Get The App

બજારની વાત .

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
બજારની વાત                          . 1 - image


સોલોથર્નની ઘડિયાળોમાં ૧૨ વાગતા જ નથી !

સ્વિત્ઝરલેન્ડનું સોલોથર્ન વિશ્વનું એવું અનોખું શહેર છે કે જ્યાં જાહેર સ્થળો પર લગાવાયેલી કોઈ પણ ઘડિયાળમાં ૧૨ વાગતા જ નથી. તેનું કારણ એ કે, સોલોથર્નની કોઈ ઘડિયાળમાં ૧૨નો આંકડો જ નથી રખાયો. ૧૧ પછી સીધો ૧નો આંકડો આવે છે. જો કે તેનો મતલબ એ નથી કે, આ ઘડિયાળો દુનિયાની બીજી ઘડિયાળો કરતાં અલગ સમય બતાવે છે. વાસ્તવમાં આ ઘડિયાળોની રચના એ રીતે કરાઈ છે કે, કલાકનો કાંટો ૧૧થી ૧ વચ્ચે જવામાં ૨ કલાક લે છે. 

સોલોથર્નનાં લોકોને ૧૧ના આંકડા તરફ જોરદાર આકર્ષણ છે તેનું કારણ એક દંતકથા છે. સદીઓ પહેલાં સોલોથર્ર્નનાં લોકો બહુ મહેનત કરતાં હોવા છતાં ખુશ નહોતાં. પછી પહાડોમાંથી આવેલા એલ્ફે લોકોનો ઉત્સાહ વધારતાં ખુશીઓ આવી. જર્મન ભાષામાં એલ્ફ એટલે ૧૧ થાય છે તેથી લોકો ૧૧ના આંકડાને શુભ માને છે. 

બજારની વાત                          . 2 - image

રોજના 6 કલાક કામ ને આવક સવા બે કરોડ

કોઈ વ્યક્તિ અઠવાડિયામાં ૩૦ કલાક કામ કરીને વરસમાં સવા બે કરોડ રૂપિયા કમાતી હોય તો કોઈને પણ તેની ઈર્ષા આવે. અમેરિકાનો ૨૪ વર્ષનો સ્ટીવન ગુઓ અત્યારે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સની ઈર્ષાનું પાત્ર છે. ઈન્ડોનેશિયાના બાલીમાં સ્થાયી થયેલો સ્ટીવન અઠવાડિયામાં ૫ દિવસ માટે રોજના ૬ કલાક જ કામ કરે છે. બે દિવસ સંપૂર્ણ રજા રાખીને જલસા કરે છે. સ્ટીવન રોજ છ કલાક કામ કરે છે એ પણ સવારે જ કરે છે. બપોર પછી એ સર્ફિંગ કરવા ઉપડી જાય છે ને સાંજે  દરિયાકિનારાના કુદરતી સૌંદર્યની મજા માણે છે.  સ્ટીવન સી ફૂડથી માંડીને ઈવેન્ટ મેનેજમેન્ટ સુધીનાં કામ કરે છે. 

સ્ટીવનની લાઈફ સ્ટાઈલને સોશિયલ મીડિયા યુઝર અમેઝિંગ ગણાવી રહ્યા છે. તેમના મતે, મોટા ભાગના યુવકો આવી ડ્રીમ લાઈફ ઈચ્છે છે પણ સ્ટીવનની જેમ સંતોષ સાથે જીવવાની તાકાત નથી હોતી તેથી ઢસરડા કર્યા કરે છે. 

બજારની વાત                          . 3 - image

ડુંગળી કાપતાં આંખોમાં પાણી ના આવે તેનો ઉપાય શોધાયો

ડુંગળી કાપતી વખતે આંખમાંથી પાણી નિકળે એ બધાંને ખબર છે પણ અમેરિકાના ડોક્ટર જો વ્હિટિંગટને લોકોને એવો ઉપાય બતાવ્યો છે કે, ડુંગળી કાપતી વખતે પણ રડવું નહીં પડે. જોના કહેવા પ્રમાણે, ડુંગળી કાપતી વખતે બાજુમાં ભીનો ટુવાલ મૂકાય તો આંખોમાં પાણી નહીં આવે. ડુંગળી કાપતી વખતે આંખોમાંથી પાણી આવે છે તેનું કારણ ડુંગળીમાં રહેલું ખાસ પ્રકારનું એંજાઈમ હોય છે કે જે પ્રોપેનેથિયે એસ. ઓક્સાઈડ નામે કેમિકલ છોડે છે. ભીનો ટુવાલ પાસે રાખ્યો હશે તો પ્રોપેનેથિયે એસ. ઓક્સાઈડ તેની તરફ જતું રહેશે અને તમારી આંખો  સુધી નહીં પહોંચે તેથી આંખોમાં બળતરા કે ખંજવાળ નહીં થાય. 

સફેદ, પીળી અને લાલ રંગની ડુંગળીમાં એંઝાઈમ વધારે હોવાથી તે કાપતી વખતે વધારે પાણી નિકળે છે. ડોક્ટર ખ્યાતનામ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર પણ છે તેથી તેની કોમેન્ટની સચ્ચાઈની તાત્કાલિક કસોટી પણ થઈ ગઈ ને તેમાં આ દાવો સાચો નિકળ્યો છે. 

બજારની વાત                          . 4 - image

ચીનની યુવતીએ 3100માં રૂમ બુક કરાવ્યો ને બિલ 7 લાખ

ચીનની શાઓ નામની યુવતીએ જેજુ આઈલેન્ડ પર ફરવા જવા રૂમ બુક કરાવેલો.શાઓ પોતાના બોયફ્રેન્ડ સાથે વેકેશન માણવા જવા માગતી હતી. ઓનલાઈન જોયું તો રૂમનું ભાડું  ૩૧૦૦ રૂપિયા બતાવતું હતું તેથી શાઓએ ઓનલાઈન રૂમ બુક કરાવી લીધો પણ બિલ આવ્યું ત્યારે તેના ખાતામાંથી ૭ લાખ રૂપિયા કપાયેલા હતા એ જોઈને શાઓના હોશ ઉડી ગયા. શાઓએ તરત હોટલનો સંપર્ક કર્યો તો ખબર પડી કે, શાઓએ જે ભાડું જોયું હતું એ ચીનના ચલણ યુઆનમાં હતું જ્યારે શાઓ તેને કોરીયાનું ચલણ વોન સમજી બેઠી હતી. બંનેની સાઈન સરખી હોવાથી ગૂંચવાડો થઈ ગયો હતો. 

શાઓએ બુકિંગ કેન્સલ કરીને સંપૂર્ણ રીફંડ આપવા માગ કરી તો હોટલે પહેલાં તો ઈન્કાર કર્યો પણ પછી શાઓની આપવિતી સાંભળીને દયા આવી જતાં રીફંડ આપ્યું ત્યારે માંડ માંડ શાઓના જીવમાં જીવ આવ્યો. 

બજારની વાત                          . 5 - image

45 લાખની હોટલ ને તોડવાનો ખર્ચ 26 લાખ

પોપ સ્ટાર એલ્વિસ પ્રીસલી સહિત સ્ટાર્સના કારણે વિખ્યાત જ્યોર્જિયાના મેકોનમાં આવેલી આઈકોનિક હોટલ તોડી પાડવાનો તખ્તો તૈયાર છે. ૨૦૧૭થી બંધ આ હોટલ ૩૧ ડીસેમ્બરની રાત્રે બરાબર ૧૨ વાગ્યે તોડી પડાશે. મેકોનમાં ઘણાં લોકોએ હોટલને ઉડાવી દેવાનો વિરોધ કર્યો હતો. એ લોકો કોર્ટમાં પણ ગયાં હતાં પણ કાઉન્ટી કમિશને બધા વાંધાને ફગાવીને હોટલને ઉડાવવાની મંજૂરી આપતાં હોટલ બ્લાસ્ટ કરીને તોડી પડાશે. 

હોટલના સ્ટ્રક્ચરમાં ખામી હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે પણ હોટલ તોડવાની પ્રક્રિયામાં ઘાટ કરતાં ઘડામણ જેવો ઘાટ થયો છે. મેકોન-બિબ કાઉન્ટીએ ૨૦૨૩માં આ હોટલ ૪૫ લાખ ડોલરમાં ખરીદી હતી. હવે આ હોટલ તોડવાનો ખર્ચ ૨૬ લાખ ડોલર થવાનો છે તેથી કાઉન્ટીનું કુલ રોકાણ ૭૧ કરોડ થઈ ગયું છે. આ રોકાણ પાછું મેળવવા કાઉન્ટીએ જબરદસ્ત પ્રોજેક્ટ બનાવવો પડશે. 

૫ ડોલરની મિસપ્રિન્ટ નોટની કિંમત ૩.૩૦ કરોડ 

અમેરિકાના ટોમી નામના યુવકને તેનાં દાદી પાસેથી ૫ ડોલરની નોટ વારસામાં મળી ત્યારે તેને ખબર નહોતી કે, આ નોટ ખજાનો સાબિત થશે. આ નોટ અમેરિકાના ઈતિહાસમાં અનોખી છે કેમ કે તેમાં પ્રિન્ટિંગની ભૂલ છે. અમેરિકા ફાંકો મારે છે કે, પોતાના ચલણમાં કોઈ ભૂલ થતી નથી પણ આ ૫ ડોલરની નોટ મિસપ્રિન્ટ થયેલી છે અને નીચેની તરફ ૫ બે વાર છપાયું છે. આ સિવાય બીજી પણ ઘણી પ્રિન્ટિંગની ભૂલો છે. 

ટોમીની ગર્લફ્રેન્ડ શેરલોટ કેરોલે આ નોટનો વીડિયો મૂક્યો પછી લોકો નોટ ખરીદવા માટે ૪ લાખ ડોલર એટલે કે લગભગ ૩.૩૦ કરોડ રૂપિયા સુધીની ઓફર કરી ચૂક્યાં છે. જો કે ટોમી અને શેરલોટ આ નોટ સાથે દાદીની યાદો જોડાયેલી હોવાથી વેચવા તૈયાર નથી. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યાં છે કે, બંને ભાવ વધારવા ડ્રામા કરી રહ્યાં છે.


Google NewsGoogle News