની જ વાતો કરતો હતો. એથન સેક્સ વખતે પણ બોસની જ વાતો કરતો તેથી પોતે બોસને મળી પછી કોને પસંદ કરવો એ નક્કી કરવા માટે મગજ લગાવવાની જરૂર જ નહોતી. એ અત્યારે મારા પતિ છે અને એથન હજુય તેના બોસની જ વાત કર્યા કરે છે.
અમેરિકાની લ્યુમિનેસ્કાના આખા શરીર પર ટેટુ
યંગસ્ટર્સમાં ટેટુ બનાવવાનો ક્રેઝ વધતો જાય છે પણ લગભગ આખા શરીર પર ટેટુ હોય એવી વ્યક્તિ કદી જોઈ છે ? અમેરિકાની લ્યુમિનેસ્કા ફ્યુએરઝિનાને હમણાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ દ્વારા શરીર પર સૌથી વધારે પ્રમાણમાં ટેટુ ધરાવતી વ્યક્તિ તરીકેનું સર્ટિફિકેટ અપાયું છે. લ્યુમિનેસ્કાના શરીરના ૯૯.૯૮ ટકા ભાગ પર ટેટુ ચિતરાવેલાં હોવાનું ગિનેસ બુકમાં લખાયું છે.
અમેરિકન આર્મીમાં મેડિકલ સર્વિસ ઓફિસર તરીકે કામ કરી ચૂકેલી લ્યુમિનેસ્કા પોતાના શરીરમાં સૌથી વધારે મોડિફિકેશન એટલે કે ફેરફારો કરાવનારી વ્યક્તિ પણ છે. લ્યુમિનેસ્કાએ છેલ્લાં ૧૦ વર્ષમાં પોતાના શરીરમાં ૮૯ મોડિફિકેશન કરાવ્યાં છે. આખા શરીર પર ટેટુ હોવાના કારણે લ્યુમિનેસ્કાનું શરીર હવે તેની ચામડીના મૂળ રંગના બદલે આછી લીલા રંગની શાહીના કલરનું થઈ ગયું છે. લ્યુમિનેસ્કાએ પોતાની જીભ, પેઢાં, કીકી અને ગુપ્તાંગો પર પણ ટેટુ ચિતરાવ્યાં છે.
ડેપ્યુટી કમિશનરે ભત્રીજી સાથે લગ્ન કરતાં સસ્પેન્ડ
બિહારમાં બેગુસરાઈ નગર નિગમના ડેપ્યુટી કમિશનર શિવકુમાર શક્તિએ સંબંધમાં પોતાની ભત્રીજી થતી સજલ સિંધુ સાથે લવ મેરેજ કરતાં તેમને સસ્પેન્ડ કરી દેવાયા તેનો વિવાદ ચગ્યો છે. બેગુસરાઈનાં મેયર પિંકી દેવીનું કહેવું છે કે, શક્તિએ પોતાના હોદ્દાનો દુરૂપયોગ કર્યો હોવાથી સસ્પેન્ડ કરીને જવાબ માગવામાં આવ્યો છે. શક્તિના સમર્થક માનવાધિકારવાદીઓનું કહેવું છે કે, પ્રેમ લગ્ન કરવામાં હોદ્દાનો દુરૂપયોગ કઈ રીતે થઈ ગયો ?
સજલ અને શક્તિ વચ્ચે ૧૦ વર્ષથી પ્રેમ સંબંધ હતા. ૨૦૧૫માં સજલ મેટ્રિક પાસ કર્યા પછી બનારસ સેન્ટ્રલ હિંદુ ગર્લ સ્કૂલમાં ભણવા ગયેલી. શક્તિ પણ બનારસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હતા તેથી સંબંધી હોવાના હિસાબે એકબીજાને મળતાં ને તેમાં પ્રેમ થઈ ગયો. બંનેએ કાત્યાયની મંદિરમાં લગ્ન કર્યાં એ પહેલાં સજલના પરિવારે શક્તિ સામે અપહરણની ફરિયાદ નોંધાવેલી પણ સજલે મરજીથી લગ્ન કર્યાનું કહેતાં પોલીસ કશું ના કરી શકી.
સ્ટોરમાંથી કાતર ગુમ થતાં ૩૬ ફ્લાઈટ રદ
જાપાનના હોક્કાઈદોના ન્યુ ચિટોઝ એરપોર્ટના સ્ટોર રૂમમાંથી હમણાં એક કાતર ગુમ થઈ ગઈ તેમાં ૨૩૬ ફ્લાઈટને રોકી દેવાઈ અને ૩૬ ફ્લાઈટ તો રદ કરી દેવાઈ. એરપોર્ટ પર હાજર તમામ મુસાફરોની તલાશી લેવામાં આવી પણ કાતર ના મળી. જે ફ્લાઈટના પ્રવાસીઓ પાસેથી કાતર ના મળી એ ફ્લાઈટને રવાના કરાઈ પણ તલાશીમાં ગયેલા સમયના કારણે ૩૬ ફ્લાઈટ રદ કરવી પડી.
અધિકારીઓને ડર હતો કે, કાતર લઈને કોઈ મુસાફર પ્લેનમાં ચડી ગયો તો ગમે તે કરી શકે છે. ફલાઈટનું અપહરણ કરવા તેનો ઉપયોગ કરી શકે કે કોઈના પર હુમલો પણ કરી શકે. કોઈને આ વધારે પડતા ચિકણાવેડા લાગે પણ જાપાનીઓ સુરક્ષાના મામલે એકદમ સતર્ક હોવાથી કોઈ ચાન્સ લેવા નહોતા માગતા. આ ઘટનામાં અંતે બગલમાં છોકરું ને આખા ગામમાં ઢંઢેરો જેવું થયું કેમ કે બીજા દિવસે કાતર સ્ટોરમાં જ ટેબલ નીચે પડેલી મળી આવી હતી.
જાપાનનાં ઈતૂકા વિશ્વમાં સૌથી વૃધ્ધ વ્યક્તિ
સાન ફ્રાન્સિસ્કોમાં રહેતાં મારીયા બ્રેન્યાસ મોરેરાનું નિધન થતાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા જાપાનનાં ટોમિકો ઈતૂકાને વિશ્વમાં સૌથી વૃધ્ધ વ્યક્તિ જાહેર કરાયાં છે. મોરેરા ગયા અઠવાડિયે ૧૧૭ વર્ષની ઉંમરે ગુજરી ગયાં જ્યારે ઈતૂકાની ઉંમર ૧૧૬ વર્ષ છે. ૨૩ મે, ૧૯૦૮ના રોજ જન્મેલાં ઈતૂકા એક નર્સિંગ હોમમાં રહે છે.ઈતૂકા ૧૧૦ વર્ષની ઉંમર સુધી પોતાની દીકરીઓ સાથે રહેતાં હતાં પણ હવે દીકરીઓ પણ ૯૦ વર્ષની આસપાસની થતાં સંભાળ રાખી શકે તેમ નથી તેથી નર્સિંગ હોમમાં રહે છે. ૨૦ વર્ષની વયે લગ્ન કરનારાં ઈતૂકાને બે દીકરી અને બે દીકરા છે. ઈતૂકાના પતિ ૧૯૭૯માં ગુજરી ગયા હતા. ઈતૂકાએ ૭૦ વર્ષની ઉંમરે માઉન્ટ નિજો પર્વત પર ચડીને રેકોર્ડ બનાવ્યો હતો. ઈતૂકા એ પછી સતત ફરતાં રહે છે. ૧૦૦ વર્ષની ઉંમરે પણ આશિયા બૌધ્ધ મઠમાં કોઈની મદદ વિના ગયાં હતાં.